Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > જબ કભી ભી પુરુષ કે કિસી દોષ કા દંડ એક સ્ત્રી કો ચુકાના પડા હૈ સ્ત્રીને સફાઈ દેને સે બેહતર સમઝા કિ આજીવન..

જબ કભી ભી પુરુષ કે કિસી દોષ કા દંડ એક સ્ત્રી કો ચુકાના પડા હૈ સ્ત્રીને સફાઈ દેને સે બેહતર સમઝા કિ આજીવન..

Published : 14 February, 2024 08:07 AM | IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

બ્રહ્માજીએ અહલ્યાને ઉછેરવાની જવાબદારી મહર્ષિ ગૌતમને સોંપી. ઋષિના આશ્રમમાં અનેક શિષ્યો-સેવકો પણ હતા. બધાની વચ્ચે બાળઅહલ્યાનો ઉછેર થયો,

અહલ્યા દેવી

માણસ એક રંગ અનેક

અહલ્યા દેવી


અહલ્યા, ઇન્દ્ર અને ઋષિગૌતમ એ ત્રિપુટીની કથા ઘણી વાર જુદા-જુદા સંદર્ભમાં કહેવાઈ છે, લખાઈ છે, વંચાઈ છે. રામ કે રામાયણની વાત આવે ત્યારે બે પ્રસંગોનો અચૂક ઉલ્લેખ જોવા મળે. એક કેવટનો, બીજો અહલ્યાનો. રામે શલ્યામાંથી અહલ્યા બનાવીને તેનો ઉદ્ધાર કર્યો એ વાત ઘણા સ્વરૂપમાં અને ઘણા સંદર્ભમાં જાણવા મળે છે. આખરે અહલ્યાની કથા છે શું? અહલ્યા કોણ છે? તેના જીવનચરિત્રની ગાથા બહુ ઓછા લોકો જાણે છે. 


પ્રચલિત કથા એ છે કે અહલ્યા ગૌતમમુનિની પત્ની હતી. એક વાર મુનિ તપસાધનાના કામે બહાર ગયા. કુટિરમાં અહલ્યા બાળક સતાનંદને સ્તનપાન કરાવતી બાલક્રીડામાં મગ્ન હતી, ત્યાં અચાનક કુટિરના દ્વાર પર ગૌતમમુનિને જોયા. અહલ્યાને આશ્ચર્ય થયું, ‘થોડી વાર પહેલાં જ બહાર ગયેલા મુનિ અચાનક કેમ પાછા આવ્યા?’ અહલ્યાએ મુનિ તરફ નજર કરી, મુનિ મંદ-મંદ સ્મિત કરતાં અહલ્યાને તાકવા લાગ્યા અને અહલ્યા ચોંકી ગઈ. આખરે તો તે બ્રહ્માજીની પુત્રી હતી. તે મનમાં પામી ગઈ કે કંઈક ગરબડ છે. મુનિના સ્મિતમાં તેમને છળ દેખાયું, કપટ દેખાયું, ઉન્માદભરી વાસના દેખાઈ. અહલ્યાએ દૃઢ સ્વરમાં હુંકાર કરતાં પૂછ્યું, ‘કોણ છો તમે?’ મુનિના વેષમાં આવેલા ઇન્દ્રએ સત્ય ઓકી નાખતાં કહ્યું, ‘દેવી હું દેવતાઓનો રાજા ઇન્દ્ર છું. આપના દ્વાર પર સમાગમની ભૂખ ભાંગવા આવ્યો છું, એને તૃપ્ત કરો.’ 



રામાયણના બાલકાંડ સર્ગ-૪૮ના ૧૯મા શ્લોકમાં મહર્ષિ વિશ્વામિત્ર રામચંદ્રજીને સંબોધતાં કહે છે... 
 ‘મુનિવેષે સહસ્રાક્ષઃ વિજ્ઞાય રઘુનંદન 
 મતિ ચકાર દુરમેઘા દેવરાજ કુતૂહલાત...’ 


 ‘હે રઘુનંદન, છદ્‍મવેશી ઇન્દ્ર છે એ જાણવા છતાં મતિભ્રષ્ટ અહલ્યાએ ઇન્દ્ર જેવો ઇન્દ્ર તેને યાચના કરી રહ્યો છે એ અહંકારમાં તેણે તેની માગણી સ્વીકારી લીધી હતી. ઇન્દ્રએ ન તો કંઈ છુપાવ્યું હતું કે ન કોઈ જબરદસ્તી કરી હતી. જેકંઈ ઘટ્યું એ અહલ્યાની સહમતીથી થયું તો ગૌતમઋષિએ અહલ્યાને જ શ્રાપ કેમ આપ્યા? ઇન્દ્રને કેમ કશું કહ્યું કે કર્યું નહીં? એ માટે પૂર્વભૂમિકા જાણવી જરૂરી છે. ઇન્દ્રને અહલ્યા માટે આટલી તીવ્ર કામવાસના કેમ જાગી? ગૌતમઋષિ બ્રહ્માજીના પુત્ર હતા તો અહલ્યા પણ બ્રહ્માજીની પુત્રી હતી તો પ્રશ્ન એ ઊઠે છે કે ભાઈ-બહેનનાં લગ્ન કઈ રીતે શક્ય બને? એનો જવાબ શાસ્ત્રમાં એ રીતે અપાયો છે કે સમસ્ત સૃષ્ટિનું સર્જન બ્રહ્માજીએ કર્યું છે અને એ રૂએ બધાં જ એકબીજાનાં ભાઈ-બહેન ગણાય. વાત જરા જુદી છે. 

બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યા પછી એમાં ધર્મ અને ન્યાયની સ્થાપના માટે સપ્તઋષિઓનું સર્જન કર્યું; જેમાં વશિષ્ઠ, કશ્યપ, અત્રિ, જમદગ્નિ, વિશ્વામિત્ર, ભારદ્વાજ અને ગૌતમઋષિ હતા. ગૌતમઋષિ જન્મથી જ અંધ હતા, તેમને માટે આ સૃષ્ટિ તમસમય હતી. પુરાણો અનુસાર તેઓ પશુપાલનમાં રત હતા. ગાયોની સેવા તેમનું પરમ ધ્યેય હતું. તેમણે કામધેનુ ગાયમાતાની એટલી બધી હૃદયપૂર્વક સેવા કરી કે માતાએ પ્રસન્ન થઈને તેમને દૃષ્ટિ આપી. ઋષિનો ‘તમ’ દૂર થયો. ગાયમાતાને કારણે તમ દૂર થયો એટલે તેમનું નામ ‘ગૌતમ’ પડ્યું. 


ગૌતમઋષિની ગણના વિદ્વાનોના અગ્રણી તરીકે થતી. તેમણે ગૌસેવાની સાથોસાથ દર્શન-વિજ્ઞાનક્ષેત્રે પણ અદ્ભુત કાર્ય કર્યું. વાલ્મીકિ રામાયણના ઉત્તરકાંડમાં સ્વયં બ્રહ્માજી ઇન્દ્રદેવને કહે છે કે મેં સૃષ્ટિની એકરૂપતા અને નીરસતાથી કંટાળીને એક સુંદર, અનુપમ, અપ્રીતમ સ્ત્રીનું સર્જન કર્યું છે. એ એક એવું સર્જન છે જેને શબ્દોથી વર્ણવી શકાય નહીં, આંખોથી પૂર્ણપણે માપી શકાય નહીં, મન કે હૃદયથી પણ આત્મસાત્ કરી શકાય નહીં. એને કોઈ ઉપમા આપી શકાય નહીં. એના વર્ણન માટે બધા અલંકાર ઓછા પડે. મેં એનું નામ ‘અહલ્યા’ રાખ્યું છે. અહલ્યાને બે ભાગમાં વિભાજિત કરી. ‘અ’ એ એક નિષેધ વાચક ઉપસર્ગ છે અને હલ્યા એટલે સંસ્કૃતમાં હળ અથવા કુરૂપ હોવું. રામાયણના ઉત્તરકાંડમાં અહલ્યાનો અર્થ કોઈ પણ જાતની અસુંદરતા વગરનો દર્શાવ્યો છે. કોઈ પણ જાતની કુરૂપતા જેનામાં નથી એ અહલ્યા. બ્રહ્માજીના આવા વર્ણનથી ઇન્દ્ર આવી સુંદરી મેળવવાનાં સપનાં સેવતા થઈ જાય એ સ્વાભાવિક છે, કેમ કે આજ સુધી આવી સુંદરી એક જ સર્જાઈ હતી ‘તિલોત્તમા.’

બ્રહ્માજીએ અહલ્યાને ઉછેરવાની જવાબદારી મહર્ષિ ગૌતમને સોંપી. ઋષિના આશ્રમમાં અનેક શિષ્યો-સેવકો પણ હતા. બધાની વચ્ચે બાળઅહલ્યાનો ઉછેર થયો, ઋષિગૌતમે પણ એક પિતાને છાજે એવો ઉછેર કર્યો. 

અહલ્યા યુવાનીમાં આવી કે તેનું રૂપ હેલે ચડ્યું. તેનું સર્જન જ એ પ્રમાણે થયું હતું. દુનિયામાં કોઈ પણ અદ્વિતીય વસ્તુ પામવા માટે સ્પર્ધા થતી હોય છે એમ અહલ્યાને પામવા માટે પણ થવા માંડી. એમાં સૌથી અગ્રેસર હતા દેવરાજ ઇન્દ્ર. ઇન્દ્ર સહિત અન્ય દેવતાઓની આંખમાં પણ અહલ્યા વસી ગઈ. સુંદરતાના જેટલા પૂજારી હોય છે એના કરતાં અનેકગણા શિકારી પણ હોય છે. અહલ્યા પોતાની બને એ માટે તમામ દેવતાઓ પેંતરાબાજી રચવા માંડ્યા. 

બ્રહ્માજી મૂંઝાયા. ઇન્દ્ર સહિત અનેક દેવતાઓ અહલ્યાને પોતાની બનાવવા ઇચ્છે છે એ જાણી તેમણે એક શરત મૂકી. શરત એ હતી કે જેકોઈને અહલ્યાની ઝંખના હોય તેણે મારી રચેલી સૃષ્ટિની પ્રદક્ષિણા કરવી. એમાં જે પહેલો આવશે તેને હું અહલ્યાનો હાથ સોંપીશ. આ શરત ઇન્દ્ર સહિત બધા દેવતાઓએ માન્ય રાખી એ તો ઠીક, ઋષિગૌતમ પણ એમાં સામેલ થયા. પછી? આવતા સપ્તાહે... 

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2024 08:07 AM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK