ક્ષણ વાર પણ જીભને આરામ નહીં આપનારાં બાની પહેલી વાર બોલતી બંધ થઈ ગઈ હતી
વાર્તા સપ્તાહ
ઇલસ્ટ્રેશન
‘સૌથી પહેલાં તો જઈને પાણીપૂરી ખાવાની છે.’
બાએ આંખો મોટી કરીને
ADVERTISEMENT
બાજુમાં જોયું.
‘હું ચુસ્ત વૈષ્ણવ છું, મરજાદી. બહારનું પાણી સુધ્ધાં મેં નથી પીધું.’
‘તો શું થઈ ગયું, મારી ઇચ્છા છે, પૂરી તો કરવી પડશેને.’
બાએ બે હાથ જોડ્યા અને મનોમન ભાંડી પણ લીધી.
‘હુંયે ક્યાં આ ડોબીને મળવા માટે તેની ન્યાં ગઈ?’
બાની આંખ સામે એ દિવસ આવી ગયો જે દિવસે તેમણે પહેલી વાર જાહ્નવીના ઘરમાં પગ મૂક્યો હતો
‘ફૉર ગૉડ્સ સેક, અમ્રિતા...
ધીમે તો બોલ.’
‘મને ધીમે બોલતાં નથી આવડતું, ખુશ?’ હતો એના કરતાં વધારે મોટા અવાજ સાથે જાહ્નવીની મમ્મીએ હસબન્ડ સૂર્યકાન્ત મહેતાને જવાબ આપ્યો, ‘મારે તેમને નથી મળવું એટલે નથી મળવું. તમે મળવા માટે હા પાડી છે, જાવ તમે જઈને મળો. મારે નથી મળવું.’
‘એટલું તો યાદ રાખ, તારી દીકરીનું હૃદય તેનામાં ધબકે છે. એ પણ આ બધું સાંભળે છે.’
‘એ સાંભળે પણ છે ને જુએ પણ છે, એની માની પીડા.’ અમ્રિતાની આંખમાં આંસુ આવી ગયાં, ‘પ્લીઝ, મને તમે રાજેશ્રીબહેનને મળવાનો આગ્રહ નહીં કરો. મારાથી તેમને કંઈ કહેવાય જશે તો પછી મને જ અફસોસ થશે. બેટર છે તમે જઈને તેમને મળી લો અને તેમને હવે જે હેલ્પ જોઈતી હોય એ પણ કરી દો.’
ડ્રૉઇંગ રૂમને જોડાયેલા સ્ટડી રૂમમાં ચાલતી આ વાતો બાને સ્પષ્ટ રીતે સંભળાતી હતી. તેમને પણ ઊભા
થઈને નીકળી જવાનું મન થતું હતું,
પણ પગમાં તાકાત નહોતી રહી અને રહે પણ ક્યાંથી, તે એ માના શબ્દો સાંભળતી હતી જે માની એકવીસ વર્ષની દીકરી જાહ્નવીનું હાર્ટ તેમના શરીરમાં ધબકતું હતું.
હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટની સફળ સર્જરીના ચાર મહિના પછી બા ડૉક્ટર પાસેથી મહામુશ્કેલીએ ઍડ્રેસ મેળવીને સૂર્યકાન્ત મહેતાના ઘરે આવ્યાં હતાં. ઘરે આવ્યાં ત્યાં સુધીમાં તેમને ડૉક્ટર પાસેથી આખી ઘટનાની ખબર પડી ગઈ હતી.
‘આપણે બેતાળીસ દિવસથી
બ્રેઇન-ડેડ અવસ્થામાં જાહ્નવીને રાખી છે. બટ સર, ધેર ઇઝ લીસ્ટ ચાન્સ.’ ડૉક્ટર મુખર્જીએ સૂર્યકાન્ત મહેતાની સામે જોયું, ‘ઍક્ચ્યુઅલી લીસ્ટ પણ નહીં, ઝીરો ચાન્સ... કે જાહ્નવી હવે પાછી આવે. બેટર છે કે જાહ્નવીના જે ઑર્ગન સલામત છે એ આપણે ડોનેટ કરીને બીજા લોકોના જીવ બચાવીએ.’
નિર્ણય લેવો અઘરો હતો, પણ એ લીધા વિના છૂટકો પણ નહોતો.
એકની એક દીકરીનું ઍક્ટિવા સ્લિપ થયું અને ફુટપાથ સાથે માથું ભટકાયું. ગરમીના કારણે ચપોચપ હેલ્મેટ બાંધવાને બદલે એ દિવસે જાહ્નવીએ હેલ્મેટ પહેર્યું હતું. ઍક્ટિવા સ્લિપ થયા પછી જાહ્નવી જમીન પર સરકી અને એ વખતે જાહ્નવીના માથા પરથી હેલ્મેટ પણ નીકળી ગઈ. ફુટપાથ સાથે માથું અથડાતાં જાહ્નવીને હૅમરેજ થયું. તાત્કાલિક તેને હૉસ્પિટલ પહોંચાડવામાં આવી અને ડૉક્ટરે ત્યાં તેને બ્રેઇન-ડેડ ડિક્લેર કરી. જોકે
મમ્મી-પપ્પા દીકરીને લઈ જવા રાજી નહોતાં એટલે તરત સૂર્યકાન્ત મહેતાએ પૉલિટિકલ કૉન્ટૅક્ટનો ઉપયોગ કરીને જાહ્નવી આઇસીયુમાં રહે એવી વ્યવસ્થા તો કરી લીધી, પણ આજે એ વ્યવસ્થાને પણ બેતાળીસ દિવસ થઈ ગયા હતા.
‘ફાઇનલ ડિસિઝન તમારું રહેશે, પણ મારી પર્સનલ ઍડ્વાઇઝ છે કે હવે સમય ખેંચવાનો કોઈ અર્થ નથી. બહેતર છે કે આપણે કોઈને હેલ્પફુલ બનીએ. કદાચ ઈશ્વરની પણ એ જ ઇચ્છા હોય.’
બહુ સમજાવ્યા પછી પણ અમ્રિતા માની નહીં અને એક વીક બીજું નીકળી ગયું. વડીલોથી લઈને અનેક સગાંસંબંધીઓને વચ્ચે રાખીને સૂર્યકાન્ત મહેતાએ વાઇફને સમજાવવાની કોશિશ કરી અને ભારે હૈયે અમ્રિતાએ હા પાડી અને જાહ્નવીના ઑર્ગનનું ડોનેશન કરવામાં આવ્યું. અલબત્ત, એ પછી પણ માના મનમાં તો દીકરી હજુ પણ હયાત હતી તો એક પક્ષ એવો પણ હતો જે ઋણ ચૂકવવાની ભાવના સાથે ડૉક્ટરને મળવા પહોંચ્યો હતો. એ પક્ષ એટલે રાજેશ્રી રાજેશ રાજાણી.
‘બધુંય સાચું સાહેબ, પણ મારી ઉંમર સામે તો જુઓ.’ બાએ ડૉક્ટર સામે હાથ જોડ્યા, ‘આ ઉંમરે હું ભાર લઈને ઉપર જાઉં એ તમને ગમશે?’
‘બા, અમારા પણ એથિક્સ
હોય.’ ડૉક્ટરે જવાબ આપ્યો,
‘એવી રીતે મારાથી તમને ડોનરનું નામ ન કહી શકાય.’
‘તો લખીને આપી દે. તું બોલ્યો નથી એટલે તારો નિયમ અકબંધ.’
બાની બાળકબુદ્ધિ પર ડૉક્ટરને હસવું આવી ગયું, પણ તેણે નંબર આપ્યો નહીં.
‘ના, એ તો શક્ય નહીં બને.’ ડૉક્ટરે હાથ જોડીને કહ્યું, ‘કોઈને ખબર પડે કે મેં ડોનરનાં નામ-નંબર આપી દીધાં તો મારું ખરાબ લાગે.’
‘હું કોને કહેવા જવાની સાહેબ?’ બાની જીદ ચાલુ રહી, ‘મારે ખાલી ત્યાં જઈ, તેનાં જે કોઈ સગાં હોય એ બધાંયને હાથ જોડીને આભાર માનવો છે. એનાથી એક ડગલું આગળ નહીં ને એક ડગલું ઊતરતું નહીં.’
‘ના, બા...’
‘તો પછી હું ધરણાં દઈશ.’ ચૅર પરથી ઊભાં થઈને બા જમીન પર બેસી ગયાં, ‘તારા એકલાની સામે... હું અહીંથી ઊભી નહીં થાઉં.’
‘બા, મારે તમને ધક્કા મારીને બહાર કાઢવાં પડે એવું નહીં કરોને.’
‘તારી માની મા હોય એ ઉંમરની છું, તું ધક્કા દઈશ...’ બા તુંકારા પર આવી ગયાં હતાં, ‘માર ધક્કા, આજે હુંયે જોઉં કે તારામાં કેટલી હિંમત છે.’
ડૉક્ટર કંટાળીને પોતાની જ ચેમ્બરમાંથી બહાર નીકળી ગયા, પણ બહાર જઈને તેમણે પહેલું કામ સૂર્યકાન્ત મહેતાને ફોન કરવાનું કર્યું હતું.
‘જેને જાહ્નવીનું હાર્ટ આપવામાં આવ્યું છે તે બાને તમને મળવું છે.’
‘બાને?! શું ઉંમર છે, શું કામ છે?’
‘અરાઉન્ડ એઇટી હશે, અને કામમાં તો કહે છે કે એ માત્ર થૅન્ક્સ કહેવા માગે છે કે જે છોકરીનું હૃદય મારા શરીરમાં ધબકે છે એનાં સગાંવહાલાંને એક વાર મળી હું આભાર માની આવું.’
‘હં...’
‘એથિકલી હું ઍડ્રેસ આપી શકું નહીં, પણ ઑનેસ્ટલી કહું તો તેમની એજ જોતાં મને થાય છે કે એક વખત તમારે મળી લેવું જોઈએ.’ ડૉક્ટરે રસ્તો પણ દેખાડ્યો, ‘એવું હોય તો તમે મારી ચેમ્બરમાં પણ તેમને
મળી શકો છો. તમને અનુકૂળ હોય તો અને અનુકૂળ હોય ત્યારે...’
‘ગિવ મી સમ ટાઇમ... વિચારીને કહું.’ સૂર્યકાન્ત મહેતાએ ચોખવટ પણ કરી, ‘તેમની પાસેથી એકાદ દિવસનો સમય લઈ લો. કાલે તમને વાત કરું.’
‘શ્યૉર.’
‘મારે વાત થઈ, તે લોકો અત્યારે અહીંયાં નથી.’ ચેમ્બરમાં આવીને ડૉક્ટરે બાને કહ્યું, ‘કાલે મને કહેશે કે ક્યારે તમને મળી શકશે.’
‘કાલે ક્યારે આવું?’
‘બસ, આવા ટાઇમની આસપાસ. નહીં તો તમે મને તમારો નંબર આપી દો, હું તમને ફોન કરી દઈશ.’
‘તમારા કોઈનો ભરોસો નહીં ને આ આખા જગતમાં મારા જેટલું નવરું કોઈ નથી.’ બા ઊભાં થયાં, ‘કાલે હું આવી જઈશ ને ખબરદાર...’
ચેમ્બરના દરવાજા પાસે ઊભાં રહીને બાએ વૉર્નિંગ આપી.
‘ખોટું કંઈ કીધું છે તો યાદ રાખજે, મારા જેવું ભૂંડું કોઈ નથી.’
‘જુઓ આ ઍડ્રેસ છે, જુહુમાં રહે છે. તમારે તેમને મળવા માટે મંગળવારે જવાનું છે.’
‘હું તે લોકો માટે કંઈ લેતી જાઉં?’ પૂછી લીધા પછી બાએ ચોખવટ પણ કરી, ‘આ હૃદય તો લેતી જ જવાની છું, પણ એના સિવાય કંઈ...
તને સૂઝતું હોય તો?’
‘બા, એવું નહીં કરતાં, તે લોકોની દીકરીના મોત પછી તમને જીવન મળ્યું છે. ખુશી તમારા માટે છે, તે લોકો તો નૅચરલી દુઃખી જ છે.’
બા પાસે કોઈ
જવાબ નહોતો.
બા નીકળી ગયાં અને મંગળવારે જુહુ ક્લબની સામે આવેલા બંગલાની બહાર આવીને ઊભાં રહી ગયાં. વૉચમૅન પાસે જતાંની સાથે જ બાએ સાથે રાખેલા થેલામાંથી ગોળપાપડીનો ડબ્બો ખોલી નાખ્યો.
‘લ્યો, સૂર્યકાન્તભાઈ મહેતાભાઈને મળવા આવી છું. તેમના માટે ડબલ
દેશી ઘીની ગોળપાપડી બનાવી છે, તમે પણ ચાખો.’
વૉચમૅને ના પાડી કે તરત બાએ કહ્યું, ‘લઈ લે ડફોળ, આવી ગોળપાપડી તારી સાત પેઢીમાં કોઈએ ખાધી નહીં હોય ને જો, આમાં કોઈ ભેળસેળ નથી કરી. તું કહેતો હોય તો એક ટુકડો ખાઈને દેખાડું.’
બાએ બીજી જ ક્ષણે વૉચમૅનને વૉર્ન પણ કરી દીધો.
‘હા નહીં પાડતો, ડાયાબિટીઝ છે... વધી જશે તો તારે નહીં, મારી દીકરીએ હેરાન થવું પડશે.’
‘આપ અંદર જાઓ, સા’બ, વેઇટ કરતે હૈં.’
સિક્યૉરિટી કૅબિનમાંથી ઇન્ટરકૉમ પર વાત થઈ ગઈ હોવાથી ગાર્ડે બાને અંદર જવાની પરવાનગી આપી, પણ બા એમ જવા રાજી નહોતાં. ગોળપાપડીના ત્રણ-ચાર ટુકડા તેમણે ગાર્ડના હાથમાં પકડાવી દીધા.
‘શરીર માટે બહુ સારી, તું ને તારો જોડીદાર બેય જણ બબ્બે ટુકડા ખાઈ લેજો. જોજો રાત સુધી ભૂખ નહીં લાગે.’
બાએ બંગલામાં એન્ટ્રી કરી.
‘ફૉર ગૉડ્સ સેક, અમ્રિતા...
ધીમે તો બોલ.’
‘મને ધીમે બોલતાં નથી આવડતું, ખુશ?’ બાને મમ્મી અમ્રિતાનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો, ‘મારે તેમને નથી મળવું એટલે નથી મળવું. તમે મળવા માટે હા પાડી છે, જાવ તમે જઈને મળો. મારે નથી મળવું.’
રૂમની બહાર આવી સૂર્યકાન્ત મહેતાએ બાને બે હાથ જોડ્યા. બા પહેલી વાર મૂંઝાયાં હતાં કે પોતે શું કરે? હાથ જોડે કે પછી આશીર્વાદ આપે?
‘બેસોને.’
‘આપણે બહાર બેસીએ?’ બાએ સ્ટડી રૂમ તરફ ઇશારો કરતાં દબાયેલા અવાજે કહ્યું, ‘તેમને રાહત રહેશે.’
હાથના ઇશારે સૂર્યકાન્ત મહેતાએ બહારની તરફ આવવા માટે ઇશારો કર્યો અને બા તેમની પાછળ બહાર ગાર્ડનમાં આવ્યાં. એકધારું બોલ-બોલ કરતાં, ક્ષણ વાર પણ જીભને આરામ નહીં આપનારાં બાની પહેલી વાર બોલતી બંધ થઈ ગઈ હતી. સંપત્તિ પણ ક્યારેક જીવ બચાવવામાં ઉપયોગી નથી થતી એ વાત તેમને સમજાઈ ચૂકી હતી અને એ વાત પણ તેમને અત્યારે સમજાઈ રહી હતી કે માણસ કેટલું જીવશે એ ઉપરવાળા સિવાય બીજું કોઈ નક્કી નથી કરી શકતું.
‘શું કહું હું?’ બાએ સૂર્યકાન્ત મહેતા સામે હાથ જોડ્યા, ‘જો આવી ખબર હોત તો... તો મેં મળવાની જીદ ન કરી હોત.’
‘અરે, વાંધો નહીં.’
‘તમે મળ્યાં તો સાચું કહું, અત્યારે એવું લાગે છે જાણે કે હું જાહ્નવી સાથે બેઠો છું.’ સૂર્યકાન્ત મહેતાની આંખો ભીની થઈ ગઈ હતી, ‘એ ઇચ્છતી કે હું તેની પાસે બેસું, વાતો કરું, પણ ટાઇમ જ મળ્યો નહીં ને તે પણ નીકળી ગઈ.’
આંખ સાફ કરતાં સૂર્યકાન્તે બા
સામે જોયું.
‘કાશ, બેસી લીધું હોત...’
પહેલી વાર, પહેલી વાર બાને ખબર નહોતી પડતી કે તે શું બોલે.
‘મારે એક જ દીકરી હતી, મને એમ કે એટલા પૈસા કમાઉં કે તેણે કે તેના હસબન્ડે કંઈ કમાવું ન પડે અને...’
એ દિવસે બસ, સૂર્યકાન્ત મહેતા બોલતા રહ્યા અને કોઈને બોલવા નહીં દેનારાં રાજેશ્રી રાજુભાઈ રાજાણીએ ચૂપચાપ સાંભળ્યા કર્યું. અડધા કલાક પછી સૂર્યકાન્ત મહેતા જ ઊભા થયા અને બા સામે હાથ જોડ્યા.
‘તમે આવ્યાં, મન હળવું થઈ ગયું, કંઈ વધારે બોલાયું હોય તો માફી.’
‘એક વાત કહું?’ બાએ નમ્રતા સાથે હાથ ફેલાવ્યા, ‘દીકરીને એક વાર દિલથી ગળે મળી લો.’
અને સૂર્યકાન્ત મહેતા બાને ભેટીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. રડ્યા પણ ખરા અને બોલ્યા પણ ખરા : ‘આઇ ઍમ સૉરી જાહ્નવી, હું તને ટાઇમ આપી
શક્યો નહીં.’
‘એક મિનિટ...’ બા જતાં હતાં ત્યાં તેમની પીઠ પાછળ અવાજ આવ્યો, ‘આ લેતાં જાઓ, આની અમને કોઈ જરૂર નથી.’
બા અવળાં ફરતાં હતાં ત્યાં ફરી અવાજ આવ્યો.
‘નહીં, આ બાજુ જોતાં નહીં... તમારો ચહેરો મારે નથી જોવો...’
બા સ્ટૅચ્યુ થઈ ગયાં. થોડી ક્ષણો પછી બાએ પરવાનગી માગી પણ પીઠ પાછળથી કોઈ જવાબ આવ્યો નહીં એટલે બા સમજી ગયાં કે હવે પાછળ જાહ્નવીની મા નથી. તેમણે ધીમેકથી ફરીને પાછળ જોયું. બાના પગ પાસે એક થેલો પડ્યો હતો.
બાએ થેલો ઊંચક્યો. તેમને
ખબર નહોતી, એ થેલો હવે તેમનું
જીવન કેવું બદલશે.
(ક્રમશ:)