હું તો કહીશ કે એવી માનસિકતા જ શું કામ રાખવી જેમાં તમારી બેદરકારી તમને અને તમારા પરિવારને હેરાન કરી મૂકે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ગઈ કાલનો પીસ વાંચીને કેટલીક મહિલા વાચકના મનમાં આવ્યું કે દીકરા-દીકરીઓ મોટાં થઈ ગયાં, લગ્નજીવન પણ ખાસ્સું લાંબું જીવી લીધું તો હવે પછી મેડિકલ ચેક-અપના લફડામાં ન પડીએ તો શું લૂંટાઈ જવાનું?
બહુ સીધી વાત છે. મોટાં થઈ ગયેલાં દીકરા-દીકરીઓ એવું નથી કહેતાં કે પ્લીઝ, હવે તમે જાઓ અને લાંબું લગ્નજીવન નસીબદારને મળતું હોય છે. તમને મળ્યું તો એ નસીબનો હજી વધારે આનંદ ઉઠાવો અને એનો પૂરતો લાભ લો. શું કામ દાનવીર કર્ણ બનીને જીવનનો ભોગ આપવો છે અને ધારો કે ભોગ આપવો જ હોય તો પછી આ રીતે શું કામ આપવો છે, જેમાં બીમારી અને તકલીફ સાથે જીવવું પડે?
વિચાર સ્વાસ્થ્યનો માત્ર પોતાના એક પૂરતો નથી કરવાનો. સ્વસ્થ સ્વાસ્થ્યનો વિચાર એવા હેતુથી પણ કરવાનો છે કે તમારી સેવાચાકરીની જવાબદારી કોઈના શિરે ન આવે. એવા હેતુથી પણ કરવાનો છે કે તમારાં સંતાનોની કે પછી પતિની પરસેવાની કમાણી હૉસ્પિટલના બિછાને ન ખર્ચાય અને એને બદલે એ પૈસા તમે તમારા જીવનના આ અંતિમ તબક્કાને વધારે આનંદમયી અને ખુશદાયી બનાવવામાં ખર્ચો.
આ પણ વાંચો: હૅન્ડલ વિથ કૅર:સુસ્મિતા સેનના કિસ્સા પરથી સમજવાનું છે કે મહિલાઓ પણ બેદરકાર ન રહે
એક વાત યાદ રાખજો કે જાતનું ધ્યાન રાખવું એ માત્ર જાત પર થતો ઉપકાર નથી, પણ જાતનું ધ્યાન રાખવું એ પરિવાર પણ પર ઉપકાર સમાન છે. જો તમે ન ઇચ્છતા હો કે તમારી આસપાસ સૌકોઈ ફર્યા કરે, જો તમે ન ઇચ્છતા હો કે તમારી સેવામાં સૌકોઈએ રત રહેવું પડે અને જો તમે ન ઇચ્છતા હો કે તમારા સ્નેહીજનો પોતાની જિંદગીનો કીમતી સમય તમારી પાછળ ન બગાડે અને પોતાના કામમાં કે પછી પોતાના જીવનમાં વ્યસ્ત રહે તો તમારે પહેલું કામ એ કરવું પડશે કે તમે તમારી તબિયત બગડવાની દિશાથી દૂર ચાલ્યા જાઓ અને તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. બીમાર પડીને કોઈનું ફોકસ લેવા ન ઇચ્છતા હો તો આજથી જ તમે એ દિશામાં કામ કરવાનું શરૂ કરી દો, જેમાં તમે અને તમારી તબિયત બન્ને મજબૂત રહે અને તમે હસતાં-હસતાં તમારા રોજબરોજને પાર પાડો.
આ બધી વાત માત્ર મહિલાઓને જ લાગુ પડે છે એવું નથી. ઉંમરલાયક થઈ ગયેલા સૌકોઈને આ વાત લાગુ પડે છે અને તેમણે આ તમામ વાતો ફૉલો કરવાની છે. હું તો કહીશ કે એવી માનસિકતા જ શું કામ રાખવી જેમાં તમારી બેદરકારી તમને અને તમારા પરિવારને હેરાન કરી મૂકે. ના રે, જરાય નહીં અને ક્યારેય નહીં. તમારે તો એ જ દિશામાં જવાનું છે જે દિશામાં તમારી સૌથી ઓછામાં ઓછી ચિંતા કરવામાં આવે અને તમારે કારણે ક્યારેય કોઈનો પ્રોગ્રામ ચેન્જ ન થાય કે તેમણે એવું કરવું ન પડે. અફકોર્સ, તમે એવું જ ઇચ્છો છો, પણ એ ઇચ્છાને તમારે ફળીભૂત કરવી હશે તો તમારે એ દિશામાં કામ પણ કરવું પડશે અને તમારે સ્વાસ્થ્યને મજબૂત પણ બનાવવું પડશે. હેલ્થ સારી હશે તો વેલ્થનો સાચો ઉપયોગ થઈ શકશે અને કહે છેને કે ‘જાન હૈ તો જહાન હૈ...’ એવી જ રીતે જહાન અકબંધ રાખવા માટે જીવને સર્વોચ્ચ રીતે જાળવી લેવામાં આવે એનાથી ઉત્તમ બીજું કશું નથી, માટે બી અવેર, બી અલર્ટ; કારણ કે તમારી હયાતી અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે.