Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હૅન્ગિંગ બ્રિજ (પ્રકરણ ૪)

હૅન્ગિંગ બ્રિજ (પ્રકરણ ૪)

24 November, 2022 12:54 PM IST | Mumbai
Samit (Purvesh) Shroff

માયાબહેને ખુમારીથી પતિનો હાથ પકડી તેમને દોર્યા. ઝૂલતા પુલ પાસે પહોંચી રિબન કાપી અખિલ-અક્ષત-અનન્યા સૌ કોઈ સ્તબ્ધ હતાં. દાદાજી ઝીણી આંખે મલ્હારને નિહાળતા હતા. મલ્હારનો શ્વાસ ગળે અટક્યો.

હૅન્ગિંગ બ્રિજ (પ્રકરણ ૪)

વાર્તા-સપ્તાહ

હૅન્ગિંગ બ્રિજ (પ્રકરણ ૪)


અને રવિની સવાર ઊગી.
‘તું સમજી તો ગઈ જ હોઈશ, બેટા-’ ધરમપુર માટે ચૉપરમાં નીકળવાનું હતું. ઘરેથી હેલિપેડ જતાં દાદાજીએ પૌત્રી સમક્ષ મુદ્દો ઉઘાડવા માંડ્યો, ‘આજે સીધું પૂછું છું, મલ્હાર તને ગમે છેને?’
અનન્યાએ હોઠ કરડ્યો. દાદાજી મને પૂછ્યા વિના કોઈનેય સગપણનો હકાર નહીં કરશે એની ખાતરી હતી, અને તેમણે પૂછ્યું જ છે તો મારે તક ચૂકવી નથી. નસીબની દેવીવાળી આ જ પળ હોય! 

‘મલ્હારને મેં એ નજરથી નિહાળ્યો જ નથી, દાદાજી...’ અનન્યાએ એકશ્વાસમાં કહી દીધું, ‘કેમ કે તેના આગમન પહેલાંના અક્ષત મારા હૈયે વસી ચૂકેલા!’
હેં. દાદાજી આ ધડાકા માટે તૈયાર નહોતા.
‘અને અક્ષત? તેની મરજી તું જાણે છે?’
‘જી, તે પણ મને ચાહે છે.’ કહી અક્ષતે હૈયાભેદ ન ખોલવાનાં કાર્યકારણ પણ અનન્યાએ દાદાજીને કહી દીધાં.
‘ઓ...હ’ જમાનાના ખાધેલ દાદાજી ન વધુ કંઈ બોલ્યા, ન ચહેરા પરથી ભીતરના ભાવની ખબર પડવા દીધી. મલ્હાર કે તેનાં માબાપને પણ કશું જ જતાવ્યું નહીં.
મારી મરજી વિના દાદાજી મને મલ્હાર સાથે નહીં પરણાવે એની તો અનન્યાને ખાતરી હતી, પણ મારી મરજીના અક્ષતને સ્વીકારશે ખરા? એ હવે મિલ્યન ડૉલરનો ક્વેશ્ચન બની ગયો અનન્યા માટે! 
lll



‘તમે ત્યાં નવા પુલનું ઉદ્ઘાટન પતાવો...’ રવિની સવારે તૈયાર થતાં અખિલને ફોન પર કજરી કહી રહી હતી - આજે અમે મોરબીનો ઝૂલતો પુલ જોવા જઈએ છીએ... ‘ 
બોલનાર કે સાંભળનારને મોરબીના પુલ પર કાળ મંડરાઈ રહ્યો હોવાની ક્યાં ખબર હતી?
lll


સુંદર... અતિ સુંદર!
હૉસ્પિટલ-શાળાની સાઇટના કામકાજથી પ્રસન્નતા અનુભવતા દાદાજીએ જાહેરમાં પીઠ થાબડી અક્ષતને બિરદાવ્યો એથી અનન્યા હરખાઈ. અક્ષતને તેણે દાદાજી સાથે થયેલી વાતનો હેવાલ આપી દીધેલો, એટલે અક્ષતને પણ દાદાજીની ક્રિયા હૂંફાળી લાગી.
અને કાફલો હૅન્ગિંગ બ્રિજના ઠેકાણે પહોંચતાં મલ્હાર ટટ્ટાર થયો. હજારેકની જનમેદની જોઈ કીકીમાં ચમક ઊપસી. ઉદ્ઘાટન પછી લોકો ગાંડાની જેમ પુલ તરફ ધસારો કરે તો તો આજે જ બ્રિજ તૂટવો સમજવો!
અહીં શામિયાણામાં ગોઠવાયેલી જનમેદની સમક્ષ સ્વયં ધરમપુરના મહારાજા ત્રિભુવનદાદાની કામગીરી બિરદાવી વધામણાં દઈ રહ્યા ત્યારે બ્રેકિંગ ન્યુઝ વાઇરલ થયા :
મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો! હજુ દિવાળી પર જ રિનોવેટ થઈ ખુલ્લો મુકાયેલો પુલ તૂટતાં પુલ પર સવાર બસોથી અઢીસો જણા નીચે વહેતી મચ્છુ નદીમાં ખાબકતાં ભયાનક કરુણાંતિકા સર્જાવાનો ભય... વાઇરલ થયેલા ખબરે ધરમપુરની સભામાં પણ ગણગણાટ પ્રસરી ગયો. 
lll

‘આદરણીય મહારાજાશ્રી, અમારા પ્રિય દાદાજી અને વહાલા પ્રજાજનો-’
હૅન્ગિંગ બ્રિજ તૂટવાના ખબરે દાદાજીની પરમિશન લઈ અક્ષતે પોડિયમ પર જઈ સંબોધન કરતાં વચલી હરોળમાં ગોઠવાયેલો અખિલ ચમક્યો : સર કેમ સૂત્રધાર બની બેઠા! આસપાસનો ગણગણાટ પણ સમજાયો નહીં.
‘થોડી વારમાં આપણે હૅન્ગિંગ બ્રિજનું ઉદ્ઘાટન કરવાના છીએ ત્યારે બહુ ગમખ્વાર ખબર મોરબીથી આવ્યા છે...’
મોરબી. અખિલ ટટ્ટાર થયો.
‘મોરબીમાં પણ મચ્છુ નદી પર આવો જ - બલ્કે આનાથી થોડો લાંબો ઝૂલતો પુલ છે.’
આટલું સાંભળતાં જ અખિલની છાતીનાં પાટિયાં ભીંસાવા લાગ્યાં.


‘થોડી વાર પહેલાં એ બ્રિજ તૂટી પડ્યો એવા ખબર છે.’
હેં. અખિલને તમ્મર આવ્યાં. ચોંકેલા મલ્હારે મોબાઇલ ચેક કર્યો - મોરબીના નામે અક્ષત અહીંના બ્રિજની પોલ નથી ખોલી રહ્યો! પણ ના, ખબર સાચા છે. 
‘બસોથી અઢીસો માણસો પુલ તૂટતાં નદીમાં ખાબક્યાની પ્રાથમિક માહિતી છે.’
અમે ઝૂલતો પુલ જોવા જઈએ છીએ... કજરીના શબ્દો પડઘાયા. અખિલને લાગ્યું, હમણાં હૃદય ધબકતું બંધ થઈ જશે. હે ભગવાન, પુલ પરના બસો-અઢીસોમાં મારો પરિવાર તો ન જ હોય! 
ધ્રૂજતા હાથે તેણે પપ્પાને રિંગ કરી. પણ આ શું! કોઈનો ફોન કેમ નથી લાગતો?

‘મોરબીની ઘટના માટે પુલની મજબૂતાઈના પ્રશ્નો ઊઠી રહ્યા છે.. અહીં હું એ જણાવી દઉં કે મોરબીનું પુનરાવર્તન અહીં થવાની કોઈ જ સંભાવના નથી, કારણ કે આપણે વાપરેલું મટીરિયલ...’
અખિલ ફાટી આંખે અક્ષતને જોઈ રહ્યો. આને કેમ કહેવું કે આ પુલ તો અઠવાડિયુંય ટકે એમ નથી! અરે, આજના આ લોકપ્રવાહનો ધસારો થશે તો તો આજે જ તૂટી પડશે!
- અને સાથે બીજા બસો-અઢીસો અહીં માન નદીમાં ખાબકશે. મોતની ચિચિયારીઓ ગુંજશે. એમાં પણ કોઈ કજરી હશે, દયાનંદભાઈ હશે, નંદિનીબહેન હશે... તેં બીજાની પત્ની, બીજાનાં માવતરનો વિચાર ન કર્યો, પાપિયા, પછી ભગવાન તારી પત્ની, તારાં માવતરને શીદ બચાવે! તારું પાપ તેમને ખાઈ ગયું, અખિલ, પાંચ લાખમાં તેં તારી થનારી પત્ની, વહાલસોયાં મા-બાપની જિંદગી વેચી દીધી!

