આ વાતને લાઇફનો સિદ્ધાંત બનાવીને રાખવી જોઈએ. અમે નાના-નાના પ્રોગ્રામો કરતાં હતાં એ સમયે અમને સંજય લીલા ભણસાલીએ સૉન્ગ કોરિયોગ્રાફ કરવાની ઑફર આપી. જો એ સમયે અમે ગભરાયાં હોત તો આજે તમે આ કૉલમ વાંચતા ન હોત
સંજય લીલા ભણસાલી સાથે તન્ના
ફ્રેશ કોરિયોગ્રાફર્સનો એક સવાલ વારંવાર આવે છે કે મૅરેજ ફંક્શનમાં જે કોરિયોગ્રાફી કરવામાં આવે છે એ કરવા માટે કોઈ નાનપ રાખવી જોઈએ કે નહીં?
ના, જરા પણ નહીં. ડાન્સ કે કોરિયોગ્રાફી જ્યાં પણ કરવા મળે કે શીખવા મળે ત્યાંથી એને સતત લેતા રહેવી જોઈએ. કોરિયોગ્રાફી એક એવું કામ છે જેમાં તમારે સતત ઘડાતા જવાનું છે. પેન્સિલની અણી કાઢીને તમે રેડી રાખો પણ જો એનાથી લખવામાં ન આવે તો એ ધારની કોઈ અસર ન રહે. તમે તમારા મનમાં અમુક સ્ટેપ્સ કે ફૉર્મેટ રેડી કરીને રાખ્યું હોય એ પછી જો એનો વપરાશ ન થાય કે મનમાંથી કાઢી નાખવામાં ન આવે તો એ જૂનું થવા માંડે. ઇન ફૅક્ટ કોઈ કામ નાનું હોતું જ નથી અને અમે તો કહીશું કે લાઇવ આર્ટથી મોટી ચૅલેન્જ લાઇફમાં કોઈ હોતી જ નથી.
ADVERTISEMENT
ફિલ્મોમાં તમારી પાસે રીટેકનો ઑપ્શન છે અને એનાથી મોટી વાત, એડિટ ટેબલ પર તમે ધારો એ કામ કરી શકો છો પણ લાઇવ આર્ટમાં એક વખત સ્ટેજ પર કામ શરૂ થયું એ પછી કોરિયોગ્રાફરના હાથમાં કશું રહેતું નથી. તમે જે શીખવ્યું છે એ બધેબધું આપીને તમારે પણ એક બાજુએ બેસી જવાનું છે. એ સમયે સ્ટેજ પરની વ્યક્તિની કળા કામ લાગવાની છે. ભૂલ થાય તો એને કેવી રીતે સુધારવી એ પણ એણે જ જોવાનું છે અને એ પણ એણે જ જોવાનું છે કે ભૂલ ન સુધારે તો શું થાય.
જેમ અટકી ગયેલા પાણીમાંથી બદબૂ આવવા માંડે એવી રીતે અટકી ગયેલી આર્ટ પણ ક્યાંક ને ક્યાંક જુનવાણી બનીને બદબૂ આપતી થઈ જાય છે. કળાનો એક સીધો નિયમ છે. એ બહાર આવશે તો જ તમારી પાસે કળાના નવા ફૉર્મનો વિચાર જન્મશે. બહેતર છે કે તમે તમારી કળાને, તમારી આર્ટને બહાર આવવા દો. ભલે પછી એ કોઈ પણ ક્ષેત્ર સાથે સંકળાયેલી હોય. જો તમે મ્યુઝિક-ડિરેક્ટર હો અને તમે ફિલ્મોમાં મ્યુઝિક આપવા માગતા હો તો પણ તમને આ જ વાત લાગુ પડે અને ધારો કે તમે રાઇટર બની ફિલ્મો લખવા માગતા હો તો પણ તમને આ જ વાત લાગુ પડે. જેમ રેડી કરેલી પેન્સિલ જ લખવા માટે કામ લાગે એવી જ રીતે કસાયેલી આર્ટ જ પ્રદર્શિત કરવામાં કામ આવે.
ઘણી વખત એવું પણ બને કે આપણે મનમાં કોઈ સ્ટેપ ડિઝાઇન કર્યું હોય એ સ્ટેપ પર્ફોર્મ કરવામાં એટલું સારું ન પણ લાગતું હોય તો એ આ પ્રકારની લાઇવ આર્ટ દરમ્યાન ધ્યાનમાં આવી જાય. અમારી સાથે પણ એવું ઘણી વાર બનતું હોય છે કે અમે કોઈ સ્ટેપ આર્ટિસ્ટ પાસે કરાવીએ અને એ સ્ટેપ જે-તે આર્ટિસ્ટ પર સારું ન લાગતું હોય તો અમે ઇમિડિએટલી એ ચેન્જ કરી લઈએ. ગયા રવિવારે આપણે વાત કરી એ ‘ઓમ મંગલમ્ સિંગલમ્’ના લટકો સૉન્ગમાં જે સ્ટેપ હતાં એ સ્ટેપ એ પ્રકારે ડિઝાઇન થયાં હતાં જે એક અલ્લડ પણ સાવ ઇનોસન્ટ કહેવાય એવી છોકરીનાં જ હોઈ શકે. જો આ સ્ટેપ તમે આરોહી પટેલ સિવાયની કોઈ ઍક્ટ્રેસને આપી દો તો એ સ્ટેપ્સની ગરિમા જોખમાય.
કહેવાનો ભાવાર્થ એ કે તમારા મનમાં ઊભાં થયેલાં સ્ટેપ્સ પણ કોની સાથે સારાં લાગશે અને એ કૅરૅક્ટર કેવું ડિઝાઇન થયેલું હશે એના પર બહુ મદાર રાખે છે.
કોઈ કામને ક્યારેય નાનું ગણવું નહીં અને ક્યારેય મોટું પણ માનવું નહીં. આ બન્ને વાતને મનમાં સ્ટોર કરીને રાખવાની છે. નાના-નાના પ્રોગ્રામો કરતાં હતાં અને એક દિવસ સંજય ભણસાલીએ આવીને ફિલ્મ ઑફર કરી. એ સમયે પણ સંજય ભણસાલી તો ગ્રેટ ભણસાલી જ હતા અને તેમની સાથે જે કામ કરવાના હતા એ બધા બહુ મોટા સ્ટાર હતા પણ જો એ મોટા સ્ટાર તમારા મન પર ડર ઊભો કરવા માંડે તો ચોક્કસપણે એની નકારાત્મક અસર તમારા કામ પર પડે અને કામ પર પડતી ખરાબ અસરને લીધે સીધું કામ બગડતું હોય છે. બહેતર છે કે એક્સપોઝર મળે એ માટે આ બે વાત હંમેશાં અને કાયમ યાદ રાખવી.
કોઈ કામ નાનું હોતું નથી, કોઈ કામ મોટું હોતું નથી.

