Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જખમ (પ્રકરણ-૧)

જખમ (પ્રકરણ-૧)

05 December, 2022 03:43 PM IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘હું પરણીશ ખરો મા, પપ્પા, પણ મૅરેજની ટિપિકલ મેથડથી નહીં. મને કોઈ પાત્ર ગમશે તો વરસ-બે વરસ હું લિવ-ઇનથી રહીશ’

જખમ (પ્રકરણ-1) વાર્તા-સપ્તાહ

જખમ (પ્રકરણ-1)


ફૂલોં કા તારોં કા સબકા કહના હૈ...
દૂર ક્યાંક ગુંજતા લતાના કંઠે તેના હોઠ સ્મિતમાં વંકાયા : ફિલ્મમાં નાનકડા ભાઈએ ઢીંગલી જેવી બહેન માટે ગાયેલું કેટલું નિર્દોષ ગીત! મમ્મી-પપ્પાનાય બાળપણના જમાનાનું ગીત પોતે નાનપણમાં સાંભળી એટલી જ નિર્દોષતાથી પૂછતો - હેં મમ્મી, મારે કેમ કોઈ બહેન નથી?
આર્યનથી હળવો નિ:શ્વાસ નખાઈ ગયો.
અમદાવાદમાં પિતા સુમંતભાઈનું શૅરબજારનું મોટું કામકાજ. મમ્મી નિરુબહેન ગુજરાત યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રનાં પ્રાધ્યાપિકા. ગાંધીકુટુંબનું અમદાવાદની વણિક જ્ઞાતિમાં મોટું નામ. સ્કૉલર મા-બાપના એકના એક દીકરા તરીકે આર્યન વૈભવમાં ઊછર્યો, આર્યનને તો માવતરના હેતનીય કમી નહોતી. ઈર્ષા આવે એવા સુખમાં લાગેલી ઊધઈ કોઈને દેખાતી નહીં. સુમંતભાઈ-નિરુબહેન એટલાં ખબરદાર તો ખરાં, પણ ઘરના ત્રીજા પાત્ર એવા દીકરાથી કેટલું છાનું-છૂપું રહે?
ફિલ્મી ગીતના સંદર્ભમાં તે મારે બહેન કેમ નથી એવો મલકી નાખવા જેવો સવાલ પૂછતો ને પ્રેમાળ મા-પિતાનું જુદું જ રૂપ છતું થતું.
‘તારે પણ બહેન હોત, પણ તારી માને કારકિર્દીના ધખારા ઓછા છે!’

પિતાની વાણીમાં છલકતી કડવાશ દસ વર્ષના આર્યન માટે અસહજ હતી, માતાનું ખળભળી ઊઠવું સમજ બહાર રહેતું.
‘જે થયું એ માત્ર એક અકસ્માત હતો, સુમંત, ક્યાંક તમને પણ એની સમજ છે, પણ પુરુષ તરીકેનો તમારો અહમ્ તમને એ સ્વીકારતાં રોકે છે.’
આ કેવી ભાષા, આ કેવો ભાવ. આર્યન રડું રડું થતો ને તલવાર મ્યાન કરી મા-બાપ ફરી હેતાવળાં બની જતાં. જોકે વધતી વય સાથે આર્યન સમક્ષ સ્પષ્ટ બનતું ગયું.
સુમંતભાઈ-નિરુબહેનનું દામ્પત્ય સુખમય હતું. આર્યનના ત્રીજા વરસે નિરુબહેનને ફરી ગર્ભ રહ્યો. પ્રેગ્નન્સી કન્ફર્મ થયાના બીજા અઠવાડિયે ઇન્ટરનૅશનલ સાયન્સ સમિટ માટે તેમણે ઑસ્ટ્રલિયા જવાનું હતું. સાસરા કે પિયરમા વાંધો લે એવા વડીલ રહ્યા નહોતા, પત્ની આવા ટાણે લૉન્ગ ટ્રાવેલ કરે એ સુમંતભાઈને મંજૂર નહોતું, પણ ડૉક્ટરની અનુમતિ મેળવી નિરુબહેને કૉન્ફરન્સનું ટાણું સાચવવાનું નક્કી કર્યું.પોતાની અનિચ્છા છતાં નિરુ ધરાર ઑસ્ટ્રેલિયા ગઈ એનો સુમંતભાઈને ખટકો રહ્યો : મારા બોલની કિંમત જ નહીં, નિરુ માટે તેની કરીઅર જ વધુ અગત્યની! 
આવો જ ખટકો સામા પક્ષે નિરુબહેનને પણ હતો - સુમંતથી એવું તો ક્યાંથી કહેવાય કે તારી સંભાળ માટે હુંય આર્યનને લઈ ઑસ્ટ્રેલિયા આવું છું, ચલ!
બે બુદ્ધિશાળી વ્યક્તિ વચ્ચે ટકરાવ થાય ત્યારે લાગણીથી વધુ અહમ્ ઘવાતો હોય છે. અને નસીબનું કરવું કે કૉન્ફરન્સ પતાવી સિડનીની સિટી ટૂર કરતી વેળા તેમના ગ્રુપની કારને નાનકડો અકસ્માત નડ્યો ને ઇન્જર્ડ થયેલાં નિરુબહેનના ગર્ભને બચાવી શકાયો નહીં!
‘છેવટે તેં તારું ધાર્યું કર્યું એમાં મેં મારું બાળક ખોયું.’ 


પતિ પાસે સધિયારાની અપેક્ષા હતી, તું તો બચી ગઈ એ ભગવાનનો પાડ આવું કંઈક સાંભળવું હતું, એને બદલે કડવાશભર્યાં વેણ નિરુબહેનને સમસમાવી ગયાં, ‘બાળક મારું પણ એટલું જ હતું, સુમંત... કોઈ મા જાણી કરીને ગર્ભપાત નથી ઇચ્છતી.’
આમાં ન પિતા ખોટા હતા, ન મા ગલત હતી. જે બન્યું એ કેવળ અકસ્માત હતો, કદાચ નિયતિ હતી. આ સમજ છતાં ન પિતાએ માનો દોષ જોવાનું બંધ કર્યું, ન માફી માગી માને વાત વાળતાં આવડી.

આનું પરિણામ શું આવ્યું? દીકરા પ્રત્યેના નિ:સ્વાર્થ વહાલે તેમને છેડાછેડીમાં બાંધી રાખ્યાં અને છતાં  પતિ-પત્ની વચ્ચેની આત્મીયતામાં કોઈને ન વર્તાય એવડી તિરાડ તો રહી જ. 
શા માટે! શા માટે સપ્તપદીમાં સાત જન્મોના સાથનું વચન આપનારા એક જન્મનો એક કિસ્સો વિસારી નહીં શકતાં હોય? બહુ વિચારતાં આર્યનને એક જવાબ મળ્યો  - અહમ્! પપ્પાને તેમનો અહમ્ ભૂલવા નથી દેતો, મમ્મીને એનું અભિમાન નમવા નથી દેતું. સહજીવનમાં અહમનું સ્થાન ન જ હોય, એટલી સાદી સમજ વિનાના દામ્પત્યનો શું અર્થ!
જાણે-અજાણે આ વિચારસરણી આર્યનના અસ્તિત્વનો ભાગ બનતી ગઈ. ચોવીસની વયે આઇઆઇએમ અમદાવાદમાં ફાઇનૅન્સનું ભણી તેણે મલ્ટિનૅશનલ કંપનીની મુંબઈ બ્રાન્ચમાં ઊંચા હોદ્દાની જૉબ મેળવી ત્યારની મા તેનાં લગ્ન માટે અધીરી થયેલી, પિતાને પણ દીકરાને ઘોડે ચડાવાવનાં ઓછાં અરમાન નહોતાં. અત્યંત સોહામણા આર્યન માટે કહેણની કમી ક્યાં હતી? આર્યન જોકે સ્પષ્ટ હતો -


‘હું પરણીશ ખરો મા, પપ્પા, પણ મૅરેજની ટિપિકલ મેથડથી નહીં. મને કોઈ પાત્ર ગમશે તો વરસ બે વરસ હું લિવ-ઇનથી રહીશ.’ 
લિવ-ઇન. પરણ્યા વિના પરણેલાની જેમ રહેવું આજકાલ ટ્રેન્ડ બનતો જાય છે. મૉડર્ન જમાના સાથે તાલમેલ ધરાવતાં સુમંતભાઈ-નિરુબહેનને દીકરાના ધડાકાથી હળવો ધક્કો જરૂર અનુભવ્યો. દીકરો અમારા દાખલાએ આ રસ્તે જઈ રહ્યો છે, એ સમજાયું, પણ શું થઈ શકે? આ રીતેય દીકરો પરણતો હોય તો ભલે!
‘લિવ-ઇન દરમ્યાન મૅરેજના અમારા ક્રાઇટેરિયા ફિટ થતાં લાગે તો લગ્ન નહીં તો અમે છૂટાં!’
આ ખરું. લિવ-ઇનમાં લગ્નનું કોઈ કમિટમેન્ટ નહીં, સતત સાથે રહેતી બે વ્યક્તિ એકમેકને પૂર્ણત: ઓળખી શકે એ સૌથી મોટો ફાયદો! 
‘વેરી સ્માર્ટ.’

આમ કહી સુંદર દંતપક્તિ દેખાડી, ખુલ્લું હસનારી હતી ગહેના!
આ એક નામના સ્મરણે અત્યારે પણ કમકમી ઊઠ્યો આર્યન. પણ તે ઇચ્છે કે ન ઇચ્છે, સ્મરણયાત્રા તો ધસમસતી આગળ વધતી જ રહી.
લિવ-ઇન માટે મન મનાવ્યા પછી આર્યને ડેટિંગ ઍપ્સ ખંખોળવા માંડી. નૅચરલી, લિવ-ઇન માટે કંઈ લગ્નની જેમ કહેણ મુકાય નહીં, એનો મેળ તો આમ ઍપ થકી જ બેસે. આમાં રહેલાં જોખમ અજાણ્યાં નહોતાં, એટલે પણ આર્યન સાવચેત રહેતો. બે-ચાર પાત્રો જોડે મુલાકાતો પણ થઈ, પરંતુ કંઈ જામ્યું નહીં.
‘આઇ નીડ યૉર હેલ્પ.’
છેવટે, આજથી ત્રણેક વરસ અગાઉ, છવ્વીસના થયેલા આર્યનને ડેટિંગ ઍપ પર મદદની ટહેલ મળી. વરલીમાં ક્યાંક ભાડાનું નાનકડું ઘર હોય તો કહેજોને... હું મહાલ્ક્ષમીના શૉપિંગ મૉલમાં એચઆર હેડની જૉબ કરું છું, વર્કિંગ વુમન હૉસ્ટેલમાં હવે ગમતું નથી...

ડેટિંગની શરૂઆત આવા જ કોઈક બહાનાથી થતી હોય છે... આગળ વધતાં પહેલાં આર્યને ઝીણવટથી પ્રોફાઇલ ડીટેલ્સ ચકાસી : મદદ માગનારી છોકરીનું નામ છે ગહેના વીરેન્દ્ર શર્મા. ચોવીસની વય છે, મૂળ લખનૌની યુવતી એમબીએ કર્યા બાદ વરસેકથી મુંબઈમાં છે... પ્રોફાઇલમાં મૂકેલો ફોટો ખરેખર એનો હોય તો-તો છોકરીને અપ્સરા જ કહેવી પડે!
આર્યને ત્રણેક રેફરન્સ આપ્યા, એમાંથી એકાદ ઠેકાણે ગહેનાના રૂમનો મેળ પડતાં તેણે ટ્રીટ માટે આર્યનને મૉલમાં તેડાવ્યો : છ વાગ્યે મારા ડ્યુટી-અવર્સ પૂરા થાય છે, તમે ઑફિસેથી છૂટી મૉલ પર જ આવો, અહીંની એક રોસ્ટોરાંમાં મેક્સિકન બહુ આલા દરજ્જાનું મળે છે!
પોતે પ્રોફાઇલમાં મેક્સિકન ફૂડ-ક્રેઝી હોવાનું લખેલું એના પરથી ટ્રીટ માટેનું ઠેકાણું શોધનારી યુવતી સ્માર્ટ ગણાય!
તેને જોવાની, તેના વિશે વધુ જાણાવાની ઉત્કંઠામાં આર્યન સમયસર રેસ્ટોરાં પહોંચી ગયો. ખૂણાના ટેબલ પર તે દેખાઈ. પ્રોફાઇલમાં ફોટો છે બિલકુલ એ જ, બલકે એનાથીયે સુંદર!
‘સી, મેં પણ ફિંગર્સ ક્રૉસ કરેલી કે તમે પ્રોફાઇલના ફોટાવાળા હૅન્ડસમ જુવાન જ નીકળો તો સારું!’
બન્ને હસી પડ્યાં.

‘શું થાય, ડેટિંગ ઍપ પર એટલા ફ્રૉડ થતા રહે છે કે ધ્રાસકો રહેતો જ હોય છે.’
‘યા, બટ આપણે કોઈને છેતરવાં નથી, રાઇટ!’ આર્યને કહેતાં ગહેનાએ પાંપણ પટપટાવેલી - અફકોર્સ, રાઇટ!
- ત્યારે તો એ અદા કેવી મારકણી લાગી હતી! હળવો નિ:શ્વાસ નાખી આર્યને કડી સાંધી :
રેસ્ટોરાંની એ મુલાકાત બીજી તમામ મુલાકાતોનું નિમિત્ત બની. ત્રણેક માસના અંતે એકમેકની પસંદ, વિચારસરણી મેળ ખાતાં આર્યને લિવ-ઇન માટે પ્રસ્તાવ મૂકી એના ફાયદા ગણાવતાં ગહેના હસી હતી - વેરી સ્માર્ટ. લિવ-ઇનથી વગર લાઇસન્સે શરીરસુખ માણવાની આઝાદી મળી જાય એ મુખ્ય ફાયદો જ ભૂલી ગયા!
‘વેલ, લિવ-ઇનમાં રહેનારા ફિઝિકલ ઇન્ટિમસીનું ફૅક્ટર પણ ચેક કરી લે એમાં ધરતી રસાતાળ જાય એવું હું માનતો નથી, પણ મારા પૂરતું એ જરૂરી નથી. મારા માટે મહત્ત્વનો છે મનમેળ, આપણી વચ્ચેના અહમનું નેસ્તનાબૂદ થવું.’

ગહેનાનાં નેત્રો અહોભાવથી પહોળાં થયેલાં - તમારાં આ મૂલ્યો જ મને આકર્ષે છે... હું પણ આજની જનરેશનની છું. લગ્ન પહેલાં લિવ-ઇન પ્રિફર કરું છું. આપણે એકમેકને વરસનો સમય આપીએ, લગ્ન માટે પછી પણ કશુંક ખૂટતું લાગે તો પ્રેમથી છૂટાં પડી જઈશું -’કહી તેણે હાથ લંબાવેલો - બોલો, મંજૂર?
અને આર્યને તેની હથેળીમાં હથેળી પરોવી હતી: કબૂલ, મંજૂર સહી!
- ત્યારે ક્યાં જાણ હતી કે લિવ-ઇનના બહાને જુવાનોને છેતરતી બાઈના સંકજામાં પોતે ફસાઈ ચૂક્યો છે! 
આર્યને ઊનો નિ:સાસો નાખ્યો કે -ઠક્.... ઠક્...

બાજુના ફ્લૅટની કૉમન દીવાલ પર કોઈનું માથું ઠોકાતું હોય એવો અવાજ આવતાં બારી આગળથી હટી આર્યને રૂમની દીવાલે કાન માંડ્યા.
‘નહીં, અશરફ...’ રાતની નીરવતામાં દબાયેલી ચીસ આર્યનને તો બરાબર સંભળાઈ. તેનાં જડબાં તંગ થયાં. 
પાછલા ત્રણેક મહિનાથી બાજુના ફ્લૅટમાં અશરફ-અવનિ ભાડેથી રહેવા આવ્યાં છે, ક્યારેક વરલીના ફ્લૅટમાં હું-ગહેના રહેતાં એમ લિવ-ઇનમાં રહે છે... અને લાગે છે, અવનિ પણ અશરફને લૂંટવા જ માગે છે... બિલકુલ ગહેનાની જેમ જ!
ઔરત, તારું નામ જ બેવફાઈ! પોતાને મળેલા જખમની દાઝ ઘૂંટતા આર્યનને ભીંત પાછળની સચ્ચાઈની ક્યાં જાણ હતી?
lll

રે નસીબ!
મારી ફિટકારી અશરફ સૂઈ ગયો. અશ્રુ સારતી તે કિસ્મતને કોસી રહી છે.
કેટલું સુખ હતું સુરત નજીકના વેસ્મા ગામના ઘરે... પિતાની સધ્ધર ખેતી હતી, કોઠી જેવડું મોટું મકાન હતું, એકની એક દીકરીની રૂએ માવતરનો તો હું શ્વાસપ્રાણ!
અંગે યૌવન બેઠું, ચંચળ જવાની આવી. છકડામાં શહેરની કૉલેજના અપડાઉનમાંય કેટલી મસ્તી કરતી અમે સૌ સખીઓ!
‘અવનિ, તું મેકઅપ વિનાય એવી રૂપાળી લાગે છે કે તારા પરથી કોઈ જુવાનિયાની નજર હટતી નથી ને અમારા પર ટકતી નથી!’ તારા મીઠું લડતી સખીની રાવમાં તથ્ય હતું છતાં તારાને ચીંટિયો ભરી હું છણકો જતાવતી - મૂંગી મર. જોને, રિક્ષાવાળો સાંભળી રહ્યો છે!
સાંભળીને રિક્ષાવાળો મલકતો ને તે શર્મીલું સ્મિત રિઅર વ્યુ મિરર થકી સીધું મારા હૈયે ઊતરી જતું. ભાડાના પૈસાની લેતીદેતીમાં ચોવીસક વરસનો એ બાંકો જુવાન હળવું સ્પર્શી લેતો ને મારા બદનમાં ઝણઝણાટી પ્રસરી જતી.

‘રિટર્નમાં હું સામે જ ઊભો હોઈશ... મારી જ રિક્ષામાં બેસજો હં!’
કાનોમાં કહેવાની ઢબે તે બોલી જતો ને કૉલેજ છૂટ્યા પછી સખીઓથી આગળ જઈ હું તેની જ રિક્ષામાં ગોઠવાઈ જતી!
‘મારું નામ અશરફ. મસ્જિદની ગલીમાં મારું ઘર. મારા વાલિદ ખુદાબક્ષને તમારા પિતાજી ઓળખે પણ છે...’
વેકેશનમાં સખીઓ વિના કોઈ કામે શહેર જવાનું થાય ત્યારે તેના જ છકડામાં બેસું. પછી તે બીજી કોઈ સવારી લે નહીં એ વીઆઇપી ટ્રીટમેન્ટ કેટલી મીઠી લાગતી!
‘મને અભણ ન ધારતી, હોં અવનિ. હું બીએ પાસ છું, પણ નોકરી કરતાં આ છકડામાં વધુ કમાઈ લઉં છું... ઘરવાળીને રાજરાણીની જેમ રાખી શકે એટલું તો પુરુષે કમાવું જ જોઈએને, શું કહે છે?’

‘આમાં હું શું કહું?’
‘કેમ, તું પણ તો કોઈની ઘરવાળી થશેને?’
રિઅર વ્યુમાં મને જોઈને આંખ નચાવતો. ઉફ્ફ. કેટલો સોહામણો લાગતો!
‘તું તો એવી શરમાય છે જાણે હું તને મારી ઘરવાળી થવા કહેતો હોઉં.’
ઉઈ મા, લાજી-લાજી જવાયું. એકાએક તેણે છકડો સાઇડ પર ઊભો રાખ્યો. આખો રસ્તો સૂમસામ હતો. ત્યાં તે ઊલટો ફર્યો, મારી તરફ ઝૂક્યો, ‘ધારો કે હું તને કહું કે તું મારી ઘરવાળી બની જા... તો તું બને ખરી!’
ઓહ! આ સવાલ પૂછવાની તેની ઢબ... થોડી શરારત, થોડી માસૂમિયતભર્યો એ અંદાજ! ત્યાં તો થોડા વધુ આગળ સરકી તેણે મારો ગાલ ચૂમી લીધો - ‘તેરી ખામોશીને જવાબ દે દિયા. અબ તૂ મેરી હૈ અવનિ!’
હૈયું ઊમડઘૂમડ થયું. હોઠેથી શબ્દો સરી ગયા - ઔર તૂ મેરા!
ત્યારે ક્યાં જાણ હતી કે આ એકરાર કેવા દિવસ દેખાડવાનો છે! અવનિનો નિશ્વાસ સરી ગયો. 

વધુ આવતી કાલે

Whatsapp-channel Whatsapp-channel

05 December, 2022 03:43 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK