શ્રાવણી મહેણું ગળી જતી. અરેન માટેનો પ્યાર તેને સામો ઘા કરવા ન દેતો. ઑફિસના સ્ટાફ બાબત પણ અરેન ક્યારેક લવારો કરી જતો
ઇલસ્ટ્રેશન
ક્યાં મને ચાહતા, મને સુખમાં તરબોળ રાખનારા અરેન ને ક્યાં આજના અરેન!
ઘરની ઑફિસમાં અરેનને ફોન પર સ્ટાફ પર ઘાંટા પાડતો જોઈ જૂસ લઈને આવેલી શ્રાવણીથી હળવો નિશ્વાસ સરી ગયો.
ADVERTISEMENT
સ્ટ્રોકના હુમલામાં અપાહિજ બની ગયેલા અરેનના વ્યક્તિત્વમાં ન ખમાય ન જિરવાય એવી કડવાશ પ્રવેશતી ગયેલી. દરેકમાં વાંકું જ જોવાનું, બધાને શબ્દોના ચાબખાથી સમસમતા રાખવા. સ્ટાફ તેનાથી ફફડતો, બાળકો આઘેરાં રહેતાં અને શ્રાવણી મનમાં જ મુરઝાતી જતી.
ડિજિટલ સપોર્ટથી તે સરળતાથી ઑફિસ રન કરી શકતો. એટલું જ ધ્યાન તેનું ઘરમાં રહેતું. બાળકોને સ્કૂલ લેવા-મૂકવા શ્રાવણી જાતે જતી. તેને આવવામાં મોડું થાય તો તરત ઇન્ટરકૉમ રણકાવે : કોની સાથે ગપ્પાં મારવા રોકાઈ હતી? કોઈ નવો સગલો મળી ગયો લાગે છે! કહી હસી લે : આ તો જસ્ટ જોકિંગ. બાકી બે બચ્ચાંની માને મારા જેવો અમીરજાદો તો થોડો મળવાનો!
શ્રાવણી મહેણું ગળી જતી. અરેન માટેનો પ્યાર તેને સામો ઘા કરવા ન દેતો. ઑફિસના સ્ટાફ બાબત પણ અરેન ક્યારેક લવારો કરી જતો: જાણે છે, અહીં હું કોઈને કેમ નથી બોલાવતો? મેલ સ્ટાફ પર તું લટ્ટુ થઈ ગઈ તો!
શ્રાવણી એ પણ જતું કરતી.
‘પુઅર યુ!’
અરેનની અક્ષમતા સોસાયટીમાં છૂપી નહોતી. અરેન ભાગ્યે જ કોઈને રૂબરૂ મળવા ઇચ્છતો. કહેવાતી હાઈ સોસાયટીમાં શ્રાવણીએ ભળવાનું થાય એવા અવસરો અરેન બને ત્યાં સુધી ટાળતો રહેલો એટલે શ્રાવણીનું સર્કલ બન્યું નહોતું, પણ બાળકો સ્કૂલ જતાં થયા પછી મમ્મીઓનું ગ્રુપ બની જ જતું હોય છે અને નૅચરલી, ખુશી-અંશ અમીર વર્ગને પોસાય એવી સ્કૂલમાં ભણતાં હોય એટલે આમ જુઓ તો એ હાઈ સોસાયટીનું એક્સટેન્શન જ થયું.
આમાં મોહિની બોલ્ડ નીકળી. તેનો દીકરો અંશથી વર્ષ નાનો ને ખુશીથી વર્ષ મોટો. બાળકના જન્મના વરસેકમાં તે જોકે દિલ્હીના બિઝનેસમૅન પતિથી છૂટી થઈ મુંબઈ આવી ગઈ હતી. ના, આમ તો વાલકેશ્વરમાં તેના પિતાનો મહેલ જેવો આવાસ હતો જ પણ છૂટાછેડાની ઍલિમનીથી ચોપાટી ખાતે મૅન્શન ખરીદી શાનથી રહેતી. ગઈ ટર્મથી અંશ-ખુશીની સ્કૂલમાં તેણે દીકરાનો દાખલો કરાવ્યો હતો એટલે ક્વચિત હાઇ-હલો થઈ જતા.
આમાં હજી ત્રણેક માસ પહેલાં સ્કૂલના અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ એરિયામાં ભેગાં થઈ જતાં તે જાણે આવી જ કોઈ એકાંત મુલાકાતની રાહ જોતી હોય એમ નિકટ આવી દયા જતાવી બોલી ગઈ : અરેનની અક્ષમતા વિશે જાણી આઇ ડાઉટ કે તે હવે પુરુષ તરીકે કામનો રહ્યો હોય!
શ્રાવણી સહેજ ઝંખવાઈ એમાં પોતાના અનુમાનને પુષ્ટિ મળતી હોય એમ તેણે સહાનુભૂતિ પાઠવી: સૂની રાતો તને કેટલું ડંખતી હશે એ હું સમજી શકું છું...
‘એક્સક્યુઝ મી,’ કહી શ્રાવણી તેની કાર તરફ વળી તો મોહિનીએ હાથ પકડી રોકી, ‘પ્લીઝ, વાત અધૂરી છોડી નહીં જા. તું કદાચ જાણતી નહીં હો પણ બધું પાર ઊતર્યું હોત તો આજે તારી જગ્યાએ હું નિસાસા નાખતી હોત.’
હેં!
શ્રાવણીએ ત્યારે જાણ્યું કે અરેનને નશામાં ભોળવી હોટેલ લઈ જનારી યુવતી આ હતી, મોહિની!
‘હી વૉઝ સો રિજિડ.’ અરેને શ્રાવણીને પોતાના પાસ્ટ વિશે માહિતગાર કરી છે એ જાણી મોહિની ખૂલી, ‘તોય હું નિભાવી લેત, હી વૉઝ વેરી ગુડ ઇન બેડ યુ નો, પણ માનસિક રીતે એટલો જ પછાત. તેની સાથે એક રાત ગાળી એમાં તો જાણે પૃથ્વી રસાતાળ થતી હોય એવો ભડકેલો. અને જુઓ, તે જ હવે શૈયાસુખને કાબેલ ન રહ્યો! એવા સાથે હવે તું પણ કેટલુંક ટક્શે?’
‘એટલે?’ શ્રાવણીને સમજાયું નહીં, ‘પતિ યા પત્ની અક્ષમ બને એટલે સહજીવનનો ઓછો અંત આવી જાય છે?’
‘ઓહ, ફિર વહી આઇડિયોલૉજી!’ મોહિનીએ ખભા ઉલાળ્યા, ‘તારી ઉંમર શું છે, શ્રાવણી? આદર્શવાદના વાદે તું હજી વર્ષ ખેંચી શકીશ પણ પછી તારું આ મદભર્યું જોબન સૂની રાતોનો હિસાબ માગશે ત્યારે શું કરીશ?’
ત્યારે તો ‘ત્યારની વાત ત્યારે’ કહી શ્રાવણી છટકી પણ મોહિનીએ તંત મૂક્યો નહીં. તે શ્રાવણી સાથે એકલા પડવાની તક ઝડપી લેતી ને તેની ચર્ચા એક જ મુદ્દે ઘુમરાતી રહેતી: પતિ શારીરિક ક્ષમતા ગુમાવી બેસે ત્યારે પત્ની પોતાની તરસ બહાર સંતોષે એ પાપ ગણાતું નથી! બોલ, તું કહેતી હો તો એસ્કોર્ટની વ્યવસ્થા હું કરી આપું...
‘બસ, મોહિની બસ!’ એક તબક્કે શ્રાવણી અકળાઈ, ‘તું મારી સગી નથી, સંબંધી નથી તોય આટલી કન્સર્ન જતાવવા પાછળનો તારો ઇરાદો ન સમજાય એટલી નાસમજ સમજે છે મને?’ શ્રાવણીએ સંભળાવી દીધું : ‘ખરેખર તો મને લપસાવી તું અરેનને જતાવવા માગે છે કે જો, તારી બૈરી પણ મારા જેવી જ નીકળીને! પણ હું તારા જેટલી વહેશી નથી મોહિની કે છતા પતિએ પરપુરુષોને માણતી રહું ને પતિ રંગેહાથ પકડે તો લાજવાને બદલે ડિવૉર્સના બદલામાં ઍલિમની માગું!’
મોહિનીને કાપો તો લોહી ન નીકળે. શ્રાવણી પોતાની મનસા પામી ગઈ એ તો ઠીક, મારા ડિવૉર્સનું કારણ જાણી કોથળામાં પાંચ શેરીની જેમ ફટકાર્યું એ વધુ વસમું લાગ્યું.
‘પ્લીઝ મોહિની, મારાથી, અરેનથી દૂર રહેજે.’ શ્રાવણીના શબ્દોમાં વિનવણી ઓછી, ચેતવણી વધુ હતી.
અત્યારે પણ એ સાંભરી શ્રાવણીએ દમ ભીડ્યો: મોહિની તો ત્યારથી આડી ઊતરવાનું ભૂલી ગઈ છે. અરેનને મેં તેના વિશે કંઈ કહ્યું જ નથી. અરેન જોડે ખૂલીને વાત થાય એવું રહ્યું જ ક્યાં છે?
એમ તો ઘવાયેલી મોહિનીએ વેરની ગાંઠ વાળી અરેનને કયા વળાંકે લાવી મૂક્યો છે એની શ્રાવણીને ક્યાં ખબર હતી?
lll
હાઉ ડેર શી!
શ્રાવણીનાં વેણ મોહિનીને ખળભળાવી ગયેલાં. પોતાની બેમર્યાદ ભૂખ સોસાયટીમાં છૂપી નથી એટલે ડિવૉર્સ પાછળની ગાથા શ્રાવણી જાણી ગઈ એ તો ઠીક, પણ એથી પોતે જાણે બે બદામની રૂપજીવિની હોય એવો તુચ્છકાર દાખવી ગઈ એ વધુ ખટકતું હતું.
મૂળે ડંખીલી મોહિની વર્ષો અગાઉ અરેન માટે સિરિયસ હતી કેમ કે અરેન પૈસાપાત્ર હતો, મોસ્ટ હૅન્ડસમ હતો. જોકે ટિપિકલ હાઉસવાઇફ બની રહેવાનો અરેનનો આગ્રહ વધુપડતો લાગતો. પ્રેમની કબૂલાત પછીય સ્પર્શથી દૂર રહેતા અરેનને પલોટી પોતે તેને પથારીમાં બેસુમાર માણ્યો એની સાન આવતાં અરેને છેડો ફાડ્યો હતો. તરત તો પોતે પણ તેને ઓલ્ડ-ફૅશન્ડ કહી તુચ્છકારી નાખેલો પણ પોતાને રિજેક્ટ કરવામાં આવ્યાનો ઘા એમ ભુલાય એમ પણ નહોતો. આના કરતાં તો મેં અમારા સહશયનનો વિડિયો ઉતારી રાખ્યો હોત તો અરેન આખો ભવ મારા કાબૂમાં રહેત! પોતાની ચૂક પણ મોહિનીને ચચરતી રહેલી. અરેનના નકારે ઘાયલ થયેલું મન વેરના રસ્તે વળે એ પહેલાં ઘરે દિલ્હીના બિઝનેસમૅનનો પ્રસ્તાવ આવ્યો એમાં જૂનું બધું વિસારે પાડી મોહિની આગળ વધી ગયેલી.
આમાં શ્રાવણીને મળવાનું થયું ને અરેને આપેલો ઘા વળ ખાવા લાગ્યો. બિચારો અરેન મરદ તરીકે નામરદ બન્યાનું દુઃખ તો ઝેલતો જ હશે, એમાં તેની બૈરીને પરપુરુષગમન કરતી કરી અરેનના ઘા પર મીઠું ભભરાવવાની જ્યાફત માણું તો જૂનું વેર વસૂલાયું ગણાય!
મોહિનીના મનસૂબા પર શ્રાવણીએ પાણી રેડવા જેવું કર્યું એથી પણ તે છંછેડાઈ : નહીં, હવે તો શ્રાવણીના સંસારમાં આગ ન ચાંપું તો હું મોહિની નહીં!
બટ હાઉ?
શ્રાવણીનો સંસાર ભાંગવા શું થઈ શકે એનો ઝબકારો ખંડાલાના રિસૉર્ટમાં શેખરને માણતી વેળા થયો.
મોહિનીને એસ્કોર્ટ માણવાની નવાઈ નહોતી પણ બે વર્ષ અગાઉ સ્ટ્રિપ-શોમાં પહેલી વાર શેખરનો ઉઘાડ જોઈ હાંફી જવાયેલું. બીજા અઠવાડિયે તે તેની સાથે બેડમાં હતો. પછી તો તે તેનો ફેવરિટ બની ગયો હોય એમ મોહિની મોટા ભાગે તેને જ તેડાવતી. કસ્ટમરને સંતોષવાનો શેખરનો તો ધંધો હતો, પણ તેના બળકટ પૌરુષને ઝેલવાની ક્ષમતા બહુ ઓછી માનુનીમાં ભાળી હતી એટલે મોહિનીની દીવાનગી સામે તે પણ રંગમાં આવી જતો. અશ્લીલ વાક્યોથી મોહિનીને ઓર ઉશ્કેરતો.
ધારો કે આ શબ્દો મોહિનીને બદલે શ્રાવણીને સંબોધી બોલાય અને એ ઑડિયો-ક્લિપ અજાણ્યા નંબર પરથી અરેનને પહોંચાડી હોય તો!
લાગ્યું તો તીર જેવો તુક્કો ખરેખર તો ઍટમબૉમ્બ જેવો નીવડે એની મોહિનીને તો ખાતરી હતી.
શેખરને મોહિનીના મતલબ સાથે નિસબત નહોતી. મોહિનીને પ્લીઝ કરી બદલામાં ગ્રૅન્ડ પ્લેઝર મળતું હોય તો તેને મોહિનીના કહ્યા મુજબ કરતા રહેવામાં શું વાંધો હોય!
‘ઓ..હ... શ્રાવ..ણી..’ પુરુષનાં અશ્લીલ વાક્યો અને સ્ત્રીના ઊંહકારાની ઑડિયો-ક્લિપ સાંભળનારને વગર પિક્ચરે કામક્રીડા વર્તાઈ જાય એવું અફલાતૂન રેકૉર્ડિંગ થયું.
ના, રામબાણ હથિયારને એમ જ વાપરી ન નખાય. મોહિનીએ પહેલાં તો અનલિસ્ટેડ નંબરની વ્યવસ્થા કરી શ્રાવણી ઘર બહાર હોય ત્યારે શેખર પાસે અરેનને કૉલ કરાવ્યા. ઘા મર્મસ્થાને વાગ્યો હોય એમ અરેને પુરાવો માગ્યો અને ઑડિયો-ક્લિપ મોકલ્યા પછી હવે ગમે ત્યારે જ્વાળામુખી ફાટવો જોઈએ!
lll
‘મમ્મી, આપણે ગણેશજીની સ્થાપના કરીશુંને?’
રવિવારની સવારે ડાઇનિંગ ટેબલ પર દૂધ પીતા અંશે પૂછ્યું.
દર વર્ષે શ્રાવણી દોઢ દિવસના ગણપતિ બેસાડતી. ઘર શણગારવામાં આવતું. બાળકોને તો લડ્ડુ ઝાપટવાની મઝા આવતી.
‘અફકોર્સ!’ વ્હીલચૅર પર આવતા અરેને હાજરી પુરાવી. તેના બદલાયેલા સ્વભાવે છોકરાઓ પપ્પાથી થોડા આઘેરા જ રહેતા.
‘મેં ચર્ની રોડના વેપારીને મૂર્તિનો ઑર્ડર લખાવી દીધો છે. જુઓ, કેવી છે મૂર્તિ?’
બાળકો સાથે શ્રાવણી પણ મનમોહક મૂર્તિ નિહાળી રહી.
તીરછી નજરે પત્નીને જોતો અરેન મનમાં બોલ્યો : આ વખતે ખુદ વિઘ્નહર્તા દેવ તારા માટે કાળ બનીને આવવાના શ્રાવણી, એની તને કે કોઈને ક્યાં ખબર છે?
lll
‘ટેક ઇટ ઈઝી, સતીશ...’
બૅન્કમાંથી રૂપિયા વિધ્ડ્રૉ કરી સતીશ પાર્કિંગ તરફ વળે છે કે એક ગઠિયો તેના હાથમાંથી પાઉચ લઈ ચીલઝડપે હવામાં જાણે અદૃશ્ય થઈ જાય છે.
એ યાદે હજીયે ધ્રૂજી જતા સતીશનો જીવ શેઠની ઉદારતાએ હેઠો બેઠો.
‘પોલીસ-ફરિયાદમાં તારે હેરાનગતિ થશે ને લાખ રૂપિયામાં મારે કાંઈ હવેલી નથી બંધાઈ જવાની! ફર્ગેટ કે આવું કંઈક બન્યું છે!’ અરેને સિફતથી કેમિકલને સાઇડ ટ્રૅક કરી રોકડ પર જ ફોકસ રાખ્યું.
આખરે યોજનાનો પહેલો પડાવ પાર પડ્યો.
lll
વાઓ!
મંગળવારની બપોરે ચર્ની રોડ પર આવેલી મૂર્તિઓની દુકાનમાં લટાર મારતાં તેણે પોતાને જોઈતી મૂર્તિ ખોળી કાઢી : ઑર્ડર-નંબર ૫૫૮ની મૂર્તિ આ રહી...
બેત્રણ ફુટની જોતાં જ મોહી પડાય એવી બાપ્પાની મૂર્તિ હતી. બાજઠ પર બિરાજેલા બાપ્પા. માથે સાફો, લલાટે લાલ ત્રિપુંડ, ખભે પીળો ખેસ અને સોનેરી બૉર્ડરવાળું લીલું પીતાંબર.
ઑર્ડરના લેબલ નીચે તેમના હાથમાં લડ્ડુ જોઈ તેણે જાતને ટપારી: તું જે કામે આવ્યો છે એ પતાવને ભાઈ!
કામ બહુ સરળ છે. બાપ્પાની બાજઠના નીચલા હિસ્સામાં ખરેખર તો લાકડાનું નાનકડું ખાનું છે. CCTV કૅમેરાની નજર ચોરાવી મોરની ડિઝાઇનવાળા ડટ્ટાથી શોભતું ખાનું ખોલી ભૂરું બૉક્સ મૂકતાં તેને વાર ન લાગી.
કોઈ બાપ્પા માટેની મીઠાઈ આ રીતે કેમ મોકલાવતું હશે? આ ૫૫૮ નંબરનો ઑર્ડર કોણે પ્લેસ કર્યો હશે?
સવાલો ઘણા હોય, પણ જવાબની તસ્દી લેવાની અમારા ધંધામાં પરવડે નહીં એ પાઠ મનમાં જ ઘૂંટી તે ચુપકેથી સરકી ગયો.
ફાઇનલી, સતીશ પાસેથી ચોરાયેલું સાઇનાઇડ અરેનના ઘરે જનારી મૂર્તિ સુધી પહોંચી ચૂક્યું હતું.
(ક્રમશઃ)


