ભાષાને વ્યક્ત કરવાનું માધ્યમ છે વાણી. ઉત્તમ વાણી ભાષાને ઉત્તમતા બક્ષે છે. શબ્દો સાંભળનારને ત્યારે જ અસર કરશે જ્યારે એના ઉચ્ચારણમાં સત્ય ભળેલું હશે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
વાણી તો બાણ ને ફૂલ,
કાં વીંધે કાં વધાવતી;
ADVERTISEMENT
નંદવે વજ્જ હૈયાને,
ને નંદાયા ફરી સાધતી
ભાષાને વ્યક્ત કરવાનું માધ્યમ છે વાણી. ઉત્તમ વાણી ભાષાને ઉત્તમતા બક્ષે છે. શબ્દો સાંભળનારને ત્યારે જ અસર કરશે જ્યારે એના ઉચ્ચારણમાં સત્ય ભળેલું હશે. શબ્દના અર્થને બરાબર સમજનારને એમાં દૃઢ વિશ્વાસ હોય ત્યારે એ શબ્દ જીવંત બની જાય છે. સજીવ શબ્દો મંત્ર બને છે. આપણે તો મંત્રો દ્વારા દેવોને પણ આહવાન કરવામાં વિશ્વાસ રાખીએ છીએ. વાણીમાં સત્ હોય તો સત્તા ઊથલાવી શકે છે. ૧૯૪૨ની ૮ ઑગસ્ટે ગાંધીજીએ બે જ શબ્દો ઉચ્ચાર્યા અને ક્રાન્તિ ભડકી ઊઠી. ‘ભારત છોડો’ એ બે શબ્દો કેવા તેમના હૃદયના ઊંડાણમાંથી ઊમટ્યા હશે કે અખંડ ભારતની જનતા રસ્તા પર ઊતરી આવી. મજબૂત બ્રિટિશ સત્તાનો પાયો સત્યપૂત વાણીથી આમૂલ હચમચી ગયો.
વૈખરી વાણી તાળીઓ આપે, અનુયાયીઓ નહીં. ગાંધીજીમાં સત્ વણાયેલું હતું તો ઓશોની વાણીમાં બૌદ્ધિક સંમોહન હતું. સમજણની એવી કક્ષાએ તમને પહોંચાડી દે કે બીજું બધું પછી નિમ્નસ્તરનું લાગે. નાભિમાંથી ઊઠતા નાદ જેવી વાણી પરાવાણી કહેવાય છે. એ શ્રોતાઓના અંતરતમને ઝકઝોરી મૂકે. માટે માર્ટિન લ્યુથર કિંગે જ્યારે કહ્યું કે ‘આઇ હૅવ અ ડ્રીમ’ ત્યારે દરેક અશ્વેતને તેમના શબ્દોમાં પોતાના સપનાની પૂર્તિ થતી દેખાઈ. નેલ્સન મન્ડેલા જ્યારે કહે કે ‘આઇ ઍમ પ્રિપેર્ડ ટુ ડાઇ’ ત્યારે જનતા પણ મરવા તૈયાર થઈ જાય, કારણ કે આ લોકોના શબ્દોમાં સત્ય પ્રગટ થતું હતું.
સાહિત્યજગતની વાત કરીએ તો ગુજરાતીમાં સુ.દ. અને મરાઠીમાં પુ.લ.ને સાંભળવા લોકો ખેંચાઈ આવતા, વારંવાર. કેટલાકના બોલવાનો ટોન એવો હોય છે કે તમને સાંભળવા ગમે. તેઓ ‘જ્યાં જાય’ ત્યાં લોકોને આનંદ આવે. બીજા કેટલાક એવા હોય છે કે તેઓ ‘જ્યાંથી જાય’ ત્યાં લોકોને આનંદ આવે. વાણી બાણ બનીને વીંધે તો ફૂલ બનીને વધાવે પણ ખરી. વજ્રનેય નંદવી નાખે ને નંદાયેલાને સાંધવાનું કૌવત ધરાવે છે. સ્કૂલમાં ‘ચઢે પડે જીભ વડે જ માનવી’ના વિચારવિસ્તારમાં મીઠું બોલનારાનું મરચુંય વેચાય અને કડવું બોલનારનું મધ પણ ન વેચાય એમ લખતા’તા એ આજેય એટલું જ સાચું છે.
બાય ધ વે, કર્કશા પત્નીને કારણે જ આપણને સૉક્રેટિસ જેવો ફિલસૂફ મળ્યો એ વાત સાચી કે?
-યોગેશ શાહ


