Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આયા સમય બડા બેઢંગા, બના આદમી....નાચ રહા નર હોકર નંગા!

આયા સમય બડા બેઢંગા, બના આદમી....નાચ રહા નર હોકર નંગા!

07 December, 2022 03:43 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

આજે માણસ શરમ નામનું એ ઘરેણું ખોઈ બેઠો છે. બેશરમ બની ગયો છે, નાગો, ઉઘાડો થઈ ગયો છે. આને કારણે કવિ પ્રદીપજીએ લખવું પડ્યું હતું, ‘દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઇ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સાન.’ 

આયા સમય બડા બેઢંગા, બના આદમી આજ લફંગા કહીં પે દંગા, કહીં પે ઝઘડા, નાચ રહા નર હોકર નંગા!

માણસ એક રંગ અનેક

આયા સમય બડા બેઢંગા, બના આદમી આજ લફંગા કહીં પે દંગા, કહીં પે ઝઘડા, નાચ રહા નર હોકર નંગા!


આપણે મોંઘવારી બાબત સરઘસ કાઢીએ છીએ, પેટ્રોલના ભાવવધારા સામે ઝુંબેશ ઉઠાવીએ છીએ, રિક્ષા કે ટૅક્સીભાંડા વધે તો ગામ ગજાવીએ છીએ, કોઈ સદ્ગત નેતાના પૂતળા પર કોઈ માણસ કાદવ ફેંકી જાય તો દંગા કરીએ છીએ તો રોજબરોજ થતી હેવાનિયત વિશે કોઈ ઊહાપોહ-ઝુંબેશ કેમ નથી થતી? ઝુંબેશ એટલે મીણબત્તી લઈને સરઘસ કાઢવા જેવી નહીં. ઝુંબેશ આપણે આપણી જાત સામે કરવાની છે, આપણા આંતરમનને ઢંઢોળવા માટે કરવાની છે.

કહેવાય છે કે માણસ જ એક એવું પ્રાણી છે જે શરમાઈ શકે છે. શરમ માણસનું મહામૂલું ઘરેણું છે. માણસને ધરમ અને કરમમાં પ્રોત્સાહન આપવાનું કામ શરમ કરે છે. સંસારમાં સદાચાર જાળવવામાં શરમનો સિંહફાળો છે. 
આજે માણસ શરમ નામનું એ ઘરેણું ખોઈ બેઠો છે. બેશરમ બની ગયો છે, નાગો, ઉઘાડો થઈ ગયો છે. આને કારણે કવિ પ્રદીપજીએ લખવું પડ્યું હતું, ‘દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઇ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સાન.’ 
 રોજ સવારના છાપું ખોલતાં જે સમાચાર વાંચવા મળે છે એનાથી શરમ અનુભવાય છે. માણસજાત પર નફરત થઈ આવે છે. પોતાની જાત પર જ નફરત થઈ આવે એના જેવી વિડંબના બીજી કઈ હોઈ શકે? આપણે આપણી જાતને જ પ્રશ્ન પૂછતા થઈ ગયા છે કે શું માણસ આટલો ક્રૂર, નિર્દય, હવસખોર, હરામખોર થઈ શકે, હોઈ શકે? 
જે વ્યક્તિને તમે પ્રેમ કરવાનો દાવો કર્યો હોય, જેની સાથે શરીરસુખ માણ્યું હોય એ જ વ્યક્તિના કરવતથી ટુકડેટુકડા કરી ફ્રિજમાં રાખવાની-છુપાવવાની હિંમત કઈ રીતે થઈ શકે. નામ આફતાબ હોય (સૂર્ય ) અને ફ્રિજ ઠંડુંગાર!! આ બન્ને અસમાન ધ્રુવોની યુતિ કરનારા માણસો આ અધમ કૃત્ય કરતાં પહેલાં એનામાં રહેલા દયા-ધર્મ-શરમને ક્યાં છુપાવ્યાં હશે? આ કેવો હેવાન હશે? આપણે જેનો વિચાર માત્ર કરતાં ધ્રૂજી ઊઠીએ એવું કૃત્ય એ બિન્દાસ કઈ રીતે કરી શક્યો હશે? વર્ષો પહેલાં કરસનદાસ માણેકે આવું જ કંઈક જોઈને લખ્યું હશે કે ‘મને એ જ સમજાતું નથી કે આમ શાને થાય છે, ફૂલડાં બધાં ડૂબી જતાં ને પથ્થર તરી જાય છે.’ 
છેલ્લા ૨૦-૨૫ દિવસોમાં ઇન્સાનની હેવાનિયતના કિસ્સા અખબારોમાં વાંચી ધ્રૂજી જવાયું. દેશ અને દુનિયાના બીજા મહત્ત્વના સમાચારો ગૌણ લાગવા માંડ્યા. માણસ અને માણસાઈનું જ જ્યાં ઉઠમણું થઈ રહ્યું હોય ત્યાં બીજા સમાચાર સાંભળીને કરવું શું? શૅરબજારનો ઇન્ડેક્સ વધે કે જી.ડી.પી.નો ગ્રોથ ઘટે, યુક્રેન રશિયાને હંફાવે કે ચીનમાં જિનપિંગ શાસન ડામાડોળ થાય પણ જ્યાં સભ્ય સમાજના સંસ્કાર અને સંસ્કૃતિ જ વિલાતાં દેખાય તો બીજા સમાચારોનું મહત્ત્વ કેટલું? 
છેલ્લા ૨૦ દિવસના સમાચારોની લાઇનો જુઓ... 
૧. બૅન્ગલોરમાં એક વ્યક્તિએ પોતાની બે વર્ષની બાળકીને આલિંગન દઈ ગૂંગળાવીને મારી નાખી, આર્થિક કારણસર. 
૨. સગા દીકરાની મદદ લઈને એક સ્ત્રીએ પતિનું કાસળ કાઢી નાખ્યું. 
૩. એક પ્રેમિકાએ પ્રેમીનો ખાતમો બોલાવી દીધો (લેડી આફતાબ).
૪. જમીન-જાયદાદના ઝઘડામાં એક ભાઈએ બીજા ભાઈને સળગાવી દીધો. 
૫. પતિ સાથે ઝઘડો થયો એટલે પત્નીએ પોતાની બે નાની બાળકીની હત્યા કરી નાખી. 
૬. એક અધમ પિતાએ પોતાની જ કુમળી બાળકી પર બળાત્કાર કર્યો. 
૭. એક ભાઈએ બહેનના પ્રેમીને ખેતરમાં લઈ જઈ, દારૂ પીવડાવીને દાંતરડાથી વાઢી નાખ્યો. 
આવા અમાનવીય, કંપારી છૂટે એવા બનાવોની યાદી ખૂબ લાંબી છે, પરંતુ કેટલાક બનાવો તો એવા છે જે માની ન શકાય એવા અમાનવીય છે. 
૧. બદલાપુરમાં પચીસ વર્ષના એક યુવાનને તેના મિત્રોએ ઘરે બોલાવીને અકુદરતી ક્રિયા તો આચરી જ, પરંતુ તેના ખાનગી ભાગમાં વેલણ ભરાવી દીધું. આ તે કેવું રાક્ષસી કૃત્ય? આવા માનસિક રોગીઓનો ઇલાજ કરવો જોઈએ કે સજા? એક બીજા કિસ્સામાં પ્રેગ્નન્ટ બનેલી પ્રેમિકાને પ્રેમી ધક્કો મારીને ખીણમાં ગબડાવી દે છે, તો એક કિસ્સો એવો પણ છે કે ચાર-ચાર સંતાનોને છોડીને એક સ્ત્રી મુફલિસ પ્રેમી સાથે ભાગી જાય છે. એક સાધુમહારાજ, જી હા, સાધુમહારાજ રૂપિયાને ડબલ કરવાની લાલચમાં ફસાયા. કારણ અપાયું પરોપકારનું. 
સંસ્કાર અને સંસ્કૃતિના રખેવાળો માટે, ધર્મગુરુઓ માટે, સમાજશાસ્ત્રી અને માનસશાસ્ત્રીઓ માટે આ એક પડકારજનક પ્રશ્ન ઊભો થયો છે. પ્રગતિયુગથી માણસ પાષાણ યુગ તરફ અવળો કેમ જઈ રહ્યો છે. કયા કારણસર માણસ દયાહીન-ભાવહીન સંસ્કારહીન બની રહ્યો છે. 
આપણે મોંઘવારી બાબત સરઘસ કાઢીએ છીએ, પેટ્રોલના ભાવવધારા સામે ઝુંબેશ ઉઠાવીએ છીએ, ટ્રેન મોડી પડે તો વિરોધ દર્શાવીએ છીએ, રિક્ષા કે ટૅક્સીભાંડા વધે તો ગામ ગજાવીએ છીએ, કોઈ સદ્ગત નેતાના પૂતળા પર કોઈ માણસ કાદવ ફેંકી જાય તો દંગા કરીએ છીએ તો રોજબરોજ થતી હેવાનિયત વિશે કોઈ ઊહાપોહ-ઝુંબેશ કેમ નથી થતી? ઝુંબેશ એટલે મીણબત્તી લઈને સરઘસ કાઢવા જેવી નહીં. ઝુંબેશ આપણે આપણી જાત સામે કરવાની છે, આપણા આંતરમનને ઢંઢોળવા માટે કરવાની છે, બાકી તો ગુનો થાય છે, ગુનેગાર પકડાય છે, બે-ચાર દિવસ છાપામાં હેડિંગ બને છે, ટીવી-ચૅનલોને મસાલો મળે છે અને થોડા દિવસોમાં બધું ભુલાઈ જવાય છે.
કોઈ કેસ વર્ષો સુધી ચાલે છે અને ક્યારેક સજા પણ થાય ત્યારે ફરી પાછાં હાડપિંજરો જીવતાં થાય છે અને રાબેતા મુજબ ફરી પાછું બધું શાંત થઈ જાય છે. પાછા આપણે હતા ત્યાંના ત્યાં આવીને ઊભા રહીએ છીએ અને એક નવી દુર્ઘટના સામે આવીને ઊભી રહે છે.
કોઈ પણ અઘટિત બનાવ બને કે સરકાર તરફથી રાબેતા મુજબ એલાન થાય છે, કોઈને પણ બક્ષવામાં નહીં આવે, ગુનેગાર સામે સખતમાં સખત પગલાં લેવાશે ને આવો બનાવ ફરી નહીં બને એની તકેદારી રાખવામાં આવશે. ધર્મગુરુઓ કર્મનો સિદ્ધાંત આગળ ધરશે અને શ્રદ્ધાળુઓ કહેશે, ‘આ તો કલિયુગનો પ્રતાપ છે ભાઈ.’ 
આ કલિયુગ શું છે? આવતા સપ્તાહે.


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2022 03:43 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK