કોઈ સર્જક ખિતાબ મેળવવા નથી લખતો, પણ એ મળે ત્યારે ખરેખર જીવનકિતાબ સાર્થક થતી હોય છે

પ્રતીકાત્મક તસવીર
હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ માટે એસ. એસ. રાહી અને કિરણસિંહ ચૌહાણને એનાયત થઈ રહ્યું છે ત્યારે બન્ને શાયરોને બેફામ શુભેચ્છા. કોઈ એક કાર્યમાં વર્ષોનું સાતત્ય હોય અને એ પણ ગુણવત્તાસભર ત્યારે ખિતાબના હકદાર બનાય. કોઈ સર્જક ખિતાબ મેળવવા નથી લખતો, પણ એ મળે ત્યારે ખરેખર જીવનકિતાબ સાર્થક થતી હોય છે. પ્રતિષ્ઠા કે પરિણામ માટેની પ્રતીક્ષા સામાન્યતઃ લાંબી હોય છે એવું જૈમિન ઠક્કર પથિકની પંક્તિઓમાં સમજાય છે...
સત્યનો રસ્તો પડે અઘરો છતાં
એ તરફ થોડું વળું, તો પણ ઘણું
જિંદગી વીતી ગઈ દુઃખમાં પથિક
અંતમાં સુખને મળું, તો પણ ઘણું
સત્યનો રસ્તો હંમેશાં કાંટાળો હોય છે. એમાં લોહીલુહાણ ન થઈએ તો જ નવાઈ. ભલે એમાં પીડા હોય છતાં આ રક્ત નવોઢાનાં કંકુ પગલાં જેવું પવિત્ર હોય છે. સત્યનો રાહ શૂળીનો હોય કે ગોળીનો, એ પંથે ચાલનારા અટકવા ન જોઈએ. અવારનવાર સત્યને ચગદી નાખવાના પ્રયાસો થાય છે ત્યારે દિનેશ ડોંગરેનો હુંકાર જરૂરી બને છે...
નિકંદન કાઢનારા એટલું તું પણ વિચારી લે
ઊભો થૈ રાખમાંથી હું તને સામો મળું પાછો
તથાગત જેમ દુનિયાને ત્યજી દેવી નથી સહેલી
તમે જો સાદ પાડો તો કદાચિત હું વળું પાછો
દુનિયા તો શું ખિસ્સામાંથી એક રૂપિયો ત્યજવો પણ સહેલો નથી. સંસારની માયા ઓઢેલી ચાદરની જેમ અળગી કરી શકાતી નથી. સંવેદનાના તરાપા સંબંધના સરોવરમાં તરતા જ રહે. એમાં શાંત તરંગનું રૂપાંતર જીવલેણ વમળમાં ક્યારે થઈ જાય એનો ખ્યાલ ના રહે. કેટલીક વાર સંપર્કનાં જાળાં એટલાં ગૂંચવાયેલાં હોય કે રવીન્દ્ર પારેખ દર્શાવે છે એ હકીકત ધ્યાનમાં નથી આવતી...
ઊંઘથી જુદો મને કોણે કર્યો?
આમ તો મારા ઉપર પણ શક હતો
શક્ય છે કે આ પછી હું ના મળું
ખુદને મળવાની હું છેલ્લી તક હતો
કોઈ તમને મળવાનો વાયદો આપે અને ચાર દિવસ પછી એ વ્યક્તિ આ દુનિયામાં હોય જ નહીં એવું બને. ઘણી વાર તમે અનુભૂતિ કરી હશે કે કોઈ વૃદ્ધ સ્વજન, મિત્ર કે કલાકારને મળવાનું મન થતું હોય અને થોડા જ દિવસમાં તેમની એક્ઝિટના સમાચાર મળે. મુકેશ જોષીની પંક્તિમાં કહીએ તો ત્યારે સાલું લાગી આવે. નીરવ વ્યાસ આ અફસોસને લાગણીના તંતુથી જીવંત બનાવે છે...
ના દુહામાં કે તને હું વારતામાં નહીં મળું
હું અલગ છું દોસ્ત સૌથી, હું બધામાં નહીં મળું
સાવ પાણીનાં પ્રતિબિંબોમાં શાયદ હું મળું?
પણ હવે આ તડ પડેલા આયનામાં નહીં મળું
તડ પડેલા આયનામાં પ્રતિબિંબ પણ તરડાઈ જવાનું. આયના પરની ધૂળને સાફ કરી શકાય, પણ સફેદ સિમેન્ટથી પૂરેલી તડ તો દેખાવાની. પ્રતિબિંબને પડતા ઉઝરડા જોવાનું કામ આંખો માટે અઘરું છે. ચહેરા ઉપર કરચલી જોવી ગમતી નથી તો તડ જોવી ક્યાંથી ગમવાની. જો કુદરતના પ્રતિબિંબની સાહજિકતા આપણા સ્વભાવમાં આવે તો હેમંત ધોરડાની આ વાત સમજાય...
ઓસમાં જેમ આભનું બિમ્બ પડે અફર પડે
જ્યારે ઉઘાડે આંખ તું મારી ઉપર નજર પડે
તું જે દિશા તરફ વળે સામે મળું હું દિશદિશે
રાહ તું લે જે એ બધી રાહમાં મારું ઘર પડે
જિંદગીનો રાહ નક્કી કરવામાં પા ભાગની ઉંમર વીતી જાય છે. પછી એ રાહ પર ચાલવામાં જિંદગીનો બીજો પા ભાગ જોઈએ. અહીં આપણે અડધે સુધી તો પહોંચી જઈએ. બાકીના પા ભાગમાં ખ્યાલ આવે કે આમાંથી અમુક વર્ષો તો ભંગારમાં કાઢવા જેવાં હતાં, જેને આપણે ઉપલબ્ધિ ગણતા હતા. આવું કોઈ તારણ નીકળે પછી મરીઝ કહે છે એવો અફસોસ બિલાડીની જેમ પંપાળવો પડે...
બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે
દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે
ક્યા બાત હૈ
પથ્થરો કૂણા ને ચહેરા જડ મળે
આ સ્થિતિમાં કેમ કોઈ ગડ મળે
ખુશ થઈ જાઉં છું, છાપું જોઈને
એમાં જો તારા વિશે વાવડ મળે
પાંદડી કેવી રીતે આપું તને?
પાંદડી તોડું તો આખો વડ મળે
વાસ્તવિકતામાં હું એ પલટાવી દઈશ
એક-બે સમણાંની જો સગવડ મળે
આજ એ દુકાનનું સરનામું આપ
શ્યામવર્ણા જુલ્ફ જ્યાં જાંગડ મળે
આઠમો કોઠો હતો મેં ભેદી દીધો
તે છતાં આ કેમ નવમું પડ મળે?
એસ. એસ. રાહી