Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દર્દ-બેદર્દ (પ્રકરણ - ૩)

દર્દ-બેદર્દ (પ્રકરણ - ૩)

21 December, 2022 12:22 PM IST | Mumbai
Samit (Purvesh) Shroff

પલંગમાં બેઠો થઈ ગયો આદર્શ. પરસ્ત્રી સાથેની અશોભનીય તસવીરોને બેવફાઈનો પુરાવો માની અહીંની કોર્ટ છૂટાછેડા મંજૂર કરી અડધી મિલકત પણ પત્નીના નામે કરવાનું કહી દે...

દર્દ-બેદર્દ (પ્રકરણ - ૩)

વાર્તા-સપ્તાહ

દર્દ-બેદર્દ (પ્રકરણ - ૩)


‘કેમ છો, મા?’
બીજી સવારે રિયાએ સાસુને કૉલ જોડ્યો. બે-ત્રણ દહાડે તે સાસુ જોડે ગામગપાટા મારી લેતી. આજે પહેલી વીસેક મિનિટ તો ક્રૂઝના પ્રવાસની તૈયારીની જ વાતો ચાલી. 
‘બીજું બોલો મા, તમારી સેવાપ્રવૃત્તિઓ કેમ ચાલે છે?’ 
‘સેવાબેવા તો ઠીક...’ વિદ્યામા દેખાડો કરવામાં માનતાં નહીં, ‘કલાવતી હૉસ્પિટલના જાણીતા ઑર્થોપેડિક સર્જ્યન ડૉ. અમરજિતનું નામ કદાચ તેં સાંભળ્યું હોય... તેમની ષષ્ટિપૂર્તિ નિમિત્તે તેમને ત્રણ દિવસનો ફ્રી કૅમ્પ કરવા મેં મનાવી લીધેલા - કુલ ૫૭ જણની સર્જરી તેમણે સાવ ફ્રીમાં, તેમની જ હૉસ્પિટલમાં કરી. કેવું રૂડું માનવતાનું કામ કર્યું!’ 
આ જ તો માની ખૂબી છે. અમરજિતસાહેબે તો સર્જરી ફ્રીમાં કરી, એ દરેકની દવાનો ખર્ચ, ફૉલો-અપ ચાર્જિસ પોતે ભરશે એવો ઢંઢેરો પીટે તો મા શાનાં! 
સ્પીકર મોડમાં માને સાંભળતાં આદર્શને ગર્વ થયો. માનું પુણ્ય કેવું આડે આવવાનું એની ત્યારે ક્યાં ખબર હતી? 
lll

‘જો, બરાબર ઊભી છુંને!’
સંધ્યાબહેન વૉકરની પકડ છોડી ટટ્ટાર ઊભાં રહ્યાં.
જાહ્નવીના અમેરિકા ગયા પછી સંધ્યાબહેન જાતને વિશેષપણે જાળવતાં. એ દિવસેય શાકપાંદડું લેવા ગયેલાં એમાં ઓચિંતાંના ગાયે શિંગડું મારી તેમને અડફેટે લઈ લીધાં!
પરિણામે થાપાનું ફ્રૅક્ચર, સર્જરીનો ચાર લાખનો ખર્ચ... કાન્તાએ વળી દીકરીને જાણ કરતાં તેને પરદેશમાં ચિંતા! 
તેને અહીં આવતાં તો પોતે સોગંદ આપી રોકી, મહિનોમાસમાં તેણે લાખ રૂપિયાનો જોગ પણ કરી દીધો... આ તો ગયા પખવાડિયે કાન્તાના પતિ મધુકરભાઈ ખબર લાવ્યા - મુંબઈના વિખ્યાત ડૉ. અમરજિત હાડકાંની સર્જરીનો ફ્રી કૅમ્પ કરવાના છે... આપણાં ન્યાતીલા વિદ્યાશેઠાણીનું આયોજન છે એટલે જોવાનું હોય જ નહીં, પોસ્ટ ઑપરેશન પછીનો પણ કોઈ ખર્ચ નહીં.
ત્યારે તો મારે ઘરબેઠાં ગંગા આવી! સંધ્યાબહેને પોતાનું નામ લખાવાનું કહી દીધું ને જાહ્નવીને જાણ કરવાની પણ મનાઈ ફરમાવી : દૂર રહ્યે તેને ભરોસો નહીં બેસે, એના કરતાં સાજી થઈ તેની સામે ઊભી રહીશ તો કેવી અચરજ પામી જશે!
- એ ઘડી હવે આવી ચૂકી છે... ડૉ. અમરજિતના હાથમાં જાદુ છે. 
‘કોણે કહ્યું ત્રણ-ચાર મહિનાનો ખાટલો છે? હું તમને બે દિવસમાં ઊભાં કરી દઈશ...’ તેમણે કહેલું. કૅમ્પમાં દરેક પેશન્ટ માટે ટિફિન લઈને આવેલાં વિદ્યાબહેનને પોતે પહેલી વાર મળ્યાં. કેવાં સાલસ સન્નારી. મારી દીકરી ન્યુ યૉર્ક છે જાણી બોલી ગયેલા - મારાં દીકરા-વહુ પણ ન્યુ યૉર્ક જ છે, તમારી દીકરીને તેમની કૉન્ટૅક્ટ ડીટેલ્સ શૅર કરજો, કહેજો કંઈ પણ કામ હોય તો વિનાસંકોચે મળે... ‘કૉલ જોડું છું...’
કાન્તાબહેનના દીકરાએ કહેતાં વિચારમેળો સમેટી સંધ્યાબહેને સ્મિત ફરકાવ્યું.
lll



‘મા...! તું... આ..!’
વિડિયોકૉલમાં માને જોઈ જાહ્રવીની આંખો ખુશીથી છલકાઈ ગઈ. ડૉ. અમરજિત અને વિદ્યાબહેન જેવાં સેવાકર્મીનો પાડ! માની પડખે રહેલાં કાન્તામાસી જેવાં પાડોશીનો ખરા દિલથી આભાર. 
‘અરે હા-’ ફોન મૂકતાં પહેલાં માને સાંભર્યું, ‘તારા પેલા લાખ રૂપિયા એમ જ પડ્યા છે, જેની પાસે ઉછીના લીધા તેને પરત કરી દે.’ 
માને ક્યાં જાણ છે કે એ રૂપિયા તો એક ડીલ માટે મેં ઍડવાન્સ પેટે લીધા હતા! બટ યા, હવે મારે રૂપિયાની જરૂરિયાત નથી, પછી કોઈ અજાણ્યા પુરુષને બદનામ કરતા પુરાવા ઊભા કરવાનું હલકું કામ પણ શું કામ કરવું? ઍડવાન્સ અને બે દિવસ પછીની વૉશિંગ્ટનની ટિકિટ બન્ને પરત કરી દઈશ મારા શુભચિંતકને. અલબત, તેની કોઈ કૉન્ટૅક્ટ ડીટેલ નથી, તેના ફોનનંબર્સ આઉટ ઑફ સર્વિસ બતાવે છે. એ તો હવે સામેથી સંપર્ક સાધે ત્યારે, પહેલાં તો માએ સૂચવ્યું એમ વિદ્યાબહેનનાં દીકરા-વહુ આદર્શ-રિયાને રૂબરૂ મળી આભાર વ્યક્ત કરી લઉં! 
lll


‘ઑલ સેટ.’
જાહ્વવીને શુભચિંતક તરીકે કૉલ કરનારે પોતાની મનગમતી સ્ત્રીને માહિતી આપી, ‘જાહ્નવીને વિક્ટિમનો ફોટો અને ફ્લાઇટની ટિકિટ મોકલી આપી છે, બાકીની રકમ કામ પત્યા પછી આપવાનો વાયદો છે...’
‘ગ્રેટ. એક વાર આપણને જોઈએ એવા ફોટો મળી જાય, પછી...’
‘શીશ્, પછીની વાત અત્યારે શું કામ કહેવી?’
બન્ને છેડા હસ્યા ને કૉલ કટ થયો.
lll

આદર્શ મહેતા.
મેટાવિઝન, મેગા ટાવર, થર્ટી સેકન્ડ ફ્લોર, સેવન્ટીન્થ સ્ટ્રીટ, ન્યુ યૉર્ક.
બપોરનાં લેક્ચર અટેન્ડ કરી જાહ્નવી માએ શૅર કરેલા વિદ્યાબહેના દીકરાની ઑફિસના સરનામે પહોંચી ગઈ. સબર્બનું તેમનું ઘર દૂર પડે. હૉપ, ઑફિસમાં તે મને મળી રહે!
બત્રીસમા માળે લિફ્ટમાંથી નીકળતી જાહ્નવી અંજાઈ : આખો ફ્લોર મેટાવિઝનનો હતો. ગ્લાસ વૉલની અંદરની બાજુનું ઇન્ટીરિયર ભવ્ય લાગ્યું. સહેજે બાવીસ-પચીસનો સ્ટાફ ક્યૂબ્સમાં ગોઠવાયો હતો. છતના સ્પીકરમાંથી લતાજીનાં ગીતો ગુંજતાં હતાં. ઈશાન ખૂણામાં ગણેશજીની સ્થાપના કરી હતી. રિસેપ્શનિસ્ટ પણ ગુજ્જુ ગર્લ નીકળી - ‘સર તેમની કૅબિનમાં જ છે. તમારે કયા કામે મળવું છે?’
‘પર્સનલ કામ છે, બે મિનિટથી વધુ નહીં લઉં.’


જાહ્નવીની રિક્વેસ્ટ બૉસના ડેસ્ક સુધી પહોંચી ને સામેથી ‘તેમને અંદર મોકલ’ એવું ગુજરાતીમાં સંભળાયું એટલે મીઠું મલકતી જાહ્નવી રિસેપ્શનિસ્ટે ચીંધેલા માર્ગે થોડું ચાલી ડાબે વળી, આદર્શ મહેતાની નેઇમ પ્લેટ ધરાવતી કૅબિન પર ટકોરા મારી નૉબ ઘુમાવી દરવાજો ખોલી ‘મે આઇ કમ ઇન-’ બોલતી ડોકિયું કરે છે કે થીજી જવાયું.
લક્ઝુરિયસ કૅબિનના વિશાળ ડેસ્કની ઝૂલણખુરશીમાં ગોઠવાઈ

પોતાને સ્મિતભેર ‘આવો’ કહેતો સોહામણો પુરુષ તો એ જ... જેનો ફોટો મને શુભચિંતકે વૉશિંગ્ટનની ટિકિટ સાથે મોકલ્યો હતો, જેની સાથે મારે અણછાજતા ફોટા લેવાના હતા!
શુભચિંતકે ‘શિકાર’ની બીજી કોઈ વિગત હજુ સુધી આપી નહોતી, પણ એનું સસ્પેન્સ અણધાર્યું ફૂટી ગયું!
અલબત્ત, મારે હવે શુભચિંતકનું કામ કરવું જ નહોતું, પણ જેનાં મમ્મી મારી માને સાજી કરવામાં નિમિત્ત બન્યાં એ આદર્શને એનાથી ચેતવવાની મારી ફરજ બને છે! મારાં મમ્મીની બીમારીનો આશરો લઈ શુભચિંતકે જેને બદનામ કરવા મને હાયર કરી એ જ પુરુષની માતાએ મારી માને સાજી કરી દીકરાને ચેતવવાનો યોગ ઘડી કાઢ્યો એ કેવું! મમ્મીએ મને આદર્શનો આભાર માનવાનું સૂચવ્યું ન હોત તો કદાચ શુભચિંતકને તો હું ઇનકાર કરી દેત, પણ આદર્શને ચેતવવાનું ન બનત... ‘તમારે દરવાજે જ ઊભાં રહેવું છે?’

આદર્શની ટકોરે ઝબકતી જાહ્નવી દુપટ્ટાથી પ્રસ્વેદ લૂછતી અંદર પ્રવેશી, ખુરશી પર આદર્શની સામે ગોઠવાઈ,
‘નમસ્કાર સર, હું જાહ્નવી દવે.’ 
માતાના ઑપરેશનની વિગત કહી, આભાર માનવાનું પ્રયોજન સમજાવતાં આદર્શ મુસ્કુરાયો - ધન્યવાદ તો ઠીક છે, જાહ્વવી, તમે આવ્યા એ ગમ્યું. મારે લાયક કોઈ પણ કામ હોય તો કહેજો. પરદેશમાં સહેજે મૂંઝાતાં નહીં.
કેવો સાલસ, સાફ દિલ - પુરુષ. જાહ્નવીની નજર તેના ડેસ્ક પર મૂકેલી સજોડે તસવીર તરફ ગઈ : આદર્શ સાથે શોભતી સ્ત્રી તેની પત્ની જ હોય... ત્યારે તો પરસ્ત્રી સાથે આદર્શના અઘટિત ફોટોઝ પ્લાન કરનારનો ઇરાદો આદર્શના લગ્નજીવનમાં ફૂટ પડાવવાનો જ હોય! ઓહ તો-તો કુદરતે જ મને આ અનર્થ અટકાવવા મોકલી! શુભચિંતકનો આશય પકડાયો હોય એવા આવેશમાં આવી ગઈ જાહ્નવી.
‘તમે બે દિવસ પછી બે દિવસ માટે વૉશિંગ્ટન જાવ છો, આદર્શ?’ અચાનક જાહ્નવીએ પૂછતાં આદર્શ ચોંક્યો. વાત ખરી છે, પણ જાહ્નવીએ કઈ રીતે જાણ્યું?
‘હું એ પણ જાણું છું આદર્શસર કે કોઈ છે જે તમને બદનામ કરવાનું કાવતરું ઘડી બેઠું છે!’ 

lll આ પણ વાંચો : દર્દ-બેદર્દ (પ્રકરણ - ૧)

રાત્રે પથારીમાં પડઘા ઘસતા આદર્શના ચિત્તમાંથી બપોરના જાહ્નવીના શબ્દો હટતા નથી. પડખે રિયા ઘસઘસાટ ઊંઘે છે, પણ પતિની નીંદર ગાયબ છે. 
પહેલાં તો જાહ્નવીની વાત મનાઈ જ નહોતી, પણ તેણે ફોનમાં પોતાનો ફોટો, ફ્લાઇટની ટિકિટ દેખાડતાં હેબતાઈ જવાયું. મા સાજી થતાં શુભચિંતકને પૈસા પરત કરવા માગતી જાહ્નવીનો મુદ્દો સ્વીકાર્યા પછી બીજી બધી અપૉઇન્ટમેન્ટ કૅન્સલ કરી આદર્શ-જાહ્નવી બ્રેઇન સ્ટ્રોમિંગ કરવા બેઠેલાં. 
‘પરસ્ત્રી સાથે મારા અશોભનીય ફોટોઝ સર્જી કોઈને શું મળે? રિયા - મારી વાઇફને દેખાડવાની ધમકી આપી મને બ્લૅકમેઇલ કરવો હશે?’
‘પણ એમ ફોટો દેખાડવાથી તમારાં વાઇફ તમને બેવફા ધારી લે ખરાં?’
જાહ્નવીનો પ્રશ્ન અણિયાળો બની અત્યારે પણ ચૂભ્યો. રિયાની અનુરાગ સાથેના સંવનનની ક્ષણો ઝબકી ગઈ. રિયાને પરપુરુષ સાથે કઢંગી હાલતમાં જોયા પછી હુંય ક્યાં નહોતો ડગ્યો! એ તો રિયાની બિમારી છતી થઈ ત્યારે તેના પડખે ઊભા રહેવાનું જોમ જાગ્યું... મારે એવી કોઈ બીમારી નથી, ક્ષોભજનક ફોટોઝ જોઈ રિયાને શક કરવાનો, સવાલોની ઝડી વરસાવવાનો પૂરો હક છે...

‘જે સંબંધમાં પ્યાર હોય, વિશ્વાસ હોય એ આમ અમુકતમુક ફોટોઝ જોવાથી ધ્વસ્ત થઈ જાય?’
જાહ્નવી કેવો ઊંડો સવાલ પૂછી બેઠેલી! છોકરી જેટલી રૂપાળી એટલી જ આત્મવિશ્વાસુ છે, સંબંધની તેની સમજ કેવી સુસ્પષ્ટ છે!
‘સર, આપણી પાસે શુભચિંતકને લગતી એક જ ક્લૂ છે.’
આમ કહેતી જાહ્નવી બુદ્ધિમંત લાગી હતી, ‘હી બિલૉન્ગ્સ ટુ અવર યુનિવર્સિટી.’ કહી પોતાના અનુમાનનું કારણ પણ આપી દીધું, ‘મારી મજબૂરી તેણે સ્વીટી સાથેની મારી વાતો ઓવરહિયર કરીને જ પામી હોય અને તે યુનિવર્સિટી કૅમ્પસમાં થઈ હતી.’
‘ઓહ’ આદર્શ કહેવા જતો હતો કે કૉલેજમાં ભણતા કોઈ જુવાન જોડે અમારે સંબંધ નથી... પણ છેલ્લી ઘડીએ બ્રેક લાગી ગઈ : ના, આવો એક જુવાન છે... અનુરાગ!
પણ એ આવું શું કામ કરે! રિયાએ નીંદમાં તેને પરવશ કર્યા પછી તે કદી અમારા ઘર તરફ ફરક્યો પણ નથી, તેને મારા-રિયામાં ફૂટ પડાવી શું મળવાનું?
રિયા!

બની શકે, એ એક રાતથી તે રિયાનો દીવાનો બની બેઠો હોય અને મારું પત્તું સાફ કરી તે રિયાને પોતાની કરવા માગતો હોય... યા, ધીસ કુડ બી હિઝ મોટિવ!
જાહ્નવી સમક્ષ અનુરાગ-રિયાના આકસ્મિક સંવનન પર પડદો રાખી પોતે આ તર્ક રજૂ કરતાં તે વિચારમાં પડેલી, ‘ફોટોઝના પુરાવાથી તે રિયાને તમારાથી દૂર કરી શકે એ માન્યું, પણ તમારાથી દૂર થયેલી રિયા તેની નજીક જાય જ એ આમાં બંધબેસતું નથી.’
જાહ્નવીની દલીલમાં દમ છે. ઊલટું મારી બેવફાઈએ રિયાનું હૈયું ભાંગે, તે પુરુષમાત્રને નફરત કરતી થઈ જાય તો અનુરાગનો મતલબ ક્યાં પૂરો થાય છે!
‘હા, રિયા-અનુરાગ પહેલેથી જ એક હોય તો આ ગણતરી સાવ ફિટ બેસે એમ છે.’

તર્કના તાણાવણા ગૂંથતી જાહ્નવી અનાયાસ બોલી ગયેલી, બોલ્યા પછી બફાટનું ભાન થયું હોય એમ ચોંકીને ક્ષમા માગેલી - સૉરી સર, તમારાં વાઇફ માટે મારે આવી કમેન્ટ કરવાની ન હોય... પોતે પણ ઉદાર ભાવે જતું કરતો હોય એવું દાખવ્યું, પણ તેનો તર્ક હૈયાસોંસરવો ઊતરી અત્યારે પણ છાતીમાં તીરની જેમ ચૂભી રહ્યો છે! 
જાહ્નવીના ‘શુભચિંતક’ તરીકે અનુરાગનો સ્વીકાર તાર્કિક છે, પણ જાહ્નવીને હાયર કરવા પાંચ હજાર ડૉલર્સ ખર્ચી શકે એવો તે ખમતીધર નથી, તો શું મારી કહેવાતી બેવફાઈના પુરાવા મેળવવા પાછળ રિયાનું ફાઇનૅન્સ હશે? 

આ પણ વાંચો : દર્દ-બેદર્દ (પ્રકરણ - ૨)

રિયાને મેં હંમેશાં ફાઇનૅન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ રાખી છે, દર મહિને તેના ખાતામાં અમુક રકમ જમા થઈ જાય એ વ્યવસ્થા ગોઠવ્યા પછી ક્યારેય તેના અકાઉન્ટ્સમાં માથું માર્યું નથી. અને ધારો કે, માની પણ લઈએ કે અનુરાગને રિયાનું પીઠબળ છે, તેના જ કહેવાથી અનુરાગે જાહ્નવીને હાયર કરી... તો સવાલ એ રહે કે મારી વિરુદ્ધના પુરાવા ઊભા કરવા પાછળ રિયાની મકસદ શું હોય? આમાં તેને શું મળવાનું?
- ડિવૉર્સ!

પલંગમાં બેઠો થઈ ગયો આદર્શ. પરસ્ત્રી સાથેની અશોભનીય તસવીરોને બેવફાઈનો પુરાવો માની અહીંની કોર્ટ છૂટાછેડા મંજૂર કરી અડધી મિલકત પણ પત્નીના નામે કરવાનું કહી દે...
- બટ વાય! રિયાને મારાથી છૂટાછેડા શું કામ જોઈએ? ડિવૉર્સનું કારણ શું હોય?
- પરપુરુષ!
તેના ચિત્તમાં અનુરાગ-રિયાની અંગત પળો તરવરી ઊઠી. શું અનુરાગ સાથેનું સહશયન રિયાને એટલું અપીલિંગ લાગ્યું કે...

- પણ એ કેમ બને! એ આખી ક્રીડામાં રિયા તો ઊંઘમાં હતી! તેણે ખુદ ડૉ. મૅથ્યુની અપૉઇન્ટમેન્ટ લઈ પોતે સેક્સસોમ્નિયાનો શિકાર હોવાની ખાતરી કરાવી હતી...
કે પછી એ પણ બનાવટ હતી? દર્દને આધાર બનાવવાનો બેદર્દ પ્લાન હતો? 
આદર્શ સમસમી ગયો.

આવતી કાલે સમાપ્ત

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2022 12:22 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK