લાખો કમાતાં સંતાનો પણ માતા-પિતાને પૈસા આપતી વખતે ગણતરી કરતાં હોય છે. એટલે ભૂલો ભલે બીજું બધું, પત્નીને ભૂલતા નહીં. એ જ રીતે સંપત્તિ ધરાવતી પત્નીએ પતિના પક્ષમાં જ વિલ બનાવવું
પ્રતીકાત્મક તસવીર
સંવેદના બુઠ્ઠી થઈ ગઈ. બે જ મિનિટમાં થયેલા ગોઝારા પ્લેન-ક્રૅશને જોયા પછી આપણે મૃત્યુની તૈયારી કરી લેવી જોઈએ એવું નથી લાગતું? હું આધ્યાત્મિક નહીં પણ ભૌતિક તૈયારીની વાત કરી રહ્યો છું.
બે મુખ્ય બાબત છે : વિલ અને નૉમિનેશન. ધારો કે વિજયભાઈ રૂપાણીએ વિલ ન બનાવ્યું હોય તો? કે ક્રૂ-મેમ્બરોનાં સૅલેરી અકાઉન્ટ જૉઇન્ટ નામે ન હોય તો? અને નૉમિનેશન પણ ન નોંધાવ્યું હોય તો? કુટુંબીજનોને છતે પૈસે કેટલી તકલીફ પડશે? આપણામાં કહે છે કે ‘લખેલું વંચાય.’ તમે હજી સુધી વિલ ન બનાવ્યું હોય તો આજે જ બનાવી લો. એક સાદા કાગળ પર વિગત લખી શકાય છે. એક કે બે સાક્ષીની સહી લઈ તારીખ સાથે તમારી સહી કરો. રજિસ્ટ્રેશન આવશ્યક નથી પણ સંપત્તિના વ્યાપ પ્રમાણે હિતાવહ છે. તમે તમારું વિલ ગમે ત્યારે બદલી શકો છો. છેલ્લું વિલ જ પ્રમાણભૂત ગણાશે. દરેક પતિએ પોતાની સંપૂર્ણ સ્થાવર-જંગમ મિલકતનું વિલ પત્નીના નામે જ કરવું. તમારી પ્રિય પત્ની તમારા ગયા પછી કોઈ પણ પ્રકારનું ઓશિયાળું જીવન જીવે એ ગમશે? આગળ તેનું વિલ એ બનાવશે, તમારે કોઈ સૂચના લખવી નહીં. લાખો કમાતાં સંતાનો પણ માતા-પિતાને પૈસા આપતી વખતે ગણતરી કરતાં હોય છે. એટલે ભૂલો ભલે બીજું બધું, પત્નીને ભૂલતા નહીં. એ જ રીતે સંપત્તિ ધરાવતી પત્નીએ પતિના પક્ષમાં જ વિલ બનાવવું.
ADVERTISEMENT
બીજી મહત્ત્વની બાબત એ તમારાં બૅન્ક-અકાઉન્ટ્સ, શૅર સર્ટિફિકેટ્સ, પ્રૉપર્ટી ડૉક્યુમેન્ટ્સ, ઇન્શ્યૉરન્સ, પ્રોવિડન્ટ ફન્ડ, પોસ્ટલ ડિપોઝિટ્સ, ફિક્સ્ડ ડિપોઝિટ્સ વગેરે-વગેરેમાં જૉઇન્ટ નામ રાખવું. જ્યાં શક્ય ન હોય ત્યાં પત્ની કે સંતાનોના નામે નૉમિનેશન ફૉર્મ ભરી દેવું. નૉમિની તમારી સંપત્તિના ઑટોમૅટિક માલિક બનતા નથી. તેથી જ્યાં-જ્યાં જરૂરી હોય ત્યાં-ત્યાં ઉચિત ફૉર્મ્સ ભરી, કાયદાકીય કાર્યવાહી માટેનો ખર્ચો કરીને પણ યોગ્ય દસ્તાવેજો બનાવી એ ક્યાં મૂક્યા છે એની જાણ ઘરના સૌને કરવી. પત્ની જો વર્કિંગ વુમન ન હોય તો ક્રેડિટ/ડેબિટ કાર્ડ વાપરતાં અને ATM/ઑનલાઇન ટ્રાન્ઝૅક્શન્સ કરતાં તેને શીખવવું જરૂરી છે.
ત્રીજી વાત આપે મિત્રો/સંબંધીને કે વેપારમાં લોન આપી/ લીધી હોય તો સ્ટૅમ્પ પેપર પર લખાણ કરી બન્ને પક્ષે કૉપી રાખવી. તેમ જ ઇમ્મૂવેબલ પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન ચોક્કસ કરાવી લેવું. આપણા કુટુંબ માટે આટલું તો કરીએને?
-યોગેશ શાહ