રૂંવે-રૂંવે ઊઠેલા ધિક્કારે અખિલ માટે શ્વાસ લેવો મુશ્કેલ બન્યો. માંડ ઉઘાડબંધ થતી આંખોએ જોયું તો સ્ટેજ ખાલી હતું, જનમેદની પુલ તરફ જતી હતી. કદાચ મહાનુભાવો રિબન કાપવા પહોંચી ગયા હતા.
તેમને રોક અખિલ. નહીંતર પુલ ખુલ્લો મુકાતા લોકોના ધસારાએ અહીં પણ હાહાકાર સર્જાઈ જવાનો... એ અનર્થ ટાળી જો, તો કદાચ તારું પુણ્ય કજરી, મા-બાપને ઉગારવામાં નિમિત્ત બની જાય!

- અને આના ધક્કાએ અખિલ દોડ્યો : શેઠજી.... શેઠજી!
મહારાજા, દાદાજી નવાઈ પામ્યા. મલ્હારને રુકાવટ રુચી નહીં. દાંડેકર ભડક્યો, અક્ષત-અનન્યા અખિલને ઓળખી ગયાં : એકદમ શું થયું, અખિલ?
‘સાહેબ...’ અખિલ અક્ષતના પગ આગળ ફસડાઈ પડ્યો, ‘આજે ઉદ્ઘાટન મોકૂફ રાખો, પુલ ફરી બનાવવો પડશે-’
હેં. મલ્હાર સૌથી વધુ ચોંક્યો : આ માણસ શું લવારો કરે છે!
‘પુલ નબળો છે. એમાં તમે મંજૂર કરેલા મટીરિયલને બદલે સાવ હલકી કક્ષાનો માલ વપરાયો છે.’
‘ન હોય!’

‘આનો ભેદ નહીં ખોલવાના મને પાંચ લાખ ચૂકવાયા છે...’
હેં. અક્ષત-અનન્યા માની ન શક્યાં. અખિલ, તેં આવું કર્યું? કજરીને આની જાણ છે?
મુકાદમ-મજૂરણની પ્રણયગાથાનાં અક્ષત-અનન્યા સાક્ષી છે જાણી દાદાજીને જરાતરા નવાઈ પણ લાગી.
‘કજરી...’ અખિલ રડી ઊઠ્યો, ‘મારું પાપ તેને, મારાં માવતરને ન કનડે એ માટે તો આ પસ્તાવો છે, શેઠ...! મોરબીમાં એ લોકો આજે ઝૂલતો પુલ જોવા જ ગયાં હતાં, હોનારતના ખબર મળ્યા, એમનો ફોન લાગતો નથી-’ અરેરે. બીજાએ અરેરાટી અનુભવી ત્યારે મલ્હારે દાઝ ઘૂંટી - મોરબીના બ્રિજની હોનારત અહીંના હૅન્ગિંગ બ્રિજને પડતો અટકાવે એવું ન બને!
‘ઈશ્વર તારો પસ્તાવો સ્વીકારશે...’ દાદાજીએ આગળ વધી તેને ઊભો કર્યો, ‘હવે એટલું કહી દે કે આ પુલને પાડવામાં કોનો સ્વાર્થ હતો?’
‘આપને, અક્ષતશેઠને બદનામ કરવાનું આ મોટું કાવતરું છે, શેઠજી... એમાં કાલિદાસ કંપનીનો પ્રોજેક્ટ ઇજનેર દાંડેકર, પુલનું સેફ્ટી સર્ટિફિકેટ ઇશ્યુ કરનાર પાલિકાના અધિકારી સુધ્ધાં સામેલ છે... અને આના મૂળમાં છે-’ અખિલે ધ્રૂજતા હાથથી આંગળી ચીંધી, ‘મલ્હારશેઠ.’
હેં!

છટકવા જતા દાંડેકરને કાલિદાસે જ ઝાલ્યો, પાલિકાના અધિકારીને લોકોએ ઘેર્યો. સૌની નજર હવે મલ્હાર પર પડી.
‘જૂઠ!’ મલ્હારના ગળે શોષ પડતો હતો. પોતે આમ ઉદ્ઘાટન પ્રસંગે જ ઝિલાઈ જશે એવી ધારણા નહોતી એમ કોઈ પણ રીતે બચાવ ખોળી કાઢવાનો હતો, ‘ફલાણા ઢીંકણાએ જે કર્યું એને માટે હું જવાબદાર નથી, જે થયું એ મારા કહેવાથી થયું હોય એવો કોઈ પુરાવો હોય તો બતાવો.’
પુરાવો. હુકમનો એક્કો હાથ આવ્યો હોય એવો ઝળહળી ઊઠ્યો મલ્હાર. દાંડેકરને પોતે હંમેશાં વૉટ્સઍપ કૉલ કરતો જે રેકોર્ડે થઈ શકતા નથી, એટલે કાવતરાનો કોઈ પુરાવો હોવાનો જ નહીં. આમ અખિલના કહેવાથી કોઈ નહીં માને.

‘દાદાજી, તમે મને અનન્યા માટે પસંદ કર્યો હોય ત્યારે તમને બદનામ કરવાનું હું વિચારું પણ કેમ! અક્ષત સાથે મને શું દુશ્મની હોય!’
દાદાજી-અનન્યાની નજરો મળી. પૌત્રીનો ભાવ સાફ કળાયો - અનન્યાની અક્ષત સાથેની પ્રીતનો અણસાર આવતાં અક્ષતને માર્ગમાંથી હટાવવા મલ્હારે આવું કર્યું પણ હોય!
‘મલ્હાર જૂઠ બોલે છે!’ અખિલ ચિલ્લાયો, ‘દાંડેકરને તેની સાથે વાત કરતાં મેં કાનોકાન સાંભળ્યો છે... અરે ભૂંડા, મારા આ હાલ જોઈનેય તને ગુનાની લાગણી નથી થતી? પસ્તાવો નથી જાગતો?’

કપાળ ઠોકતાં અખિલના વિલાપે ઘણાની આંખો ભીની કરી.
‘મને મલ્હારમાં શ્રદ્ધા છે.’
ત્રિભુવનભાઈના રણકાએ નલિનભાઈ-માયાબહેનમાં ટાઢક પ્રેરી. બાકી દીકરા વિરુદ્ધના ફણગાએ જીવ ઊંચો થઈ ગયેલો.
‘મલ્હાર, ભાઈ-’ તેની નજીક જઈ દાદાએ આંખોમાં આંખ પરોવી, ‘એટલું તો સ્પષ્ટ છે કે અખિલની લોઅર ગ્રેડ મટીરિયલની વાત માની પણ લઈએ તો એ બદલાવાનો સ્કોપ ક્યાં તને હતો ક્યાં અક્ષતને. અક્ષત પોતે તો પગ પર કુહાડી મારવાથી રહ્યો, અને તેં કર્યું નથી, એનો બીજો અર્થ એ કે મટીરિયલ બદલાયું જ નથી, રાઇટ?’
ખભો દબાવી તેમણે પૂછેલા પ્રશ્નના જવાબમાં મલ્હાર ઇચ્છે તો પણ ના ભણી શકે એમ નહોતો.‘જી.’

તેના જવાબે દાદાજીની કીકી ચમકી, ‘બસ, તો તારી સચ્ચાઈનો પુરાવો ઘડીકમાં સૌને મળી જવાનો.’
રિબન કાપવા ટ્રેમાંથી કાતર લઈ દાદાજીએ બીજા હાથે નલિનભાઈનો હાથ પકડ્યો, ‘ચાલો, ઝવેરીશેઠ, દીકરાના આરોપને ખોટા ઠેરવવાનો આનાથી રૂડો અવસર નહીં મળે. કાતરથી રિબન કાપી ઝૂલતા પુલ પરથી સર્વપ્રથમ તમે અને તમારાં ધર્મપત્ની આંટોફેરો કરી દેખાડો એટલે જનતા જનાર્દનને ધરપત થાય.’
નહીં! મલ્હારના ગળે ચીસ આવીને અટકી ગઈ.
‘દીકરાની સચ્ચાઈ માટે અમે દરેક અગ્નિપરીક્ષા આપીશું.’
માયાબહેને ખુમારીથી પતિનો હાથ પકડી તેમને દોર્યા. ઝૂલતા પુલ પાસે પહોંચી રિબન કાપી અખિલ-અક્ષત-અનન્યા સૌ કોઈ સ્તબ્ધ હતાં. દાદાજી ઝીણી આંખે મલ્હારને નિહાળતા હતા. મલ્હારનો શ્વાસ ગળે અટક્યો.
અને નલિનભાઈ-માયાબહેને પુલ પર પગલાં પાડતાં હૅન્ગિંગ બ્રિજ હાલી ઊઠ્યો ને ચીસ નાખતો મલ્હાર દોડ્યો - સ્ટૉપ મૉમ ડૅડ, બ્રિજ સાવ તકલાદી છે!
ખલાસ!
lll

અક્ષતને અનન્યાથી દૂર કરવાનો મોટિવ કબૂલતાં મલ્હાર ભાંગી પડ્યો. નલિનભાઈ-માયાબહેનનું માથું શરમથી ઝૂકી ગયું. મચ્છુની હોનારતે અખિલનો પસ્તાવો જાગ્યો ન હોત તો...
‘મલ્હાર દીકરા-’ ત્રિભુવનભાઈએ એનો ખભો દબાવ્યો. દાદાજીના આ રૂપની મલ્હારને બીક હવે લાગતી હતી, ‘તારો આ અપરાધ હું મારા ચોપડે ઉધાર રાખું છું. ફરી ક્યારેય મારી પૌત્રીના સુખ પર નજર બગાડી તો એને વસૂલતા હું નહીં અચકાઉં.’
મલ્હાર ધ્રૂજી ઊઠ્યો. ઉધાર વસૂલવાના ઘણા વસમા અર્થ નીકળે! 

‘અને અનન્યાનું સુખ એટલે અક્ષત એટલું કહી દઉં.’ કહી એ અક્ષત તરફ ફર્યા, ‘મારે તો કાખમાં છોકરુને ગામ ઢંઢેરો જેવુ થયું!’ 
વળતી ઘડીએ દાદાજીએ તેમના વેવિશાળની જાહેરાત કરતાં બન્ને ગદ્ગદ બન્યાં. નલિનભાઈએ પણ દાદાજીનો મિજાજ પારખી જાહેર કર્યું કે ફરીથી પુલ બનવવાનો તમામ ખર્ચ ઝવેરીકુટુંબ ઉઠાવશે અને દાદાજીના હાથે જ એનું ઉદ્ઘાટન થશે... એ જ વખતે સભામાં ચીસ ગુંજી - અ...ખિલ!
આ તો મારી કજરી!

આંખો લૂછતો અખિલ ઊભો થયો. પોતાના તરફ દોડ્યે આવતાં કજરી, મમ્મી-પપ્પાને ભાળી પૂતળા જેવો થયો. આ સ્વપ્ન કે સત્ય! સવારે મોરબીના પુલ પર જનારા આટલી વારમાં તો અહીં આવી જ કેમ શકે? 
‘પુલ જોવા તો અમે કાલે ગયેલાં... તમને સરપ્રાઇઝ આપવી’તી એટલે કાલે રાતના મોરબીથી નીકળ્યાનું કહ્યું નહીં, બલકે તમને ભુલાવામાં નાખવા સવારના ફોનમાં ઝૂલતો પુલ જોવા જતાં હોવાની ડિંગ હાંકી. નવસારી આગળ ખબર ઝબક્યા કે મચ્છુ પરનો એ પુલ તૂટ્યો. મોબાઇલમાં સિગ્નલ મળે નહીં, તમે ખબર જાણી રઘવાયા બનશો એની કલ્પનાએ અમારો જીવ રૂંધાતો હતો, એટલે તો વલસાડથી સ્પેશ્યલ રિક્ષા કરીને આવ્યાં...’ 

કજરીનું બયાન અખિલમાં રાહત પ્રેરતું હતું - કજરી, મા-પિતાજી પુલ પર નહોતાં એ ચમત્કારને હું તો સાચા હૃદયના પસ્તાવાના પ્રતાપરૂપે જ જોઈશ... પિતાની ગાંઠ નૉર્મલ હતી જાણી અખિલે ઈશ્વરનો પાડ માન્યો. ‘મારા ગુનાની ક્ષમા માગું છું, મા, પપ્પા, કજરી... ફરી આવી ચૂક નહીં થાય-’ખોટા માર્ગે પૈસા રળવાનાં એનાં કાર્યકારણ પરખાતાં અક્ષત-અનન્યાની રીસ ઓગળી : અખિલ, તારામાં કાબેલિયત છે. નોકરી સાથે ભણતો જા, તને સાચા માર્ગે બે પાંદડે કરવાની જવાબદારી અમારી.

અને કજરી બોલી ઊઠી - સૌ સારું જેનું છેવટ સારું!
કથાના ઉપસંહારમાં એટલું જ કે, અક્ષત-અનન્યા ધામધૂમથી પરણ્યાં, આ બાજુ અખિલ-કજરીનાં લગ્ન લેવાયા. ભણીગણી અખિલ આજે તો ક્લાસ વન ઑફિસર છે. ધરમપુરનો નવો પુલ બનાવ્યા પછી મલ્હારે આ દિશામાં જોયું નથી. હૅન્ગિંગ બ્રિજ સલામત છે અને અક્ષત-અનન્યા, અખિલ-કજરીનો સંસાર મઘમઘતો જ રહેવોનો એટલું વિશેષ. 

સમાપ્ત

Whatsapp-channel Whatsapp-channel

24 November, 2022 12:54 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK