Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લતા મંગેશકરને હિરોઇનનો રોલ રાજ કપૂરે પોતાની કઈ ફિલ્મમાં આૅફર કર્યો હતો?

લતા મંગેશકરને હિરોઇનનો રોલ રાજ કપૂરે પોતાની કઈ ફિલ્મમાં આૅફર કર્યો હતો?

08 October, 2022 03:43 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

આપણે વાત કરીએ છીએ ‘સત્યમ શિવમ સુંદરમ’ની

ફાઇલ તસવીર

વો જબ યાદ આએ - રાજ કપૂર સ્પેશ્યલ

ફાઇલ તસવીર


‘You have to learn the rules of the game and then you have to play better than others.’
- Albert Einstein 

ખેલમાં સફળ થવા માટે કેવળ નિયમો જાણવા એ પૂરતું નથી. તમારા હરીફો કરતાં સારી રીતે રમતાં પણ આવડવું જોઈએ. જ્યારે તમારા અસ્તિત્વ સામે જોખમ ઊભું થાય ત્યારે મજબૂરીથી જીવનની બાજીને નવી રીતે, નવા નિયમો સાથે રમવી પડે છે. એક સમય હતો જ્યારે રાજ કપૂર દિલથી ફિલ્મો બનાવતા, પરંતુ ‘મેરા નામ જોકર’ની કારમી નિષ્ફળતાએ રાજ કપૂરને ‘બૉબી’ જેવી કમર્શિયલ ફિલ્મ બનાવવા મજબૂર કર્યા. એટલું જ નહીં, ત્યાર બાદની દરેક ફિલ્મોમાં રાજ કપૂરે અનેક સમાધાન કર્યાં. 



‘બૉબી’ની સફળતા રાજ કપૂર માટે એક ‘લાઇફલાઇન’ જેવી હતી. ઇન્ડસ્ટ્રીનો નિયમ છે. You are as good or as bad according to the success or failure of your last film.’ ‘મેરા નામ જોકર’ની નિષ્ફળતાને કારણે લોકો કહેવા લાગ્યા કે હવે ફિલ્મમેકર તરીકે રાજ કપૂરનાં વળતાં પાણી છે, પરંતુ બૉક્સ-ઑફિસ પર ‘બૉબી’ની કમાણીના આંકડાઓ જોઈને ફરી એક વાર રાજ કપૂરની ગણના ભલે મહાન નહીં, પરંતુ સફળ પ્રોડ્યુસર-ડિરેક્ટર તરીકે થવા લાગી. આ માહોલમાં રાજ કપૂરે આર. કે. ફિલ્મ્સની નવી ફિલ્મ ‘ધરમ કરમ’ની લગામ રણધીર કપૂરના હાથમાં સોંપી. એક વાત તે બરાબર સમજી ગયા હતા. આર. કે.નું બૅનર જીવતું રાખવા નવી પેઢીને તૈયાર કરવી જરૂરી છે. 


એ સિવાય બીજું એક મુખ્ય કારણ એ હતું કે તે પોતાનો ફાજલ સમય આર. કે. ફિલ્મ્સની એ પછીની ફિલ્મની તૈયારી માટે ફાળવવા માગતા હતા. એક કથાવસ્તુ તેમના મનમાં વર્ષોથી આકાર લઈ રહ્યું હતું. એ વિષય પર ફિલ્મ બનાવવી એ તેમનું સપનું હતું. તેમના હાથમાં એકથી વધુ સ્ક્રિપ્ટ તૈયાર હતી, પણ જે વિષય તેમના દિલથી સૌથી નજીક હતો એના પરથી ફિલ્મ બનાવવાનું તેમણે નક્કી કર્યું. આ ફિલ્મની રાજ કપૂરે એમ કહીને જાહેરાત કરી હતી કે ‘This is my most dangerous film.’ 

આપણે વાત કરીએ છીએ ‘સત્યમ શિવમ સુંદરમ’ની. રાજ કપૂરના ‘સબકૉન્શિયસ માઇન્ડ’માં હંમેશાં બે વિષય સતત ઘૂમરાયા કરતા. શરીર અને આત્મા, સુંદરતા અને કુરૂપતા. ફિલ્મ ‘આગ’માં તેમણે સુંદરતા અને કુરૂપતાના વિષયને થોડે ઘણે અંશે આવરી લીધો હતો. નવી ફિલ્મમાં કર્ણપ્રિય સંગીત ઉમેરીને આ બંને વિષયનો સમન્વય કરીને કલાત્મક રીતે રજૂઆત કરવાનો તેમનો ઇરાદો હતો. 


હકીકતમાં તો ‘બરસાત’ પછી તેમના મનમાં આ ફિલ્મ બનાવવાનો વિચાર હતો. એ સમયે લતા મંગેશકરની ગાયકીથી રાજ કપૂર ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ તરફ રાજ કપૂરની સંગીતની દિલચસ્પી અને ઊંડી જાણકારીને કારણે લતાજી પણ તેમનો ખૂબ આદર કરતાં. બંને વચ્ચે લાંબો સમય ગીત-સંગીતની વાતો થતી. રાજ કપૂરના મનમાં અનેક ધૂન ગુંજતી રહેતી. એ ધૂનનો કોઈ પણ ફિલ્મમાં કેવી રીતે, કયા દૃશ્યોમાં યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય એની બંને ચર્ચા કરતાં. 

આવી જ એક બેઠકમાં રાજ કપૂરે લતાજીને કહ્યું કે મારા મનમાં એક એવો વિષય છે, જેમાં અદ્ભુત સ્વર ધરાવતી એક કુરૂપ યુવતી, દુનિયાની સ્વીકૃતિ મેળવવા માટે કેટલી બેચેન છે; તેની વાત છે. હું આ કથાવસ્તુ પર એક ફિલ્મ બનાવવા માગું છું; પણ એ શક્ય ત્યારે જ બને કે તમે આ ફિલ્મમાં હિરોઇનનો રોલ કરો. લતાજી આવી અણધારી માગણીથી આશ્ચર્યમાં પડી ગયાં. તેમણે કહ્યું કે આ શક્ય નથી અને એ વાત ત્યાં જ પૂરી થઈ. 

૧૯૫૦ની આસપાસની આ વાત હતી. ૨૫ વર્ષ બાદ દર્શકો આવા વિષયની ફિલ્મને કેવો રિસ્પૉન્સ આપશે એ મોટો સવાલ હતો. એ દિવસોમાં ફૅમિલી ડ્રામા અને પ્રેમકહાણીની ફિલ્મો નહીં, પરંતુ ઍક્શન ફિલ્મો લોકપ્રિય હતી. એમ છતાં રાજ કપૂરે ‘સત્યમ શિવમ સુંદરમ’ની જાહેરાત કરી. સ્વાભાવિક છે કે તરત જ ફિલ્મની હિરોઇનના નામની ચર્ચા શરૂ થઈ. ‘બૉબી’ માટે રાજ કપૂરને એક નવી હિરોઇન જોઈતી હતી, પરંતુ આ ફિલ્મ માટે તેમને જાણીતી લોકપ્રિય અભિનેત્રીની તલાશ હતી. લાગતાવળગતા સૌએ અનેક નામની ભલામણ કરી. પરવીન બાબી, રેખા, શબાના આઝમી ઉપરાંત મલ્લિકા સારાભાઈનું નામ પણ ચર્ચામાં આવ્યું. અનેક હિરોઇનનાં નામ પર વિચાર થયા અને અંતે એ દરેક નામો પર ચોકડી મારવામાં આવી. 

પરવીન બાબી એ દિવસોમાં કબીર બેદી સાથે રિલેશનશિપમાં હતી. શરાબની સાથે ડ્રગ્સની શોખીન પરવીન પ્રોડ્યુસરને તકલીફ આપતી એ કિસ્સાઓ રાજ કપૂરથી અજાણ્યા નહોતા. જે વ્યક્તિ પોતાના કામ કરતાં બીજી વાતોને મહત્ત્વ આપતી હોય તેને માટે રાજ કપૂરને સખત અણગમો હતો. રેખા ‘ધરમ કરમ’માં રણધીર કપૂરની હિરોઇન હતી, પરંતુ ફિલ્મ માટે જે કમનીય કાયા અને ગ્રામીણ ખૂબસૂરતીની રાજ કપૂરની વ્યાખ્યા હતી, એ તેમાં ફિટ નહોતી બેસતી. એ સિવાય શૂટિંગ કરતાં-કરતાં અચાનક તે ગાયબ થઈ જતી. રાજ કપૂરને આવું ‘અનપ્રોફેશનલ બિહેવિયર’ કદાપિ મંજૂર નહોતું. 

રાજ કપૂરના મનમાં હેમા માલિનીનું નામ આવ્યું. રાજ કપૂરને ચોક્કસ ખાતરી હતી કે તેમની પ્રપોઝલ સાંભળીને હેમા માલિની જરૂર હા પાડશે, કારણ કે એક રીતે રાજ કપૂરે ‘ડ્રીમ ગર્લ’ તરીકે તેને ફિલ્મોમાં એસ્ટાબ્લિશ કરવામાં મોટો ભાગ ભજવ્યો હતો. બન્યું એવું કે બી. અનંતસ્વામીની ફિલ્મ ‘સપનોંકા સૌદાગર’માં રાજ કપૂર સાથે વૈજયંતીમાલા કામ કરવાની હતી, પરંતુ ‘સંગમ’ની રજૂઆત બાદ બંનેના સંબંધ પૂરા થયા એટલે રાજ કપૂરે નવી હિરોઇન માટે હેમા માલિની પર મહોર મારી. તેમનો આશય હતો કે સાઉથ ઇન્ડિયન હેમા, જે નૃત્યમાં પ્રવીણ હતી, તેની જોરદાર પબ્લિસિટી કરીને દુનિયાને દેખાડી દેવું હતું કે તે વૈજયંતીમાલા કરતાં પણ વધુ ટૅલન્ટેડ છે.

ફિલ્મની રીલીઝ પહેલાં જ પ્રેસ કૉન્ફરન્સ અને નૃત્યના અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એમાં રાજ કપૂર આગળ પડતો ભાગ લઈને હેમા માલિનીનો પ્રચાર કરતા. તેમનું લક્ષ્ય એક જ હતું કે વૈજયંતીમાલાને માત કરી દે એવી એક નવી અભિનેત્રીનું આગમન થવાનું છે; એનો ઢંઢોરો પીટીને દુનિયાને જાણ કરવી. એમાં રાજ કપૂર સફળ થયા. એ અલગ વાત છે કે ૧૯૭૦માં ‘ગંવાર’ની રિલીઝ બાદ વૈજયંતીમાલાએ ક્ષેત્રસંન્યાસ લઈને કેવળ નૃત્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 

જ્યારે હેમા માલિની અને તેની મમ્મીને ખબર પડી કે ‘સત્યમ શિવમ સુંદરમ’માં શરૂઆતથી અંત સુધી હિરોઇન રૂપાએ સ્લીવલેસ બ્લાઉઝ પહેરીને અંગપ્રદર્શન કરવાનું છે ત્યારે તેમણે ઘસીને ના પાડી. રૂઢિચુસ્ત સાઉથ ઇન્ડિયન ફૅમિલીમાંથી ફિલ્મોમાં આવેલી હેમાને રાજ કપૂરે ખૂબ સમજાવીને કહ્યું કે દેશભરમાં આદિવાસી સ્ત્રીઓ આવાં જ કપડાંમાં ફરતી હોય છે. અમુક તો કેવળ સાડીઓમાં હોય છે. આ સઘળું સહજ છે. ફિલ્મમાં અસલિયત દેખાડવા માટે આ કરવું પડે; એમાં કોઈ અશ્લીલતા નથી. એ છતાં રાજ કપૂરની દલીલોની મા-દીકરી પર કોઈ અસર ના પડી.

‘સપનોંકા સૌદાગર’ની સફળતા બાદ હેમા માલિનીની કારકિર્દી સફળતાપૂર્વક ચાલી. ‘મેરા નામ જોકર’ માટે રાજ કપૂરે હેમા માલિનીને એક રોલ ઓફર કર્યો હતો ત્યારે તેની મમ્મીએ ‘અમારી પાસે કોઈ ડેટ્સ નથી’ એમ કહીને ના પાડી હતી. બીજી વાર તેમનો ઇનકાર સાંભળીને રાજ કપૂર એટલા ગિન્નાયા કે ત્યાર બાદ જાહેર કાર્યક્રમોમાં તેમણે હેમા માલિનીની ઉપેક્ષા કરવાનું શરૂ કર્યું.

‘સત્યમ શિવમ સુંદરમ’ માટે હિરોઇન મળતી નહોતી. ફિલ્મના હીરો તરીકે કયા અભિનેતાને પસંદ કરવાનો છે એ વાતનો ફોડ રાજ કપૂર કોઈની સામે પાડતા નહોતા. એ દરમ્યાન તેમના મનમાં એક વિચાર આવ્યો. જો એ અમલમાં મૂકી શકાય તો હીરો અને હિરોઇન, બંનેની પસંદગીનો સવાલ ઉકેલાઈ જાય એમ હતું. એટલું જ નહીં, એ સમાચાર સાંભળીને પૂરી ઇન્ડસ્ટ્રીમાં સનસનાટી ફેલાઈ જાય અને ફિલ્મની સફળતાનો રાજમાર્ગ ખૂલી જાય.

જ્યારે રાજ કપૂરે સ્વજનો સાથે આ વાત કરી ત્યારે તેમના મનમાં હતું કે એ સાંભળી સૌ તેમની દૂરંદેશી માટે શાબાશી આપશે. બન્યું એથી વિપરીત. એ વાતનો દરેક સભ્યો દ્વારા સખત વિરોધ થયો. એટલું જ નહીં, જો એ વિચાર રાજ કપૂર અમલમાં મૂકે તો ઋષિ કપૂરે ધમકી આપી કે તે ઘર છોડી દેશે.

રાજ કપૂરના મનમાં એવો તે કયો વિચાર આવ્યો હશે એ વાત આવતા શનિવારે. 

Whatsapp-channel Whatsapp-channel

08 October, 2022 03:43 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK