Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > With Warm Wishes આ ભેટ જીવલેણ છે (પ્રકરણ ૨)

With Warm Wishes આ ભેટ જીવલેણ છે (પ્રકરણ ૨)

Published : 17 March, 2026 01:31 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

નકારમાં માથું ધુણાવીને સોમચંદ રૂમની બહાર નીકળ્યા. તેમને સમજાઈ ગયું હતું કે કોઈએ તેની પાસે સુરત છોડાવ્યું હતું. ઉતાવળમાં તે એટલું પણ સમજી શક્યા નહોતા કે મૅરેજનું આલબમ સામાન્ય રીતે એકાદ મહિને તૈયાર થતું હોય અને એ ઉતાવળમાં...

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘શું લાગે છે સોમચંદ?’

પીઠ પાછળથી અવાજ આવતાં જ સોમચંદે પાછળ જોયું.



પાછળ ઇન્સ્પેક્ટર સાવંત


ઊભા હતા.

‘હંમ...’


ઊભા થતી વખતે સોમચંદે સિફતપૂર્વ હાથમાં લીધેલો પેલો પીળો કાગળનો ટુકડો સાવંત જુએ નહીં એ રીતે પોતાના પૅન્ટના ખિસ્સામાં મૂકી દીધો હતો.

‘સાવંત, ફ્લૅટમાં જે બ્લાસ્ટ થયો એમાં વપરાયેલો દારૂગોળો કોઈ પ્રોફેશનલ બૉમ્બમેકરનો નથી.’ આજુબાજુમાં નજર કરતાં સોમચંદે કહ્યું. ‘આ કામ જેણે કર્યું છે તે ચોકસાઈનો આગ્રહી છે. જો, દીવાલ પરના કાળા ડાઘ... એ ચોક્કસ પૅટર્નમાં છે.’

સાવંતે દીવાલ તરફ જોયું.

દીવાલની બરાબર મધ્યમાં એક કાણું પડ્યું હતું અને એની આજુબાજુમાં ઝીણી તિરાડો હતી.

‘સાવંત, બનાવનારો જો પ્રોફેશનલ હોત અને અગાઉ આવું કામ કરી ચૂક્યો હોત તો તેણે આ બ્લાસ્ટમાં ખિલ્લીઓ ભરી હોત, જેથી કામ તો થાય જ પણ એની સાથોસાથ એની ભયાનકતા પણ દેખાય. પણ તેણે એવું નથી કર્યું.’ સોમચંદે નિસાસો નાખતાં કહ્યું, ‘બને કે આ કામ કરનારો ધમકાવવા માગતો હતો પણ તેને આઇડિયા નહોતો કે કેટલી માત્રામાં ફૉસ્ફરસ ભરવાથી સામેવાળાને ઈજા થાય એટલે તેણે વધારે માત્રામાં એ ભરી દીધો અને અહીં બે લોકોના જીવ ગયા.’

‘તમે જે થિયરી પર વાત કરો છો એ જ દિશામાં અમારી ઇન્ક્વાયરી પણ આગળ વધે છે.’ સાવંતે જવાબ આપ્યો, ‘અને બધી શંકા સુરતની છોકરી એટલે કે કાર્તિકની પત્ની પ્રીતિ પર જાય છે.’

‘પ્રીતિ પર? કેમ...’ સોમચંદની ભ્રમરો ખેંચાઈ, ‘એ તો ઇન્ક્વાયરી તમે કરી લીધી અને તેના બૉયફ્રેન્ડને તમે ક્લીન ચિટ પણ આપી દીધી.’

‘હા પણ એ બૉયફ્રેન્ડ સિવાયનું એક લફરું નીકળ્યું છે.’ સાવંતે સહેજ માથું ખંજવાળ્યું, ‘આ જેન-ઝી કેટલા બૉયફ્રેન્ડ્સ રાખતી હશે એ પણ સાલ્લું સમજાતું નથી.’

‘આપણો ટૉપિક પ્રીતિ છે, જેન-ઝી પર આપણે પછી વાત કરશું.’

‘અરે હા...’ ઇન્સ્પેક્ટર સાવંત ફરી મૂળ વાત પર આવ્યા, ‘પ્રીતિને સુરતના નિમેશ નામના એક છોકરા સાથે રિલેશનશિપ હતી. આ નિમેશ સુરતમાં ડાયમન્ડ ફૅક્ટરીમાં કામ કરે છે અને ડાયમન્ડ પૉલિશિંગમાં વપરાતાં કેમિકલ્સમાં તેની માસ્ટરી છે. મૅરેજના બે દિવસ પહેલાં જ નિમેશે કાર્તિકને ફોન કરીને ધમકી આપી હતી અને કહ્યું હતું કે તે આ મૅરેજ કરીને બહુ પસ્તાશે.’

સોમચંદે કંઈક વિચાર્યું અને પછી પૂછ્યું, ‘સુનીતાબહેન ક્યાં છે?’

‘તે હૉસ્પિટલમાં જ છે. હજી શૉકમાંથી બહાર નથી આવ્યાં.’

‘નૅચરલી... ચાલ આપણે તેને મળીએ.’

lll

‘આઇ ઍમ સૉરી મારે તમને આ સમયે પૂછવા આવવું પડ્યું પણ જાણવું જરૂરી છે એટલે આવ્યો છું.’ સોમચંદ સુનીતાબહેન સામે બેઠા હતા અને સુનીતાબહેનનું ધ્યાન છત તરફ હતું, ‘પ્રીતિ અને કાર્તિકનાં મૅરેજમાં કોઈ અજાણ્યું કે શંકાસ્પદ આવ્યું હતું?’

‘પ્રીતિ બહુ ડાહી છે...’ સુનીતાબહેનની આંખમાં આંસુ આવી ગયાં, ‘તેના પર શક કરી હવે તેનું જીવન બરબાદ નહીં કરતા. મારો દીકરો તો ગયો. હવે શું કરવાનું?’

‘હા, પણ બહેન તમે ભૂલો છો, તમારા દીકરાને મારનારો હજી બહાર આઝાદ ફરે છે. તમારા દીકરાને ન્યાય મળે એ માટે પણ ઇન્ક્વાયરી કરવી પડશેને?’

સોમચંદે પ્રશ્ન દોહરાવ્યો અને થોડી સેકન્ડમાં સુનીતાબહેનની આંખ સામે આખું આખું રિસેપ્શન આવી ગયું.

‘હા... કોઈ એક અજાણ્યો હોય એવો માણસ આવ્યો હતો. તેણે મોઢા પર માસ્ક પહેર્યો હતો કાર્તિકને સાઇડ પર લઈ જઈને ખાસ્સી વાત કરી હતી. અમને લાગ્યું કે કાર્તિકનો કોઈ ઑફિસનો મિત્ર હશે.’

‘ફ્રેન્ડ માસ્ક શું કામ પહેરીને આવે?’

‘અત્યારે ડબલ સીઝન છે તો અમને થયું કે ફ્લુનું ઇન્ફેક્શન કાર્તિકને ન લાગે એવા હેતુથી તેણે માસ્ક પહેર્યો હશે...’

‘હંમ... ઠીક છે.’

સોમચંદે ઊભા થઈને સુનીતાબહેન સામે બે હાથ જોડ્યા અને અડધા કલાકમાં તે ઇન્સ્પેક્ટર સાવંત સાથે સુરત જવા માટે

નીકળી ગયા.

lll

સુરતના વરાછા વિસ્તારમાં નિમેશનું ઘર હતું. સોમચંદ અને સાવંત જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે નિમેશ ઘરમાં નહોતો. પડોશીઓ પાસેથી તેમને જાણવા મળ્યું કે નિમેશ ત્રણ દિવસથી ઘરે નથી આવ્યો.

‘સાહેબ, કદાચ એ છોકરો અમરેલી ગયો હશે. મૂળ અમરેલીનો છે એટલે...’ મકાનમાલિકે વધુ માહિતી આપી, ‘બેત્રણ મહિને એકાદ વાર તે અમરેલી જાય છે.’

‘ઠીક છે.’ સોમચંદે બંધ ઘર તરફ ઇશારો કરતાં કહ્યું, ‘અમારે ઘરની તલાશી લેવી છે... ઘર ખોલો.’

મકાનમાલિક આનાકાની કરે એ પહેલાં સોમચંદે પોતાના ખિસ્સામાં રહેલું મુંબઈ પોલીસનું આઇ-કાર્ડ દેખાડી દીધું અને સાવંત શૉક્ડ થઈ ગયો.

‘તમે હજી પણ

આ નકલી આઇ-કાર્ડ રાખો છો?’

જવાબ આપવાને બદલે સોમચંદે ખૂલેલા દરવાજા તરફ ઈશારો કર્યો અને નિમેશના ઘર તરફ પગ ઉપાડ્યા.

lll

આખું ઘર આમ તો નૉર્મલ, બૅચલરના ઘર જેવું જ હતું. મોટા ભાગનો સામાન વેરવિખેર હતો પણ નિમેશના રૂમની હાલત વધારે ખરાબ હતી.

રૂમના એક ખૂણામાં બળતરા પેદા કરે એવી જ્વલનશીલ ઍસિડની બૉટલો પડી હતી તો કૉર્નરમાં પડેલા ટેબલ પર કાર્તિક અને પ્રીતિનો ફોટો હતો. આ ફોટો પર લાલ પેનથી ચોકડી મારેલી હતી. ફોટો અને એના પર મારેલી ચોકડી કોઈ પણ સામાન્ય માણસને ખાતરી અપાવવા માટે પૂરતા હતા કે આ બ્લાસ્ટ નિમેશે જ કરાવ્યો છે.

‘થઈ ગઈ ખાતરી? હવે આવ્યોને વિશ્વાસ?’ આખા રસ્તે પ્રીતિનો પક્ષ લઈને બોલતા સોમચંદની સામે જોઈને સાવંતે કહ્યું, ‘આ કામ નિમેશનું જ છે.’

‘જે માણસ આ કામ કરી શકે એ માણસ પોતાના ઘરમાં આ બધું આમ જ મૂકીને ક્યાંય જાય નહીં સાવંત...’

સોમચંદે નિમેશના રૂમમાં રહેલું ડસ્ટબિન હાથમાં લીધું અને એમાં જોવાનું શરૂ કર્યું. ડસ્ટબિનમાં એક ચિઠ્ઠી હતી, જેના ત્રણ ટુકડા કરવામાં આવ્યા હતા પણ ડસ્ટબિનમાં બે જ ટુકડા હતા. સોમચંદે એ બન્ને ટુકડા હાથમાં લીધા અને બાજુ-બાજુમાં ગોઠવી એમાં લખેલું લખાણ વાંચવાની કોશિશ કરી.

‘જો તારે પ્રીતિને બચાવવી હોય તો મુંબઈથી દૂર રહેજે નહીંતર પરિણામ ભયાનક આવશે.’

વચ્ચે ખૂટતા શબ્દો જાતે ઉમેરીને સોમચંદે આખું વાક્ય પૂરું કર્યુ અને તરત ઇન્સ્પેક્ટર સાવંતની સામે જોયું.

‘સાવંત, નિમેશે બ્લાસ્ટ નથી કરાવ્યો, નિમેશ નિર્દોષ છે.’ સોમચંદના અવાજમાં આત્મવિશ્વાસ હતો, ‘નિમેશ પોતે ડરેલો છે. કોઈ તેને બ્લૅકમેલ કરે છે. આ રૂમમાં આપણે જે કંઈ જોઈએ છીએ એ પણ પ્લાન્ટ કરવામાં આવ્યું છે.’

‘એવું કરવાનું કારણ શું?’

‘સિમ્પલ...’ સોમચંદે તરત જ કહ્યું, ‘બ્લાસ્ટ કરાવનારો ઇચ્છે છે કે આપણી શંકા નિમેશ પર જ અટકેલી રહે.’

lll

એ મોડી રાત સુધી સોમચંદ અને સાવંતે નિમેશના આખા ઘરની તલાશી લીધી. ઘરમાંથી અનેક પ્રકારના જ્વલનશીલ પદાર્થો મળ્યા પણ એ બધા પદાર્થોનો ઉપયોગ મોટા ભાગે ડાયમન્ડ ફૅક્ટરીઓમાં કરવામાં આવતો હોય છે અને એટલે જ સોમચંદ એ વાત પર અડગ રહ્યા કે આપણે નિમેશ પર શંકા ન કરવી જોઈએ.

‘તે કોનાથી ડરતો હોઈ શકે?’

‘એ તો આપણે તપાસ કરવાની છે.’

બરાબર એ જ સમયે સોમચંદના મોબાઇલમાં મેસેજ આવ્યો.

‘મિસ્ટર સોમચંદ, તમને સત્ય મહેતા કપલના આલબમમાંથી મળશે. એક વાર મુંબઈ જઈને મૅરેજનાં આલબમ ચેક કરો.’

‘હવે તારે શું કરવું છે?’ મેસેજ વાંચીને તરત સોમચંદે સાવંત સામે જોયું, ‘નીકળવું છે કે પછી...’

‘હું તો રોકાવાનું કહું છું. એ બહાને એક દિવસ આરામ થઈ જશે.’

‘રાઇટ...’ સોમચંદે ઘડિયાળમાં જોયું, ‘મને અત્યારે અગિયાર વાગ્યાની ટ્રેન મળી જશે. હું નીકળું છું.’

lll

વહેલી સવારે ચાર વાગ્યે બોરીવલી ઊતર્યા પછી ડિટેક્ટિવ સોમચંદ સીધા હૉસ્પિટલ સુનીતાબહેનની રૂમમાં પહોંચ્યા. જોકે તેમને ઊંઘની દવા આપી હોવાથી તે જાગે એવી સંભાવના નહીંવત્ હતી, પણ હર્ષદભાઈ જાગતા હતા.

‘મને કાર્તિકના મૅરેજનું આલબમ જોઈએ છે અર્જન્ટ...’ સોમચંદે પૂછી પણ લીધું, ‘એ ઘરમાં ક્યાં રાખ્યું છે?’

‘સાહેબ, હજી આલબમ આવ્યું જ નથી.’

હર્ષદભાઈએ જવાબ આપ્યો અને સોમચંદનું ફ્રસ્ટ્રેશન બહાર આવી ગયું. તેણે દીવાલ પર મુક્કો માર્યો.

‘કેમ શું થયું?’

નકારમાં માથું ધુણાવીને સોમચંદ રૂમની બહાર નીકળ્યા. તેમને સમજાઈ ગયું હતું કે કોઈએ તેની પાસે સુરત છોડાવ્યું હતું. ઉતાવળમાં તે એટલું પણ સમજી શક્યા નહોતા કે મૅરેજનું આલબમ સામાન્ય રીતે એકાદ મહિને તૈયાર થતું હોય અને એ ઉતાવળમાં...

‘ના... નહીં...’

હૉસ્પિટલના દરવાજે પહોંચેલા સોમચંદ વીજળીવેગે ફરી હર્ષદ મહેતાની રૂમ તરફ ભાગ્યા.

‘મને... મને...’ દોડીને ચોથા ફ્લોર પર આવેલા સોમચંદનો શ્વાસ છાતીમાં ભરાયો હતો, ‘મને તમારાં મૅરેજનું આલબમ જોઈએ છે.’

‘અમારાં મૅરેજનું?’ હર્ષદ મહેતાના ચહેરા પર અચરજ હતું, ‘એનું અત્યારે તમને શું કામ પડ્યું?’

‘ધૅટ્સ નન ઑફ યૉર બિઝનેસ. આલબમ ક્યાં છે એ કહો.’

‘ઘરે... મારા બેડરૂમમાં જે કબાટ છે એમાં...’

સોમચંદ સીધા બહાર તરફ ભાગ્યા. કબાટની ચાવી ક્યાં પડી છે એ જાણવાની પણ તેમણે તસ્દી નહોતી લીધી.

lll

કબાટનું લૉક તોડવામાં સોમચંદને એક મિનિટ પણ નહોતી લાગી.

કબાટમાંથી સોમચંદે હર્ષદ અને સુનીતા મહેતાનાં મૅરેજનું આલબમ કાઢ્યું કે તરત તેમનું ધ્યાન આલબમ વચ્ચે રહેલી બાર ઇંચની સાઇઝની ફાઇલ પર પડ્યું.

સોમચંદે ફાઇલ ખેંચી લીધી. ફાઇલમાં સ્કૂલના જૂના સ્ટાફનાં પેપર્સ હતાં. ફાઇલનાં પાનાંઓ ફેરવતાં સોમચંદનું ધ્યાન એક કાગળ પર ગયું, જેના પર પ્રોફેસરનું નામ હતું અને એ કાગળ પર પર લાલ શાહીથી લીટો માર્યો હતો, જેની બાજુમાં લખ્યું હતું - ‘Dismissed for misconduct.’

સોમચંદે પ્રોફેસરનું નામ વાંચ્યું - રજનીકાંત વોરા.

lll

‘આ રજનીકાંત વોરા કોણ છે? તેમને સ્કૂલમાંથી કેમ કાઢી મૂક્યા?’

‘કાર્તિકના, મારાં સાસુના મોત સાથે એ વાતને શું લેવાદેવા?’ સુનીતાબહેન સહેજ અકળાયાં, ‘ખોટી વાતો ખોલીને તમે કરવા શું માગો છો?’

‘કાર્તિકના આરોપીને પકડવાનું કામ....’ સોમચંદના અવાજમાં ધાર હતી, ‘હવે મને જવાબ આપો, આ રજનીકાંત વોરા છે કોણ?’

‘બહુ જૂની વાત છે.’ સુનીતાબહેનના અવાજમાં નિરાશા હતી, ‘રજનીકાંત વોરા બહુ હોશિયાર અને ટૅલન્ટેડ પ્રોફેસર હતા, પણ સ્વભાવે બહુ જિદ્દી. સ્કૂલના ફન્ડમાં કંઈક ગોટાળો થયો અને બધી શંકા તેમના પર આવી. મેં પ્રિન્સિપાલ તરીકે તેમની તપાસ કરાવી અને છેવટે તેમને નોકરીમાંથી કાઢવા પડ્યા, પણ એ વાતને ૧૨ વર્ષ થઈ ગયાં!’

‘અત્યારે આ માણસ ક્યાં છે?’

‘કંઈ જ નથી ખબર. અમારે કોઈ સંપર્ક પણ નથી.’

રજનીકાંત વોરા, નિમેશ અને પેલો અજાણ્યો મેસેજ.

આ બધા વચ્ચે કંઈક તો સંબંધ છે.

સોમચંદનું દિમાગ એ કનેક્શન શોધવામાં બિઝી થઈ ગયું.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2026 01:31 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK