વીતેલા વરસમાં આપણે હંમેશાં સફળ નથી થયા અને એ જ રીતે હંમેશાં નિષ્ફળ પણ નથી ગયા. ક્યાંક કશુંક મળ્યું છે તો ક્યાંક ખોઈ પણ બેઠા છીએ. આ લેવડદેવડ સમજવા જેવી છે. સફળતા કે નિષ્ફળતા તો ઠીક, પણ આ પ્રયાસોએ આપણને કેટલુંક શીખવ્યું છે.
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે
ચાલો, એક વરસ પૂરું થયું.
અને હવે નવું વરસ શરૂ થયું. શરૂ થતા વરસને આપણે નવું વરસ કહીએ છીએ, પણ પૂરા થઈ ગયેલા વરસને આપણે જૂનું વરસ કહીએ છીએ ખરા? વરસ જૂનું પણ નથી હોતું અને વરસ નવું પણ નથી હોતું. વરસ માત્ર સમય છે અને સમય માત્ર હોય છે.
ADVERTISEMENT
વીતી ગયેલા વરસમાં આપણે કેટલાં ધારેલાં કામ સફળ કરી શક્યા? વીતેલા વરસના ૩૬૫ દિવસમાં દરેક વ્યક્તિએ યથાશક્તિ અને યથામતિ કામ તો કર્યાં જ હશે અને આ કામ એટલે કેટલીયે નિશ્ચિત કરેલી ધારણાઓ. આમ કરવું હતું, તેમ કરવું હતું એમ આખું વરસ બાથમબાથી કરી. કહો જોઈએ કેટલાં કામ સફળ થયાં અને કેટલાં કામ નિષ્ફળ ગયાં? જે કામ નિષ્ફળ ગયાં હશે એને આપણે નવા વરસમાં પણ કદાચ ચાલુ રાખીશું, કારણ કે આપણે આ કામ કરવાં છે. જે કામ સફળ નથી થયાં અને હવે સફળ થઈ શકે એમ નથી એવી જાણકારી મનમાં થઈ જાય છે એટલે આપણે એ કામ પડતાં મૂકી દઈએ છીએ. કામ જ્યારે સફળ થાય છે ત્યારે આપણે છાતી ફુલાવીને એવું પણ કહેતા હોઈએ છીએ કે મેં આમ કર્યું અને મેં તેમ કર્યું, મારા આમ કરવાથી અને તેમ કરવાથી જ કામ સફળ થયું. સફળતાનો યશ લેતાં મને આવડે છે, પણ આવું બધું આમતેમ કરવા છતાં જે કામમાં તમે નિષ્ફળ ગયા છો એ કામ વિશે તમે કહી દેશો કે ‘એમાં મારો શો વાંક છે? એ તો આમ થયું અને તેમ થયું એટલે આવું થયું.’ અહીં તમે યશ પડતો મૂકો છો, પણ અપયશ લેવા પણ તૈયાર નથી. સફળતાનું કારણ હું છું અને નિષ્ફળતાનું કારણ કોઈક બીજું છે.
ગઈ કાલે શું થયું હતું?
ઇતિહાસની એવી કેટલીક ગઈ કાલો યાદ કરીએ. કુરુક્ષેત્રમાં પાંડવ પક્ષે જે યોદ્ધાઓ હતા એ કરતાં કૌરવ પક્ષે ઘણું સામર્થ્ય સૈન્ય હતું. ભીષ્મ, દ્રોણ, કર્ણ ઇત્યાદિ સામે ટક્કર લઈ શકે એવું અર્જુન સિવાય બીજું કોણ હતું? આમ છતાં કૌરવો હાર્યા અને પાંડવો જીત્યા. એ જ રીતે એવું ઘણી વાર બન્યું છે કે પરાજિત પક્ષે સામર્થ્ય હોવા છતાં સફળતા મેળવી ન હોય. સફળતા કે નિષ્ફળતા માટે કોઈ નિશ્ચિત કારણ હોતું નથી. ક્રિકેટના મેદાનમાં ક્યારેક બૅટ જીતી જાય છે તો ક્યારેક બૉલ જીતી જાય છે. એનો એ જ બૅટ્સમૅન અને એનો એ જ બોલર હોવા છતાં સફળતા-નિષ્ફળતાના પાસા પલટાઈ જાય છે.
સફળ માણસો પુરુષાર્થના પલ્લે બેસી જતા હોય છે અને નિષ્ફળ માણસો પ્રારબ્ધની ઓથ લેતા હોય છે. પુરુષાર્થ અને પ્રારબ્ધ વચ્ચે આદિકાળથી વિવાદ ચાલતો આવ્યો છે. ગીતાના અઢારમા અધ્યાયમાં શ્રીકૃષ્ણે અર્જુનને યુદ્ધ કરવાનો ઉપદેશ આપતાં જે સમાપન કર્યું છે એમાં એમ કહ્યું છે કે કામ કરવા માટે સમર્થ શરીર, કુશાગ્ર બુદ્ધિ, કામ કરવાની વૃત્તિ અને અનુકૂળ સંયોગો હોવા જોઈએ. આમ છતાં આ બધું હોવામાત્રથી સફળતા મળી જશે એમ માની શકાય નહીં, કેમ કે કોઈ પણ કર્મનું પરિણામ અંતે તો દેવને જ આધીન છે.
એવું કહેવાય છે કે જે કંઈ બનવાનું છે એ બધું જ પૂર્વનિર્ધારિત છે. આ નિર્ધાર શું છે એ આપણે જાણતા નથી એટલે આપણે આપણી પોતાની ઇચ્છા કે અનિચ્છા પ્રમાણે યથાશક્તિ, યથામતિ માત્ર પ્રયાસો જ કરવાના છે અને એ પછી ભાવિના પડદા પાછળ જે અગાઉથી નિશ્ચિત થઈ ચૂકેલું છે એ પ્રગટ થાય છે. એ પ્રગટ આપણે જ કર્યું છે એમ દેખીતી રીતે ઘડીક આપણને લાગે ખરું, પણ ગીતામાં જ શ્રીકૃષ્ણે આ ભ્રમ દૂર કરતા હોય એમ કહ્યું છે...
निमित्तमात्रं भव सव्यसाचिन ।
‘હે અર્જુન, સફળતા કે નિષ્ફળતા તને જે કંઈ મળે, તું એનો નિમિત્ત બન.’
વીતેલા વરસની લેણદેણ
વીતેલા વરસમાં આપણે હંમેશાં સફળ નથી થયા અને એ જ રીતે હંમેશાં નિષ્ફળ પણ નથી ગયા. ક્યાંક કશુંક મળ્યું છે તો ક્યાંક ખોઈ પણ બેઠા છીએ. આ લેવડદેવડ સમજવા જેવી છે. સફળતા કે નિષ્ફળતા તો ઠીક, પણ આ પ્રયાસોએ આપણને કેટલુંક શીખવ્યું છે. આપણે આ બધાં કામો કરવા માટે કંઈકેટલાય સ્નેહી-સંબંધી કે પરિચિતો સાથે કામ પાડ્યું છે. કામનાં પરિણામોની વાત એક બાજુ છોડી દઈએ. આ કામ પાડતી વખતે જેમની સાથે આપણે કામ પાડ્યું તેમની સાથે જે કંઈ થયું એ આપણને કશુંક શીખવી જાય છે. ગઈ કાલે કંઈ કામકાજ હોય તો કહેજો એમ કહેનારા સ્વજનોને જ્યારે કામકાજ સોંપીએ ત્યારે તેમણે શું કહ્યું એ યાદ રાખવા જેવું છે. આ બધું શીખવા જેવું છે. સફળતા-નિષ્ફળતા તો ભલે એક બાજુએ રહી, પણ આ શિખામણ વધારે ઉપયોગી છે. કોઈ પણ પરિસ્થિતિ માત્ર એ જ સંકેત આપે છે કે તારા પગ ધરતી પર જ રહેવા દેજે અને ધરતી તારા પગ હેઠળ છે.


