‘અરે ભગવાન, મૈં આપ કો નહીં સમજા સકતા.’ કૃષ્ણે બીજી વાર પૂછ્યું એટલે મુન્નાભાઈ અકળાયા, ‘મૈં સમજા નહીં સકતા આપકો વો-વાલી કા મતલબ.’
રાધેશ્યામ ( પ્રકરણ ૪)
‘ભાઈ, અભી તો વો યહીં થી.’ સર્કિટની આંખો રસ્તા પર ફરતી હતી, ‘ઉસકે સાથ જો થા વો બોલતા થા કિ રાધા તુજે ઘર લે જાને મેં ખતરા હૈ.’
‘પણ...’
‘અરે, તુજે માનના હૈ તો માન.’
સર્કિટને કૃષ્ણ પર ગુસ્સો આવતો હતો. એક તો ઇન્ફર્મેશન આપી અને પછી ગાળો પણ ખાવાની.
‘મુજે કોઈ ફર્ક નહીં પડતા.
મૈં તો અભી ભી વો હી બાત કરુંગા કિ યહાં રાધા થી... વો કિસી કે સાથ ઘૂમ રહી થી.’
‘એક મિનિટ સર્કિટ...’ વારંવાર કેડેથી સરકી જતાં કૃષ્ણને મુન્નાભાઈએ ફરી બરાબર ગોઠવ્યા, ‘તુજે પતા કૈસે ચલા કિ વો રાધા થી?’
‘અરે ભાઈ, દો મામુ કો દેખ કર વો દોનો ભાગ ગયે. વૈસે હી જૈસે હમ મામુ કો દેખકર ઇસ કે મંદિર કે પાસ સે ભાગે થે.’
‘મગર વો ભાગે ક્યૂં...’ કૃષ્ણે મુન્નાને કહ્યું, ‘આ માણસ ગમે તે બકે છે, મને તેનો વિશ્વાસ નથી...’
મુન્નાભાઈ વિચારમાં પડી ગયા. સર્કિટની વાત હસી કાઢવા જેવી નહોતી. જે રીતે સર્કિટ સાથે મળીને પોતે કૃષ્ણને બહાર લઈને આવ્યા એ જ રીતે રાધાને પણ બહાર લઈને કોઈ તો જ આવી શકે એટલે એ ચાન્સ અવગણી શકાય નહીં. સર્કિટની એ વાત પણ સાચી હોઈ શકે કે પોલીસને જોઈને રાધા અને તેને લઈને બહાર આવનારો સાથે જે હતો બન્ને ભાગ્યા હોય. મુન્નાભાઈ અને સર્કિટ પણ પોલીસને જોઈને ભાગ્યા જ હતાં.
‘ભગવાન, ઇસ કી બાત સહી ભી હો શકતી હૈ...’
‘મુન્ના, તું પણ આના પ્રભાવમાં આવી ગયો?’ કૃષ્ણનો ચહેરો ઊતરી ગયો, ‘માણસ હંમેશાં નબળી સંગતની અસરમાં ઝડપથી આવે છે...’
‘તમે વાત સમજો, જેમ તમે ફરવા નીકળ્યા એમ રાધાભાભી પણ ફરવા...’
‘ભાઈ, ભાભી નહીં. હમારે ભાભી તો રુક્ષ્મણીજી હૈ.’ સર્કિટ ઊછળ્યો, ‘રાધા કે સાથ ઇન્હોને શાદી નહીં કી હૈ, વો તો ગર્લફ્રેન્ડ...’
‘જો મુન્ના, આ...’
‘એક મિનિટ...’ ભાઈએ કૃષ્ણને અટકાવ્યા અને સર્કિટ તરફ ફર્યા, ‘તૂને રાધાજી કો કૈસા દેખા. મતલબ કી હમારી તરહ હાથ-પૈરવાલે યા મૂર્તિવાલી રાધા દેખી?’
‘અરે ભાઈ, વો તો અપને પૈરો સે ચલતી થી.
‘અરે સાલ્લા...’ મૂર્તિને નીચે મૂકી મુન્નાભાઈ સર્કિટને મારવા લાગ્યા, ‘કિસી ભી લડકી કો તૂ ઇસ કી રાધા બના દેતા હૈ. તેરે કો તો...’
‘ભાઈ, ક્યા હુઆ...’
‘માર, મુન્ના માર.’
કૃષ્ણ ખુશ થઈ ગયા હતા.
‘તેરે કો યે નહીં પતા કિ રાત કો ચાર બજે કૈસી લડકિયાં બાહર ઘૂમતી હૈ...’
‘મગર ભાઈ, નામ રાધા...’
‘નામ તો ગમે તે હોય. નામ સાંભળીને એવું માની લેવાનું કે આમની રાધા હતી.’
‘ઓહહ...’
સર્કિટ સમજી ગયો હતો.
‘તો વો વો-વાલી રાધા થી.’
‘વો-વાલી એટલે મુન્ના...’
સમજાયું નહીં એટલે કૃષ્ણે પૂછ્યું.
ભાઈના ચહેરા પર મૂંઝવણ
આવી. કૃષ્ણને કેવી રીતે પ્રોસ્ટિટ્યુટ વિશે સમજાવવું.
‘ભગવાન, હવે આપણે મંદિરે જવું જોઈએ.’
‘હા, ચાલ હવે પાછા જઈએ.’
કૃષ્ણે સર્કિટને સંભળાવવાની તક ઝડપી લીધી, ‘આવા લોકો સાથે રહેવાને બદલે મંદિર સારું.’
મંદિરે જવા માટે મુન્નાએ ટૅક્સી ઊભી રાખી ત્યારે આશિષ જોશી અને પૂજારી મંદિરમાં રાધા-કૃષ્ણની નવી મૂર્તિની સ્થાપના કરતા હતા.
lll
‘મુન્ના, વો-વાલી એટલે શું, હેં?’
‘અરે ભગવાન, મૈં આપ કો નહીં સમજા શકતા.’ કૃષ્ણે બીજી વાર પૂછ્યું એટલે મુન્નાભાઈ અકળાયા, ‘મૈં સમજા નહીં કહે સકતા આપકો વો-વાલી કા મતલબ.’
‘કોશિશ તો કર...’
‘વો મતલબ કિસી કે સાથ સોને-વાલી.’
‘મુન્ના, તારા મોઢામાંથી સુગંધ શાની આવે છે?’
પ્રોસ્ટિટ્યુટની વાત કૃષ્ણે એક સેકન્ડમાં ઉડાડી દીધી એ ભાઈના ધ્યાનમાં હતું.
‘કહે તો ખરો, બહુ જાણીતી સુગંધ છે આ.’
‘સૉરી, મગર ભગવાન, થોડી શરાબ પી થી.’
‘અચ્છા, સોમરસની સુગંધ છે.’ કૃષ્ણને સુગંધ યાદ આવી ગઈ, ‘મુન્ના, સૉરી એટલે?’
મુન્નાભાઈએ નજર બારીની બહાર કરી નાખી. આ ભગવાન પણ ગજબ છે. ધનુષવિદ્યામાં માહેર, ચાણક્યનીતિ અને રાજનીતિમાં એક્સપર્ટ. સર્વશક્તિશાળી પણ ખરા અને માણસના મનની વાત જાણવાને પણ સમર્થ અને અંગ્રેજીની વાત આવે ત્યાં તરત અભણ.
‘એ મુન્ના આ જો...’
મુન્નાભાઈએ કારની જમણી બાજુની વિન્ડોની બહાર નજર કરી. એક યુવતી કારમાં બેઠી હતી.
‘મુન્ના, સ્વર્ગની અપ્સરાઓ
ભૂલી જઈએ એવી સ્વરૂપવાન યુવતીઓ પૃથ્વી પર છે. સોમરસનું સુખ છે.
મોટા મહેલો જેવા આવાસ છે. ધન છે, સંપત્તિ છે, બધા પ્રકારનું સુખ છે અને છતાંય માણસ એવું ઇચ્છે છે કે તેને સ્વર્ગમાં જવું છે. સ્વર્ગમાં છે એ બધું અહીં છે.’
મુન્નાભાઈ ભગવાનને જોતા રહ્યા.
કેટલી સાચી વાત હતી. બધા પ્રકારનાં સુખ પૃથ્વી પર છે અને છતાંય માણસ મરીને સ્વર્ગમાં જવા માગે છે.
શું સ્વર્ગમાં કામ નહીં કરવું પડતું હોય એટલે?
lll
‘અરે ભાઈ, મંદિર કે સબ દરવાજે ખુલ્લે હૈ.’
સર્કિટ દોડતો પાછો આવ્યો. કૃષ્ણને ફરી મૂકવા મંદિરે આવ્યા પછી સર્કિટ મંદિરની આગળમાં કોઈ છે કે નહીં એ ચકાસવા માટે ગયો હતો. સર્કિટ આગળ ગયો ત્યારે ભાઈ અને કૃષ્ણ મંદિરની પાછળ ઊભા હતા.
‘ક્યોં, ક્યા હુઆ?’ મુન્નાભાઈનું બ્લડપ્રેશર વધી ગયું, ‘મામુ લોગ આ ગયે?’
‘નહીં ભાઈ, મગર...’
‘મગર ક્યા...’
મંદિરમાં સર્કિટે જે જોયું એ બોલવાની તેનામાં હિંમત નહોતી ચાલતી. ખાસ તો ભગવાનની હાજરીમાં તે બોલી શકતો નહોતો.
‘ભાઈ, ઇસકે સામને...’
કૃષ્ણની મૂર્તિ નીચે મૂકી મુન્નાભાઈ સાઇડમાં આવ્યા.
‘અબ બોલ...’
‘ભાઈ, અંદર તો ભગવાન હૈ.’
‘ક્યાઆઆઆ...’
‘ઉસકી ગર્લફ્રેન્ડ કો ભી પતા નહીં ચલા કિ ઉસકા બૉયફ્રેન્ડ ચેન્જ હો
ગયા હૈ...’
સર્કિટને જવાબ આપવાને બદલે મુન્નાભાઈ કૃષ્ણ પાસે આવ્યા,
‘ભગવાન, યે ક્યા ખેલ હૈ.’ મુન્નાભાઈને સમજાતું નહોતું, ‘તૂં અંદર ભી બૈઠા હૈ ઔર બહાર ભી. અબ હમ ક્યા કરે.’
‘મુન્ના, એવી કોઈ વાત નથી. હું તો અહીં જ છું.’ કૃષ્ણને હજુય સર્કિટ પર શંકા હતી, ‘મુન્ના, આ માણસ હજુયે મારી સાથે રમત કરે છે.’
‘ભાઈ, સચ્ચી મેં. બાપુ કિ
કસમ બસ.’
સર્કિટ સાથે દલીલ કરવાને બદલે કૃષ્ણે મુન્નાને કહ્યું,
‘એક કામ કર મુન્ના, મને અંદર લઈ જા.’
‘પણ તમને કેવી રીતે...’
‘આ ઝભ્ભામાં જ અંદર લઈ જા.’
ભાઈને અંદર જતાં ડર લાગતો હતો, પણ અંદર ગયા વિના છૂટકો નહોતો. કૃષ્ણની મૂર્તિ સાથે મુન્ના અંદર ગયો. અંદર વાતાવરણ ભારેખમ હતું અને પૂજારી મંદિરના ગર્ભદ્વારના દરવાજાની પાસે જ ઊભા હતા. મંદિરના ગર્ભસ્થાનની બધી લાઇટો ઝળહળતી હતી અને એમાં મંદિરની કૃષ્ણ અને રાધાની મૂર્તિ અકબંધ હતી.
‘ભગવાન દેખો...’
‘દેખ હી રહા હૂં.’ કૃષ્ણનો અવાજ હેબતાયેલો હતો, ‘આ બન્ને કોણ છે?’
‘બન્ને?’ મુન્નાભાઈ કૃષ્ણ પર ગુસ્સો વ્યક્ત નહોતા કરી શકતા, ‘રાધા તો તમારી જ છે. તમારી જગ્યાએ આ બીજા કોઈ ભગવાન આવ્યા છે.’
‘ના મુન્ના. રાધા પણ નવી છે, બીજી છે.’
‘હેં...’
‘હા, તું પૂજારીને પૂછ કે રાધાની મૂર્તિ ક્યાં ગઈ?’
મુન્નાભાઈને સમજાતું નહોતું કે આ શું ચાલે છે.
‘યહાં જો રાધા કી મૂર્તિ થી વો
કહાં ગઈ?
‘તમારી સામે તો છે.’ પૂજારી આગળ આવ્યા, ‘બેટા, શરાબ શરીર માટે હાનિકારક છે અને ધર્મ પણ શરાબને વજર્ય ગણે છે...’
‘મુન્ના, કહે તેને, ખોટું બોલવું પણ અધર્મ છે. પૂછ તેને, પહેલાંની જે રાધાની મૂર્તિ હતી ક્યાં ગઈ?’
મુન્નાએ ભગવાનની વાતને અમલમાં મૂકી.
‘તમને છેલ્લી વાર પૂછું છું, મંદિરમાં હતી એ રાધાની મૂર્તિ ગઈ ક્યાં?’
‘ભાઈ... આ જ તો...’
‘ભાઈ કે સામને જૂઠ બોલતા હૈ.’ સર્કિટે પૂજારીનું ગળું પકડ્યું.
‘અરે સર્કિટ...’
સર્કિટને અટકાવવા જતાં મુન્નાને ભગવાને અટકાવ્યો.
‘સચ બોલ.’ સર્કિટના હાથ પૂજારીની ધોતી પર હતો,
‘વર્ના નંગા કરકે...’
‘મૈંને કુછ નહીં કિયા. બધું આશિષશેઠે ર્ક્યું છે.’ પૂજારી ધ્રૂજતો હતો, ‘રાધાજીની મૂર્તિ તેણે દરિયામાં પધરાવી દીધી...’
‘શું કામ?’
‘મંદિરમાંથી કૃષ્ણની મૂર્તિ ચોરાઈ એટલે...’
‘એટલે તમે...’ મુન્નાભાઈ
આગળ આવ્યા.
‘મુન્ના, આ લોકોએ મૂર્તિ જ બદલાવી નાખી.’
કૃષ્ણનો સ્વર વ્યથિત હતો.
‘તમે, તમે...’
મુન્નાભાઈ પૂજારીની ગરદન પકડવા જતા હતા, પણ કૃષ્ણે તેને રોક્યો.
‘રહેવા દે મુન્ના, હવે અર્થ નથી. ચાલ, અહીંથી જઈએ.’
‘પણ ભગવાન...’
‘ના મુન્ના, હવે અહીં મારે
રહેવું નથી. રાધા વિના રહીને
શું કરવાનું?’
‘લેકિન ગોડ, યે નયી રાધા તો હૈ.’
સર્કિટને મૂંઝારો થતો હતો.
‘ના, મારે નથી રહેવું. મને દરિયાકિનારે લઈ જા.’
મુન્નાને કૃષ્ણનો ચહેરો જોવાની ઇચ્છા થતી હતી, પણ હિંમત નહોતી ચાલતી.
‘જ્યાં રાધા હશે ત્યાં જ હું રહીશ.’
મુન્નાભાઈ, સર્કિટ અને કૃષ્ણ ત્રણેય ચૂપચાપ બહાર નીકળી ગયા. રસ્તામાં પણ તેમની વચ્ચે કોઈ વાતચીત થઈ નહીં.
‘ભાઈ, ઇસે યૂં હી છોડ દેંગે ક્યા?’
‘હા, દરિયા પાસે મને મૂકી તમે જાવ.’
મુન્નાભાઈને બદલે કૃષ્ણે જવાબ આપ્યો.
‘આપ હમારે ઘર ચલો. હમ તીનોં સાથ મેં રહેંગે.’ સર્કિટ વાતાવરણ હળવું કરવાનો પ્રયાસ કરતો હતો, ‘આપ કહેતે થે ના, યહાં સબ કુછ હૈ. અપ્સરા જૈસી લડકિયાં, સોમરસ ઔર સબ કુછ.’
‘ના, મારે ક્યાંય નથી જવું...’ કૃષ્ણની સ્પષ્ટતામાં વજન હતું, ‘રાધા હોય ત્યાં મારે જવું છે.’
એ પછી કોઈ વાત થઈ નહીં. દરિયાકિનારે પહોંચીને પણ નહીં.
મુન્નાભાઈ અને સર્કિટે મૂર્તિ જ્યારે દરિયાકિનારે મૂકી ત્યારે સવારના સાડાછ વાગી ગયા હતા.
lll
‘અરે ભાઈ, ટીવી દેખા?’
જવાબ આપવાને બદલે મુન્નાભાઈએ ટીવી ચાલુ કર્યું. ન્યુઝ ચૅનલની સ્ક્રીન પર બ્રેકિંગ ન્યુઝ હતા અને બૅકગ્રાઉન્ડમાં ઍન્કરનો અવાજ આવતો હતો.
‘જુહુ દરિયાકિનારેથી મળેલી કૃષ્ણની મૂર્તિની આંખમાંથી અશ્રુધારા વહે છે. મૂર્તિનાં દર્શન માટે લોકોનાં ટોળાં ઊમટે છે. દેશના બીજા કોઈ કૃષ્ણમંદિરમાં આવું જોવા નથી
મળ્યું એટલે આ અશ્રુધારાને ચમત્કાર તરીકે સ્વીકારવા સિવાય છૂટકો નથી. અમારા સંવાદદાતાના કહેવા પ્રમાણે રાજકીય પક્ષોએ નક્કી કર્યું છે કે કૃષ્ણની આ મૂર્તિની સ્થાપના થશે અને દરિયાકિનારે જ મંદિર બનશે.
આ મંદિરને ચમત્કારી કૃષ્ણ નામ આપવામાં આવશે એવા સમાચાર પણ મળી રહ્યા છે.’
‘સર્કિટ, ભગવાનજી કો નઈ રાધા મીલેગી કી ઉન્હે અકેલા હી રહેના પડેગા?’
‘અરે ભાઈ, ટેન્શન નહીં લેને કા.’ સર્કિટે કહ્યું, ‘આજ રાત વહાં જા કર ઉનસે હી પૂછ લેંગે.’
સમાપ્ત

