Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ધ લીડ (પ્રકરણ ૩)

ધ લીડ (પ્રકરણ ૩)

24 May, 2023 01:54 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘બસ, પછી તો શું હોય...’ નારાયણના ચહેરા પર સફેદી હતી, ‘દીકરી ગુમ થયાના ખબર મારી પત્નીને આપવા હું તરત રાતની ટ્રેનમાં ફરી પાછો અહીં આવ્યો...’

ધ લીડ (પ્રકરણ ૩)

વાર્તા-સપ્તાહ

ધ લીડ (પ્રકરણ ૩)


‘માર્લબોરો લાઇટ...’
પાનના ગલ્લાવાળો સોમચંદની સામે જોઈ રહ્યો. 
‘સાહેબ, બીડી સિવાય અહીં કાંઈ નથી... શિયાળામાં કૂલ મળે, બાકી અત્યારે તો બીડી...’
‘બીડીમાં વરાઇટી...’
‘એકેય નહીં, ખાલી સંભાજી...’

સોમચંદની આંખ સામે ટ્રેનનો કમ્પાર્ટમેન્ટ અને એની ફર્સ પર પડેલી બીડી આવી ગઈ. એ બીડીને વીંટવા માટે લાલ રંગનો દોરો વાપરવામાં આવ્યો હતો.
‘સંભાજી આપ...’
ગલ્લાવાળાએ સંભાજીની ઝૂડીમાંથી એક બીડી કાઢીને સોમચંદને આપી અને સોમચંદની આંખો લાલ થઈ.
બીડીને બાંધવા માટે લાલ રંગનો દોરો વપરાયો હતો!
બદલાતા જતા હાવભાવને મહામહેનતે કાબૂમાં લઈ સોમચંદે સંભાજી બીડી મોંમાં મૂકી અને બીડીને દાંત વચ્ચે દબાવીને હાથ લંબાવ્યો.
‘લાઇટર...’
‘માચીસ છે...’ ગલ્લાવાળાએ સોમચંદના હાથમાં માચીસ મૂકી અને સોમચંદની આંખ સામે ફરીથી કમ્પાર્ટમેન્ટ આવી ગયો.
કપાસ બ્રૅન્ડ માચીસ. 
કમ્પાર્ટમેન્ટમાં અઢળક બીડી વચ્ચે બે માચીસનાં ખાલી બૉક્સ પડ્યાં હતાં, જે આ જ બ્રૅન્ડનાં હતાં.
‘બીજી કોઈ માચીસ નથી...’
‘સાહેબ... આ ગુજરાત છે.’ ગલ્લાવાળાએ જોશભેર કહ્યું, ‘ગુજરાતમાં કપાસ બહુ થાય ને બાકસ પણ કપાસવાળાની જ હાલે...’
સ્માઇલ સાથે સોમચંદ ગલ્લા પાસેથી હટી ગયો અને ગલ્લાવાળો દેખાતો બંધ થયો કે તરત તેણે મોઢામાંથી બીડી કાઢીને ફગાવી દીધી.
‘જયદેવ, આરોપીને પકડવાની તૈયારી કરી લેજે...’ સોમચંદે સહેજ દાંત ભીંસ્યા, ‘છીએ આપણે સાચી દિશામાં...’
lll


‘મ્યુનિસિપાલિટીમાંથી આવ્યા છીએ...’ પૂરા ગુજરાતી લહેકા સાથે સોમચંદે વાતની શરૂઆત કરી, ‘નળની લાઇન જોવાની છે.’
સોમચંદે બહાર જ જયદેવને ઇન્સ્ટ્રક્શન આપી દીધી હતી કે તેણે કશું બોલવાનું નથી અને જયદેવે મસ્તક નમાવીને વાત સ્વીકારી પણ લીધી હતી.
બન્ને ઘરમાં દાખલ થયા. સાવ નાનુંઅમસ્તુ એ ઘર હતું અને ઘરના બેઠકખંડમાં જ લોખંડનો પલંગ રાખવામાં આવ્યો હતો. પલંગ પર એક પુરુષ બેઠો હતો અને જમીન પર ચારથી પાંચ મહિલાઓ બેઠી હતી.
દાખલ થતાની સાથે સોમચંદે બે હાથ જોડ્યા અને પોતાની ઓળખાણ આપી.
‘આજે રેવા દ્યો તો સારું...’ સામે બેઠેલી વ્યક્તિએ પણ હાથ જોડ્યા અને રડમસ ચહેરે તેણે વિનંતી કરી, ‘કાલ, પરમદી રાખોને...’

‘એવું લાગે છે કે સોસાયટીમાં જે લીકેજ છે એ લીકેજ કદાચ આ ઘરમાંથી છે એટલે... જોવું તો આજે પડશે, પણ...’ સોમચંદે તરત જ કહ્યું, ‘છે માત્ર પાંચ મિનિટનું કામ. આ સાહેબ નળ પર મશીન લગાડીને ચેક કરે એટલી વાર...’
સામે બેઠેલા પુરુષે નરમ ચહેરે જ હા પાડી કે તરત જ જયદેવે ખિસ્સામાંથી આલ્કોહૉલ ઇક્વલાઇઝર બહાર કાઢી લીધું, પણ આગળ વાત તો સોમચંદે જ ચાલુ રાખી.
‘નળની લાઇન કઈ બાજુ....’
પલંગ પર બેઠેલા પુરુષે એક મહિલા સામે જોયું અને મહિલા જાણે કે આંખનો ઇશારો સમજી ગઈ હોય એમ તરત જ ઊભી થઈ જયદેવની આગળ ચાલવા માંડી. જયદેવે સોમચંદ સામે જોયું, સોમચંદે આંખના ઇશારે તેને આગળ વધવાનું કહ્યું એટલે તે પણ પેલી મહિલાની પાછળ ચાલવા માંડ્યો.


બન્ને દેખાતાં બંધ થયાં એટલે તરત જ સોમચંદે પેલા પુરુષ સામે જોયું. અનાયાસ બન્નેની આંખ એક થઈ. તે પણ સોમચંદ સામે જ જોતો હતો.
‘કંઈ થયું છે...’ સોમચંદે બધાની સામે વારાફરતી નજર કરી, ‘બધાં આમ બેઠાં છો એટલે સહેજ...’
‘હા સાહેબ...’ પુરુષે દબાયેલા અવાજે કહ્યું, ‘સાહેબ, મારી દીકરી ગુમ થઈ છે.’ 
‘ઓહ...’ સોમચંદે આશ્વાસન આપતાં કહ્યું, ‘મળી જશે, ચિંતા ન કરો...’
પેલાએ પહેલાં બે હાથ સોમચંદ સામે અને પછી એ જ બન્ને હાથ આકાશ તરફ જોડી સહેજ મસ્તક નમાવ્યું.
‘આપ...’ સોમચંદે ધીમેકથી પૂછ્યું, ‘શું નામ આપનું?’
‘નારાયણ, નારાયણ જેતાપુરકર...’
સોમચંદની આંખો ચમકી.

‘દીકરી ને બૅગ બેય ગુમ હતાં...’ નારાયણે આંસુ લૂંછ્યાં, ‘બહુ ગોતી તેને, આખું સ્ટેશન ફર્યો અને બહાર જઈને પણ જોઈ આવ્યો, પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં એટલે પછી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ લખાવી દીધી.’

- આ માણસ તો મુંબઈમાં હોવો જોઈએ. બાંદરા સ્ટેશન પર તેની હાજરી બોલે છે તો પછી કેવી રીતે આ માણસ આમ, અત્યારે અહીં?!
મનના ભાવ દબાવીને સોમચંદે વાત આગળ વધારી.
‘દીકરી ક્યાં ને ક્યારે ગુમ થઈ ભાઈ?’
‘શું વાત કરું ભાઈ?’ નારાયણે સોમચંદ સામે જોયું, ‘અત્યારે વેકેશન ચાલે છે એટલે હું તેને મુંબઈ લઈને ગયો... મુંબઈમાં તેનાં મામા-મામી ને નાના-નાની રહે છે. અહીં એકલી બહુ કંટાળે એટલે મને થયું કે ત્યાં આ બધાં સાથે રહેશે તો તેને ગમશે... પણ...’
નારાયણની આંખમાં આંસુ આવ્યાં એ સોમચંદે જોયું તો સાથોસાથ સોમચંદે એ પણ નોટિસ કર્યું કે તેણે વાત અધૂરી છોડી દીધી.
જયદેવ જલદી બહાર ન આવે તો સારું...

મનમાં ચાલતા વિચારોને સહેજ દબાવીને સોમચંદે તરત જ અનુસંધાન સાધ્યું.
‘પછી શું થયું? મુંબઈમાં...’
‘આખી રાત ટ્રેનમાં હતો એટલે બાથરૂમ બહુ લાગી હતી...’ નારાયણે વાત શરૂ કરી, ‘દીકરીને મારી બૅગ પાસે રાખીને હું બે મિનિટ માટે યુરિનલ ગયો. મનમાં એમ કે આટલા લોકો છે તો તેને વાંધો નહીં આવે, પણ પાછો આવ્યો ત્યાં...’

ફરી નારાયણે વાત અધૂરી છોડી દીધી.
માણસ વાત ત્યારે જ અધૂરી મૂકતો હોય છે જ્યારે તેને આગળની વાત ગોઠવવા માટે સમયની આવશ્યકતા ઊભી થતી હોય.
‘પછી, પછી, શું થયું?’
‘શું વાત કરું...’ નારાયણે તેને મળેલા સમયનો સદુપયોગ કરીને આગળની વાતનો આરંભ કર્યો, ‘પાછો આવ્યો ત્યારે ન તો મારી દીકરી ત્યાં હતી કે ન તો મારી બૅગ...’
નારાયણે ડૂસકું મૂક્યું.
‘દીકરી ને બૅગ બેય ગુમ હતાં...’ નારાયણે આંસુ લૂંછ્યાં, ‘બહુ ગોતી તેને, આખું સ્ટેશન ફર્યો અને બહાર જઈને પણ જોઈ આવ્યો, પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં એટલે પછી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ લખાવી દીધી.’

આ પણ વાંચો : ધ લીડ (પ્રકરણ ૧)

‘હંઅઅઅ...’ 
સોમચંદથી હવે કન્ટ્રોલ થતો નહોતો. તે પોતાના ઓરિજિનલ સ્વાંગમાં આવી ગયા હતા. ભૂલી ગયા હતા કે તે ઘરમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનના વૉટર વર્ક્‍સ વિભાગના અધિકારી બનીને આવ્યા છે.
‘પછી શું થયું?’
‘બસ, પછી તો શું હોય...’ નારાયણના ચહેરા પર સફેદી હતી, ‘દીકરી ગુમ થયાના ખબર મારી પત્નીને આપવા હું તરત રાતની ટ્રેનમાં ફરી પાછો અહીં આવ્યો...’
નારાયણે ત્યાં બેઠેલી મહિલાઓમાંથી એક તરફ ઇશારો કર્યો.
‘વાઇફને વાત કરવાની હતી એટલે અઘરું હતું. આવતાં પહેલાં મેં મારી સાળીને પણ સાથે લીધી...’
‘તમે તો કહ્યું કે મુંબઈમાં તમારો સાળો અને તેની ઘરવાળી તથા નાના-નાની રહે છે, તો એમાં સાળી ક્યાં...’

‘તેને આવતાં વધારે વાર થશે...’ સોમચંદે કહ્યું, ‘પૂરેપૂરું ધ્યાન રાખ અને એ પણ જો કે તે કોઈને ફોન કરે છે કે પછી ફોન કર્યા વિના જ બહાર આવે છે.’

‘હું મારા સાળાના દીકરાનું પણ કંઈ બોલ્યો નથી એનો અર્થ એવો થોડો થાય કે તે ઘરમાં નથી?!’
તાર્કિક રીતે વાત સાચી હતી, કારણ કે સોમચંદે ઇન્ક્વાયરીના ભાગરૂપે એ સવાલ પૂછ્યો નહોતો એટલે નારાયણે પણ સહેજ રીતે જ વાત શરૂ કરી હતી. જોકે સોમચંદને સમજાઈ ગયું હતું કે નારાયણ જ તેનો આરોપી છે અને આ આખી ઘટનામાં નારાયણ સૌથી મોટો દોષી છે.
lll

‘જો તું સાંભળ...’ સોમચંદે જયદેવની સાથે વાત શરૂ કરી, ‘નારાયણ એક નહીં, અનેક બાબતોમાં ખોટું બોલે છે...’
મ્યુનિસિપલ કૉર્પોરેશનના વૉટર વર્ક્‍સ ડિપાર્ટમેન્ટના અધિકારી બનીને પોતાનું કામ પૂરું કરી જયદેવ કિચનમાંથી બહાર નીકળ્યો એટલે સોમચંદ પણ તેની સાથે બહાર નીકળી ગયો, પણ બહાર આવ્યા પછી તે બન્ને સીધા હોટેલ તરફ રવાના થવાને બદલે નારાયણના ઘરની એવી રીતે સામે ઊભા રહ્યા, જ્યાંથી એ લોકો નારાયણના ઘર પર ધ્યાન રાખી શકે, પણ અંદરથી કોઈ તેમને જોઈ ન શકે.

‘તું જો જયદેવ, એ માણસ અત્યારે એવી રીતે બેઠો છે જાણે તે પોતે પણ દુખી હોય અને હકીકત એ છે કે તે પોતે જ પોતાની દીકરીને મારીને અહીં બેઠો છે. તને તેનાં જૂઠાણાં ગણાવું...’ સોમચંદે વાત શરૂ કરી, ‘સૌથી પહેલું જૂઠાણું, નારાયણ એવું કહે છે કે તેણે બાંદરા રેલવે પોલીસને ફરિયાદ કરી છે, પણ એવી કોઈ ફરરિયાદ રેલવે પોલીસમાં થઈ નથી. બીજી વાત, એતેકહે છે કે ટ્રેનમાંથી ઊતરીને તે ફ્રેશ થવા યુરિનલ ગયો... જયદેવ તું જો તો ખરો, તે માણસ એ પણ ભૂલી ગયો કે એ ટ્રેન હતી, ટ્રેનમાં વૉશરૂમ હોય જ છે, તમને બહુ સુસુ લાગી હોય તો તમે કમ્પાર્ટમેન્ટમાં જ ફ્રેશ થઈ શકો છો, પણ એ કમ્પાર્ટમેન્ટમાં ફ્રેશ થવાને બદલે પ્લૅટફૉર્મ પર આવ્યો અને દીકરી-બૅગ બન્નેને એમ જ મૂકીને તે વૉશરૂમ ગયો. તને લાગે છે આ માણસ એટલો મૂર્ખ હોય...’

‘ઉપાડી લેવો છે...’
‘હા પણ... અત્યારે નહીં.’ સોમચંદે આજુબાજુ જોયું, ‘જો મરાઠાઓથી ભરાયેલો એરિયા છે. આપણે નજર રાખીએ અને નારાયણને તેની જ ચાલમાં ફસાવીએ...’
‘કેવી રીતે?’
સોમચંદે પોતાના હોઠ જયદેવના કાન પાસે ગોઠવ્યા. કાનમાં જેમ-જેમ શબ્દો ઢોળાતા ગયા એમ-એમ જયદેવની આંખો મોટી થવા માંડી.
‘ડન...’ વાત પૂરી થતાં જ જયદેવે હા પાડી દીધી, ‘હું તૈયાર છું...’
‘આખી રાતનો ઉજાગરો છે...’
‘આમ પણ અનિદ્રાની બીમારી છે...’

‘રાતે જો તે ઘરમાંથી છટક્યો તો દોડધામ બહુ થશે...’
‘ગૅરન્ટી... ક્યાંય નહીં જાય.’
‘બસ, તો સવારે ઉપાડી લઈએ...’ જયદેવ પાસેથી રવાના થતાં પહેલાં સોમચંદે કહ્યું, ‘હું જીપમાંથી નજર રાખું છું, તું અહીંથી રાખ...’
‘હેલો... નારાયણ...’
અલકાપુરી પોલીસ-સ્ટેશનની બહાર ઊભેલા સોમચંદના અવાજમાં ગંભીરતા હતી. 
‘બોલું સાહેબ...’

‘મુંબઈથી ફોન આવ્યો છે, તારી દીકરી મળી ગઈ...’
‘હેં?!’ નારાયણના ચહેરા પર કેવા હાવભાવ હશે એ સોમચંદ અત્યારે પણ પારખી શકતા હતા, ‘ક્યાં છે તે, બિચારીએ ખાધુંપીધું નહીં હોય... સાહેબ, ધ્યાન રાખજો તેનું...’
‘હા, તને બહુ યાદ કરે છે...’ સોમચંદે કહ્યું, ‘સરકારી વાહન મોકલ્યું છે. તારે તાત્કાલિક અહીં કાગળ લેવા આવવું પડશે...’
‘શેનો કાગળ...’
‘મંજૂરી અને તારી ઓળખનો...’ સોમચંદે જવાબ આપ્યો, ‘તું જલદી બહાર નીકળ અને તારી વાઇફને કહી દે, દીકરીને લેવા આવવા માટે તૈયાર થઈ જાય...’

‘હા સાહેબ...’
સોમચંદે ફોન કટ કર્યો અને પછી તરત જ ફોન લગાડ્યો જયદેવને.
‘તેને આવતાં વધારે વાર થશે...’ સોમચંદે કહ્યું, ‘પૂરેપૂરું ધ્યાન રાખ અને એ પણ જો કે તે કોઈને ફોન કરે છે કે પછી ફોન કર્યા વિના જ બહાર આવે છે.’
lll

દસ મિનિટ પસાર થઈ એટલે જયદેવે સોમચંદને ફોન કર્યો.
‘હજી સુધી બહાર આવ્યો નથી... પણ છે ઘરમાં, ગૅરન્ટી.’ જયદેવને અચાનક યાદ આવ્યું એટલે તેણે કહ્યું, ‘અને હા, તેની વાઇફ બહાર આવીને ક્યાંક ગઈ...’
‘હવે ઘરમાં કોણ-કોણ છે?’
‘તે અને તેની સાળી...’ જયદેવે કહ્યું, ‘બાકીના મહેમાનો તો રાતે જ નીકળી ગયા હતા એ તેં પણ જોયું છે.’
‘હંઅઅઅ...’ સોમચંદે દાંત ભીંસ્યા, ‘કદાચ બીજું પ્રાણી પણ હાથમાં આવ્યું...’

વધુ આવતી કાલે

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2023 01:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK