આજે કવિતા અને નાટક બન્ને સાથે ઘરોબો ધરાવનાર કેટલાક શાયરોના શેરથી રંગભૂમિને વંદન કરીએ. મધુકર રાંદેરિયા લખે છે...
આંગિકમ્ ભુવનમ્ યસ્ય
૧૯૬૧થી ૨૭ માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઊજવાય છે. આ વખતે એવા કોઈ હોશકોશ નહોતા કે રંગેચંગે ઉજવણી થાય. કોરાનાની મહામારીમાં નાટ્યજગત અને સાંસ્કૃતિક જગતને વિશેષ નુકસાન પહોંચ્યું છે. ધમધમતો રંગમંચ સૂનો થઈ જાય ત્યારે સાલું લાગી આવે. આજે કવિતા અને નાટક બન્ને સાથે ઘરોબો ધરાવનાર કેટલાક શાયરોના શેરથી રંગભૂમિને વંદન કરીએ. મધુકર રાંદેરિયા લખે છે...
આકાશી વાદળને નામે
આ વાત તમોને કહી દઉં છું
કાં વરસી લો, કાં વિખરાઓ
આ અમથાં ગાજો શા માટે?
એક સમયમાં મુંબઈમાં એકાંકી નાટકોનો દબદબો હતો. ભારતીય વિદ્યાભવનમાં થતી એકાંકી સ્પર્ધાઓમાંથી ઘણા નામવંતા કલાકારો ગુજરાતી રંગભૂમિને મળ્યા છે. પ્રકાશ કાપડિયા જેવા કાબેલ લેખક ને રાજુ જોશી જેવા કૌવતવાન દિગ્દર્શક આ સ્પર્ધાઓની ફળશ્રુતિ કહી શકાય. આ યાદી આખો લેખ ઊભરાય એટલી થઈ શકે એટલે વાર્તામાં વળાંક લઈને ચિનુ મોદીનું સ્મરણ કરીએ...
તું ખરેખર ખૂબ અઘરો દાખલો
જેટલી વેળા ગણું, ગુંચાઉં છું
સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે
એક પડછાયો બની ફેલાઉં છું
વ્યાવસાયી રંગભૂમિ મુંબઈ અને ગુજરાતમાં વિકસી અને વિસ્તરી. મુંબઈના કાલબાદેવીની ભાંગવાડીમાં જૂની રંગભૂમિએ છેલ્લા શ્વાસ લીધા. મંચ ઉપર જેટલું મહત્ત્વ પ્રકાશનું છે એટલું બ્લૅકઆઉટનું પણ છે. પ્રવીણ જોશી, કાન્તિ મડિયા, શૈલેશ દવે, ગિરેશ દેસાઈ કાળનિર્મિત બ્લૅક આઉટમાં ઓગળી ગયા. હજીયે આવા દિગ્ગજોની તસવીરો જોઈને ચેતનામાં તરવરાટ થયા કરે છે. ખેર, રઈશ મનીઆરની આ પંક્તિઓ વાંચીને તમને એક સુપરડુપર હિટ નાટકનું સ્મરણ થયા વિના નહીં રહે...
આપણે તો એક સિક્કાની જ બે બાજુ સમાન
પીઠ ફેરવીએ, છતાં છૂટાં પડી શકીએ નહીં
એમ સાંભળતાં રહ્યા હંમેશ બીજાનો અવાજ
સાદ જો અંદરથી આવે તો સાંભળી શકીએ નહીં
સંવાદો નાટકનો જાન હોય છે. કલાકાર માટે ભાષા ઉપરનું પ્રભુત્વ હોય તો જ સંવાદમાં ધાર ઉમેરાય. મકરંદ મુસળેના શેર વાંચીને દોબારા કહેવાનું મન થાય...
આર યા તો પાર હોવી જોઈએ
જીભને પણ ધાર હોવી જોઈએ
કૃષ્ણ આવ્યા છે તો એ પણ શક્ય છે
દ્રૌપદી લાચાર હોવી જોઈએ
મધુકર રાંદેરિયા અને જયંતી પટેલ ‘રંગલો’ તખ્તા પર સંવાદોની જુગલબંધી કરતા. બન્ને અભિનેતા ઉપરાંત સારા લેખક હોવાને કારણે સ્ક્રિપ્ટમાં ન હોય એવું પણ લઈ આવતા. આજના સમયમાં જેણે ગુજરાતી ભાષા પચાવી ન હોય એવા કલાકારને સંવાદોમાં ગડથોલિયાં ખાતાં જોઈએ ત્યારે ઉચ્ચાર ઉપર ભાર મૂકતા મડિયા જેવા દિગ્દર્શકો યાદ આવી જાય. સૂર ન પકડાય ત્યારે શું થાય એનો નિર્દેશ મુકેશ જોષીના શેરમાં જોવા મળે છે...
‘આપ મારી જિંદગી છો’ સો વખત ગોખ્યું હતું
સો કરી વાતો છતાં, જે રહી ગયું તે આ મુજબ
સૂર્ય વેચી મેં ખરીદી રાત પૂનમની અને
કોઈ મારો ચાંદ માગી લઈ ગયું તે આ મુજબ
ગુજરાતી તખ્તા પર એકાંકી, એકોક્તિ અને દ્વિઅંકી નાટકોમાં મહારથ બતાવનાર દિલીપ રાવલ નાટ્યત્વ સાથે જીવનત્વ સાંકળી લે છે...
વિચાર્યા નથી એ બને છે પ્રસંગો
કથાઓ પછી એ જ જાતક બને છે
તરસથી વધુ જે પીએ આ જનમમાં
બીજા જન્મમાં એ જ ચાતક બને છે
નાટકનાં વિવિધ પાસાંને તાત્ત્વિક રીતે તપાસનાર અને ‘નાટકમાં મિથ’ વિષય પર મહાશોધ નિબંધ લખનાર ધ્વનિલ પારેખની પંક્તિઓ ‘બ્લૅક આઉટ’ નાટકના કોઈ દૃશ્યની યાદ અપાવી દે તો નવાઈ નહીં...
તું ગઈ ને બધા રંગ ઊડી ગયા
આ તરફ ચિત્ર ને તે તરફ તું હતી
આપણું મળવું કાયમ અધૂરું હશે
આ તરફ પૂર્ણ ને તે તરફ તું હતી
‘હેલ્લારો’ જેવી સુપરહિટ ફિલ્મ લખનાર સૌમ્ય જોશીનાં નાટકોએ રંગભૂમિ પર ઊજળી છાપ પાથરી છે. સૌમ્ય જોશી કોઈ પણ પ્રકારનું સૌજન્ય દાખવ્યા વિના સર્જકત્વની કુંડળી જુએ છે...
સરળ છું ને સરળ રીતે જ મારે વાત કહેવી છે
સુભાષિતના સમી ઊંચાઈ તો આવી નથી ગઈ ને
લખીને બે ઘડી રોકાઉં છું હું એટલું જોવા
ભૂલમાં લોહી બદલે શાહી તો આવી નથી ગઈ ને
ક્યા બાત હૈ
(લાભશંકર ઠાકર લિખિત ‘પીળું ગુલાબ અને હું’ નાટકનો એક સંવાદ)
ભૈરવીઃ મારા ફાધર! મારા ફાધર ચશ્માં પહેરતા. તેમને કપાળ પર એક મસો હતો. તે કદી કોઈની સાથે બોલતા નહીં. તે આખો દિવસ તેમના ઓરડામાં ભરાઈ રહેતા અને કવિતા લખતા. તેમની કવિતાની નોટ, કાગળિયાં બધું તિજોરીમાં મૂકી રાખતા. તે જમતી વખતે પણ કંઈ બોલતા નહીં. તેમણે એક દિવસ દીવાલ પરથી ભગવાનનો ફોટો ખેંચી કાઢીને અગાસીમાંથી બહાર રસ્તા પર ફગાવી દીધેલો. હું એ વખતે બાર વર્ષની હતી. છાનીમાની ફોટો લઈ આવેલી. કાચના કકડે કકડા થઈ ગયેલા. એ ફોટો લાવીને મેં સંતાડી દીધેલો. મારા પપ્પા મને કદી મારતા નહીં. ક્યારેક મારી સામે જોતા ત્યારે મને કશું સમજાતું નહીં. એક વાર મને ભયંકર સપનું આવેલુંઃ મારા પપ્પાની બે આંખો એ સરોવર છે અને એમાં હું હોડી લઈને હલેસાં મારું છું. અચાનક વમળમાં મારી હોડી ફસાઈ જાય છે. સરોવરમાં કોઈ નથી, હું એકલી જ છું. મારી હોડી ગોળ-ગોળ ફરે છે. હું સાવ એકલી છું. બચાવો! બચાવો! અને હોડી સાથે હું ડૂબી જાઉં છું, સરોવરમાં. મારા પપ્પા આત્મહત્યા કરીને મરી ગયેલા.

