Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > રાજુબહેન રાજુભાઈ રાજાણી : હું, એ અને અમે બન્ને (પ્રકરણ ૧)

રાજુબહેન રાજુભાઈ રાજાણી : હું, એ અને અમે બન્ને (પ્રકરણ ૧)

13 May, 2024 05:35 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ત્રણથી વધુ ફોન કર્યા છે તો બ્લૉક કરી દઈશ એમ કહીને ૮૦ વર્ષનાં બા ઘર છોડી ભાગી ગયાં

ઇલસ્ટ્રેશન

વાર્તા સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘બેન... બેન... બેન...’


‘આગળ બોલીશ...’ અડધી ઊંઘમાં અમેરિકામાં ફોન ઉપાડ્યા પછી કેતકીના કાનમાં પડેલા કંચનના કર્કશ અવાજે તેને અકળાવી દીધી હતી, ‘તારા મુંબઈમાં સવાર પડી, અમારે ત્યાં અડધી રાત છે.’



‘બેન, વાત જ એવી છે એટલે ફોન કર્યો.’


‘શું થયું?’

કેતકીએ અનુમાન બાંધ્યું કે બાએ દવા લેવામાં ત્રાગાં શરૂ કર્યાં હશે અને એ ત્રાગાંથી કંટાળીને કંચને ફોન કર્યો હશે. બા અને કંચનનું આ લગભગ રોજનું હતું. બાને કંચન વિના ચાલે નહીં અને કંચન સાથે પણ ચાલે નહીં. એકાદ વર્ષ પહેલાં થયેલા ઑપરેશન પછી બાને એકલાં રાખવાની હિંમત હતી નહીં એટલે ચોવીસ કલાકની મેઇડ તરીકે કંચનને કેતકી ગામથી લાવી અને પોતે અમેરિકા પાછી આવી. તે અમેરિકા રિટર્ન થતી હતી ત્યારે પણ બા સાથે લપ થઈ હતી.


‘તને મારી કંઈ પડી જ નથી.’

‘જો એવું હોત તો હું પાંચ મહિનાથી અહીંયાં ન હોત.’ ઇરિટેશન સાથે કેતકીએ વાત તો શરૂ કરી પણ પછી તરત જ ટોન સુધારી લીધો, ‘તને ખબર છે, રાજદીપ ને પૃથ્વી ત્યાં એકલા છે અને પૃથ્વી હજુ થર્ડ સ્ટાન્ડર્ડમાં આવ્યો. અહીંયાં કરતાં અમેરિકાનું એજ્યુકેશન વધારે હાર્ડ હોય. હવે તો તારી તબિયત પણ સારી છે તો પછી હવે તો હું જાઉં.’

‘હા, એકની એક દીકરીને હવે તો તેનો વર ને છોકરો યાદ આવેને?’

એકની એક દીકરી.

એ રાતે ફ્લાઇટમાં બેઠા પછી કેતકીએ સૌથી પહેલાં નક્કી કર્યું હતું કે આજ સુધી ભલે પોતે એક બાળકનો આગ્રહ રાખતી રહી, પણ હવે તે બીજું બાળક કરશે. જ્યાં સુધી લાઇફપાર્ટનર સાથે હોય ત્યાં સુધી તો એક જ બાળક ધરાવતા પેરન્ટ્સ હેરાન નથી થતા, એકબીજાની ઓથે દિવસો પસાર કરી લે; પણ પાર્ટનરની કાયમી ગેરહાજરીમાં હયાત હોય તેની શું હાલત થાય એ તે બામાં જોઈ ચૂકી હતી.

‘શું થયું કંચન?’ કેતકી હજુ પણ ઊંઘમાં હતી, ‘તું તો ઓળખે છે બાને, સાચવી લે જરાક.’

‘હા, પણ સાચવું કેવી રીતે? બા ઘરમાં હોય તો સાચવુંને?’

‘એય, ગોટાળા નહીં માર... સરખી વાત કર. શું થયું છે?’

‘બેન, બા ભાગી ગ્યાં.’

‘હેં?!’

‘હેં નહીં હા.’ કંચને કહ્યું, ‘સાચું સાંયભરું તમે, બા ભાગી ગ્યાં.’

‘કંચન ફોનમાં એવો ફડાકો મારીશ તને કે ત્યાં મુંબઈમાં તારો ગાલ લાલ થઈ જશે. ભાન છે શું બોલે છે તું?’

‘ઇ જ, બા ભાગી ગ્યાં.’

કંચન ત્રીજી વાર બોલી, ‘તમે

સાચું સાંયભરું.’

‘શું ભાગી ગયાં? જો ત્યાં જ હશે, આજુબાજુમાં ગયાં હશે.’

‘એ ના બેન... સાચે. બા ભાગી ગ્યાં છે.’ કંચને થોડી વિગતે વાત કરી, ‘સવારના જાગીને મેં તેમના રૂમમાં જોયું તો

રૂમ ખાલી ને બા રૂમમાં નઈ.’

‘એટલે ભાગી

ગયાં, એમ?!’

‘બેન, પેલા પૂરી વાત તો સાંભરો.’ કંચને વાત આગળ વધારી, ‘બા નોતાં એટલે મનેય થ્યું કે હશે બાથરૂમમાં, પણ ઝાઝો વખત થ્યો એટલે મને થ્યું કે ક્યાંક બાને બાથરૂમમાં જ પાછું હાર્ટફેલ નથી થઈ ગ્યું ને એટલે મેં તો દરવાજે ઝીંકમઝીંક કરવાનું ચાલુ કર્યું ને હારે રાયડુંયે પાડતી જાવ, પણ પછી મારું ધ્યાન ગ્યું કે બાથરૂમ તો ઠાલો બંધ હતો. બા અંદર નોતાં.’

‘બા ક્યાં છે?’ હાર્ટફેલની વાતથી કેતકીનો શ્વાસ અધ્ધર થઈ ગયો, પણ તેણે દેખાવા દીધું નહીં, ‘મને તારો આંખે દેખ્યો અહેવાલ નહીં, અત્યારની વર્તમાન પરિસ્થિતિ જાણવામાં રસ છે. બા અત્યારે ક્યાં છે?’

‘નથી ઘરમાં, બા ઘર છોડીને ભાગી ગ્યાં.’

‘તું... તું છેને...’ હવે કેતકીની ઊંઘ બિલકુલ ઊડી ગઈ હતી, ‘તું ફોન મૂક, હું બાને ફોન કરું છું.’

‘તેમણે ફોન કરવાની ના

પાયડી છે.’

કેતકીનું મસ્તક હવે ચકરાવે ચડ્યું હતું. એક તરફ કહે છે કે બા ભાગી ગયાં અને બીજી બાજુ કંચન એવું પણ કહે છે કે બાએ ફોન કરવાની ના પાડી છે. નક્કી તે બન્નેએ સાથે મળીને મને મુંબઈ બોલાવવા માટે રમત માંડી છે. હા, નક્કી એવું જ લાગે છે.

‘બાને ફોન આપ.’

‘ક્યાંથી આપું? બા ઘરમાં તો

હોવા જોઈને!’

‘કંચન, હું... હું ખરેખર હવે તને કાઢી મૂકીશ.’ કેતકીએ દાંત કચકચાવ્યા, ‘મેં તને બાનું ધ્યાન રાખવા અને મને રેગ્યુલર રિપોર્ટ કરવા માટે ત્યાં રાખી છે, નહીં કે બાની સાથી બનીને મને હેરાન કરવા.’

બેડરૂમમાંથી ડ્રૉઇંગ રૂમમાં આવી ગયેલી કેતકીએ મોટા અવાજે કહ્યું, ‘જલદી બાને આપ ફોન.’

‘એ બહેન, સમજતાં કાં નથી? કીધુંને, બા ઘરમાં નથી.’ કંચને ફરી વાતનું પુનરાવર્તન કર્યું, ‘બા ઘર છોડીને ભાગી ગ્યાં...’

‘તને કહીને ગયાં કે

હું ઘર છોડીને ભાગી

જાઉં છું?’

‘હા...’ કંચને તરત સુધારો કર્યો, ‘બોલીને નથી કીધું પણ લખીને કીધું ને એય મને નઈ, તમને. આંયા તેમણે ચિઠ્ઠી મેયલી છે.’

‘વૉટ, ચિઠ્ઠી?’ કેતકીને હવે આખી વાતમાં વન પર્સન્ટ સિરિયસનેસ આવી હતી, ‘શું લખ્યું છે ચિઠ્ઠીમાં?’

‘ઊભાં રેજો હોં, હું ચિઠ્ઠી

લેતી આવું.’

કંચને ફોન ટિપાઈ પર મૂક્યો

હશે એવું અવાજ પરથી લાગ્યું અને થોડી સેકન્ડો પછી કંચનનો અવાજ ફોનમાં સંભળાયો.

‘એમાં શું થ્યું બાથરૂમમાં બા નોતાં એટલે પછી મેં આખું ઘર ફેંદી માયરું. એક વખત બા છેને, પલંગ નીચે સંતાઈ ગ્યાતાં એટલે ન્યાંયે મેં જોઈ લીધું, પણ ન્યાંયે નોતાં. બધુંય ગોતતાં મને થ્યું કે જો બાર ગ્યાં હઈશે તો ઈ પોતાનો બટવો ભૂલે નઈ એટલે બા બટવો રાખે છે ન્યાં જોવા ગઈ ને ન્યાંથી મને આ ચિઠ્ઠી મયળી.’

કંચનની આ લવારી સાંભળ્યા પછી કેતકીને પોતાના ન્યુ જર્સીના ઘરની દીવાલ પર માથું અફાળવાનું મન થતું હતું, પણ તેણે કન્ટ્રોલ રાખ્યો.

‘ચિઠ્ઠીમાં શું લયખું છે?’

બોલી લીધા પછી કેતકીને થોડી ક્ષણો માટે બા પર દયા આવી ગઈ. અઢી મિનિટના ફોનમાં જો પોતે ‘લખ્યું’ને બદલે કંચનની જેમ ‘લયખું’ બોલતી થઈ જાય તો બાની તો બિચારાની શું હાલત થઈ હશે?!

‘બા લખે છે...’ કંચને પૂછી લીધું, ‘કેતાં હો તો આખી ચિઠ્ઠી જ વાંચી કાઢું. બહુ લાંબી નથી.’

‘હા, અને બીજી એક પણ વાત કર્યા વિના ચિઠ્ઠી વાંચજે.’

કંચન, હું ઘર છોડીને જાઉં છું એટલે કે ભાગી જાઉં છું. મને ગોતવાની કોશિશ નહીં કરતાં. મને ખબર છે આ ચિઠ્ઠી મળશે એટલે તું અમેરિકા ફોન કરીને કેતકીને કહીશ તો તેને એ પણ કહી દેજે હું તેનો ફોન નથી ઉપાડવાની. ત્રણ વારથી વધારે વખત તે મને ફોન કરશે તો હું તેને બ્લૉક કરી દઈશ. મને ફોન બ્લૉક કરતાં હવે આવડી ગયું છે.

ટૂંકમાં લખ્યું છે, લાંબું કરીને સમજી લેજો.

લિખિતંગ, બા.

બા.

રાજેશ્રી રાજેશભાઈ રાજાણી.

ઉંમર વર્ષ એંસી. પતિના અવસાનને ચારેક વર્ષ થયાં અને એ પછી તબિયત નરમગરમ રહેવા માંડી. દીકરી કેતકીનાં મૅરેજ અમેરિકાના ન્યુ જર્સી શહેરમાં રહેતા રાજદીપ સાથે થયાં હતાં. પપ્પાની ગેરહાજરીમાં બાને અમેરિકા આવી જવા માટે કેતકીએ બહુ કહ્યું પણ બા જિદ્દી, એકનાં બે થયાં નહીં.

‘આ કેતકી તમારે ત્યાં લાકડાવાળા સ્મશાન હોય કે પછી ઇલેક્ટ્રિકવાળું?’

‘ઇલેક્ટ્રિકવાળું.’

‘તો રહેવા દે, મારે લાકડે

બળવું છે.’

‘શું તમે પણ?!’ કેતકીએ સંકોચ સાથે કહ્યું, ‘આપણે ગુજરી ગયા પછી કેવી રીતે બાળે છે એનાથી શું ફરક પડવાનો?’

‘ના, મને તો ફરક પડે હોં.’

બાએ ધારદાર નજરે કેતકી સામે જોયું હતું, ‘જો ભૂલથીયે મને ઇલેક્ટ્રિકમાં બાળી છે તો યાદ રાખજે, ભૂત થઈને તારા ઘરમાં ફરીશ ને તને નાહવા નહીં દઉં, પછી ફરજે નાગડીપૂગડી આખા ગામમાં.’

કેતકીએ બાની સામે હાથ જોડ્યા.

‘આવવું ન હોય તો નહીં આવો, પણ આવાં તો ઉદાહરણો નહીં આપો.’

‘આ તો શું ટૂંકમાં કીધું, લાંબું કરીને તું સમજી ગઈ એટલે બસ...’

ટૂંકમાં લખ્યું છે, લાંબું કરીને

સમજી લેજો.

આમાં શું લાંબું કરીને સમજવાનું અને કેટલું સમજવાનું?

એંસી વર્ષની ઉંમરના વડીલ ઘર છોડીને ભાગી જાય તો કહેવા પણ કોને જવું અને કહેવું પણ શું?

દીકરા-વહુનો ત્રાસ હોય અને વડીલ ઘરમાંથી નીકળી જાય તો હજુય સમજી શકાય, પણ નથી અહીંયાં દીકરો કે વહુ ઘરમાં ને વાત કરીએ ત્રાસની તો, બાના ત્રાસથી ઘરમાં રહેતી મેઇડ અઠવાડિયામાં પાંચ વાર ભાગી જવાની વાત કરે છે, પણ અત્યારે તો બા ઘર છોડીને ભાગી ગયાં છે.

‘હેય, કેતકી... વૉટ હૅપન્ડ?’ રૂમમાંથી રાજદીપ બહાર આવ્યો, ‘ઑલ વેલ?’

કેતકીએ હકારમાં મસ્તક નમાવ્યું અને બીજી જ ક્ષણે તેને વિચાર

આવી ગયો.

રાજદીપ વધારે કંઈ પૂછે તો તેને શું કહેવાનું, તારાં એંસી વર્ષનાં સાસુ ઘર છોડીને ભાગી ગયાં એમ? બા ખરેખર હદ કરે છે. આ કંઈ રીત છે, બધાની સામે શરમજનક અવસ્થામાં મૂકવાની આ ઉંમર છે?!

‘બહેન, હું શું કરું હવે?’

મોબાઇલમાં સામે છેડેથી

કંચનનો અવાજ આવ્યો એટલે કેતકી સતર્ક થઈ.

‘મને પણ નથી સમજાતું શું કરવું.’

‘છાપામાં જાહેરખબર દઈ દેવી છે?’ કંચને તેને સૂઝે એવો રસ્તો ચીંધ્યો, ‘એમાં લખી નાખશું કે બા, જ્યાં હો ન્યાંથી પાછાં આવી જાવ. અમે કોઈ તમને ખિજાશું નઈ.’

‘કંચન, તને મસ્તી સૂઝે છે?’

‘એ ના બહેન, હું તો શું કરવું એના વિચાર કરું છું.’

‘એક કામ કર...’ કેતકીએ તરત કહ્યું, ‘તું આજુબાજુમાં તપાસ કર અને બા રેગ્યુલરલી જેને ત્યાં જતાં હોય તે લોકોને ફોન કરીને પૂછ... હું બાની સાથે વાત કરવાની ટ્રાય કરું છું.’

‘જો જો, તણ ફોન નો થઈ જાય. નઈ તો બા તમને બ્લૉક કરી દેશે.’

‘હા.’

‘શું થયું કેતુ? બાનો કોઈ ઇશ્યુ?’

કેતકીએ જેવો ફોન મૂક્યો કે તરત રાજદીપે પૂછ્યું. કેતકીએ પણ સંકોચ છોડીને વાત કરી દીધી.

‘બા ભાગી ગયાં છે.’

‘વૉટ?!’ રાજદીપ તો એક સ્ટેપ આગળ નીકળી ગયો, ‘કોની સાથે?’

‘શું કોની સાથે યાર?’ કેતકીએ ઇરિટેશન સાથે કહ્યું, ‘શી ઇઝ એઇટી યર ઓલ્ડ.’

‘સો વૉટ?!’ રાજદીપે બાનો પક્ષ લીધો, ‘બને કે એંસી વર્ષે તેમને હવે જીવવાનો ગોલ મળ્યો હોય... ઍન્ડ નથિંગ બૅડ ઇન ઇટ.’

રાજદીપની વાત જરા પણ

ખોટી નહોતી.

ગોલ સાથે જ ઘરમાંથી રાજુબહેન રાજુભાઈ રાજાણી નીકળ્યાં હતાં પણ હા, તેમનો જે ગોલ હતો એ કોઈની ખુશી માટે, કોઈની ઇચ્છાઓ પૂરી કરવાનો હતો અને એટલે જ બા હવે મુંબઈમાં ચોરના માથે રખડવાનાં હતાં.

‘સૌથી પહેલાં તો જઈને પાણીપૂરી ખાવાની છે.’

બાએ આંખો મોટી કરીને બાજુમાં જોયું. ‘હું ચુસ્ત વૈષ્ણવ છું, મરજાદી. બહારનું પાણી સુધ્ધાં મેં નથી પીધું.’

‘તો શું થઈ ગયું, મારી ઇચ્છા છે, પૂરી તો કરવી પડશેને.’

બાએ બે હાથ જોડ્યા.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

13 May, 2024 05:35 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK