પરસોત્તમભાઈ હેબતાયેલી અવસ્થામાં ઊભા રહ્યા અને બાએ ફરીથી ફ્લાઇંગ કિસ આપી
વાર્તા સપ્તાહ
ઇલસ્ટ્રેશન
‘આ બકેટ-લિસ્ટ એટલે શું કેતકી?’ બાએ કેતકીને પૂછ્યું, ‘બકેટ એટલે
તો બાલદી પણ બાલદીનું કંઈ લિસ્ટ થોડું હોય?’
ADVERTISEMENT
‘બા, બકેટ-લિસ્ટ એટલે ઇચ્છાઓનું લિસ્ટ.’ કેતકીએ સમજાવ્યું, ‘મરતાં પહેલાં જે બધું એક વાર કરવાનું મન હોય એનું લિસ્ટ બનાવી લેવાનું અને પછી સમય આવ્યે એક પછી એક ઇચ્છા પૂરી કરતા જવાનું.’
બા કંઈ પૂછે એ પહેલાં જ કેતકીએ પૂછી લીધું.
‘તમારું બકેટ-લિસ્ટ છે તો આપણે એ પૂરું કરીએ.’
‘સાચે જ!’ બાએ કિચન તરફ જોઈને મોટા અવાજે કહ્યું, ‘એ લિસ્ટમાં સૌથી પહેલી ઇચ્છા છે, આ કંચનને ચોક્કસ જગ્યાએ લાત મારીને ઘરની બહાર કાઢું.’
બા આગળ કહે કે કેતકી કોઈ જવાબ આપે એ પહેલાં તો કંચન વેલણ હાથમાં લઈને સીધી બા પાસે આવી ગઈ.
‘યાદ રાખજો, હું નથી જવાની. તમે મને નથી રાયખી. મને બે’ને રાયખી છે ને બે’ન કે’શે પછી જ હું આ ઘરમાંથી જાયશ.’
‘તું વેલણ આઘું રાખ, મને
લગાડી દઈશ.’
‘આજ સુધીમાં લાગ્યું ક્યારેય?’
બાય કહેવાની તસ્દી લીધા વિના જ બાએ ફોન કાપી નાખ્યો ને કેતકીના ચહેરા પર સ્માઇલ આવી ગયું. બા માટે કંચન જ બેસ્ટ છે. જો બીજી કોઈ કહ્યાગરી આવી ગઈ હોત તો અત્યાર સુધીમાં બન્ને એકબીજાથી કંટાળી ગયાં હોત અને બાને ઘર ખાવા દોડતું હોત. એના કરતાં કંચન મળી એ સારું થયું. બાને કાબૂમાં પણ રાખે છે, બાની સામે શિંગડા પણ ભરાવી શકે છે ને ઘરને ભરેલું પણ રાખે છે.
ધ બકેટ-લિસ્ટ.
કંચન જેવી રૂમમાંથી બહાર નીકળી કે તરત બાએ દરવાજો અંદરથી
બંધ કરી રાતે હાથમાં આવેલી જાહ્નવીની ડાયરી વાંચવાનું શરૂ કર્યું. ડાયરીના પહેલા પાના પર લખ્યું હતું ‘ધ બકેટ-લિસ્ટ’ અને અંદરનાં પાનાંઓ પર છોકરીએ પોતાની વાતો લખી હતી. વાતોની શરૂઆતમાં જ તેણે લખ્યું હતું કે હું તમને નિયમિત મળવાની નથી, પણ જ્યારે મળીશ ત્યારે એક એવી વાત લઈને આવીશ જે કરવાનું મને બહુ મન હશે, પણ હું કરી નહીં શકતી હોઉં.
‘છોકરી દેખાવે સીધી હશે, પણ અંદરથી ભારાડી હશે.’
બાએ અનુમાન લગાવ્યું અને આગળ વાંચવાનું શરૂ કર્યું.
જાહ્નવીની એક પછી એક ઇચ્છાઓ વાંચતાં-વાંચતાં બાની આંખો પહોળી થવા માંડી. આંખો પહોળી અને હૃદયના ધબકારા તેજ.
એક તબક્કે તો બાએ પોતાના હૃદય પર હાથ મૂકીને જાહ્નવીને સંબોધીને કહ્યું હતું, ‘જરાક ધીમે મારી મા, આમ ને આમ ધબકતી રહીશ તો કલાકમાં હું પણ તારી પાસે ઉપર આવી જઈશ.’
ડાયરી વાંચતાં-વાંચતાં બા છેલ્લા પાના પર આવ્યાં, જ્યાં ફરી એક વાર જાહ્નવીએ એ ડાયરી વાંચનારાને સંબોધીને વાત
કહી હતી.
‘જો હું ન હોઉં, રહેવાની જ છું, બહુ લાંબું જીવવાની છું અને સો વર્ષની થવાની છું, પણ ધારો કે હું ન હોઉં તો આ ડાયરી જેના પણ હાથમાં આવે (મમ્મી-પપ્પા સિવાય મારી ડાયરી કોના હાથમાં આવવાની? પણ એમ છતાં) તે મારી એક
વાત માને. કાં તો જઈને મારાં
મમ્મી-પપ્પાને ડાયરી આપી આવે અને ધારો કે તે લોકો પણ હયાત ન હોય તો આ ડાયરી જેની પાસે હોય તે મારી વિશ પૂરી કરે. પ્લીઝ કરજો. બને કે તમને કદાચ એ ન ગમે, એવું પણ બને કે તમે કદાચ અડધી વિશ ઑલરેડી પૂરી કરી ચૂક્યા હો પણ એમ છતાં મારા માટે આટલું કરજો. નહીં તો સાચે જ ભૂત બનીને બહુ બિવડાવીશ.’
‘ભૂત તો તું બની, પણ બીક લાગે એવી નથી બની.’
‘એ તો તમે છો એટલે બા...’ બાજુમાંથી અવાજ આવ્યો, ‘બીજા હોત તો તેની સામે તો એકદમ ડરામણી બનીને ઊભી રહું.’
બાએ જાહ્નવીના અવાજ તરફ ધ્યાન આપ્યા વિના ડાયરીના છેલ્લા પાના પર લખવાનું શરૂ કર્યું : જાહ્નવી માટે મારે શું-શું કરવાનું છે?
હેડિંગ આપ્યા પછી બાએ ફરીથી ડાયરીનાં પાનાંઓ ઉથલાવવાના શરૂ કર્યાં અને આગળના જ પાનામાં એક વાત વાંચીને બા હેબતાઈ ગયાં.
‘આ ગાંડી માર ખવડાવશે.’
‘બા, કલાકથી ગૅલરીમાં ઊભાં છો...’ કંચને આવીને બાને કહ્યું, ‘જમવાનું તૈયાર થઈ ગ્યું, અંદર હાલો.’
‘તું શું કરે છે?’
‘કાંય નઈ, નવરી છું.’
‘તો એક કામ કર.’ બાએ જગ્યા ખાલી કરતાં કહ્યું, ‘સામેની ગૅલરીમાં પરસોત્તમભાઈ દેખાય એટલે મને બોલાવ, ત્યાં સુધીમાં હું જમી લઉં.’
‘કેમ, કાંય કામ છે તેમનું?’
‘હા...’ જવાબ તો સહેલાઈથી આપી દીધો, પણ પછી બા રાબેતા મુજબના વ્યવહારમાં આવી ગયાં, ‘હવે પૂછતી નહીં શું કામ છે? આ ઘરની માલિક હું છું, તું નહીં.’
‘આવા ઠોબારા ઘરની માલિક હું બનુંયે નઈ.’
પીઠ પાછળ કંચનનો અવાજ આવ્યો અને બાને જવાબ પણ સૂઝી ગયો, પણ સૂર્યાસ્ત પહેલાં જમી લેવાનો નિયમ જળવાય એવા હેતુથી બા ઉતાવળાં પગલે કિચનમાં આવી ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયાં.
હજુ તો બા જમવા બેઠાં
ત્યાં જ તેમને ગૅલરીમાંથી કંચનની
રાડ સંભળાઈ.
‘એ બા, દાદા આયવા.’
સટાક કરતાં બા ઊભાં થઈ ગૅલરી તરફ ભાગ્યાં. ભાગતી વખતે બાનો પગ ટિપાઈ સાથે ભટકાયો અને બાને સણકો નીકળી ગયો, પણ આંખ આડા કાન કરીને બા સીધાં ગૅલરીમાં પહોંચ્યાં.
સામેની ગૅલરીમાં પરસોત્તમભાઈ નહોતા.
‘શું તું દોડાદોડી કરાવે છે, ક્યાં છે પરસોત્તમભાઈ?’
‘હમણાં હતા... હવે ગ્યા...’
કંચને ગૅલરીમાં જોતાં કહ્યું, ‘આવશે જોજો તમે...’
એવું જ થયું.
પરસોત્તમભાઈ ફરી ગૅલરીમાં આવ્યા અને ન્યુઝપેપર લઈને હીંચકા પર ગોઠવાયા. બાના હૃદયના ધબકારા વધી ગયા. તેમણે હિંમત એકઠી કરી અને પછી પરસોત્તમભાઈને સિસકારો કર્યો. સિસકારાનો અવાજ સાંભળી પરસોત્તમભાઈએ આજુબાજુમાં જોયું પણ કોઈ દેખાયું નહીં એટલે તે ફરીથી પેપર વાંચવા લાગ્યા.
સીઇઇઇશશશ...
બાએ હિંમત કરીને મોટા અવાજે સિસકારો કર્યો, કંચને કતરાઈને બા સામે જોયું.
‘કામ હોય તો ક્યોને, હું બોલાવું.’
‘બોલાવ.’ બાએ પરસોત્તમભાઈ પરથી નજર હટાવ્યા વિના જ કહ્યું, ‘પાડ રાડ.’
‘એ દાદા...’
ગળું ખેંચીને કંચને પરસોત્તમભાઈને રાડ પાડી, તેમણે ફરીથી આજુબાજુમાં જોવાનું શરૂ કર્યું એટલે કંચને ધ્યાન ખેંચ્યું.
‘એ દાદા, આંયા આંયા...’ પરસોત્તમભાઈએ હાથ ઊંચો કરીને ઇશારાથી જવાબ આપ્યો એટલે કંચને કહ્યું, ‘હું નઈ, બા... ઈ બોલાવે છે.’
પરસોત્તમભાઈએ હવે બા તરફ જોયું અને બીજી જ સેકન્ડે બાએ ગૅલરીમાં સુકાતો ટુવાલ કંચનના મોઢા પર નાખી પરસોત્તમભાઈને ફ્લાઇંગ કિસ આપી.
પરસોત્તમભાઈ હેબતાયેલી અવસ્થામાં એમ જ ઊભા રહ્યા એટલે બાએ ફરીથી એ જ કર્યું જે પહેલાં કર્યું હતું.
બાની બીજી ફ્લાઇંગ કિસ જોઈને પરસોત્તમભાઈને તો ચક્કર આવી ગયાં, પણ ત્યાં સુધીમાં ચહેરા પરથી ટુવાલ હટાવી ચૂકેલી કંચનને પણ ચક્કર આવી ગયાં હતાં.
અડધી જ સેકન્ડમાં પરસોત્તમભાઈ અને કંચન બન્ને અંદર ચાલ્યાં
ગયાં હતાં.
અંદર જઈને પરસોત્તમભાઈ માથા પર બાકી બચેલા વાળ સરખા કરવા લાગ્યા હતા તો કંચને કેતકીને ફોન લગાડી દીધો હતો.
‘બે’ન, બા ગાંડાં થઈ ગ્યાં છે.’ કંચને લાઇવ રિપોર્ટિંગ કરતાં કહ્યું, ‘ગૅલરીમાં ઊભાં રઈને સામેવાળા પરસોત્તમદાદાને ઊડતી બચિયું મોકલે છે.’
કેતકીને સમજાયું નહોતું એટલે કંચને સમજાવ્યું હતું.
‘આમ... ઓ’લા પિક્ચરુંમાં
દેખાડે ને... હાથનાં ચાર આંગળાં હોઠ ઉપર રાખીને મોઢામાંથી બચીનો અવાજ કાઢીને હાથ સામેવાળા તરફ કરવાનો ઈ...’
‘એને ફ્લાઇંગ કિસ કહે.’
‘ઈ જે હોય ઈ... પણ તમારાં બા અત્યારે ગૅલરીમાં ઊભાં રઈને સામેવાળા દાદાને આવું કરે છે.’
‘વિડિયો-કૉલ કર...’
કંચને તરત કેતકીની વાત માની વિડિયો-કૉલ કર્યો અને કૅમેરા બા સામે કર્યો. બા હજુ પણ ગૅલરીમાં હતાં. કેતકી કંઈ કહે કે પૂછે એ પહેલાં બાએ મોબાઇલની સ્ક્રીન સામે જોઈને ફ્લાઇંગ કિસનું પુનરાવર્તન કર્યું અને બાની હરકત જોઈ કેતકી હસી પડી. તેણે પણ બાને કિસ આપી, પણ એ જોવા માટે બા પાસે ક્યાં ટાઇમ હતો. તે તો આજે જાહ્નવીની પહેલી વિશ પૂરી કર્યાની ખુશીમાં સાતમા આસમાન પર હતાં.
એક વખત મારે કોઈ એવી વ્યક્તિને ફ્લાઇંગ કિસ આપવી છે જે એ જોઈને શૉક્ડ થઈ જાય. ભલે તે સાવ અજાણી વ્યક્તિ ન હોય, મને રેગ્યુલરલી જોતી પણ હોય અને ઓળખતી પણ હોય, પણ અચાનક હું તેની સામે જઈને તેને ફ્લાઇંગ કિસ આપું ત્યારે તેની શું હાલત થાય એ મારે જોવી છે.
હાશ...
જાહ્નવીની એક વિશ પૂરી કર્યા પછી બા રૂમમાં પાછાં આવી ગયાં. સૂર્યાસ્ત થઈ ગયો હતો, બા હવે જમી નહોતાં શકવાનાં અને હકીકત એ પણ હતી કે જાહ્નવીની પહેલી ઇચ્છા પૂરી કર્યાની ખુશીને કારણે બાનું પેટ પણ ભરાઈ ગયું હતું.
હવે વારો હતી જાહ્નવીની બીજી ઇચ્છાનો, પણ એની માટે બાની હવે કોઈ તૈયારી નહોતી. પ્રેમના આવેશમાં લીધેલાં પગલાંની તીવ્રતા ત્યારે જ સમજાતી હોય છે જ્યારે વાસ્તવિકતા સામે આવતી હોય છે. બાની આંખ સામે પણ વાસ્તવિકતા આવવા માંડી હતી. કરતાં તો તેમણે પગલું ભરી લીધું હતું, પણ હવે પછી પરસોત્તમભાઈ સામે મળશે ત્યારે તેમની હાલત કેવી કફોડી થશે એ વાત બાને પરેશાન કરવા લાગી હતી.
બા ઊભાં થઈને ગૅલરીને લગાવેલા પડદાની ઓથમાં આવ્યાં અને તેમણે, પોતે ન દેખાય એનું ધ્યાન રાખતાં ગૅલરીમાંથી બહાર નજર કરી.
પહેલાં માત્ર માત્ર સદરો પહેરીને હીંચકે બેસવા આવેલા પરસોત્તમભાઈએ કબાટમાંથી નવો ઝભ્ભો કાઢીને ફરીથી હીંચકા પર બેઠક જમાવી લીધી હતી! તેમની નજર બાની ગૅલરી તરફ હતી.
બાએ સહેજ ઊંડો શ્વાસ લીધો. હવામાં પરફ્યુમની ખુશબૂ આવતી હતી. તેમને ક્યાં ખબર હતી નવા ઝભ્ભા સાથે ગૅલરીમાં આવતાં પહેલાં પરસોત્તમભાઈએ પરફ્યુમની આખી બૉટલ ખાલી કરી નાખી હતી.
હીહીહી...
બાની પીઠ પાછળથી હસવાનો અવાજ આવ્યો. બા ઝાટકા સાથે પાછળ ફર્યાં, મનમાં હતું કે કંચન હોય તો એક તમાચો ચોડી દઉં પણ ના, કંચન નહીં, જાહ્નવી હતી.
‘શું તું પણ મારી પાસે ગાંડપણ કરાવે છે.’ કંચન સાંભળી ન લે એનું ધ્યાન રાખતાં બાએ દબાયેલા અવાજે કહ્યું, ‘બસ, આ એક થાય એમ હતું એટલે તારી આ ઇચ્છા મેં પૂરી કરી.’
‘એક નહીં, બે... કાલે રાતે પણ મારી ઇચ્છા પૂરી કરી તમે.’
‘કઈ?’
બાના સવાલ પર જાહ્નવીએ હાથના ઇશારે શોલ્ડર પર હાથ રાખીને અપર અન્ડરગાર્મેન્ટ્સની યાદ દેવડાવી અને બા, અત્યારે પણ શરમાઈ ગયાં.
‘બા, જેટલી પૂરી થાય એટલી ઇચ્છા તો પૂરી કરો.’ બાએ ના પાડી કે તરત જાહ્નવીએ લાડ સાથે કહ્યું,
‘બા, પ્લીઝ... તમારામાં હું ધબકું છું, ખબર છેને?’
‘આપી દઉં હૃદય પાછું તને?’ બાએ કતરાતી નજરે જોયું, ‘કાઢી લે, જા લઈ જા તારી સાથે હૃદય એટલે મારો છુટકારો થાય.’
‘એક ઇચ્છા બા... છેલ્લી એક ઇચ્છા.’ બાએ સામે જોયું એટલે જાહ્નવીએ કહ્યું, ‘પેજ નંબર ફોર્ટીન પર લખી છે એ... એક દિવસ માટે ઘરેથી ભાગવું છે બા.’
‘પછી શું કરશું?’
‘બહુ મજા કરશું.’ જાહ્નવીએ બાના ખભા પર હાથ મૂક્યો, ‘હું છુંને સાથે... લેટ્સ એન્જૉય...’
(ક્રમશ:)