ગાંધીજીએ ઇરવિનની આંખમાં તાકીને કહ્યું, ‘આવી સલાહ હું ભગત સિંહને કેમ આપી શકું? તેને પોતાને જો પસ્તાવો થતો હોય તો તે પોતે જ નિર્ણય લઈ શકવા સ્વતંત્ર છે.’ ઇરવિને આગ્રહ કર્યો કે ‘તમે વાત તો તેના કાને નાખો.’
શહીદ ભગત સિંહ
આજે તારીખ ૨૯ માર્ચ. ૬ દિવસ પહેલાં ૨૩ માર્ચ ગઈ. ૨૩ના આંકડા સિવાય કોઈને કંઈ બીજું યાદ આવ્યું? ૧૫મી ઑગસ્ટ, ૨૬મી જાન્યુઆરી, બીજી ઑક્ટોબર, ૩૦મી જાન્યુઆરી વગેરે તારીખોનો મહિમા લગભગ દરેક દેશવાસીઓ જાણતા હશે. દર વર્ષે આ દિવસે દેશભરનાં અખબારો, રેડિયો-ટીવી, મૅગેઝિન, મીડિયાનાં દરેક માધ્યમ જે-તે તારીખના મહિમાને હોંશે-હોંશે બિરદાવતાં હોય છે અને એમાં કશું ખોટું પણ નથી. ખોટું એ છે કે આપણે ૨૩મી માર્ચના મહિમાને ભૂલી ગયા છીએ. શું છે એનો મહિમા?
કહેવાય છે કે આઝાદી માટેના ક્રાન્તિવીરોની કુલ સંખ્યા ૬,૩૨,૦૦૦ની છે અને એમાં પણ શહીદે આઝમ તરીકે જેની ગણના થાય છે એ નામ ભગત સિંહનું છે. ૨૩મી માર્ચે ભગત સિંહને ફાંસી થઈ અને ‘શહીદ’ તરીકે તેનો જન્મ થયો. તારીખ ૨૩મી માર્ચનો મહિમા બીજી રીતે પણ ઘણો મહત્ત્વનો છે. ભગત સિંહની ફાંસીનો દિવસ ૨૪મી માર્ચ (૧૯૩૧)નો મુકરર થયો હતો, પણ અંગ્રેજ હકૂમતે એકાએક સમય બદલ્યો, બદલવો પડ્યો. કોઈની જાણ વગર, ગુપચુપ ૨૩મી માર્ચે રાતે ૭.૩૦ વાગ્યાની આસપાસ ચૂપચાપ ફાંસીને માંચડે લટકાવી દેવાનું કુકર્મ આચરી દીધું. શું કામ?
ADVERTISEMENT
દુનિયાભરમાં સેંકડો વર્ષથી એક નિયમ-પ્રથા ચાલતી આવી છે કે ફાંસીની સજાનો અમલ હંમેશાં વહેલી સવારે જ થાય. તો એવી કઈ મજબૂરી હતી કે વર્ષોથી ચાલતા આવતા આ નિયમની ઐસીતૈસી કરવી પડી?
વાત એમ હતી કે અંગ્રેજોએ ભારતમાં એક ખાનગી જાસૂસી સંસ્થા લોકલ ઇન્ટેલિજન્સ યુનિટ (એલઆઇયુ)ની સ્થાપના દેશની રૂખ જાણવા માટે કરી હતી. એનો રિપોર્ટ લંડન ગયો કે ભગત સિંહની ફાંસીની સજાએ દેશભરમાં હાહાકાર મચી ગયો છે. લોકોનો આક્રોશ આસમાને ગયો છે, દેશભરમાં ભારેલો અગ્નિ છે, કોઈ પણ ઘડીએ ગમે તે થઈ શકે એમ છે, દેશમાં એકસાથે જો બળવો થશે તો એને ડામવો આપણા માટે મુશ્કેલ થશે. તમે સાવધાન થઈ જાઓ.
આ રિપોર્ટે અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી. તાત્કાલિક લંડનમાં સંસદની બેઠક બોલાવવામાં આવી. અંગ્રેજો હેબતાઈ ગયા હતા, ડરી ગયા હતા. સંસદમાં ઉગ્ર ચર્ચા થઈ. કેટલાક સંસદસભ્યોએ એવો મત રજૂ કર્યો કે ફાંસીની સજા રદ કરો, ભગત સિંહની લોકપ્રિયતા એટલી ચરમસીમાએ પહોંચી ગઈ છે કે આપણે તેમનો સામનો નહીં કરી શકીએ. ફાંસી પછી તેનું કુટુંબ તેના શબની માગણી કરશે, સરઘસ નીકળશે, ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ના નારાઓથી ચારે દિશા ગુંજવા માંડશે અને આપણે પારોઠનાં પગલાં ભરવાં પડશે.
એ જ અરસામાં ગાંધીજીને લંડન જવાનું થયું. એ સમયે લૉર્ડ ઇરવિન સર્વેસર્વા હતા. બન્નેની મુલાકાતમાં ડરી ગયેલા ઇરવિને બાપુને સીધેસીધું કહ્યું, ‘તમે ઇચ્છો તો ભગત સિંહની ફાંસીની સજા માફ કરી શકાય.’ બાપુ ક્ષણભરમાં ઇરવિનનો ઇરાદો પામી ગયા. તરત જ જવાબ આપ્યો ‘વિના શરતે?’ ઇરવિને કહ્યું, ‘ના, શરત એટલી જ કે ભગત સિંહ લખીને આપે કે મારાથી આ કૃત્ય આવેશમાં થઈ ગયું છે. મારી ભૂલ હું કબૂલ કરું છું અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય એની ખાતરી આપું છું. આવી સલાહ તમે ભગત સિંહને આપો.’
આ પણ વાંચો: હું તો નગરનો ઢોલ છું, દાંડી પીટો મને ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી
ગાંધીજીએ ઇરવિનની આંખમાં તાંકીને કહ્યું, ‘આવી સલાહ હું ભગત સિંહને કેમ આપી શકું? તેને પોતાને જો પસ્તાવો થતો હોય તો તે પોતે જ નિર્ણય લઈ શકવા સ્વતંત્ર છે.’ ઇરવિને આગ્રહ કર્યો કે ‘તમે વાત તો તેના કાને નાખો.’
બહુ વિચાર્યા પછી બાપુએ તેમના ખાસ મિત્ર તેજબહાદુર સપ્રુને આ બાબત ટેલિગ્રામ કર્યો અને લાહોરની જેલમાં ભગત સિંહને મળવાનું સૂચન કર્યું. તેજબહાદુર સપ્રુ અલાહાબાદના મશહૂર વકીલ હતા, ગાંધીજીના અનુયાયી હતા, દેશની પરિસ્થિતિથી પૂરેપૂરા વાકેફ હતા. તેઓ લાહોરની જેલમાં ભગત સિંહને મળ્યા, ગાંધીજી સાથે લૉર્ડ ઇરવિનની થયેલી મુલાકાત દરમ્યાન ઇરવિને મૂકેલા પ્રસ્તાવની વિગતવાર વાત કરી.
ભગત સિંહ સ્થિતપ્રજ્ઞ બની શાંતિથી વાત સાંભળ્યા પછી બોલ્યા, ‘મેં કોઈ ગુનો કર્યો જ નથી તો માફી માગવાનો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે?’ સપ્રુજીએ એ વખતે તો બહુ દલીલ ન કરી અને ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા, પણ મનોમન તેઓ ઇચ્છતા હતા કે ભગત સિંહ બચી જાય. એટલે ત્યાર બાદ બે વાર ફરીથી તેઓ ભગત સિંહને સમજાવવા ગયા. કહ્યું, ‘તમારું જીવવું બહુ જરૂરી છે. તમે જો બચી જશો તો દેશને બહુ ફાયદો થશે. હજારો ક્રાન્તિકારોને તમે માર્ગદર્શન આપી શકશો.’ જવાબમાં ભગત સિંહે કહ્યું, ‘હું એવું નથી માનતો. ક્રાન્તિવીરોને માર્ગદર્શનની નહીં, બલિદાનની તકની જરૂર હોય છે. મારા માફીપત્રથી ક્રાન્તિવીરોમાં ખોટો સંદેશો જશે. હું કાયરમાં ખપીશ, મારી હાંસી થશે. હું હરગિજ માફી નહીં માગું, બાપુ અને લૉર્ડને મારો આ સંદેશો જેમ બને એમ વહેલો પહોંચાડી દેજો.’
તેજબહાદુર સપ્રુએ બાપુને ભગત સિંહનો આ જવાબ પહોંચાડી દીધો. ગાંધીજીએ લંડનમાં આઝાદી માટે ચળવળ કરી રહેલા ક્રાન્તિકારોની એક સભા ‘ઇન્ડિયા હાઉસ’માં બોલાવી. આ ઇન્ડિયા હાઉસ લંડનમાં એક ક્રાન્તિકારીનું જ હતું, જેનું નામ હતું શ્યામજી કૃષ્ણ વર્મા. અહીં દરેક ક્રાન્તિકારોને આશરો મળતો, રહેવા-ખાવા-પીવાની સગવડ મળતી, ખાનગી સભાઓ પણ અહીં ભરાતી.
શ્યામજી કૃષ્ણ વર્માની હાજરી સાથે અસંખ્ય ક્રાન્તિકારીઓ આ સભામાં આવ્યા. બાપુએ લૉર્ડ ઇરવિન સાથે થયેલી બધી વાતો સહિત ભગત સિંહના પ્રતિસાદની પણ વાત કરી, એટલું જ નહીં, તેજબહાદુર સપ્રુએ ભગત સિંહને સમજાવવા જે મહેનત કરી હતી એની અને ખાસ કરીને ભગત સિંહના પ્રતિસાદ પછી તેજબહાદુરે બાપુને મોકલાવેલા સંદેશા પર સભાને વિચારવા કહ્યું.
શું હતો એ સંદેશો? આવતા સપ્તાહે.
સમાપન
જાન લિયા થા ઉન્હોંને વતન સે ઝ્યાદા કોઈ ધર્મ નહીં હોતા જાનતે થે વો વીર ઇસ તિરંગા સે બડા ઔર કોઈ કફન નહીં હોતા.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


