‘ઉસકી ડ્યુટી હી થર્ડ ફ્લોર પર હૈ.’ મૅનેજર શિવાકરે ચોખવટ પણ કરી, ‘ચાર-પાંચ મહિનાં સે વો થર્ડ ફ્લોર કી ડ્યુટી પર હી હૈ’
કામ-શસ્ત્ર (વાર્તા સપ્તાહ - પ્રકરણ 1)
‘રૂમ-નંબર ૦૧૩વાલા કબ કા શાંત બેઠા હૈ.’
‘હંઅઅઅ, મૈં ભી યહી
ADVERTISEMENT
સોચતા હૂં...’
સર્વિસ-બૉય સુકેતુએ જવાબ આપ્યો, પણ તેની નજર રૂમના ડોર પર જ હતી. ચારેક કલાકથી રૂમ બંધ હતી. અગાઉ ક્યારેય આ ક્લાયન્ટ આટલો શાંત નથી રહ્યો. રાતે બે-ત્રણ વાગ્યા સુધી તેની કટ-કટ ચાલુ હોય. ‘એસી ઠીક નહીં હૈ’થી લઈને ‘આઇસ ક્યુબ પીઘલ ગયે’ જેવી વાહિયાત કહેવાય એવી વાત લઈને તે સર્વિસ-સ્ટાફને ઊભા પગે રાખે અને આજે સવારે ૧૦ વાગ્યા તો પણ એક વાર તેણે બઝર નથી વગાડી.
‘અરે, ઝિંદા તો હૈના...’ સુકેતુની કાળવાણી બહાર આવી ગઈ.
‘તુઝે કિતની બાર કહા કિ શુભ-શુભ બોલા કર.’
સુકેતુની બાજુમાં ઊભેલા હમીદને સુકેતુની કાળી જબાનના અનેક અનુભવ હતા.
‘ઐસી બાત નહીં હૈ... પર પતા હૈના, વો ઘોડે પે ચડ કે હી ઑર્ડર દેતા હૈ.’ સુકેતુનું ધ્યાન હજીયે રૂમ પર હતું, ‘સુબહ સે રૂમ બંધ હૈ, મુઝે લગતા હૈ વો બીવી સે લડ રહા હૈ...’
‘...તો ઝઘડા કરને દે. માર ક્યોં દેતા હૈ સાલે કો...’
lll
જુહુ બીચથી ૧૦૦ માઇલ દૂર આવેલી સ્વીટ હોમ હોટેલના થર્ડ ફ્લોરના સર્વિસ-ઇન્ચાર્જ હમીદને હજીયે સુકેતુના શબ્દોનો ચચરાટ થતો હતો. આ ચચરાટ અકારણ નહોતો. અગાઉ અનેક વાર એવું બન્યું હતું કે સુકેતુ જેકંઈ બોલ્યો હોય એ બે-ચાર કલાકમાં હકીકતમાં બને. ગયા વીકે સુકેતુએ બે કસ્ટમરને જોઈને કહ્યું હતું કે આ બન્ને હસબન્ડ-વાઇફ નથી લાગતાં, બન્ને વચ્ચે જુદા જ સંબંધ છે. સુકેતુ બોલ્યો અને બે કલાક પછી પોલીસ હોટેલ સ્વીટ હોમના કાઉન્ટર પર એ બન્નેના ફોટોગ્રાફ સાથે ઊભી હતી. તેઓ બન્ને અમદાવાદથી ભાગીને આવ્યાં હતાં. મોબાઇલ નેટવર્કના આધારે ગુજરાત પોલીસ તેમની ધરપકડ કરવા આવી હતી. એ બન્નેએ ગુજરાતમાં ચાર કરોડનું કૌભાંડ કર્યું હતું.
એ અગાઉ પણ અનેક વખત સુકેતની કાળી જબાને પરચા બતાવી દીધા હતા. સુકેતુ બોલે એ થાય. બીજા શબ્દોમાં કહીએ તો સુકેતુ જે બોલે એ થવાનું હોય. હોટેલના સ્ટાફે ઘણી વાર સુકેતુને હાથ પણ દેખાડ્યો હતો.
‘દેખના હમારી તકદીર કબ બદલનેવાલી હૈ?’
‘અરે મૈં જ્યોતિષી નહીં હૂં....’ સુકેતુને ચીડ ચડતી, ‘મન મેં જો આતા હૈ વો કહતા હૂં, બસ ઇતના...’
lll
‘દેખ, એક બાત તો હૈ...’ સુકેતુનું ધ્યાન હજીયે ડોર પર હતું, ‘અંદર કુછ તો ગરબડ હૈ. તુ માન યા ના માન...’
હમીદને હવે ડર લાગવા લાગ્યો હતો. સુકેતુની કાળવાણી ક્યાંક સાચી પડી તો?
હમીદના શરીરમાંથી ઠંડીનું લખલખું પસાર થઈ ગયું.
સુકેતુની ધારણા અમુકતમુક અંશે સાચી હોય એવું હમીદને પણ લાગ્યું એટલે જ તે ગભરાયો હતો. તે પણ આ રૂમ-નંબર ૦૧૩ના કસ્ટમરને ઓળખતો હતો. તે દર મહિને આવતો અને એકાદ દિવસ રોકાતો. આઠેક મહિનાથી તો તેનો આ જ નિયમ હતો. હોટેલમાં કરાવેલી એન્ટ્રી મુજબ, તે દિલ્હીનો હતો. એકાદ દિવસ વાઇફ સાથે હોટેલમાં રહે. કદાચ એકાદ કલાક માટે બહાર નીકળે, પણ વાઇફ સાથે તો બહાર પણ જાય નહીં. હમીદે નોટિસ કર્યું હતું કે કસ્ટમર રોમૅન્ટિક મિજાજનો હતો, પણ તેની વાઇફ ગંભીર પ્રકૃતિની હતી. એક એવા દૃશ્યનો સાક્ષી હમીદ બન્યો હતો જેને લીધે તે આ તારણ પર પહોંચ્યો હતો.
lll
‘અરે, અબ તો ઇધર આજા...’
રાતે દોઢેક વાગ્યે કપલ હોટેલના કૉરિડોરમાંથી પસાર થયું. લિફ્ટ આવીને થર્ડ ફ્લોર પર ઊભી રહી એટલે ઝોકાં ખાતા હમીદની આંખો ખૂલી ગઈ હતી.
‘અરે, અબ તો ઇધર આજા.’ હમીદને અવાજ સ્પષ્ટ સંભળાયો, ‘અબ તો કોઈ નહીં હૈ.’
‘છોડોના...’
‘નહીં છોડુંગા, તો?’ હસબન્ડનો અવાજ આવ્યો, ‘બતાઓ, તો ક્યા કરોગી તુમ?’
‘પ્લીઝ છોડો ના.’
હમીદ ઊભો થઈ કૉરિડોરમાં જતો હતો, પણ ડાયલૉગ્સે તેના પગ રોકી દીધા હતા. શરમ અને સંકોચને કારણે.
lll
ઝઝઝ...
સર્વિસ-કાઉન્ટર પર વાગતી બઝરે હમીદ અને સુકેતુના વિચારો અટકાવ્યા.
બઝર રૂમ-નંબર ૦૧પમાંથી વાગી હતી.
‘યસ સર...’
હમીદે રિસીવર ઊંચક્યું અને એ જ સમયે રૂમ-નંબર ૦૧૩નો ડોર ખૂલ્યો. જોકે એ સમયે હમીદ કાઉન્ટરના ડેસ્ક પર નોટ કરતો હતો તો સુકેતુ અવળો ફરીને લખાવવામાં આવતો ઑર્ડર જોતો પોતાના પગની એડી પર ઊંચો થયો હતો. રૂમ-નંબર ૦૧૩માંથી બહાર આવેલી વ્યક્તિ આ તકનો લાભ લઈને દબાતા પગલે પગથિયાં તરફ આગળ વધી.
lll
જુહુમાં બનેલી ઘટનાએ મુંબઈનાં અખબારોને હેડલાઇન આપી હતી.
હોટેલ સ્વીટ હોમની બંધ રૂમમાંથી લાશ મળી. લાશ સંપૂર્ણ નગ્ન.
‘...અને સાંજે સર્વિસ-બૉયથી ન રહેવાતાં તેણે બંધ રૂમ ખોલી હતી. સર્વિસ-બૉયને સતત એવું લાગતું હતું કે કંઈક ખોટું થયું છે. ડુપ્લિકેટ ચાવીથી ખોલવામાં આવેલી રૂમ અંદરથી વેરવિખેર હતી અને બેડની બરાબર વચ્ચે ડેડબૉડી પડી હતી, જે સંપૂર્ણ નૅકેડ હતી. ડેડબૉડી પુરુષની હતી. હોટેલમાં થયેલી એન્ટ્રી મુજબ તેનું નામ રાજીવ છે. હોટેલ મૅનેજમેન્ટના કહેવા મુજબ રાજીવ હોટેલનો રેગ્યુલર કસ્ટમર હતો. આઠેક મહિનાથી દર મહિને તે મુંબઈ આવતો અને આ હોટેલમાં રહેતો. હોટેલ મૅનેજમેન્ટના કહેવા પ્રમાણે રાજીવ તેની પત્ની સાથે હોટેલમાં આવ્યો હતો, જે ઘટના સમયથી ગાયબ છે. રાજીવ વિશે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.’
lll
‘સુકેતુ કહાં હૈ?’ ઇન્સ્પેક્ટર મનોજ આપ્ટેએ લિફ્ટને બદલે પગથિયાંનો ઉપયોગ કર્યો, ‘ઉસે ઉપર ભેજો...’
‘સર, વો ઉપર હી હૈ.’
‘ડ્યુટી પર હૈ યા યૂં હી...’
આપ્ટેએ વાત અધૂરી છોડી દીધી. વાત અધૂરી છોડવાની ખાસિયત આપ્ટેને વર્ષોથી હતી. તેની વાઇફ કહેતી પણ ખરી કે તમે એવી રીતે વાત અધૂરી છોડો છો કે અમને એમ જ થાય કે તમે જાણે શક કરો છો.
‘ઉસકી ડ્યુટી હી થર્ડ ફ્લોર પર હૈ.’ મૅનેજર શિવાકરે ચોખવટ પણ કરી, ‘ચાર-પાંચ મહિનો સે વો થર્ડ ફ્લોર કી ડ્યુટી પર હી હૈ.’
‘લડકા કૈસા...’
આપ્ટે સેકન્ડ અને થર્ડ ફ્લોરને જોડતા પહેલા અંતરાલ પર ઊભા રહી ગયા. આપ્ટે ઊભા રહ્યા એટલે મૅનેજરના પગ પણ અટકી ગયા.
આપ્ટે ધીમે રહીને દીવાલ પાસે ગયા. મૅનેજર સુનીલ શિવાકરને તો દીવાલ પર કશું દેખાયું નહીં, પણ ઇન્સ્પેક્ટરની અનુભવી આંખોને દીવાલ પર જે દેખાયું એ કેસની દિશા સ્પષ્ટ કરવા માટે અત્યંત ઉપયોગી બનવાનું હતું.
‘સર્વિસ કે લિએ સ્ટેર કા ઇસ્તમાલ હોતા હૈ યા લિફ્ટ કા?’
‘હોટેલ મેં તીન લિફ્ટ હૈ. એક કસ્ટમર કે લિએ, એક સર્વિસ-સ્ટાફ કે લિએ ઔર તિસરી લગેજ કે લિએ...’
‘ભાથકર...’
પાછળ રહી ગયેલો કૉન્સ્ટેબલ ભાથકર હવે સેકન્ડ અને થર્ડ ફ્લોર વચ્ચેના પહેલા અંતરાલ પર પહોંચી ગયો હતો.
‘યહાં દેખો...’
ભાથકરે આપ્ટેની આંગળીની દિશામાં જોયું. દીવાલ પર ચાર આંગળીની છાપ હતી, જેમાં પહેલી આંગળીના ખૂણે લાલ રંગનો ડાઘ હતો.
ભાથકરે શર્ટના ઉપરના પૉકેટમાંથી લાલ કલરની ચૉક-સ્ટિક કાઢી. તેને સમજાઈ ગયું હતું કે એ નિશાનીની તસવીર લેવાની છે. ભાથકરના હાથમાં ચૉક જોઈને આપ્ટે ફરી ઉપર તરફ આગળ વધ્યા, પણ ફરી તેમના પગ રોકાયા.
‘ભાથકર, દેખો...’
સેકન્ડ ફ્લોરના પહેલા અંતરાલ પછીના બીજા પગથિયે પગથિયે કાચની તૂટેલી બંગડી પડી હતી. આપ્ટેએ આંખોથી જ દીવાલ પર પડેલી છાપથી તૂટેલી બંગડી સુધીનું અંતર માપ્યું.
બન્ને વચ્ચે પાંચેક ફુટનું અંતર હતું.
કેસની વિગત મનોજ આપ્ટે પાસે આવી ત્યારે તેને પહેલે ઝાટકે મરનારની વાઇફ તરફ શક ગયો હતો, પણ જે વિગતો હતી એ વિગતોને જોતાં તેણે મનોમન માન્યું હતું કે બની શકે કે વાઇફનો હત્યામાં કોઈ ફાળો નહીં હોય, પણ તૂટેલી બંગડી, દીવાલ પર રહેલી ફિંગરપ્રિન્ટ, એ પ્રિન્ટના ખૂણે રહેલો લાલ ડાઘ અને લાપતા વાઇફ પુરવાર કરતાં હતાં કે વાઇફનો ફાળો આ મર્ડરમાં હોઈ શકે છે.
‘યે ભી લે લો...’ આપ્ટે આગળ વધ્યા અને સૂચના પણ આપી, ‘પીછે ધ્યાન લગા કર દેખતે આઓ.’
થર્ડ ફ્લોર પર પહોંચ્યા પછી આપ્ટે સામે એક છોકરો આવ્યો.
‘સર, યે સુકેતુ હૈ.’ મૅનેજર શિવાકરે કહ્યું, ‘ઇસને રૂમ ચેક કિયા થા...’
આપ્ટેને અત્યારે રૂમ જોવાની તાલાવેલી હતી, જે સુકેતુએ પારખી લીધું.
‘ઇસ તરફ હૈ રૂમ...’
સુકેતુએ જ કહ્યું. પોલીસની સૂચના મુજબ રૂમ હજી યથાવત્ અવસ્થામાં જ હતી.
લાશ અને લગેજ બન્ને.
મનોજ આપ્ટે રૂમમાં એન્ટર થયા.
બાર બાય બારની સાઇઝની રૂમ હતી. રૂમની મધ્યમાં બેડ હતો તો આદમકદ કાચની બારીનાં કર્ટન પાડી દેવામાં આવ્યાં હતાં. ટિપાઇ પર સવારનો અડધો ખવાયેલો બ્રેકફાસ્ટ પડ્યો હતો. જેણે આમલેટ ખાધી હતી તેણે આમલેટના મોટા મોટા ટુકડાઓ જમીન પર પણ ઢોળ્યા હતા. ટીવી ચાલુ હતું, પણ વૉલ્યુમ મ્યુટ હતું. ટીવીની નીચે રહેલા ડીવીડી પ્લેયરનું ડ્રૉઅર અધખુલ્લું હતું.
આપ્ટે લાશની બરાબર સામે આવ્યા.
લાશના બન્ને પગ બેડની નીચે લટકતા હતા. બન્ને હોઠ ખુલ્લા હતા અને લાશ, લાશ સંપૂર્ણ નગ્ન હતી.
આપ્ટેએ આસપાસ જોયું.
લાશનાં કપડાં ક્યાં ગયાં?
આપ્ટેએ ખાસ મહેનત નહોતી કરવી પડી.
બેડની નીચે મરનારનો નાઇટ ડ્રેસ અને અન્ડરવેર હતાં. અન્ડરવેરની બાજુમાં ઝરૂર કૉન્ડમનું પૅકેટ પડ્યું હતું.
આપ્ટેનું દિમાગ ચકરાવે ચડી ગયું.
જો મરનારની સાથે વાઇફ હતી તો તે ભાગી શું કામ? ધારો કે ભાગી ન ગઈ હોય અને તેને કોઈ લઈ ગયું હોય તો કોઈએ એ જોયું શું કામ નહીં? સૌથી મહત્ત્વનો પ્રશ્ન, જે અવસ્થામાં લાશ હતી એ અવસ્થામાં મર્ડર કર્યું કેવી રીતે હોય? શું મર્ડર પહેલાં થયું અને લાશને પછી નગ્ન કરવામાં આવી કે આ નગ્ન અવસ્થામાં જ મર્ડર થયું?
‘ભાથકર...’ આપ્ટેએ કહ્યું, ‘લગેજ ખોલો.’
બૅગ બંધ હતી, પણ ભાથકરે બૅગની કળ દબાવી કે તરત બૅગ ખૂલી ગઈ.
આપ્ટેએ સ્ટિકથી બૅગની ઉપરનું કવર હટાવ્યું.
બૅગમાં પડેલો સામાન અસ્તવ્યસ્ત હતો. જોતાં જ ખબર પડે કે કોઈએ બૅગ ચેક કરી છે. ભાથકર હાથમાં ગ્લવ્ઝ પહેરીને બૅગનો સામાન ઉલેચવા માંડ્યો.
‘સા’બ દેખો...’ ભાથકરે બૅગમાંથી ડાયરી કાઢી મનોજ આપ્ટેના હાથમાં મૂકી.
‘લાશ પોસ્ટમૉર્ટમ કે લિએ ભેજ દો.’ ઇન્સ્પેક્ટર આપ્ટેએ ડાયરી હાથમાં લીધી, ‘પોસ્ટમૉર્ટમમાં મારે જાણવું છે કે આ માણસે છેલ્લી મજા વાઇફ સાથે ક્યારે કરી હતી...’
‘જી સા’બ...’
આપ્ટેએ ડાયરીનું પહેલું પાનું ખોલ્યું. સુભાષ ખંડેલવાલ.
ઓહ, તો મરનાર મહાશયનું નામ સુભાષ ખંડેલવાલ છે.
‘ભાથકર દેખો, ડસ્ટબિન મેં કિતને કૉન્ડોમ પડે હૈં?’
વધુ આવતી કાલે

