Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > Thanks | થૅન્ક્સ

Thanks | થૅન્ક્સ

09 February, 2024 05:58 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

કોઈ ટોકવાવાળું નહીં, કોઈ ના પાડનારું પણ નહીં. ઢબ્બુએ જે કરવું હોય એ કરવાની છૂટ અને મજા તો ત્યારે વધી જાય જ્યારે પપ્પાની ઑફિસનો સ્ટાફ પણ તેની સાથે રમવા માંડે.

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


ઢબ્બુએ ટેબલ પર પગ લાંબા કર્યા કે તરત ધીમેકથી પપ્પાએ એ પગ નીચે ઉતારી દીધા અને લાંબા પગ કરવા માટે જે સ્ટૂલ રાખ્યું હતું એ ઢબ્બુના પગ પાસે મૂકી દીધું.

આજે ઢબ્બુ સ્કૂલથી સીધો ઑફિસે આવ્યો હતો. મમ્મી બહાર ગઈ હતી અને તે સાંજ પહેલાં ઘરે પહોંચવાની નહોતી એટલે ઢબ્બુને સાચવવાની જવાબદારી પપ્પા પર હતી. ઑફિસે આવવું ઢબ્બુને બહુ ગમતું. ગમે પણ શું કામ નહીં?કોઈ ટોકવાવાળું નહીં, કોઈ ના પાડનારું પણ નહીં. ઢબ્બુએ જે કરવું હોય એ કરવાની છૂટ અને મજા તો ત્યારે વધી જાય જ્યારે પપ્પાની ઑફિસનો સ્ટાફ પણ તેની સાથે રમવા માંડે. પ્યુન કિશનદાદા પાસે માગો એ તરત નાસ્તો અને કોલ્ડ-​ડ્રિન્ક હાજર થઈ જાય અને લટકામાં અલગ-અલગ કમ્પ્યુટર પર ગેમ રમવા પણ મળે.


‘થૅન્ક યુ...’

પીત્ઝા ખાતા ઢબ્બુએ પપ્પા સામે જોયું. પપ્પાની અસિસ્ટન્ટ ફાઇલ આપવા આવી, જે ફાઇલ હાથમાં લેતાં પપ્પાએ જવાબ આપ્યો હતો.


lll

‘થૅન્ક યુ...’

સોફા પર લંબાવીને પપ્પાના મોબાઇલમાં ગેમ રમતા ઢબ્બુએ ઉપર જોયું. હવે કિશનદાદા આવ્યા હતા. પપ્પાના ટેબલ પર ગ્રીન ટી મૂકી કે તરત પપ્પાએ તેમની સામે જોઈને સ્માઇલ સાથે જવાબ આપ્યો હતો.

lll

‘થૅન્ક યુ...’

દસ મિનિટ પછી ફરીથી પપ્પાના મોઢે આ એક ડાયલૉગ સાંભળવા મળ્યો એટલે ફરી ઢબ્બુનું ધ્યાન પપ્પા તરફ ગયું.

પપ્પા ઇન્ટરકૉમ પર વાત કરતાં કોઈને થૅન્ક યુ કહીને ફોન મૂકતા હતા.

‘શું થયું?’

ઢબ્બુને પોતાની સામે જોતો જોઈને પપ્પાએ સવાલ પૂછ્યો અને જાણે પોતે પણ આ જ ક્ષણની રાહ જોતો હોય એમ તરત ઢબ્બુ સોફા પરથી પપ્પા પાસે પહોંચી ગયો.

‘તમે અહીં જૉબ કરો છો?’

‘ના, કેમ?’

‘પણ બધાને થૅન્ક યુ તો તમે કહેતા ફરો છો?’ ઢબ્બુના સવાલમાં ઇનોસન્સ હતી, ‘થૅન્ક યુ તો એ લોકોએ કહેવાનું હોયને, તમે એ લોકોના બૉસ છો...’

‘ના... એવું ન હોય. જે તમને હેલ્પફુલ બને, જે તમને હેલ્પ કરે એ બધાને થૅન્ક યુ કહેવાનું હોય...’

‘હાઆઆઆ...’ સરગમના સાતમા સૂર સુધી હકારને ખેંચીને ઢબ્બુએ કહ્યું, ‘તમે તો પેલા લિફ્ટમૅનને પણ થૅન્ક યુ કહ્યું’તું?’

‘રાઇટ...’ પપ્પાએ કારણ પણ કહ્યું, ‘તે લિફ્ટમૅને આપણને દરવાજો ખોલી આપ્યો... તે આપણી રાહ જોઈને પણ ઊભો રહ્યો તો પછી થૅન્ક્સ તો કહેવું જોઈએને.’

ચૂપ બેસી ગયેલા ઢબ્બુને પપ્પાએ સવાલ કર્યો.

‘તેં આજે કોને થૅન્ક્સ કહ્યું?’

ઢબ્બુએ નીચેનો હોઠ બહાર કાઢ્યો અને નકારમાં મસ્તક ધુણાવ્યું.

‘કોઈને નહીં, પણ... મને કોઈએ હેલ્પ જ નથી કરી તો પછી હું કેવી રીતે કોઈને થૅન્ક્સ કહું.’

‘દરેક વખતે હેલ્પ આપણને દેખાય એવું ન હોય... કેટલીક હેલ્પ હિડન હોય.’ પપ્પાએ લૅપટૉપ પર ફોકસ કરતાં કહ્યું, ‘શું કામ કહેવું જોઈએ એ રાતે સમજાવીશ.’

‘સ્ટોરી ફૉર્મમાં...’ પપ્પાએ ઢબ્બુ સામે જોયું એટલે તરત ઢબ્બુએ ચોખવટ કરી, ‘મને તરત જ સમજાઈ જાય એટલે કહું છું...’

સ્માઇલ સાથે પપ્પાએ ઢબ્બુના વાળ સહેજ વીંખ્યા અને બીજી જ સેકન્ડે ઢબ્બુ પપ્પાની ચેમ્બરમાં આવેલા વૉશરૂમમાં દોડ્યો. આજકાલ ઢબ્બુને આ નવી આદત પડી હતી. વાળ સહેજ વીંખાય કે તરત તે વાળ ઓળવા જતો.

lll

‘પેલી થૅન્ક્સવાળી સ્ટોરી...’ ડિનર પછી ઢબ્બુએ રાબેતા મુજબ જ કોચ પર પોતાની જગ્યા લઈને કિચનમાં કામ કરતી મમ્મીને રાડ પાડી, ‘ફાસ્ટ, પછી સ્ટોરીનું સ્ટાર્ટિંગ મિસ થઈ જશે...’

‘મારે કામ છે...’

‘પછી તારામાં નૉલેજ નહીં આવે...’ ઢબ્બુએ મમ્મીને આગ્રહ કર્યો, ‘જલદી આવ, કામ પછી કરજે...’

‘પપ્પાને કહેજે, સહેજ મોટેથી સ્ટોરી કરે...’

‘ઓકે...’ પપ્પાના ખોળામાં માથું મૂકીને ઢબ્બુએ કહ્યું, ‘સ્ટાર્ટ...’

‘વાત મુલ્લા નસિરુદ્દીનની છે...’

‘તમે એ મુલ્લાજીની એક સ્ટોરી મને પહેલાં પણ કરી છે...’

‘રાઇટ, એ જ મુલ્લા નસિરુદ્દીન. જોકે આ સ્ટોરી જુદી છે.’ પપ્પાએ સ્ટોરી આગળ વધારી, ‘મુલ્લા નસિરુદ્દીન બહુ સારા માણસ. તે ક્યારેય કોઈનું ખરાબ કરે નહીં અને કોઈનું ખરાબ થવાનું હોય તો કોઈ પણ જોખમ લઈને પણ તે પેલા માણસનું સારું કરવા જાય. મુલ્લા નસિરુદ્દીનને અલ્લાહ સાથે બહુ સારી ભાઈબંધી... લોકો એવું કહેતા કે અલ્લાહ અને મુલ્લા નસિરુદ્દીન બન્ને રોજ રાતે વાતો કરે છે.’

