ગુજરાતના માલધારીઓના પોશાકમાં વપરાતું આ કાપડ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત બની રહ્યું છે ત્યારે સિંધથી આવેલી ૫૦૦૦ વર્ષ જૂની હાથસાળ કળા જે કચ્છમાં રહીને છેલ્લાં ૫૦૦ વર્ષથી વિકાસ પામી રહી છે એના પર ગુજરાતીઓને તો ગર્વ હોવો ખપે. આવો આજે ડોકિયું કરીએ
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટને હાલમાં સાઉદી અરેબિયાના રિયાધમાં યોજાયેલા જૉય અવૉર્ડ ૨૦૨૪માં અવૉર્ડ મળ્યો ત્યારે આ જગ્યાએ જેટલાં તેની સ્પીચનાં વખાણ થયાં એનાથી પણ વધુ તેણે પહેરેલી અજરખ સાડીનાં વખાણ થયાં હતાં. બ્લૉક પ્રિન્ટિંગમાં ગુજરાતનું પોતીકું પ્રદાન કહી શકાય એવું નામ એટલે અજરખ. આમ તો પાકિસ્તાનના સિંધ પ્રદેશથી ભારતના કચ્છ અને રાજસ્થાન વિસ્તારમાં આવીને વસેલા ખત્રીઓ દ્વારા નિર્મિત આ હાથસાળની કળા આજે લોકલ માર્કેટથી ગ્લોબલ માર્કેટ સુધી પહોંચી છે. જે પહેલાં ગુજરાતના માલધારીઓનો પોશાક ગણાતો એ કપડું હવે મોટા-મોટા ડિઝાઇનરોની પસંદ બની રહ્યું છે. એની ચારે તરફ વાહ-વાહ થઈ રહી છે ત્યારે જાણીએ આ ૫૦૦૦ વર્ષ જૂની કળા વિશે. જાણીએ જેનું ભવિષ્ય ઘણું ઉજ્જ્વળ માનવામાં આવે છે એવા અજરખની ગઈ કાલ અને આજ.
ઇતિહાસ
કચ્છના અજરખને વિશ્વસ્તરે નામના અપાવવામાં જેમનો મુખ્ય ફાળો કહી શકાય એવા ૧૯૯૨માં નૅશનલ મેરિટ સર્ટિફિકેટ મેળવનાર અને ૨૦૦૩માં ડી મૉન્ટફોર્ટ યુનિવર્સિટી, યુકે ખાતે ઑનરરી ડૉક્ટરેટની ડિગ્રી મેળવનાર, પરંપરાગત નવમી પેઢી બનીને કચ્છમાં અજરખના વારસાને જાળવી રાખનાર ડૉ. ઇસ્માઇલ મોહમ્મદ ખત્રી અજરખના રસપ્રદ ઇતિહાસ વિશે વાત કરતાં કહે છે, ‘અજરખ આર્ટ ફૉર્મ ૪૫૦૦થી ૫૦૦૦ વર્ષ જૂનું છે. ઇજિપ્તના પિરામિડમાં મમી પર ઢાંકવા માટે વપરાતા કાપડ પર પણ અજરખ પ્રિન્ટના અવશેષ જોવા મળી આવ્યા છે. આ પુરાવાઓ મૅન્ચેસ્ટર અને વૉશિંગ્ટન ડીસીનાં મ્યુઝિયમોમાં સાચવેલા છે. સિંધમાં આ કળા વિકસી. સિંધ પ્રદેશ હાલ પાકિસ્તાનમાં છે. ૪૫૦થી ૫૦૦ વર્ષ પહેલાં કચ્છના રાજા રાવ ભારમલજી બીજાએ સિંધથી ખત્રી લોકોને કચ્છ આવવાનું આમંત્રણ આપ્યું. તેમને કહ્યું કે તમે અહીં આવીને વસો. એટલે એટલાં વર્ષો પૂર્વે ખત્રી સમુદાય કચ્છ આવીને વસ્યો અને અહીંનો જ થઈને રહી ગયો. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે પણ કેટલાક લોકો પાકિસ્તાન ગયા અને કેટલાક અહીં આવ્યા. આજે પણ પાકિસ્તાનમાં અજરખ બનાવનારા લોકો છે એ અમારા જ સમુદાયના છે. ઇતિહાસ તપાસીએ તો તેઓ અમારાં જ સગાં નીકળે, પરંતુ વર્ષોથી આવરો-જાવરો બંધ છે એટલે અમે કોઈને ઓળખતા નથી.’
ADVERTISEMENT

મોહેંજો દારોમાંથી મળેલાં શિલ્પ પરથી સમજી શકાય છે કે અજરખ કેટલું જૂનું છે.
લોકલથી ગ્લોબલ
ખત્રી લોકો એટલે રંગારા - કપડાને રંગનારા. અજરખ એક અરેબિક શબ્દ છે જેનો અર્થ ઇન્ડિગો થાય. એટલે કે ગળી જેવો બ્લુ રંગ. આ સિવાય આ એક પ્રકારનું બ્લૉક પ્રિન્ટિંગ છે. એટલે આ જ રખ એમ અક્ષરો છૂટા પાડીએ તો પણ એનો મતલબ સરે કે વારંવાર બ્લૉક રાખવાની કળાની વાત છે. અજરખની સફર વિશે વાત કરતાં ડૉ. ઇસ્માઇલ ખત્રીના દીકરા જુનૈદ સુફિયાન કહે છે, ‘અજરખ પહેલાં અહીંના માલધારી લોકો પહેરતા. માલધારી પુરુષોની લુંગી અને સ્ત્રીઓની ચૂંદડી અજરખની બનતી. તેમનાં લગ્નોમાં પાઘડી હંમેશાં અજરખની જ હોય. આ સિવાય ખત્રીઓ એક સમયે પટેલ, કણબી, આહીર, વણઝારા, સોઢા લોકો માટે અલગ-અલગ પોશાક બનાવવાનું કામ કરતા. ધીમે-ધીમે પારંપરિક વેશભૂષાઓ નષ્ટ થઈ અને ફૅશનનો વિકાસ થયો. વધુ પડતા વિદેશી કપડાંઓ લોકો પહેરવા લાગ્યા. હવે ફરી સારો સમય આવ્યો છે. લોકોને ભારતીય કળા-સંસ્કૃતિ તરફ માન થયું છે. લોકો પારંપરિક પ્રિન્ટ પહેરતા થયા છે. હૅન્ડલૂમ અને હૅન્ડપ્રિન્ટેડ વસ્તુઓની ગણના પણ વધી છે. સામાન્ય લોકોથી માંડીને આજે અજરખ મોટા ફૅશન-ડિઝાઇનરની પસંદ બની રહ્યું છે જે ઘણી મોટી વાત છે. ઘણા પ્રખ્યાત લોકો અજરખ પહેરતા થયા છે જેને કારણે અજરખ વિશ્વસ્તરે પહોંચ્યું છે.’
આ ત્રણ જુદા-જુદા બ્લૉક છે જેના વડે એક ડિઝાઇન બને છે. આ ખાંચાઓ એ રીતે તૈયાર થયા છે કે એકસાથે ત્રણ રંગોને ડિઝાઇનમાં સમાવી શકાય.
વિકાસમાં મદદ
ગુજરાત સરકારે અજરખ કળાને વિકસાવવા માટે ઘણા નિ:સ્વાર્થ પ્રયાસ કર્યા છે એમ જણાવતાં જુનૈદ ખત્રી કહે છે, ‘અમે કારીગરો કામ કરી શકીએ એટલે સરકાર અમને ઘણું પ્રોત્સાહન આપે છે. પાણી પૂરું પડે છે. જે પાણી અમે વાપરીએ છીએ એને જ રીસાઇકલ કરીને ફરીથી વાપરી શકાય એવા પ્લાન્ટ્સ સરકાર તરફથી નાખવામાં આવ્યા છે. આ સિવાય એનઆઇડી - નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનના ઘણા ડિઝાઇનરોએ અમારા દેશી આર્ટ ફૉર્મને વિકસાવવામાં અમારી ઘણી મદદ કરી. અમારે ત્યાં સોમૈયા કળા વિદ્યાલય છે જ્યાં આજની પેઢીના ઘણા લોકો એક વર્ષનો એક કોર્સ કરી રહ્યા છે. એમાં અમે અમારી કળાને કઈ રીતે લોકો સુધી પહોંચાડી શકીએ, કઈ રીતે એમાંથી કમાઈ શકીએ, એની કદર ખુદ કરી શકીએ અને બીજાને પણ કરાવી શકીએ એ બધું શીખવવામાં આવે છે. હકીકતમાં જોવા જઈએ તો અમે ફક્ત કળા જાણીએ છીએ. આવા કોર્સથી અમે એ કળાને લોકો સુધી પહોંચાડી શકીએ છીએ. મેં પણ આ કોર્સ કર્યો છે. અહીંના ઘણા યુવાનો આ કોર્સ કરીને અજરખને આગળ વધારવા તત્પર છે.’

કઈ રીતે શરૂ થયા કુદરતી રંગો?
અજરખ કારણ કે ઘણું જૂનું છે પહેલાં જેમણે આ કળા વિકસાવી હતી એ લોકો તો કુદરતી રંગો જ કરતા હશે એ સમજી શકાય. જોકે એ કુદરતી રંગો સમય જતાં કેમિકલ રંગોમાં બદલાયા, કારણ કે કાપડ માર્કેટ એ રીતે જ વિકસતું જતું હતું. એ વિશે વાત કરતાં ડૉ. ઇસ્માઇલ ખત્રી કહે છે, ‘કુદરતી રંગો જલદી ઊડી જાય, જ્યારે કેમિકલવાળા રંગો ખૂબ ટકતા હતા એટલે એમનું મહત્ત્વ વધ્યું. એટલે કાપડ પર આ જ રંગો વપરાવા લાગ્યા. દુનિયામાં જે વપરાતું હતું એ જ અજરખ કારીગરોએ અપનાવ્યું હતું. એટલે અમે પણ એ કરતા
હતા. જોકે એક દિવસ મારા બાપદાદાને એમ થયું કે મને જે કુદરતી રંગોમાંથી પ્રિન્ટિંગ આવડે છે એ મારાં બાળકોને શીખવતો જાઉં. એટલે તેમણે એ બનાવીને બતાવ્યું. એ સમયે એનઆઇડીના ઘણા વિદ્યાર્થીઓ અજરખ વિશે જાણવા ગામમાં આવ્યા હતા. તેમને એ ખૂબ ગમ્યું. તેમણે તેમના પ્રોફેસરોને બોલાવ્યા. આ બધાએ મળીને અમને કહ્યું કે આ કુદરતી રંગોનું બ્લૉક પ્રિન્ટિંગ ખૂબ સારું. આખા જગતમાં એની ખૂબ વૅલ્યુ છે. આ વૅલ્યુ વિશે અમને ખબર નહોતી. તેમણે કહ્યું ત્યારે અમે સમજ્યા.
ધીમે-ધીમે કુદરતી રંગો પર જ ફરીથી કામ શરૂ થયું અને પછીથી અજરખ આખું કુદરતી રંગોથી જ બનવા લાગ્યું. જો તેમણે ન કહ્યું હોત તો અમને ખબર જ ન પડત.’

સાડીની પ્રિન્ટ અને ઇકબાલ ખત્રી
નવી પેઢીએ સાંભળ્યું છે કામ
બાપદાદાએ શીખવ્યું ન હોત અને સરકાર કે એનઆઇડી તરફથી મદદ ન મળી હોત તો અજરખ આજે એ ન હોત જે એ છે. જોકે એક વસ્તુ એ પણ વિચારવાની રહે કે ઘણાં આર્ટ ફૉર્મ મરી રહ્યાં છે એનું કારણ એ છે કે બાપદાદા કરતા હતા, પરંતુ નવી પેઢીને એ કરવું નથી. અજરખ આટલાં વર્ષો પછી પણ ટકી રહ્યું છે અને વધુ ને વધુ પ્રખ્યાત થઈ રહ્યું છે એનું કારણ એ છે કે આ આર્ટ ફૉર્મ જે ખત્રી સમુદાયની ધરોહર છે તેમની દરેક પેઢી આ કામ કરવા માટે ઉત્સુક કે તત્પર છે. એ વિશે વાત કરતાં મૂળ સિવિલ એન્જિનિયર હોવા છતાં બાપદાદાનું આ કામ સંભાળનાર ઇકબાલ ખત્રી કહે છે, ‘અમારી કમ્યુનિટીમાં ડૉક્ટર, એન્જિનિયર, પ્રોફેસર લેવલના લોકો પણ છે જેઓ આટલું ભણ્યા હોવા છતાં અજરખનું કામ કરે છે. એનું કારણ ફક્ત એ છે કે પ્રોફેશનલ કામમાં એટલો ગ્રોથ નથી જેટલો આ કામમાં છે. હું ખુદ સિવિલ એન્જિનિયર બનીને સાત વર્ષ મુંબઈમાં કમાવા માટે ગયેલો. આજે જો હું એ જ કામ કરતો હોત તો સર્વિસમાં એટલું ન કમાયો હોત જેટલું મારા બાપદાદાના આ કામમાં હું કમાયો છું. હું પણ એક સમયે આ કામ નહોતો કરવા માગતો, પરંતુ મારા પિતા અને ભાઈએ મને ઘણું કહ્યું. આજે હું તેમનો આભારી છું કે તેમણે મને સાચો રસ્તો બતાવ્યો. આ કામમાં પૈસા જ નથી, કામ કરવાનો સંતોષ પણ એટલો જ છે. ખુદનું કામ હોવાને લીધે આઝાદી પણ એટલી છે. પર્સનલ અને ફૅમિલી બંનેનો ગ્રોથ ઘણો સારો છે.’

વિકાસ
નવી પેઢી ભણેલી-ગણેલી હોય એનાથી પણ ઘણો ફરક પડે એ વિશે વાત કરતાં ઇકબાલ ખત્રી કહે છે, ‘કળા બાપદાદા પાસેથી શીખવાની હતી એ લગભગ દરેક બાળકે શીખી, પણ ભણ્યા પછી આ કળાને કઈ રીતે આગળ લઈ જવી એ કામ નવી પેઢીએ કર્યું છે. એક સીમિત હોલસેલરોને અમે માલ વેચતા ત્યાંથી આજે વિશ્વસ્તરે ઑનલાઇન ટ્રેડિંગ સુધી અમે પહોંચ્યા છીએ. કઈ રીતે લોકો સુધી પહોંચવું, કઈ રીતે કમાવું, કઈ રીતે લોકોને આ કળાની કદર કરતા કરવા વગેરે કામ નવી પેઢીએ કર્યું છે એટલે જ આ કળા આજે વૈશ્વિક સ્તરે પહોંચી છે. દરેક આર્ટ ફૉર્મમાં જો નવી પેઢી એની કદર કરે, એને અપનાવે તો ચોક્કસ આગળ વધી શકાય. આજે પણ એક પ્રકારની ડિઝાઇનની સાડી ગામમાં બને તો એ જ સાડી ૭૦૦૦ની વેચાય, ૩૫૦૦ની પણ વેચાય અને કૉમ્પિટિશનને કારણે એ જ સાડી ૧૬૦૦ની પણ વેચાય છે. જે લોકો ભણેલા છે એ બીજા લોકોને સમજાવે છે કે તમારી કળાની કદર તમે નહીં કરો તો બીજા લોકો કઈ રીતે કરશે. આ સમજ જરૂરી છે. આ જ રીતે કળા અને કલાકારો ટકશે અને એનો વિકાસ પણ થશે.’
કારીગરો પાસેથી કામ
ફૉર્મમાં એવું થતું હોય છે કે નવી પેઢીને જે તકલીફ હોય છે એ કામ કરવાની હોય છે. બાપદાદાએ જેટલી મહેનત કરી એટલી મહેનતનું કામ તેમને કરવું નથી હોતું. આ વાત સાથે સહમત થતાં ઇકબાલ ખત્રી કહે છે, ‘અમારે ત્યાં પણ આ પ્રૉબ્લેમ છે. નવી પેઢીના ઘણા લોકો કહે છે કે અમને કપડાં ખરાબ થાય એ ન ગમે, અમને આટલી શારીરિક મહેનત કરવી ન ગમે તો એનો પણ ઉપાય છે. આર્ટ અમને આવડે છે. આપણે કામ કારીગરો પાસે કરાવી શકીએ. જેમ કે આજે અમારી નીચે ૧૩-૧૪ કારીગર છે જેઓ દિવસના અને ૬-૭ રાત્રે કામ કરે છે. હું, મારા પપ્પા અને ભાઈ ત્રણ મળીને આમ પણ કેટલું કામ કરવાના હતા? એટલે કારીગર રાખી શકાય. આ કારીગરો જરૂરી નથી કે ખત્રી જ હોય, પણ બિઝનેસ મોટા ભાગે ખત્રીઓ જ કરે છે. આ કારીગરો પણ તેમની આવડત મુજબ મહિનાના ૩૦,૦૦૦થી ૩૫,૦૦૦ રૂપિયા કમાઈ લે છે. એક એન્જિનિયર બનીને હું બે દિવસમાં બે લાખ રૂપિયા ન કમાઈ શક્યો હોત જે આજે અજરખનો બિઝનેસ કરતાં-કરતાં કમાઈ શકું છું. સ્થિર આવક ભલે ન હોય, પણ રસ થોડો ડેવલપ કરીએ તો આ કામ ઘણું સારું છે.’
સ્ટ્રગલ ખૂબ છે
કુકમા ગામમાં રહેતા ૩૪ વર્ષના અશરફ કુંભાર પોતે ખત્રી નથી છતાં અજરખનું મૅન્યુફૅક્ચરિંગ છેલ્લાં ૬-૭ વર્ષથી કરે છે. પોતાની વાત કરતાં અશરફભાઈ કહે છે, ‘અમે લોકો કુંભાર, પણ મારા પપ્પા પણ માટલાં નહોતા બનાવતા. તે માટલાંનો ધંધો કરતા. તેમને હતું કે હું ભણું, પણ મને ભણવામાં રસ નહોતો એટલે હું સ્કૂલ મૂકીને અજરખનું કામ શીખવા લાગ્યો. કારીગર બનીને ખૂબ નાની ઉંમરથી આ કામ કરતો. કામ શીખ્યા પછી લાગ્યું કે હું પણ બિઝનેસ કરી શકું છું. ખત્રીઓ સિવાય કોઈ બીજી વ્યક્તિ અજરખનો બિઝનેસ કરે એ અહીં અઘરું છે, પણ મેં કોશિશ કરી. માણસ ઇચ્છે તો બધું જ શક્ય છે. મેં ખૂબ મહેનત કરી. મારા જેવા બીજા ઘણા છે જેઓ ખત્રી નથી પણ આ કામ કરવા માગે છે. તેઓ શરૂ કરે, પછી ટકી ન શકે એટલે છોડી દે. આ કામમાં મહેનત તો ઘણી છે. ધીરજ રાખવી પડે. મેં મારી પત્નીનાં ઘરેણાં વેચીને આ ધંધો શરૂ કર્યો હતો. આજે પાંચ-સાત વર્ષે હું કહી શકું કે મારું કામ જામી ગયું છે, હવે વાંધો નથી.’
ઇન્ડિગો નૅચરલ કે કેમિકલ?
અજરખ પ્રિન્ટિંગમાં માટી, લોખંડ, દાડમ, મેંદી, અમુક ફૂલ, મંજિષ્ઠા જેવાં કુદરતી તત્ત્વો વાપરીને જુદા-જુદા રંગો બનાવવાય છે. આજે એનું મહત્ત્વ વધ્યું છે એનું કારણ જ એ છે કે એ હાથની બનાવટ છે અને નૅચરલ ડાય એમાં વપરાય છે. બધા જ રંગો એટલે કે કાળો, સફેદ, લાલ, પીળો કે પિસ્તા જેવો લીલો એ બધા જ રંગો નૅચરલ હોય છે, સિવાય ઇન્ડિગો. બ્લુ ગળી જેવો રંગ જે અજરખ કાપડમાં ઘણો પ્રસિદ્ધ છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી છે જે ઇન્ડિગો નૅચરલ વાપરતી હોય. એ કેમિકલયુક્ત જ હોય છે, કારણ કે નૅચરલ ઇન્ડિગો મોંઘો પડે. કચ્છમાં લગભગ બધી જ જગ્યાએ જે રંગો બનાવવામાં આવે છે એમાં કેમિકલયુક્ત જ ઇન્ડિગો વાપરવામાં આવે છે. નૅચરલ ખાસ કોઈ વાપરતું નથી. કહેવાય નૅચરલ રંગો, કારણ કે બીજા રંગો જે એમાં હોય છે એ કુદરતી હોય છે, પણ ઇન્ડિગો કુદરતી નથી હોતો. એ વિશે સ્પષ્ટતા કરતાં ડૉ. ઇસ્માઇલ ખત્રી કહે છે, ‘નૅચરલ ઇન્ડિગો અને કેમિકલયુક્ત ઇન્ડિગો એ બંને સાવ સરખા દેખાય છે. એમાં ભેદ પાળવો ખૂબ જ અઘરો છે. અમે ઇચ્છીએ કે અમે નૅચરલ જ વાપરીએ તો પણ અમે જેની પાસેથી ઇન્ડિગો ખરીદીએ છીએ તે નૅચરલ આપે છે કે કેમિકલ એ ફક્ત ભરોસા પર નભેલું છે. આને વધુ સ્પષ્ટ કરવા અમે જમીન ખરીદી અને ઇન્ડિગોનું વાવેતર શરૂ કર્યું છે. નૅચરલ ઇન્ડિગો અમે જાતે ઉગાડીએ. એને વાપરીએ તો ખબર પડે કે શું ફરક છે. બાકી સમજાય એવું છે નહીં. એટલે અમે પૂરી કોશિશમાં છીએ કે લોકો સુધી એકદમ શુદ્ધ કુદરતી કાપડ જ પહોંચાડીએ.’
