પરમ દિવસે મારો બર્થ-ડે ગયો એનું વિશ પણ તમે મને નથી કર્યું! હું તમને એટલી અળખામણી થઈ ગઈ?
ઇલસ્ટ્રેશન
દિલ દીવાના...
દૂર ક્યાંક ગુંજતા લતાના ચિરંજીવ કંઠે તેના હોઠ સ્મિતમાં વંકાયા : આ તો અનિરુદ્ધનું પ્રિય ગીત! અમારા ગોળધાણા ખવાયા પછી તેમણે મને ‘આઇ લવ યુ’નું પહેલવહેલું કાર્ડ ગિફ્ટ કર્યું એમાં એવી કરામત હતી કે કાર્ડનાં ફોલ્ડ ખોલો એટલે રેડ રોઝ ખીલવાની સાથે આ ગીત પણ ગુંજે!
ADVERTISEMENT
રોમૅન્સ જતાવવાના આવા ઇનોવેટિવ આઇડિયાઝ અનિને જ સૂઝે. મને આજેય યાદ છે : અમારા વેવિશાળના ચોથા દિવસે મારી વર્ષગાંઠ હતી. મમ્મી પાસેથી તેમણે જાણી રાખેલું કે જન્મદિને ઊઠીને હું સૌથી પહેલાં સિદ્ધિવિનાયકનાં દર્શને જતી હોઉં છું. એ દિવસે મંદિરના પરિસરમાં પગ મૂકતાં જ ચમકી જવાયું. સવારના સાડાપાંચના સુમારે જનાબ ઢોલીડા સાથે પ્રાંગણમાં હાજરાહજૂર. હું સંકોચ છોડી તેમને વળગી પડી, છાતીમાં હળવી મૂઠી વીંઝી : લુચ્ચા. અહીં હું રાત્રે બારનો કાંટો ફર્યો ત્યારની સોસવાયા કરું કે તમારાથી બર્થ-ડે વિશનો એક ફોન નથી થતો. બાપ્પાનાં દર્શન કરી તમારી સાથે ખૂબ ઝઘડવાની હતી...
‘અને હવે?’ તેમણે મુસ્કુરાતાં કાનમાં પૂછ્યું. ઢોલના અવાજમાં કાં તો આમ ગણગણવું કે ઊંચા અવાજમાં બોલવું પડે.
‘હવે બહુ બધો પ્યાર કરીશ. આઇ લવ યુ!’ હું સહેજ લજાઈ.
‘શું કહ્યું?’ જાણે સંભળાતું ન હોય એમ અનિએ પૂછ્યું.
‘આઇ લવ યુ!’ હું જોરથી બોલી.
અને રાતી-રાતી થઈ ગઈ. અનિના ઇશારે ઢોલ બંધ થઈ ચૂકેલા એનો બોલ્યા પછી ખ્યાલ આવ્યો. અમારા વડીલો હળવું હસી લઈ આગળ વધી ગયા. ઢોલીડા મૂછમાં હસતા હતા. મરક-મરક થતા અનિરુદ્ધની છાતી પર વળી મુક્કો વીંઝી મેં (બનાવટી) રોષ દાખવ્યો : બહુ જબરા.
‘જેવો છું એવો તારો છું, તારો થઈને રહેવા માગું છું.’ ઘૂંટણિયે ગોઠવાઈ અનિ મારો હાથ તેના હાથમાં લઈ ચૂક્યો. ‘પ્રણયનો એકરાર મેં અને તેં બાપ્પાની સાક્ષીએ કર્યો છે એ યાદ રાખજે.’
- અને આજે લગ્નનાં બાર વર્ષે પણ સિદ્ધિવિનાયકના મંદિરની એ ફરતી ધજાને નમન કરવાનું બને ત્યારે આ પળો માનસપટ પર સજીવન થઈ જતી હોય છે અનિરુદ્ધ. અને આવી તો કેટલીયે યાદો છે!
ઊંડો શ્વાસ લઈને અનન્યાએ વાગોળ્યું.
શિમલાના હનીમૂનનાં તમારાં તોફાનો સાંભરી આજેય લાલ-લાલ થઈ જાઉં છું. અરે, લગ્નના ત્રીજા વર્ષે તથ્ય અને ચોથા વર્ષે નવ્યા જન્મી ત્યારે પણ તમે એવા જ નટખટ, લાગણીથી છલોછલ હતા. બહુ ગુરુરથી હું મારી માને કહેતી કે તારી દીકરીને સાસરે સુખની, સ્નેહની કોઈ કમી નથી.
ખરેખર?
ભીતર જાણે ભાલો ભોંકાયો હોય એમ આ સવાલે અનન્યા વિચારવમળમાંથી ઝબકી ગઈ: યાદોથી ઊંચા ફરિયાદોના ઢગલા પર ઊભી હું આજે એવું ખુમારીભેર કહી શકું ખરી?
ફરિયાદો. પાર વિનાની ફરિયાદો.
સવારે ઊઠતાં જ તમારા બિઝનેસ કૉલ્સ ચાલુ થઈ જાય અનિરુદ્ધ, ત્યાંથી રાત્રે તમે લૅપટૉપ બંધ કરી પથારીમાં પડતું મૂકો એ દિનચર્યાની પ્રત્યેક પળ માટે મને ફરિયાદ છે અનિ, કેમ કે તમારી એ પળોમાં હું ક્યાંય નથી, આપણે બે છીએ. આપણાં એક હોવાની એક ક્ષણ ક્યાંય નથી.
વર્તમાનની કડવી ફરિયાદોથી દૂર ભાગવું હોય એમ અનન્યા ગમતો ગતખંડ વાગોળી રહી :
‘મમ્મી, હજી તો મારી કૉલેજ હમણાં પતી, ત્યાં મને ઘરમાંથી હાંકી કાઢવી હોય એમ લગ્નની વાતે મંડી પડી છે.’
અનન્યાના છણકામાં તથ્ય હતું. સ્નેહલતાબહેન જુનવાણી નહોતાં, પણ યૌવનમાં આવેલી દીકરીને વરણાગીની પાંખ ફૂટે એ પહેલાં સારું પાત્ર જોઈ પરણાવી દેવાની સાવધાની તેમને હતી. પરિણામે તે પોતાની રીતે મુરતિયા તરાશતાં ને એમાં જ અનિરુદ્ધનું કહેણ આવતાં તે હરખાયાં :
‘મારું માનો તો આ છોકરો જવા દેવા જેવો નથી. હજી ચોવીસ જ વર્ષનો છે. એન્જિનિયર થઈ તેના પપ્પાની ફૅક્ટરીએ બેઠો છે. દેખાવડો તો એવો કે જાણે પરીકથાનો કોઈ રાજકુમાર! આમે તું અમારી રાજકુંવરીથી કમ થોડી છે?’
આ રીતે એકની એક દીકરીનાં રૂપરંગ-ગુણને પોંખી તેમણે વજન મૂક્યું,
‘અનિરુદ્ધનાં દાદા-દાદી પણ આપણા જ ગામનાં એની તારા પપ્પાને તો જાણ છે. ગામમાં આજે પણ દિવેટિયા કુટુંબનો મોભો મરતબો છે. અહીં મુંબઈના ગુજરાતી સમાજમાં સુબોધભાઈએ પણ એવી જ શાખ જમાવી છે. ગોરેગામમાં તેમની કેમિકલની ફૅક્ટરી છે. અંધેરીમાં ચાર બેડરૂમનો તેમનો લક્ઝુરિયસ ફ્લૅટ છે. છોકરાના સંસ્કારમાં કહેવાપણું નથી. ઈશ્વરની કૃપા વિના આવું સુખ સામેથી આવે નહીં, દીકરી.’
આ વખતે મા નહીં જ માને એમ લાગતાં અનન્યાએ થોડી ઢીલ મૂકી,
‘ઠીક છે મા, હું તેને મળીને ના પાડી દઈશ, ખુશ?’
નરોત્તમભાઈ હસી પડ્યા, પણ આ વેળા સ્નેહલતાબહેન પતિ કે દીકરી પ્રત્યે કતરાયાં નહીં : તું તેને મળ તો ખરી, પછીનું પછી જોઈશું.
એ દિવસ પણ આવી પહોંચ્યો. પતિને મદદમાં લઈ સ્નેહલતાબહેને ઘર ચોખ્ખુંચણક કરી દીધેલું : આપણી આર્થિક પહોંચ ભલે તેમના જેટલી ન હોય પણ ઘર સુઘડ તો લાગવું જોઈએ.
દીકરીને રસોડે ઘાલી તેમણે ધરાર નાસ્તા તેની પાસે જ બનાવડાવ્યા. અનન્યાના મસાલા સારા, પણ કિચનમાં પગ કોણ મૂકે! આજે જોકે બોલી-બબડીનેય કરવું પડ્યું. માએ કાઢેલાં ઘાઘરો-ચોળી પહેરતાં પણ અનન્યા ધૂંધવાતી રહેલી. જોકે મહેમાનોના આગમનની છડી પોકારતી ડોરબેલ રણકી કે હૈયું જરા જોરથી ધડકી ગયું.
‘આવો આવો.’ પપ્પા-મમ્મીનો ભાવભીનો આવકાર, બેઠકમાં મહેમાનોની ગોઠવણી... કિચનની દીવાલ આડેથી ડોકિયું કરી બધું નિહાળતી અનન્યાએ મુરતિયાને જોઈ હોઠ કરડ્યો. અનિરુદ્ધ પણ જાણે કોઈને ખોજતો હોય એમ આમતેમ નજર ફેરવે છે ને સીધી નજર અનન્યા સાથે ટકરાતાં ઝાટકાભેર મોં ખેંચી તે રસોડાની દીવાલ સરસી થઈ ગઈ.
પછી પુરાણી હિન્દી ફિલ્મોમાં બનતું એમ જ મા ચા-નાસ્તાની ટ્રે સાથે દીકરીને દીવાનખંડમાં દોરી ગઈ.
અનિરુદ્ધના પિતા સુબોધભાઈ ખુશમિજાજ અને માતા વીરબાળાબહેન મળતાવડાં લાગ્યાં. અહીંતહીંની વાતોમાં અનન્યા ખપ પૂરતા ટૂંકા જવાબો આપતી રહી. નાસ્તો આરોગતો અનિરુદ્ધ પોતાને નીરખી આંખના ખૂણે મલકી લે છે ત્યારે ખરેખર ઇર્રેસિસ્ટેબલ દેખાય છે.
‘ભાખરવડી ખરેખર સરસ બની છે આન્ટી.’ અનિએ કહેતાં સ્નેહલતાબહેન ખીલ્યાં, ‘મારી અનન્યાએ બનાવી છે. રસોઈનો તેને ખૂબ શોખ. ઇટાલિયન-મૅક્સિકન બધું જ બનાવે ને આપણે આમ આંગળાં ચાટતાં રહી જઈએ એવું બનાવે હોં. તેના પપ્પાએ તો કહ્યું પણ ખરું કે અમારા બોરીવલીમાં દત્તાભાઉના સમોસા ફેમસ છે એ લઈ આવીએ, પણ અનન્યા કહે, નાસ્તો બનાવતાં કેટલી વાર! છોકરીમાં કરકસરનો ગુણ પણ હોવો જોઈએને, શું કહો છો વીરુબહેન?’
માના મોનોલૉગ દરમિયાન અનન્યા પિતા સામે કતરાતી રહી : આને જરા ધીમી પાડો!
એ જોઈને અનિરુદ્ધ મૂછમાં મલકતો લાગ્યો એટલે સાવધ થઈ અનન્યાએ નજર ઢાળી દીધી.
છેવટે ‘વડીલોની વાતમાં છોકરાઓનું શું કામ?’નો મલાવો કરી જુવાનિયાઓને રૂમમાં ધકેલાયાં.
એવો જ મન પરથી ભાર હટ્યો હોય એમ અનન્યા ધબ દઈને ખુરશી પર બેસી પડી. પછી અનિની ખબર લેવાનું ધ્યાનમાં આવ્યું, ‘તમને ક્યારના દાંત કેમ આવતા હતા, મિસ્ટર?’
‘જી?’ સામે ગોઠવાતો અનિરુદ્ધ જરા મૂંઝાયો, ‘દાંત તો મને નાનપણથી જ છે. પૂરી બત્રીસી આ જુઓ.’
‘ઓહો. પાછા બત્રીસી દેખાડો છો. આટલું ગુજરાતી નથી સમજતા? હું પૂછતી’તી કે આપસાહેબને આમ હસવું શાનું આવતું હતું?’
‘કેમ, હું હસતો હોઉં ત્યારે નથી સારો લાગતો?’
તેણે એવી ઢબે પૂછ્યું કે અનન્યાનું હૈયું ધકધક બોલી રહ્યું. પોતાના જ હૈયા પર એવી તો દાઝ ચડી.
‘ઍની વે, પિસ્તા રંગનાં આ ઘાઘરાચોળી તમને શોભે છે.’
‘એ તો મમ્મીએ પરાણે પહેરાવ્યાં છે.’
‘સારું થયું પહેરાવ્યાં. બાકી તમે એમ જ આવ્યાં હોત તો હું તો શરમાઈ જાત.’
‘એઈ મિસ્ટર! તમે મારી મશ્કરી કરો છો?’
‘હોતું હશે? કસમથી હું શરમાઈ જાત. તમારે ખાતરી કરવો હોય તો કપડાં...’
અનિરુદ્ધ એવા ભોળા ભાવે બોલતો હતો કે ઇચ્છવા છતાં ગુસ્સે ન થવાયું.
‘જબરા મોંફાટ છો. એમ કંઈ શરમાઓ એવા લાગતા નથી.’
‘અરે! ચલો, તમારું છોડો, મારે તમારી આગળ આમ કપડાં ઉતારવાનાં થાય તો હું સો ટકા શરમાઉં!’ તેણે ચપટી વગાડી, ‘બોલો, ખાતરી કરવી છે?’
‘જુઓ, મને આ...મ પડકાર ન ફેંકશો. હું ખરેખર હા પાડી દઈશ.’
‘મને તમારી ‘હા’ જ તો ખપે છે.’
એ એક વાક્ય, એમાં પ્રણયનો લસરકો. પછી તો ઇનકારની ગુંજાઈશ જ ક્યાં રહી?
વેવિશાળ થતાં સુધીમાં તો બે હૈયાં પ્રણયમાં તરબતર હતાં. અરે, તથ્ય-નવ્યાના જન્મ બાદ પણ અમે પતિ-પત્ની હનીમૂનના કેફમાં રહેતાં.
આવામાં વીરબાળામમ્મી હૃદરરોગમાં અણધાર્યાં ઊકલી ગયાં. અનિરુદ્ધને ત્યારે નાના બાળકની જેમ મારે સાચવવા, સંભાળવા પડેલા. પરંતુ પાંચ વર્ષ અગાઉ સુબોધપપ્પાનું પણ કાર્ડિઍક ફેલ્યરને કારણે અચાનક અવસાન થતાં અનિરુદ્ધના સ્વભાવમાંથી એ રમિયાળપણું, એ નફિકરાઈ, એ મોજમસ્તી જ જતી રહી.
સમય સાથે ઘરના પુરુષે પીઢ થવું પડે કબૂલ, પણ એની પાસે પત્નીને પંપાળવા-પસવારવાની એક ક્ષણ તો હોવી જોઈએને?
પપ્પાજીના દેહાંત બાદ તો જાણે પોતે મુકેશ અંબાણીને ઓવરટેક કરવા હોય એમ અનિરુદ્ધ વેપારમાં જ રચ્યાપચ્યા રહે છે. મુંબઈમાં હોય તો પણ મારે તો તે દિલ્હી-લંડન ગયા જેવું જ.
બહુ શરૂ-શરૂમાં એકાદ વાર મેં અકળાઈને કહેલું, તમે મારા માટે ટાઇમ ન કાઢો, પણ છોકરાઓની પેરન્ટ્સ મીટિંગમાં તો આવો.
‘ઘર-છોકરા મેં તને સોંપ્યાં અનન્યા, મને આ વિશે ફરી કહેતી નહીં.’
બાપ રે! એવા તોરમાં તેમણે કહ્યું કે ફરી તેમને યાદ અપાવવાની હિંમત પણ ન થઈ. અને અનિએ કેવળ કહ્યું જ નહીં, ત્યાર પછીનાં આ પાંચ વર્ષો અનિરુદ્ધે તેમની સ્કૂલમાં પગ મૂક્યો હોય એવું બન્યું નથી! પણ હા, અઠવાડિયામાં રજાના દિવસે ફુરસદનો અવકાશ હોય તો તેમને લૉન્ગ ડ્રાઇવ પર લઈ જશે, ચોપાટી કે ગાર્ડનમાં લઈ જઈ ધિંગામસ્તી કરી તેમણે બાળકો સાથે તો સ્નેહનો તંતુ જીવંત રાખ્યો છે, પણ મારી સાથે? મારા ભાગે તો તમારી વ્યસ્તતા અને છણકા-ખીજ જ રહ્યાં! બોલો તો અનિ, છેલ્લે આપણે સ્પર્શસુખ માણ્યાને કેટલા મહિનાઓ થઈ ગયા? અરે, પરમ દિવસે મારો બર્થ-ડે ગયો એનું વિશ પણ તમે મને હજી સુધી નથી કર્યું! હું તમને એટલી અળખામણી થઈ ગઈ?
અનન્યાની આંખોમાં પાણી ભરાયાં.
ઊલટું વેપારનું ભારણ લઈને ફરતા પુરુષને રિલૅક્સ થવા માટે પણ સ્ત્રીનું અવલંબન ખપતું હોય છે. તમે તો એ બહાનેય મને પડખે નથી લેતા. આવું ક્યારે બને, અનિ?
- પુરુષ તેની ક્ષુધા બહાર સંતોષી લેતો હોય ત્યારે!
શેઠ-સેક્રેટરીનાં કંઈ ઓછાં લફરાં છાપે ચડ્યાં છે! અનિની સેક્રેટરી નૅન્સી ભલે પરણેલી છે, તોય જુવાન છે. બેઉ વચ્ચે છાનગપતિયાં હોય પણ ખરાં. એમ તો તેની ફાઇનૅન્સ હેડ અમૃતા પણ ફૂટડી છે. પાછી ડિવૉર્સી છે. કે પછી સ્ટોર્સ સંભાળતી દિવ્યા? તે મારા જેટલી છે ને હજી પરણીયે નથી. મે બી, ઑફિસના સ્ટાફ સાથેના આડા સંબંધની ગૉસિપ પ્રસર્યા વિના ન રહે ને એ ઘર સુધી પહોંચે એનું જોખમ ટાળવા ઑફિસના સર્કલ બહારની કોઈ માનુની પણ મારી ‘વો’ બનીને બેઠી હોય!
અનિના બદલાવે પાછલા થોડા મહિનાથી ટિકટિક થવા લાગેલી આશંકા અનિ બર્થ-ડે ભૂલ્યા પછી ખાતરીમાં ફેરવાઈ હોય એમ અત્યારે પણ અનન્યાનું દિમાગ ધમધમ થવા માંડ્યું.
પરણેલો પુરુષ જો લફરું કરી શકતો હોય તો પરણેલી સ્ત્રી કેમ નહીં?
વાંસની જેમ ફૂટી નીકળેલા વિચારે અનન્યાને કંપાવી દીધી!
(વધુ આવતી કાલે)

