દેશના એક અત્યંત ખૂબસૂરત પ્રદેશમાં રજાઓ માણવા આવેલા ખુશહાલ પ્રવાસીઓના જીવનમાં ક્ષણવારમાં કાળો ધબ્બ અંધકાર પથરાઈ ગયો
પ્રતીકાત્મક તસવીર
ગયા મંગળવારની પહેલગામની ભયંકર ઘટના નજર અને મન સામેથી હટતી નથી. દેશના એક અત્યંત ખૂબસૂરત પ્રદેશમાં રજાઓ માણવા આવેલા ખુશહાલ પ્રવાસીઓના જીવનમાં ક્ષણવારમાં કાળો ધબ્બ અંધકાર પથરાઈ ગયો. અઠ્ઠાવીસ નિર્દોષ પ્રવાસીઓને નિર્દયતાથી વીંધી નાખ્યા! પોતાના પતિના મૃતદેહ પાસે બેસીને કલ્પાંત કરતી નવવિવાહિતાને જોઈ ભલભલા પથ્થરદિલ માનવીની આંખો ભરાઈ આવે. નજર સામે પતિ, પુત્ર કે પિતાની હત્યા થતી જોઈ રહેવાની લાચારી કેવી દારુણ હશે! છેલ્લાં થોડાં વર્ષોથી કાશ્મીરમાં સ્થપાયેલી શાંતિ અને નૉર્મલ્સીને તહસનહસ કરી નાખી છે આ ઘાતકી હુમલાએ. પ્રવાસીઓના પુનરાગમનથી ખીલી ઊઠેલા કાશ્મીરવાસીઓની પીઠ પર આ કારમો ઘા થયો છે. જાનના જોખમે દેશ અને દેશવાસીઓની રક્ષા કરતા જવાનોની હિંમત પર પ્રહાર થયો છે. માણસાઈવિહોણા આ ત્રાસવાદી સંગઠન અને એના પોષક પાકિસ્તાનને કડકમાં કડક સજા કરવાની માગ દેશભરમાંથી સ્વયંભૂ ઊઠી છે. પરંતુ આવા ઊંડા આઘાતની પળોમાં પણ સ્વાર્થી રાજકારણીઓ અને પક્ષો પોતાની રોટલી શેકવામાં વ્યસ્ત છે. અચાનક કોઈ વાંક વિના પોતાના સ્વજનોને વીંધાઈ જતા જોવાની પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારોની કે ઈજાગ્રસ્ત સહેલાણીઓની વેદના તેઓ સંવેદી નહીં શકતા હોય? આ હુમલામાં પોતાનો પતિ ગુમાવનાર એક યુવતી પોતાના નાનકડા બાળકને છાતીએ રાખી હૈયાફાટ કલ્પાંત કરી રહી હતી. માની એ દશા જોઈ મૂંઝાઈ ગયેલા, ડરી ગયેલા એ અબુધ બાળકની આંખોમાં ડોકાતા પ્રશ્નો પણ આ રાજકારણીઓને નહીં વંચાતા હોય?
છેલ્લા કેટલાક સમયથી રશિયા અને યુક્રેન, ઇઝરાયલ અને હમાસ તથા અન્ય દેશો વચ્ચે ચાલતી લડાઈઓમાં કેટલાય નિર્દોષોના જાન ખુવાર થયા છે. ભારત તો પાડોશી દેશના આતંકી હુમલાનો માર વર્ષોથી વેઠતું રહ્યું છે. આ તમામ પરિસ્થિતિઓમાં નિર્દોષ નાગરિકો અને વિશેષ તો બાળકોના ભાગે ખૂબ સહેવાનું આવ્યું છે. નેવુંના દાયકામાં અખાત યુદ્ધ ચાલતું હતું ત્યારે વડોદરાની એક સંસ્થાએ પોતાના હૉબી સેન્ટરમાં ચિત્રકામ શીખતાં બાળકો દ્વારા દોરાયેલાં ચિત્રોનું એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું. બાળકોની પીંછી દ્વારા વ્યક્ત થયેલી શાંતિની ઝંખનાના એ સચિત્ર પુસ્તકનું શીર્ષક હતું: ‘ઑન ધ વિંગ્સ ઑફ ધ વાઇટ ઍન્જલ્સ’. શાંતિ અને એકતાની બાળકોની ક્લ્પના સુંદર ચિત્રો દ્વારા એમાં રજૂ થઈ હતી. વળી સાથે સુંદર પંક્તિઓ પણ ખરી. એમાં એક ચિત્ર સાથે કંઈક આવા અર્થની પંક્તિ હતી:
ADVERTISEMENT
ના સરવું અમારે શૂન્યમાં, અમે યુદ્ધના ક્રૂર રાક્ષસોને પૂરી દીધા છે દોસ્તીની દુર્ગમ દીવાલ પાછળ પણ દોસ્તીની ભાષા સમજે જ નહીં તેના માટે કોઈક બીજા પ્રકારની દીવાલ રચવી પડે!
-તરુ મેઘાણી કજારિયા