‘સાચે?!’

‘મને તો નથી ખબર, પણ લોકો કહેતા એટલે એ સાચું જ હશે...’

‘હં... લોકો ખોટું શું કામ બોલે?!’ ઢબ્બુએ વાત પર પૂર્ણવિરામ મૂક્યું, ‘પછી... મુલ્લાજી રોજ અલ્લાહ સાથે વાત કરે.’

lll

શરૂઆતમાં તો એક જ માણસને આ વાતની ખબર હતી, જે મુલ્લાને ત્યાં કામ કરતો. જોકે તે માણસે બહાર જઈને બીજા લોકોને કહેવાનું શરૂ કર્યું એટલે ધીમે-ધીમે બધાને ખબર પડવા માંડી એટલે બધા પણ મુલ્લાને એકદમ ​રિસ્પેક્ટથી જોતા થઈ ગયા. મુલ્લા પાસે કેટલાક લોકો આવે જે પોતાની ફ​રિયાદ કહે કે તમે અલ્લાહને આટલું પૂછી લેશો? તો મુલ્લા નસિરુદ્દીન પણ હોંશભેર હા પાડે અને પછી રાતે અલ્લાહને એ સંદેશો પણ પાઠવી દે.

‘મુલ્લા સે ​મિલના હૈ...’

એક માણસ આવ્યો અને સીધો મુલ્લા નસિરુદ્દીનના ઘરમાં દાખલ થયો.

‘બોલો, હું જ છું મુલ્લા...’ નસિરુદ્દીને પેલા માણસને પૂછ્યું, ‘કંઈ કામ હતું?’

‘હા મુલ્લા... બહુ અગત્યનું કામ હતું...’

મુલ્લાએ તે માણસને ધ્યાનથી જોયો. બહુ ધનિક હતો તે માણસ. તેના આખા શરીર પર હીરા-મોતીના દાગીના હતા. તે માણસે ઘરમાં આવતાંની સાથે જ મુલ્લાના ઘરની બહાર બેસતા બધા ફકીરોને પણ એક-એક સોનાની મહોર ગિફ્ટમાં આપી દીધી હતી.

‘કહો, શું અગત્યનું કામ છે?’

‘સાંભળ્યું છે કે તમે ખુદા સાથે વાત કરો છો તો ખુદાને એક સંદેશ આપવો છે...’ તે માણસે મુલ્લાને કહ્યું, ‘તેને કહી દો કે હવે મને વધારે ન આપે... મારી પાસે બહુ સંપ​ત્તિ થઈ ગઈ છે... હવે મને વધારે સંપ​ત્તિની જરૂર નથી...’

‘જી... વાત થશે તો ચોક્કસ તમારો સંદેશો હું અલ્લાહને આપી દઈશ.’

તે માણસ તો મુલ્લા નસિરુદ્દીનને સલામી આપીને રવાના થયો. ત્યાં જ એક બીજો માણસ ઘરમાં દાખલ થયો. સાવ ચીંથરેહાલ અવસ્થામાં આવેલા તે માણસના શરીર પર માત્ર એક નાનકડું કપડું હતું અને એ કપડું પણ ફાટેલું હતું. ઘણા દિવસથી ખાધું ન હોય એમ તેનું પેટ અંદર ઊતરી ગયું હતું.

‘મુલ્લા, એક મદદ જોઈએ છે...’ તે માણસ ઘરમાં આવતાં જ કહ્યું, ‘તમારે ખુદા સાથે ડાયરેક્ટ વાત થાય છેને?’

‘જી હા... હોતી હૈ...’

‘તો ઇસ બાર જબ ભી બાત હો તબ ઉન્હેં બતાના, વો કુછ તો મુઝે દે...’ તે માણસે ફ​રિયાદ કરતાં કહ્યું, ‘મારી પાસે નથી ખાવા અનાજ, નથી રહેવા ઘર... શરીર પર જુઓ આ... આ એક કપડું છે ને એ પણ હવે ગમે ત્યારે ફેંકી દેવું પડે એવું થઈ ગયું છે. તમારે અલ્લાહ સાથે વાત થાય તો પ્લીઝ, તમે તેને કહો કે કંઈક તો મને આપે...’

‘ચોક્કસ... હું અલ્લાહને તમારો સંદેશો પહોંચાડીશ...’

તે ગરીબ માણસ ત્યાંથી નીકળી ગયો અને મુલ્લા પણ પોતાના કામે લાગી ગયા.

રાત પડી અને મુલ્લા સૂવા માટે રૂમમાં ગયા.

lll

‘નસિર... ક્યા કર રહે હો?’

મુલ્લા નસિરુદ્દીન હજી તો સૂતા હશે ત્યાં તો તેમની પીઠ પાછળથી અવાજ આવ્યો. અવાજ સાંભળીને મુલ્લા સમજી ગયા કે અલ્લાહ આવી ગયા.

મુલ્લાએ તરત જ આંખો ખોલી, અલ્લાહની બંદગી કરી અને પછી અલ્લાહ તેની સાથે વાતો કરવા બેઠા. બન્નેએ બહુબધી વાતો કરી, ખૂબબધી મજા કરી. સવાર પડવા આવ્યું એટલે અલ્લાહે નસિરુદ્દીનની રજા માગી ને જન્નતમાં જવા માટે વિદાય કરી ત્યાં મુલ્લાને યાદ આવ્યા ઘરે આવેલા પેલા બન્ને શખ્સો.

મુલ્લાએ અલ્લાહને રોક્યા અને કહ્યું`

‘આપસે દો લોગ કી ગુઝારિશ પહૂંચાની થી...’

‘બતાઓ...’

lll

‘મુલ્લા, અલ્લાહ સાથે વાત થઈ કે નહીં?’

સવાર પડતાં જ ઉમરાવ હતો તે માણસ આવ્યો. મુલ્લાએ હા પાડી એટલે તે તરત રાજી થઈને મુલ્લાના પગ પાસે બેસી ગયો.

‘મારી વાત કરી?’ તે માણસે કહ્યું, ‘કહી દીધુંને, હવે મને વધારે ન આપે?’

‘હા, પણ અલ્લાહે તમને એક સંદેશો આપ્યો છે. અલ્લાહે કહ્યું છે કે હવે તમે અલ્લાહનો રોજ આભાર માનવાનું બંધ કરજો...’

‘અરે... એમ કેમ બને?!’ પેલો માણસ તરત ઊભો થઈ ગયો, ‘જે અલ્લાહે, જે ભગવાને મને આટલું બધું આપ્યું છે તેનો આભાર હું કેવી રીતે ન માનું? હું ખુદાનો શુક્રગુઝાર છું કે તેણે મને આ બધું આપવાને કાબિલ સમજ્યો તો મારે તેનો આભાર તો માનવો જ રહ્યો.’

‘ધારો કે આ બધું તારી પાસે ન રહે તો...’

મુલ્લાએ જેવો સવાલ પૂછ્યો કે તરત જ પેલા માણસે જવાબ આપ્યો...

‘તો પણ હું આભાર માનું... આ હવા, આ શરીર, આ બે હાથ, આ ઘર... આ બધું અલ્લાહે તો આપ્યું છે. તેનો આભાર તો મારે માનવો જ પડેને...’ તે માણસે મુલ્લાને ઘસીને ના પાડી દીધી, ‘એ શક્ય જ નથી કે હું અલ્લાહનો આભાર ન માનું. એ મારાથી ક્યારેય થાય જ નહીં, થશે પણ નહીં... સૉરી.’

તે માણસ હજી તો ઘરની બહાર નીકળ્યો હશે ત્યાં તો પેલો ગરીબ માણસ ઘરમાં દાખલ થયો. એ જ તેની હાલત હતી. ઠંડીથી ધ્રૂજતો અને ભૂખથી કકડતો.

lll

‘મુલ્લા, અલ્લાહ સાથે તમારી વાત થઈ?’

‘હા બિરાદર...’ મુલ્લાએ જવાબ આપ્યો, ‘તારી પણ વાત કરી...’

‘હાશ...’ તે માણસ રાજી થઈ ગયો, ‘કહ્યુંને અલ્લાહને, હવે મને કંઈક તો આપે.’

‘હા, કહી દીધું, પણ અલ્લાહે તારા માટે એક સંદેશો મોકલ્યો છે...’

‘શું સંદેશો?’

‘અલ્લાહે કહ્યું છે કે તેનો આભાર માનવાનું શરૂ કરી દે...’

‘શેનો આભાર... શું આભાર...’ પેલો માણસ ગુસ્સે થયો, ‘જવાબ આપો મુલ્લા, મારે શું કામ અલ્લાહનો આભાર માનવાનો? શું આપ્યું છે તેણે મને કે હું તેનો આભાર માનું...’

તે માણસે પોતાના શરીર પર રહેલી પોતડી દેખાડીને મુલ્લાને પૂછ્યું...

‘આ જે ધોતી છે એનો આભાર માનું કે પછી આ શરીરને માંડ ઊંચકીને અહીં આવ્યો એનો આભાર માનું? મુલ્લા, અલ્લાહનો આભાર માનવા જેવું તેણે કંઈ કર્યું નથી. ખબર નથી તમને, મારા શરીરમાં શ્વાસ સિવાય કશું જતું નથી. છેલ્લા એક અઠવાડિયાથી હું માત્ર શ્વાસ પર જીવું છું, અનાજનો એક દાણો નથી મળ્યો...’ ઉશ્કેરાયેલા તે માણસે મુલ્લાને કહી દીધું, ‘હું કંઈ આભાર-બાભાર નથી માનવાનો... મને કંઈ આપ્યું હોય, મેં તેની પાસેથી કંઈ લીધું હોય તો હું આભાર માનુંને?’

lll

‘ગ્રેટિટ્યુડ... તમે કંઈક લો છો, તમને કંઈક મળે છે એના માટે કૃતજ્ઞતા તમારામાં હોવી જોઈએ. જો તમે એ કૃતજ્ઞતા ન દાખવો, તમને જે મળ્યું છે એનો તમે આભાર વ્યક્ત ન કરો તો કેવી રીતે ચાલે? ભગવાન બધાને બધું નથી આપતો, પણ એ જ ભગવાન બધાને કંઈક ને કંઈક તો આપે જ છે...’ પપ્પાએ ઢબ્બુને સમજાવ્યું, ‘તારી પાસે પ્લેસ્ટેશન છે, પણ તારા બધા ફ્રેન્ડ્સ પાસે એ નહીં હોય. તારી પાસે આ સુપરમૅનનું ટી-શર્ટ છે, પણ બહુબધા તારા જેવડા છોકરાઓ એવા છે જેમની પાસે પહેરવા માટે એક કપડું પણ નથી...’

‘ઑફિસમાં મને સ્ટાફ હેલ્પ કરે છે તો મારી ફરજ છે કે મારે તેમને થૅન્ક્સ કહેવાનું જ હોય... મમ્મી પણ મને લંચ અને ​ડિનર બનાવી આપે, જરૂર પડે ત્યારે મારી સાથે ઊભી રહે... મને બધી બાબતમાં સપોર્ટ કરે. એના માટે મારામાં ગ્રેટિટ્યુડ રહેવો જ જોઈએ અને સમય આવ્યે મારે તેને થૅન્ક્સ કહેવું જ જોઈએ... તને પણ...’

‘થૅન્ક્સ...’ ઢબ્બુએ ઊભા થઈને પપ્પાને કહ્યું, ‘મને રોજ આટલી સરસ સ્ટોરી કહેવા માટે અને આટલી સરસ રીતે વાત સમજાવવા માટે...’

‘અને મમ્મીને?’

ઢબ્બુએ મમ્મી સામે જોયું, આખું મોઢું નાક પાસે ભેગું કર્યું કે તરત મમ્મીએ ઢબ્બુને પોતાની પાસે ખેંચી લીધો`

‘થૅન્ક્સ ભગવાન, મને આવો નૉટી ઢબ્બુ આપવા માટે...’

 

સંપૂર્ણ

Whatsapp-channel Whatsapp-channel

09 February, 2024 05:58 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK