Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > થીજેલી ક્ષણ (પ્રકરણ-૪)

થીજેલી ક્ષણ (પ્રકરણ-૪)

04 April, 2024 06:05 AM IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘તારું જ કામ છે મારી સિમસિમ! કાલે ફરી જામનગર આવી રહ્યો છું... ડેપોની બાજુમાં હોટેલ ‘સબરસ’ની રેસ્ટોરાંમાં કહું એ ટાઇમે આવી જજે...  તારી તિજોરીમાંથી જેટલો માલ ઉસરડાય એટલો લેતી આવજે.’

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


ફોનની રિંગે યામિનીબહેનને વિચારવમળમાંથી ઝબકાવ્યાં.


ઉતાવળે પટારાનું ઢાંકણ પાડીને ફોન તરફ વળ્યાં, રિસીવર ઊંચકીને ‘હલો, હું યામિની...’ કહ્યું કે સામેથી પુરુષસ્વરમાં સંભળાયું : સારું થયું તેં ફોન ઊંચક્યો યામિની, નહીં તો મારે ઉઘરાણી કરવા ઘરે આવવું પડત...



રફ લાગતો અવાજ અને ઉઘરાણીનો અવિનય. યામિનીબહેન સહેજ તંગ બન્યાં : માફ કરજો, મેં આપને ઓળખ્યા નહીં. તમારે કોનું કામ છે?


‘તારું જ કામ છે મારી સિમસિમ! કાલે ફરી જામનગર આવી રહ્યો છું... ડેપોની બાજુમાં હોટેલ ‘સબરસ’ની રેસ્ટોરાંમાં કહું એ ટાઇમે આવી જજે...  તારી તિજોરીમાંથી જેટલો માલ ઉસરડાય એટલો લેતી આવજે.’

યામિનીબહેનના કપાળે


કરચલી ઊપસી.

‘હજીયે બત્તી ન થઈ હોય તો મારું નામ સુખદેવ યાદવ. હું અમદાવાદનો એક સમયનો ટૅક્સી-ડ્રાઇવર.’

સુ...ખદેવ! અમારા સુખને ગ્રહણ લગાડનારો બદમાશ!

‘યાદ આવ્યું, તને અને આનંદને એક વાર જામનગરના ગામ છોડવા આવેલો. રસ્તામાં કમોસમના વરસાદને કારણે આપણે એકાંત જગ્યામાં રાતવાસો કરવાનો થયો એમાં...’

‘બસ!’ વધુ સાંભળવાની તાકાત ન હોય એમ યામિનીબહેન ચિત્કારી ઊઠ્યાં : આગળ બોલવાની જરૂર નથી.

‘મને મૂંગો રાખવો હોય તો કાલે રૂપિયા લઈને આવી જા... મારો આ નંબર પણ નોંધી રાખ...’ દસ આંકડાનો નંબર કહીને તેણે ઉમેર્યું : તારા વરની જેમ વાંકી ચાલવાની થઈ તો યાદ રાખજે, તારી થનારી વહુ બહુ રૂપાળી છે ને બાર વરસ જેલમાં રહ્યા પછી મારી ભૂખ બેફામ બની છે!’

કૉલ કટ થયો. રિસીવર મૂકીને સાડલાના છેડાથી પસીનો લૂછતાં યામિનીબહેનને અણસાર સુધ્ધાં નહોતો કે નીચેની પૅરૅલલ લાઇન પર વહુ અમારો આખો સંવાદ સાંભળી ચૂકી છે!

lll

મેં આ શું સાંભળ્યું!

નીમા સ્તબ્ધ છે. સુખદેવ નામનો એક સમયનો ટૅક્સી-ડ્રાઇવર માને કોઈ વાતે બ્લૅ...કમેઇલ કરે છે?

તારી તિજોરીમાંથી જેટલો માલ ઉસરડાય એટલો લેતી આવજે - આ શબ્દોનો બીજો શો અર્થ નીકળે!

તેણે જામનગરની યાત્રા દરમ્યાનના રાતવાસા વિશે કહેતાં માએ તેને કેવો આગળ બોલતો અટકાવ્યો... આ બધું ભેદભર્યું કેમ લાગે છે!

અમદાવાદથી જામનગરની યાત્રા એટલે તો એ જ જેના વિશે અત્તુ કહેતા હોય છે કે દિવાળી વેકેશનની એ મુલાકાત બાદ આનંદકાકા કદી મુંબઈ રહેવા ન આવ્યા અને હોળી પર અમે પહોંચીએ ત્યારે દરિયામાં સ્કુબા ડાઇવિંગ કરવા ગયેલા તે મૃત્યુ પામ્યા હોવાના ખબર જ મળ્યા!

- જ્યારે આ ટૅક્સી-ડ્રાઇવરના મતે જામનગર જતાં કમોસમી વરસાદને કારણે તેમણે અધવચાળ રાતવાસો કરવો પડેલો અને એ દરમ્યાન કંઈક એવું બનેલું જેના વિશે મા હરફ પણ સાંભળવા રાજી નહોતાં! 

મા, આનંદ અંકલ અને ડ્રાઇવર વચ્ચે એવું તે શું બન્યું હોય!

નીમાનું દિમાગ ચકરાતું હતું.

ત્યાં તેણે માને તૈયાર થઈને સીડી ઊતરતાં જોયાં.

‘નીમા, હું જરા બહારનું એક કામ પતાવીને આવી...’

ના, બ્લૅકમેઇલરે તો માને આવતી કાલે હોટેલમાં મળવા બોલાવ્યાં છે... અત્યારે મા ક્યાં જતાં હશે?

નીમા વિચારમાં અટવાતી રહી. ના, હમણાં અતુલ્યને નથી કહેવું, પહેલાં હું તો સમજું મામલો છે શું!

-અને કલાક પછી યામિનીબહેન બૅન્કમાંથી લાવેલી કૅશ તિજોરીમાં મૂકીને ચાવીનો ઝૂડો કમરે ખોસે છે કે નીમાથી ન રહેવાયું : મા, માથે આવેલી મુસીબત મારી સાથે નહીં વહેંચો?

યામિનીબહેન ચમક્યાં.

‘તું મારા પર નજર રાખે છે!’ એમ કહીને વહુને વઢવી કે પછી બધું કહી દેવું?

‘મા, અજાણતાં જ સુખદેવની વાતો મેં સાંભળી છે...’ 

હેં!

વહુ પૅરૅલલ લાઇન પર બધું સાંભળી ગઈ હોવાનું સમજાતાં યામિનીબહેન ધબ દઈને સોફા પર બેસી પડ્યાં. ધીરે-ધીરે કળ વળી : હવે તેનાથી શું છુપાવવું!

‘આમ જુઓ તો આ જિંદગીની એક ક્ષણની વાત માત્ર છે નીમા, જેની અત્તુને પણ જાણ નથી...’ યામિનીબહેને તેનો હાથ પકડી મેડીની રૂમ તરફ દોરી : ચાલ મારી સાથે!’

કમરામાં જઈ પટારાના

ચોરખાનાની સામગ્રી કાઢીને તેમણે ભૂતકાળ ખોલી દીધો.

lll

નીમા સ્તબ્ધ હતી.

આનંદકાકાએ આત્મ...હત્યા કરી હતી? થીજેલી એ ક્ષણની તસવીર જોઈને નિસાસો સરી ગયો. દેવ જેવા આદમીને દવાથી લપસાવીને સુખદેવને શું મળ્યું!

‘તેમની વિદાય બાદ આ ચિઠ્ઠી તેમના ઘરમંદિરમાંથી મને મળી અને મેં તો ત્યારે જ આ બધું જાણ્યું. અત્તુના સોગંદ પર કહું છું નીમા, એ નબળી ક્ષણની અવધિ લંબાઈ હોત તો પણ મેં આનંદભાઈને જાળવી જાણ્યા હોત, માફ જ કર્યા હોત, બધું ભૂલી જવા સમજાવ્યા હોત. મિત્રની ભૂલને તો ભૂલી જ જવાની હોયને, એમાં આ તો મિત્રતાની વ્યાખ્યા કંડારનારા આનંદભાઈ! એટલે તો આ બાબતમાં સત્યના પ્રત્યાઘાતનો મને હંમેશાં ગર્વ રહ્યો. આનંદભાઈએ એ ક્ષણની જોકે બહુ વસમી પ્રતિક્રિયા આપી... પણ તેમના દૃષ્ટિકોણે વિચારું છું નીમા તો થાય કે આનંદભાઈ માટે આનાથી જુદો પ્રત્યાઘાત સંભવ જ નહોતો.’ યામિનીબહેને ઊનો નિ:શ્વાસ નાખ્યો, ‘ખરું કહું તો આનંદભાઈની  વિદાયે ભાંગી પડવું મને પાલવે એમ નહોતું. મારે તો સત્યને જાળવવાના હતા. મારી પાસે એક જ હથિયાર હતું - આપણે તો અત્તુ માટે જીવવાનું! એ પ્રયાસ કારગત નીવડ્યા ને જીવન ધબકતું થયું.’

નીમા અભિભૂત થઈ. મા આવાં છે એટલે તો મારા માટે પ્રેરણારૂપ છે.

પછી સૂઝ્યું : મા, બ્લૅકમેઇલિંગનું જાણીને સત્યજિત પપ્પાએ કંઈ ન કર્યું?

‘આનંદના ગુનેગારને સત્યજિત બક્ષતા હશે!’ 

યામિનીબહેનનું કોરું કપાળ તેજથી ઝગમગી ઊઠ્યું : આ જો.

હવે નીમાનું ધ્યાન ન્યુઝપેપરના નાનકડા કટિંગ પર ગયું. એમાં મથાળું હતું : લૂંટ-ડ્રગ્સની હેરફેરમાં ટૅક્સી-ડ્રાઇવર સુખદેવ યાદવને બાર વરસની સજા!

સુખદેવ. નીમાએ હેવાલ સાથે છપાયેલા ગુનેગારનો ફોટો નિહાળ્યો. આનંદકાકાની આત્મહત્યામાં જે નિમિત્ત બન્યો તે આ બ્લૅકમેઇલર! 

‘સુખદેવનું વેર વાળવાની સત્યુની જીદ મારે માન્ય રાખવી પડી - આનંદભાઈના ગુનેગારને સજા તો મળવી ઘટે!’ યામિનીબહેને કડી સાંધી : સત્યુએ સુખદેવની કુંડળી ઉખેળી. બાપ બીમાર પડતાં પોતે બિહારના ગામ જવું પડ્યું એ તો સુખદેવે આનંદભાઈને કહેલું... સત્યએ તપાસમાં મોકલેલા આદમીએ રિપોર્ટ આપ્યો કે એ દરમ્યાન તેનો ભાઈઓ જોડે ઝઘડો થયેલો ને મરવા-મારવાની ધમકી પણ તેણે આપેલી... આ બૅકગ્રાઉન્ડનો આધાર લઈને સત્યજિતે બાજી ગોઠવી. પહેલાં તો સત્યએ ચાર લાખનું ડ્રગ્સ ખરીદ્યું...’

નીમા એકકાન થઈ.

‘સુખદેવે આનંદભાઈને બ્લૅકમેઇલ કરતાં પહેલાં અમારી ભાળ કઢાવી રાખી હોય તો ઓળખાવાનું જોખમ નહોતું લેવું એટલે થોડા દિવસથી દાઢી-મૂછ વધારી સત્યજિતે દેખાવ બદલવાની પણ ચોકસાઈ રાખી... અને આનંદભાઈના દેહાંતના ત્રીજા મહિને, બુધની એ સાંજે, બૅન્કના લાખ રૂપિયાની કૅશ બ્રીફકેસમાં મૂકી સત્યએ અમદાવાદ સ્ટેશનથી રાજકોટ જવા સુખદેવની ટૅક્સી પકડી...’

યામિનીબહેન સમક્ષ દૃશ્યો

ઊપસતાં ગયાં.

lll

ઑલ સેટ!

સુખદેવની ટૅક્સીમાં, તેની બાજુની સીટ પર ગોઠવાયેલા સત્યજિતે ઊંડો શ્વાસ લીધો. સ્ટેશનની બહાર નીકળતાં સુખદેવની ટૅક્સી ખાલી મળી ગઈ એનો અર્થ જ એ કે કુદરત મારી ફેવરમાં છે!

મીઠી વાતો કરતા ડ્રાઇવરને જાણ જ નથી કે મારા કોટના એક ગજવામાં ડ્રગની પડીકી અને બીજા ગજવામાં ફોલ્ડ કરેલું ચાકુ છે!

સત્યજિતે બહુ વિચારીને પ્લાન ઘડ્યો હતો ને કોઈ કારણસર દાવ ઊલટો પડે તો ખુવાર થઈને પણ આનંદનું વેર વસૂલ કરવાની ખુમારી હૈયે હતી જ.

જોકે બધું સત્યની ગણતરી મુજબ જ પાર પડતું ગયું.

અમદાવાદથી નીકળી ટૅક્સી રાજકોટનો ધોરીમાર્ગ પકડે એ પહેલાં રસ્તામાં આવતા પાનના ગલ્લા આગળ ટૅક્સી રોકાવી સત્યએ સુખદેવને પાનમસાલાનાં પડીકાં લેવાના બહાને મોકલી ટૅક્સીના ડ્રૉઅરમાં, સીટના કવરની અંદર ડ્રગ્સની પડીકી છુપાવી દીધી અને ચાકુનું ફોલ્ડ ખોલી સુખદેવની સીટ પર મૂક્યું.

‘અરે, આ શું?’

સત્ય​જિતને પાનમસાલાનાં પડીકાં ધરીને પોતાના તરફનો દરવાજો ખોલતો સુખદેવ ખુલ્લું ચાકુ જોઈને ચમક્યો.

સાવ સાહજિકપણે ચાકુની મૂઠને હાથમાં પકડી, ધાર ફોલ્ડ કરી સત્ય​જિતને ધર્યું, ‘આમ ચાકુ લઈને ફરો છો સાહેબ?’

‘શું કરીએ, જમાનો ખરાબ છે ને મારી આ બ્રીફકેસમાં લાખ રૂપિયાની કૅશ છે એટલે જરા ધાર જોવી’તી. જોકે તમે ખાનદાન આદમી લાગો છો એટલે આની જરૂર નહીં પડે...’ સત્યજિતે ચાકુને હથેળીમાં લઈને કોટના ગજવામાં સરકાવ્યું. બાકીનું મનમાં બોલ્યો : મને તો ચાકુ પર તારા ફિંગરપ્રિન્ટ્સ જોઈતા હતા બેવકૂફ!

આ જ રસ્તે યાત્રાનું રિહર્સલ કરી ચૂકેલા સત્યજિતની નજર રસ્તાના માઇલસ્ટોન પર હતી. રાજકોટ ૮૦ કિલોમીટરનું બોર્ડ દેખાયું કે તે ટટ્ટાર થયો. આગળ એક વળાંક પછી તરત ઢાબો આવે છે...

અને ઉધરસ આવતી હોય એમ ખાંસતાં તેણે એક ગજવામાંથી રૂમાલ કાઢીને હાથ કોટના બીજા ગજવામાં સરકાવ્યો. સુખદેવના ફિંગરપ્રિન્ટ્સ ભૂંસાય નહીં એ માટે રૂમાલથી ચાકુ પકડી, બહાર કાઢી, ફોલ્ડ ખોલી પાધરકી ધાર જમણા ખભે ખૂંપાવી ત્યારે સુખદેવનું ધ્યાન ગયું. તે ધ્રૂજ્યો : એય, યે ક્યા કરતા હૈ!

તેને જવાબ આપવાને બદલે

સત્યે બારીનો કાચ ખોલીને ચીસ

નાખી : હે...લ્પ!

‘અબે યે ક્યા નૌટંકી...’ ગાળ બોલતા સુખદેવે ટૅક્સીને બ્રેક મારી એવો જ દરવાજો ખોલીને સત્યજિત ઢાબા તરફ ભાગે છે : બચાવો, આ ડ્રાઇવર મને મારી નાખીને કૅશ લૂંટવા માગે છે...

ઘડીકમાં ટોળું વળી ગયું. સુખદેવને ધડ-માથું પકડાય એ પહેલાં પોલીસ આવી ચડી ને તલાશીમાં ટૅક્સીમાંથી ડ્રગ્સ નીકળતાં સુખદેવને તમ્મર આવી ગયાં : ટ્રૅ...પ!

નિર્દોષ પૅસેન્જર્સને ભોળવીને બ્લૅકમેઇલ કરનારો ટ્રૅક્સી-ડ્રાઇવર ખુદ શિકાર થઈ ગયો!

lll

ચાકુ પર ડ્રાઇવરનાં ફિંગરપ્રિન્ટ્સ, એક લાખના રોકડ વહેવાર માટે રિઝર્વ બૅન્કનાં કાગળિયાં અને ગામમાં ભાઈઓ સાથે મારવા-મરવાનો ઝઘડો વહોરવાનો નજીકનો ભૂતકાળ... પછી સુખદેવ ગળું ફાડીને થાકી જાય તોય પોલીસ માને! બલ્કે ડેસ્કના ડ્રૉઅરમાં સુખદેવ રાખતો એ ઉત્તેજનાવર્ધક ગોળીઓ, ગંદી ચોપડીઓની સામગ્રી નીકળતાં પોલીસે ફેંટ પકડી : બોલ, આ પણ રિઝર્વ બૅન્કના ઑફિસરનું છે?

સુખદેવ શું બોલે!

અખબારી હેવાલમાં સત્યજિતનો ઉલ્લેખ ભલે ન હોય, પોતાને ફસાવનાર બૅન્ક-ઑફિસરનું આનંદ સાથેનું કનેક્શન સુખદેવને તો સમજાયું જ હોય; પણ શું થઈ શકે! કોર્ટમાં સત્યજિતે બાહોશ વકીલ રોકતાં તેને બાર વરસની સજા થઈ...

lll

યામિનીબહેને સમાપન

કરતાં નીમાની કીકીમાં શ્વશુર માટે

ગર્વ ઊપસ્યો.

‘સુખદેવે આનંદભાઈના જીવનમાં એક એવી ક્ષણ આપી જે અધરવાઇઝ આવી જ ન હોત... સુખદેવને મળેલી સજા આનંદના તર્પણ સમી હતી.’

યામિનીબહેને ગળું ખંખેર્યું, ‘એ પછી પણ જીવન વહેતું ગયું. છતાં એ એક ક્ષણ અમારા સ્મૃતિવનમાં પણ થીજેલી રહી : કાશ, અમે સુખદેવને બદલે કોઈ બીજાની ટૅક્સી કરી હોત... કાશ, અમે જામનગર જવા નીકળ્યા જ ન હોત... પણ બધું આપણા ધાર્યા મુજબ ક્યાં થતું હોય છે?’

માનો પહોંચો પસવારતી નીમાને ઝબકારો થયો : સુખદેવ આનંદ અંકલને ફોટો-નેગેટિવ આપી ચૂકેલો. હવે તે કયા આધારે આપણને બ્લૅકમેઇલ કરે? તેની પાસે બીજું તો શું હોય!

તેના તારણે યામિનીબહેન ટટ્ટાર થયાં: અરે હા, આ તો મને સૂઝ્યું જ નહીં!

‘એ પણ જાણવું પડશે નીમા. જેલમાંથી છૂટેલો તે રાક્ષસ ફરી ઊભો થયો છે... પણ તે ભૂલ્યો કે મેં સત્યનું પડખું સેવ્યું છે એમ મારા સુખને સરકવા નહીં દઉં!’ કહેતાં યામિનીબહેને સાવધાની ઉચ્ચારી, ‘નીમા, સુખદેવનો મામલો પતે નહીં ત્યાં સુધી તારે ઘર બહાર કદમ નથી મૂકવાનું અને હા, અત્તુને આની જાણ ન થવા પામે.’

તેમના આદેશને નતમસ્તક થતી હોય એવો ભાવ દર્શાવતી નીમાના ચિત્તમાં જુદી જ ગણતરી ચાલતી હતી : મા કાલે મને લઈ જવા નથી માગતાં, પણ એમ તો તેમને એકલાં કેમ જવા દેવાય? સુખદેવને મળીને આવેશમાં તે કંઈ આંધળૂકિયું કરી બેઠાં તો...

અહં, હું એવું થવા જ નહીં દઉં... અને એ માટે...

નીમાના ચહેરા પર સ્મિતની લકીર ફરકીને માને કળાય એ પહેલાં અદૃશ્ય પણ થઈ ગઈ. 

lll

અને ગુરુની મોડી સવારે ડેપો નજીકની હોટેલમાં થાળે પડીને સુખદેવે આળસ મરડી. હાથમાં જબરી ચળ આવતી હતી એમ સાવધ પણ રહેવાનું હતું. યામિની તેના વરની જેમ મને ફસાવી દે એવું ન થવું જોઈએ... ફરી મારે જેલમાં તો કોઈ કાળે જવું નથી...

જેલની યાદે વળી કળતર જેવું થયું. બાર વરસના - ના, સાડાદસ વરસના - કારાવાસનું વેર વસૂલવા પોતે બ્લૅકમેઇલિંગનો દાવ તો રમી નાખ્યો, એમાં ટ્રૅપનો ભોગ તો નથી જ બનવું! 

તેણે દમ ભીડ્યો. બ્લૅકમેઇલિંગના સોદામાં આજે શું થવાનું એની સુખદેવને ક્યાં ખબર હતી?

 

આવતી કાલે સમાપ્ત

Whatsapp-channel Whatsapp-channel

04 April, 2024 06:05 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK