Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > નસકોરી ફૂટતી હોય તો અજમાવો નિરંજન ફળ

નસકોરી ફૂટતી હોય તો અજમાવો નિરંજન ફળ

14 May, 2024 08:08 AM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

ગરમી અને પિત્ત ચડી જવાને કારણે શરીરમાં ક્યાંય પણ રક્તસ્રાવ થાય તો આ ફળનું પાણી અકસીર બની શકે છે. પાઇલ્સ અને કબજિયાતના દરદીઓ માટે આ રામબાણ નુસખો છે. અલબત્ત, આ મિરૅકલ ફળ લેવામાં પણ કેટલુંક ધ્યાન રાખવું જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જે લોકોનાં ઘરમાં આયુર્વેદ અને ઘરગથ્થુ પ્રયોગોનું ચલણ હોય તેમણે નિરંજન ફળ વિશે અચૂક સાંભળ્યું હશે. ગરમીમાં એ અમૃતસમાન ગણાય છે. આપણા આયુર્વેદમાં તો એનો ઉલ્લેખ છે જ, પરંતુ ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિન તેમ જ દક્ષિણ ભારતમાં પ્રચલિત સિદ્ધ મેડિસિનમાં પણ એ વિશેષ વપરાશમાં જોવા મળે છે. ચાઇનીઝ મેડિસિનમાં નિરંજન ફળના ઠળિયાનો ઉપયોગ ખૂબ જ થાય છે, જ્યારે આપણા આયુર્વેદમાં એના ફળનો. આ ફળ સાઉથ-ઈસ્ટ એશિયાનું છે. વિદેશમાં એને માલવા નટ્સ કે ચાઇના નટ્સ કહેવાય છે. આ ફળ ભારતમાં ઘરગથ્થુ પ્રયોગોમાં જ પ્રચલિત છે. બાકી ફાર્મસીમાં દવાઓ બનાવવામાં એનો વપરાશ ઘણો ઓછો છે. અલબત્ત, ઇન્ડિયા ઉપરાંત થાઇલૅન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા, વિયેતનામ, કમ્બોડિયા, લાઓસમાં એનું ઉત્પાદન અને વપરાશ બન્ને વધુ થાય છે. કેટલાક દેશોમાં એને ‘તાઇવાનીઝ સ્વીટ ગમ’ પણ કહેવાય છે. દરેક ચિકિત્સાપદ્ધતિએ આ ફળના વિવિધ ગુણો અને ફાયદાઓ ગણાવ્યા છે જે વધતેઓછે અંશે એકબીજાને મળતા આવે છે. ચાલો જોઈએ વિવિધ વૈકલ્પિક પદ્ધતિઓ દ્વારા એના ફાયદા વિશે શું દાવા થયા છે એ. 


ચાઇનીઝ દાવા
ટ્રેડિશનલ ચાઇનીઝ મેડિસિનમાં આ ફળને ઠંડક અને એનર્જીનો ભંડાર કહેવામાં આવે છે. ગળા અને શ્વાસનળીમાં સોજાને કારણે પેદા થતી તકલીફોમાં આ ચાઇના ફળનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ફ્લુ, સૂકી અને કફવાળી ખાંસી, ગળાનાં ઇન્ફેક્શન્સ, અવાજ બેસી જવો અને કાકડા ફૂલવાની બળતરા થવી જેવી તકલીફોમાં ચાઇના ફળ વપરાય છે. કબજિયાતમાં પણ ચાઇનીઝ લોકો એનો ભરપૂર ઉપયોગ કરે છે. તેઓ માને છે કે ચાઇના ફળ પાણીમાં પલાળતાં ત્રણથી ચારગણું મોટું થઈ જતું હોવાથી એ પેટની અંદરની ડ્રાયનેસ ઘટાડે છે અને સુકાયેલા મળનું સારણ સરળતાથી થઈ શકે છે. 



સિદ્ધ મેડિસિન મુજબ 
તામિલ અને તેલુગુ ભાષામાં એને ઉમાસ્માન્ગુ કહેવાય છે. અગ્નિ નક્ષત્ર દરમ્યાન એનો વપરાશ કરવાથી શરીરમાં ઉત્તમ ગુણ આપે એવી માન્યતા છે. શરીરને કૂલિંગ-ઇફેક્ટ આપવા માટે એ બેસ્ટ છે. પિત્તને કારણે તાવ ચડી ગયો હોય, શરીરમાં ક્યાંય સોજો હોય, સાઇનસની તકલીફ હોય, થ્રૉટ ઇન્ફેક્શન હોય, શરીરની આંતરિક ગરમીને કારણે શરીરમાંથી બ્લીડિંગ થતું હોય એમાં આ ફળ દવા તરીકે વપરાય છે. 


મૉડર્ન મેડિસિન મુજબ 
વૈકલ્પિક ચિકિત્સા-પદ્ધતિઓ ઉપરાંત મૉડર્ન સાયન્સને પણ નિરંજન ફળમાં અઢળક ગુણો મળ્યા છે. આ ફળનું બૉટનિકલ નામ છે સ્ટેરક્યુલિયા લિક્નોફોરા. કેમિકલ કમ્પોઝિશનની વાત કરીએ તો એમાં મબલક માત્રામાં કૅલ્શિયમ, આયર્ન, વિટામિન B1 અને B2 અને સૉલ્યુબલ ફાઇબર છે. ત્વચાની ઉપરના સ્તરમાં જો સોજો હોય તો નિરંજન ફળમાં એ ઘટાડે એવાં ઍન્ટિ-ઇન્ફ્લમેટરી ગુણો પણ છે. સૉલ્યુબલ ફાઇબરને કારણે એ માઇલ્ડ લૅક્ઝેટિવનું કામ કરે છે અને પેટ સાફ લાવે છે. એમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે એવાં ફ્લેવનૉઇડ્સ કેમિકલ હોય છે એટલે એનાથી ઑક્સિડેટિવ સ્ટ્રેસ ઘટે છે. પલાળીને આ ફળ ખાવાથી એનો ગર પેટમાં ઠંડક કરવાની સાથે ઍસિડિટી ઘટાડે છે અને પેટ સાફ લાવે છે.

આયુર્વેદ મુજબ 
આયુર્વેદનાં શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે અનિયમિત માસિકની તકલીફ, અનિદ્રા, માથાનો દુખાવો, ગરમીને કારણે પાકતાં ગૂમડાં અને ખીલ થતાં હોય એમાં નિરંજન ફળ લેવું જોઈએ. આપણે ત્યાં રોજિંદા જીવનમાં નિરંજન ફળનો ઉપયોગ પિત્ત અને રક્તની ગરમી દૂર કરવા માટે થાય છે અને એમાંય એનો સૌથી વધુ ઉપયોગ પાઇલ્સ અને મસાની તકલીફોમાં થાય છે એમ જણાવતાં ક્ષારસૂત્રના નિષ્ણાત આયુર્વેદાચાર્ય ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘નિરંજન ફળ આપણે ત્યાં ઘરગથ્થુ પ્રયોગોમાં પુષ્કળ વપરાય છે. શરીરમાંથી જ્યારે પણ રક્તસ્રાવ થતો હોય અને એ પણ પિત્ત અને રક્તના દોષને કારણે થતો હોય ત્યારે નિરંજન ફળ ખૂબ સારું કામ આપે છે. બ્લીડિંગ પાઇલ્સ એટલે કે દૂઝતા હરસના દરદીઓ આ ફળ નિયમિત વાપરે તો લોહી પડવાનું બંધ થાય છે. ઇન ફૅક્ટ, કોઈ પણ પ્રકારનું કૅપિલરી બ્લીડિંગ થતું હોય એમાં નિરંજન ફળ અકસીર છે. ઍક્સિડન્ટને કારણે શરીરમાં ધમની કે રક્તવાહિનીઓ ડૅમેજ થવાને કારણે બ્લીડિંગ થતું હોય ત્યારે નહીં પણ ગરમી અને પિત્તને કારણે થયેલા રક્તસ્રાવમાં એ વપરાય. પિત્તની તાસીર ધરાવતા લોકોને અવારનવાર ગરમીમાં નસકોરી ફૂટતી હોય છે. એવામાં આ ફળ ઠંડક આપનારું છે. ગરમીની સીઝનમાં જેમને કોષ્ઠમાં પિત્તનો પ્રકોપ રહેતો હોય તેમને ગૅસ, ઍસિડિટી, અપચો, કબજિયાત રહેતાં જ હોય. આવા લોકો પણ નિરંજન ફળનો ઉપયોગ કરે તો ખૂબ ફાયદો થાય છે. શરીરમાં વધેલું પિત્ત બહાર ફેંકી દેવાનું કામ કરતું હોવાથી એક રીતે શરીરની શુદ્ધિ પણ થાય છે આ ફળથી.’


કઈ રીતે લેવાય?
નિરંજન ફળ લેવાની બે રીત છે. બહુ પ્રચલિત અને નિર્દોષ રીત છે પલાળ્યા પછી એનું પાણી લેવાની. એ પદ્ધતિ સમજાવતાં ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘ચાર-પાંચ ફળને બરાબર ધોઈને સહેજ હૂંફાળા ગરમ પાણીમાં પલાળવાં. આખી રાત પલળેલાં આ ફળ સવારે ફૂલીને મોટાં થઈ જશે. આ ફળને નિચોવીને એનું પાણી સવારે નરણા કોઠે પી જવું. આ પાણી ખૂબ જ ઠંડક કરનારું છે. આ પાણી પીવાથી લોહી પડતા હરસની તકલીફમાં બહુ ફાયદો થાય છે. અનેક લોકો વર્ષો સુધી આ પાણી પીને હરસની તકલીફમાં રાહત મેળવે છે. કબજિયાતમાં ફાયદો જોઈતો હોય તો પલાળેલું ફળ ખાઈ પણ શકાય, પરંતુ એનો ટેસ્ટ સારો નથી હોતો. વળી એ ફળ બધાને સદે જ એ જરૂરી નથી. એટલે ફળ ખાવાનું વૈદકીય સલાહ મુજબ જ કરવું. બાકી પલાળેલા ફળનું પાણી પીવામાં કોઈ જ આડઅસર નથી.’

માસિક ડીલે કરવામાં લેવાય?
નિરંજન ફળનું પાણી કેટલીક મહિલાઓ પિરિયડ્સને ડીલે કરવા માટે બહુ વાપરે છે. કોઈ ધાર્મિક પ્રસંગમાં ભાગ લઈ શકાય એ માટે પોતાની અનુકૂળતા મુજબ માસિક થોડુંક મોડું આવે એ માટે બહેનો માસિક આવવાના ચાર-પાંચ દિવસ પહેલાંથી જ નિરંજન ફળનું પાણી પીવા લાગે છે. ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘માસિક ડીલે કરવામાં પણ એ બહુ અકસીર છે, પણ હું કહીશ કે પિરિયડ્સને વારંવાર બાહ્ય પ્રયત્નો દ્વારા ડીલે કે વહેલું કરવાનાં કામો લાંબા ગાળે સારાં પરિણામો આપતાં નથી. નિરંજન ફળથી માસિક પાછું ઠેલાય છે એ વાત સાચી છે, પણ આ પ્રયોગને નૅચરલ ગણીને એનો દુરુપયોગ ન કરવો. દર ત્રણ-ચાર મહિને માસિકચક્રને આગળ-પાછળ કરવાના આવા પ્રયોગો હિતાવહ નથી.’

૨૧ દિવસ અને ૧૦ દિવસનો નિયમ 
ભલે કોઈ પણ ફળ કે હર્બ હોય, એનો નિયમિત અને રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ એવી સલાહ આપતાં ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘કૂલિંગ-ઇફેક્ટ આપતું આ હર્બ હોય કે બીજું કોઈ પણ ઔષધ, એને રોજિંદી દિનચર્યાનો ભાગ બનાવી ન દેવો. એમ કરશો તો થોડા જ દિવસમાં તમારા શરીરની તાસીર ઇમ્યુન થઈ જશે. આ ફળનો પ્રયોગ ૧૧ કે ૨૧ દિવસ સુધી સતત કરો એ પછી દસેક દિવસનો ગૅપ લેવો. રોજેરોજ સળંગ નિરંજન ફળ ન લેવું.’

Whatsapp-channel Whatsapp-channel

14 May, 2024 08:08 AM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK