જમાનો ખરાબ છે, દુનિયા બદલાઈ ગઈ છે, કોઈને કાંઈ પડી નથી. આ અને આવી બધી વાતોની પંચાતમાં પડ્યા વિના આપણે જે કામ કરવાનું છે કે પછી જે કામ આપણને સોંપવામાં આવ્યું છે એમાં આપણે કેટલા ઓતપ્રોત અને પ્રામાણિક રહીએ છીએ, કેટલી નિષ્ઠા અને એકાત્મતા સાથે એ..
સેટરડે સરપ્રાઈઝ
યસ, દુનિયા બદલાઈ છે. આપણી અપેક્ષાઓ બદલાઈ છે અને એન્ટરટેઇનમેન્ટનાં મીડિયમ પણ બદલાયાં છે. મારી પાસે આ ચર્ચાઓ બહુ થતી હોય છે. ‘અરે, મૅડમ તમે આટલાં વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં છો અને હવે મનોરંજનનાં નવાં-નવાં માધ્યમ આવી રહ્યાં છે ત્યારે કેવું લાગે છે?’
શું જવાબ આપવાનો હોય આ પ્રશ્નનો, કેવું લાગવું જોઈએ?
અફકોર્સ સારું જ લાગે. જુઓ, મનોરંજનનાં માધ્યમોમાં બદલાવ આવે એ સમજી શકાય, પણ મહત્ત્વનું એ છે કે એનાથી મનોરંજનના હેતુમાં કોઈ ફરક નથી આવ્યો. આજથી ૨૦૦ વર્ષ પહેલાં પણ લોકોએ પોતાનું મનોરંજન શોધ્યું હતું. પહેલાં મ્યુઝિકનો જમાનો હતો, પછી શેરી-નાટકો થતાં તો એમાં પણ લોકોનું ધ્યેય એન્ટરટેઇનમેન્ટનું જ હતું. પછી થિયેટર આવ્યાં, ટીવી આવ્યું, ફિલ્મો આવી, અત્યારે ઓટીટી આવ્યાં, સોશ્યલ મીડિયા આવ્યું. મારો પ્રશ્ન એ છે કે આ બધાં માધ્યમોનું અંતિમ ધ્યેય શું છે? લોકો શું કામ ફિલ્મો જોવા આવે? લોકો શું કામ ઇન્સ્ટાગ્રામ પર જઈને કલાકો આપી દે? એક સિમ્પલ ધ્યેય, થોડુંક મનોરંજન મળે. એકની એક ઘરેડમાં જીવતા મનને કંઈક નાવીન્ય આપીને પ્રફુલ્લિત કરીએ એ ધ્યેય તો ત્યારે પણ હતું, આજે પણ છે અને હંમેશાં રહેશે. જો ધ્યેય કૉમન હોય એ પછી જો એમાં માધ્યમ બદલાતાં રહેતાં હોય તો શું મોટો ફરક પડી જવાનો?
મારી દૃષ્ટિએ ભલે ગમે એટલાં નવાં પ્લૅટફૉર્મ આવતાં રહે, અંદરનું તત્ત્વ હરીફરીને એકનું એક જ છે. કન્ટેન્ટનો સૂર, મૂળભૂત વાર્તાઓ એની એ જ છે. બની શકે કે સ્ટોરી ટેલિંગની રીત બદલાઈ છે, પરંતુ સ્ટોરીનો હાર્દ ક્યાં બદલાયો છે? એ બદલાઈ પણ નહીં શકે. બેશક, કઈ સ્ટોરીને પ્રાધાન્ય મળી રહ્યું છે એ બીજો મુદ્દો છે, જેની પછીથી ચર્ચા કરીશું, પણ માધ્યમો વધવાના ફાયદા છે જ. એક વાત આપણે સૌએ સમજવાની છે કે લોકો માટે મનોરંજન જરૂરિયાત છે. ઇટ્સ અ નેસેસિટી ઍન્ડ નૉટ ધ પ્રાયોરિટી. એ શોખ નથી. જો શોખ હોત તો દરેક એની પાછળ દોડતું ન હોત. સદીઓથી માનવમન પોતાને ખુશ કરવાના રસ્તા શોધતું જ રહ્યું છે. પુસ્તકો, વાર્તાઓ, ટીવી, ફિલ્મો, વેબ-સિરીઝ એ માધ્યમમાં પણ વાત મનને ખુશ કરવાની છે. હવે ડાયનૅમિઝમ અને ઝડપનો જમાનો છે એટલે બની શકે કે પહેલાં જેટલો લોકોને વાંચનનો ક્રેઝ નથી, પણ એ ક્રેઝ તેઓ સ્ક્રીન ટાઇમમાં પૂરો કરી લે છે. કોઈ ને કોઈ રીતે તેઓ એન્ટરટેઇમેન્ટ માટે સમય કાઢી જ લે છે અને એટલે જ એન્ટરટેઇનમેન્ટના ફીલ્ડ સાથે સંકળાયેલા લોકોની જવાબદારી ખૂબ વધી જાય છે. હું હંમેશાં માનતી આવી છું કે તમે જ્યારે માસ સાથે જોડાયેલા હો ત્યારે તમારું કામ અને જવાબદારી અનેકગણી વધુ હોય છે. તમે શું ઑડિયન્સને પીરસો છો એ પણ મહત્ત્વનું બને છે.
ગમતાંનો કરીએ ગુલાલ
આજના સમયમાં એની સર્વાધિક જરૂરિયાત છે. ડાર્કનેસ, સેડનેસ, બૅડ ન્યુઝ પીરસતાં દુનિયાભરનાં પ્રસાર માધ્યમો વધી ગયાં છે. ન્યુઝ મીડિયા પર પણ નેગેટિવ સમાચારોની ભરમાર છે એવા સમયે તમે પણ એન્ટરટેઇનમેન્ટના પ્લૅટફૉર્મ પર એવી જ નેગેટિવ સાઇડ્સને પ્રસ્તુત કરતા રહો તો એ મને યોગ્ય નથી લાગતું. ઍટ લીસ્ટ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીએ આ દિશામાં વિચારવું જોઈએ. દુનિયામાં એવું અઢળક સારું અને માણવાલાયક ક્રીએશન ભૂતકાળમાં થઈ ચૂક્યું છે. કંઈક સારું, વ્યક્તિમાં હળવાશ ઉમેરે એવું કન્ટેન્ટ આજે વધુ બને એ જરૂરી છે. આપણે દુનિયાને બદલી શકીએ કે ન બદલી શકીએ, પરંતુ કમસે કમ આજના સમયમાં દુનિયામાં આપણા થકી શું સારું થઈ શકે એ દિશામાં તો ૧૦૦ ટકા વિચારી શકીએ. આજે પણ દુનિયામાં એવું ઘણું થાય છે જે ગુડનેસથી ભરેલું છે. તો શું કામ એવી વાતોને પણ વહેતી ન કરીએ?
મારું કહેવું એવું નથી કે બધા જ કૉમેડી કન્ટેન્ટ બનાવવા માંડો. કૉમેડી તો સારી છે જ, પણ એ સિવાય પણ નેગેટિવ માઇન્ડસેટમાં ઉમેરો કરે એવી બાબતોનો તો ઍટ લીસ્ટ વધારો નહીં કરો.
જાતને પૂછો સવાલ
આગળ કહ્યું એમ, દુનિયા બદલાઈ છે અને બદલાતી રહેવાની છે. આ બદલાઈ રહેલી દુનિયામાં તમારે તમારી પ્રામાણિકતાને જાળવી રાખવી એ સૌથી મોટી ચૅલેન્જ છે. ખાસ તો ઇન્ટેગ્રિટી સાથે. જે પણ કામ તમે કરતા હો એમાં તમારી જાતને રેડીને કરો. કોઈ પણ કામ હાથમાં લેતાં પહેલાં જાતને પૂછો કે તમે ખરેખર આ શું કામ કરી રહ્યા છો. ઍટ લીસ્ટ મેં મારા જીવનમાં આ નિયમ રાખ્યો છે. કોઈ પણ પ્રોજેક્ટ શરૂ કરતાં પહેલાં એ કન્ટેન્ટથી હું લોકોને શું આપીશ, આ પ્રોજેક્ટ પાછળનો હેતુ શું છે એ બધું જ સમજવાના પ્રયાસ કર્યા પછી હું સાઇન કરતી હોઉં છું. આપણા જીવનમાં અત્યારે એટલાં બધાં ટેન્શન છે, સ્ટ્રેસ છે, દોડ છે, આપણી જરૂરિયાતો વધતી ગઈ છે એમાં તમે એન્ટરટેઇનમેન્ટના નામે પણ એવું જ કન્ટેન્ટ ન આપો એનું ધ્યાન રખાય એ જરૂરી છે.
અત્યારે કન્ટેન્ટ ક્રીએશનમાં પણ ઇકૉનૉમિક્સ અને ફાઇનૅન્સના દૃષ્ટિકોણથી વિચારે છે. બધામાં મની એ પ્રાયોરિટી છે એટલે સ્વાભાવિક રીતે પ્રોસેસ બદલાઈ રહી છે. આ પ્રોસેસને કારણે સારાં કામ, ઑર્ડિનરી કામને બદલે મની ઓરિયેન્ટેડ કામ થાય છે. એને કારણે કન્ટેન્ટની ક્વૉલિટી બદલાઈ જાય છે. બહુ જ ઝીણવટપૂર્વક જોઈએ તો એ પણ એટલું જ સાચું છે કે બદલાઈ રહેલી દુનિયામાં આપણે પણ બદલાયા છીએ. આપણું પણ જીવન બદલાયું છે. જેમ કે મારાં દાદી-નાનીની જરૂરિયાત હતી. તેમને જે વસ્તુ જોઈતી હતી એ કેટલી ઓછી હતી, એની સામે આજના સમયમાં મારી પોતાની જરૂરિયાત છે એ કેટલી વધી છે. પહેલાં નાની બાબતોથી સંતોષ મળી જતો, જ્યારે આજે એ નાની બાબતોની કોઈ વૅલ્યુ જ નથી રહી. આખી દુનિયાના આ હાલ છે ત્યારે ઍક્ટર તરીકે તમારા પોતાના કામને કેટલું સાચું અને સારું કામ કરી શકો એવા પ્રયાસ હું કરું છું. માત્ર ઍક્ટિંગ જ શું કામ, તમે જે પણ ફીલ્ડમાં હો, ફરિયાદોમાં સમય વેડફવાને બદલે આપણા ભાગે જે કામ કરવાનું આવ્યું હોય એને શ્રેષ્ઠ રીતે કરવાના તમામ પ્રયાસ કરવા એ પણ બહુ જ મોટો ગુણ છે આજના સમયનો.


