Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > ઑર્ડર ઑર્ડર : આત્માને હાજર કરવામાં આવે (પ્રકરણ ૫)

ઑર્ડર ઑર્ડર : આત્માને હાજર કરવામાં આવે (પ્રકરણ ૫)

Published : 28 June, 2024 08:07 AM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

અચાનક રૂમમાંથી અવાજ આવ્યો અને સુધીર મહેતાના ચહેરા પર ગભરાટ આવી ગયો

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘મેલિસ્કા... આઇ ઍમ મેલિસ્કા સર...’ મોનામાં પ્રવેશેલી મેલિસ્કાને સુધીર મહેતાના સ્પર્શમાં કોઈ વિકૃતિ દેખાતી નહોતી, ‘યુ આર જૅમ ઑફ અ પર્સન સર...’


‘ઓકે... ઓકે...’ ડૉ. મહેતાએ મોનાના ગાલ થપથપાવ્યા, ‘હવે



સૂઈ જા...’


‘ના, ટીવી... ટીવી રિપેર કરવા આવશે હમણાં...’

lll


વાત સાંભળીને ગાંવકરની આંખો પહોળી થઈ ગઈ. ઘટનાસ્થળેથી મળેલો પેલો નટ તેની આંખ સામે આવી ગયો, જે ટીવીનો હતો અને આ વાત પુરવાર કરતી હતી કે મોના કાં તો મેલિસ્કા મર્ડર કેસ વિશે જાણતી હતી અને કાં તો ખરેખર મેલિસ્કાનો આત્મા...

ઇન્સ્પેક્ટર ગાંવકરનો નશો ઊતરી ગયો હતો. તેણે ફાટેલી આંખે ડૉ. સુધીર મહેતાને પૂછ્યું, ‘પછી શું થયું?’

‘એ સમયે પણ વધારે વાત થઈ નહીં અને એ પછી હમણાં...’ ડૉ. મહેતાએ યાદ કર્યું, ‘બે દિવસ પહેલાં... ફરીથી એવું જ બન્યું મોના સાથે અને આ વખતે તેણે તમારું નામ લઈને વાત કરી...’

‘મારું નામ?’

‘હા... મેલિસ્કાએ કહ્યું કે ઇન્સ્પેક્ટર ગાંવકરને કહો કે તેઓ અમારી હૉસ્પિટલના મનોજ શ્રીવાસ્તવને મળે... એ મનોજે મારું મર્ડર કર્યું છે.’

‘ઘટના વિશે વાત કરી, શું કામ મર્ડર કે પછી કઈ રીતે મર્ડર...’

‘ના, તેણે કશું એવું નથી કહ્યું...’ ડૉ. મહેતાએ યાદશક્તિને સહેજ તાજી કરી, ‘હા, તેણે એવું કહ્યું કે મનોજને ટીવીની વાત કરશો તો એ બધું બોલી દેશે... અને એ પણ કહ્યું કે...’

‘થૅન્ક યુ સો મચ સર...’ આગળની વાત સાંભળતાં હાથમાં રહેલો ત્રીજો પેગ એકઝાટકે પેટમાં ઠાલવીને ગાંવકર ઊભા થઈ ગયા, ‘આપણે હવે સમય નથી બગાડવો... જરૂર પડે તો ફરી વખત તમારી પાસે આવીશ, બાય...’

lll

‘મનોજ, બધેબધી વાતની ખબર પડી ગઈ છે... હવે તારે સાચું કહેવાનું છે...’

‘હું સાચું કહું છું...’ હૉસ્પિટલના ઍડમિન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા મનોજે એ જ વાત રિપીટ કરી, ‘હૉસ્પિટલ અમને ડ્રૉપ આપતી. હું અને મેલિસ્કા બન્ને મોટા ભાગે સાથે જ ડ્રૉપમાં નીકળતાં. એ દિવસે રસ્તામાં મેલિસ્કા પાસેથી મને ખબર પડી કે તેનું ટીવી ખરાબ છે અને પૈસા બચાવવા માટે તે રિપેર નથી કરાવતી. મને ટીવી રિપેર કરતાં આવડે છે એટલે મેં ફ્રેન્ડ્લી કહ્યું કે હું રિપેર કરી દઉં છું... અને હું રિપેર કરવા તેને ત્યાં ગયો.’

ગાંવકરને હવે એ બન્ને ફોન પણ યાદ આવતા હતા જેમાં મેલિસ્કાએ કહ્યું હતું કે તેના ઘરે ગેસ્ટ આવ્યા હતા.

‘ટીવી રિપેર કર્યા પછી તેં શું કર્યું?’

‘નથિંગ... હું ત્યાંથી નીકળી ગયો... મેલિસ્કાએ ડોર બંધ કરી દીધો અને પછી હું મારી ફ્રેન્ડને મળવા ગયો...’

‘હંઅઅઅ...’ ગાંવકરને દોડવું હતું ને મનોજે ઢાળ આપી દીધો, ‘એ રાતે તેં તારી ફ્રેન્ડને ગોલ્ડ અને સિલ્વરનાં ઑર્નામેન્ટ્સ ગિફ્ટ આપ્યાં... તેના બર્થ-ડે પર તારું પૉકેટ ખાલી હતું એટલે એ ગિફ્ટ આપવાની બાકી હતી.’

‘રાઇટ... એમાં શું નવી વાત છે?’

‘નવી વાત માત્ર એટલી છે કે તેં જે ઑર્નામેન્ટ્સ આપ્યાં એ તેં મેલિસ્કાના ઘરેથી ચોર્યાં હતાં...’ ગાંવકરે કહ્યું, ‘કોર્ટમાં હું પુરવાર કરી દઈશ કે ઑર્નામેન્ટ્સ મેલિસ્કાનાં હતાં... અત્યારે મને જાણવું માત્ર એટલું છે કે તેં કર્યું શું કામ? પૈસા માટે, ફિઝિકલ નીડને કારણે કે પછી...’

સટાક...

‘મારા હાથનો માર

ખાવા માટે...’

ગાંવકરે વાક્ય પૂરું કર્યું.

lll

એક જ દિવસમાં મનોજે પોતાનો ગુનો કબૂલી લીધો.

‘સર, સાચું કહું તો મેલિસ્કા મને બહુ ગમતી... હું તેની નજીક જવાની ટ્રાય પણ બહુ કરતો અને તે પણ મને લિફ્ટ આપતી, પણ... એક ચોક્કસ અંતરે મને તે અટકાવી દેતી. મને તો એનાથી આગળ વધવું હતું. મેલિસ્કા સાથે રહેવા મળે એટલે તો મેં હૉસ્પિટલમાં મારી બાઇક લઈને આવવાનું પણ બંધ કરી દીધું, જેથી હું મેલિસ્કા સાથે વૅનમાં જઈ શકું... મેલિસ્કા બ્રૉડ-માઇન્ડેડ હતી. એ રાતે ટીવી રિપેરિંગ દરમ્યાન મેં બે વખત મેલિસ્કાને એવી જગ્યાએ ટચ કરવાની કોશિશ કરી, પણ દેખાડ્યું એવું કે અજાણતાં જ એવું થયું છે. મેલિસ્કાને કોઈ ફરક નહોતો પડ્યો... તે નૉર્મલી જ બિહેવ કરતી રહી એટલે મને લાગ્યું કે હું આજે ટ્રાય કરી શકું છું. એક પૉઇન્ટ પર મેં મેલિસ્કાને મારી સાવ નજીક લઈ લીધી અને તેના ગાલ પર કિસ કરી. મેલિસ્કાને એ ગમ્યું નહીં અને તેણે મને લાફો માર્યો, એટલું જ નહીં, મેલિસ્કાએ એવું પણ કહ્યું કે સવારે તે મારી કમ્પ્લેઇન્ટ મૅનેજમેન્ટને કરી દેશે. મને ડર લાગ્યો એટલે મેં મેલિસ્કાનું ગળું દબાવી દીધું. થોડી વારમાં મેલિસ્કાનો જીવ નીકળી ગયો, પણ તે મેડિટેશન ને એ બધું કરતી હોવાથી મને બીક લાગતી હતી કે કદાચ તેનામાં જીવ હોય તો... એટલે મેં કિચનમાંથી નાઇફ લાવીને તેનો જીવ...’

‘મેલિસ્કા ન્યુડ કેમ હતી?’

‘એ સર મેં...’ મનોજને ખરેખર કબૂલ કરવામાં શરમ આવતી હતી, પણ કબૂલ કર્યા સિવાય છૂટકો પણ નહોતો, ‘મેં ઇન્ટરકોર્સ કરવાની ટ્રાય કરી પણ મેલિસ્કાની આંખો ખૂલી રહી ગઈ હતી એટલે મારામાં તાકાત રહી નહીં કે હું પેનિટ્રેશન કરી શકું...’

‘બૉડી સળગાવ્યું કેમ?’

ગુસ્સો ગાંવકરમાં ખદબદવા માંડ્યો હતો, પણ અત્યારે શાંતિ રાખીને ઘટના જાણવી જરૂરી હતી એટલે તેણે હાથ પર કન્ટ્રોલ રાખ્યો.

‘આમ તો મેં મારી બધી ફિન્ગરપ્રિન્ટ સાફ કરી નાખી, પણ મેલિસ્કાની બૉડી પર મેં ક્યાં-ક્યાં ટચ કર્યું હશે એનો મને પોતાને ડાઉટ હતો એટલે મને થયું કે બેસ્ટ એ જ છે કે હું એ બૉડી સળગાવી દઉં...’ મનોજે સ્વીકાર કર્યો, ‘બૉડી હું સળગાવતો હતો ત્યારે મારું ધ્યાન ગયું કે મેલિસ્કાના બેડરૂમના બેડ પર ઑર્નામેન્ટ્સ પડ્યાં હતાં, જે કદાચ તે ચેન્જ કરતી હતી કે પછી અંદર મૂકતી હતી, પણ હું આવી ગયો હોઈશ એટલે એમ જ બહાર રાખી દીધાં હશે. મને તરત મારી ગર્લફ્રેન્ડ યાદ આવી ગઈ અને મેં એ ઑર્નામેન્ટ્સ લઈ લીધાં.’

એ રાત મનોજ શ્રીવાસ્તવના જીવનની આકરી રાત હતી. ગાંવકરે ઑલમોસ્ટ આઠ કલાક તેને માર માર્યો અને છેલ્લે તેની એવી હાલત કરી નાખી કે તે પોતાની પત્ની સાથે પણ સમાગમ કરવાને લાયક ન રહે.

lll

ગુનાની કબૂલાત થઈ ગઈ. પુરાવા તરીકે મેલિસ્કાનાં ઑર્નામેન્ટ્સ પણ કબજે લઈ લેવામાં આવ્યાં અને મનોજનું સ્ટેટમેન્ટ પણ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યું, પણ કોર્ટમાં મનોજે પલટી મારી. તેણે સાક્ષીઓ ઊભા કર્યા કે ઘટના વખતે તે મેલિસ્કાના ઘરે નહીં પણ અંધેરીમાં આવેલા એક પબમાં પોતાના ફ્રેન્ડ્સ અને ગર્લફ્રેન્ડ સાથે હાજર હતો. પબમાં મનોજની ખોટી એન્ટ્રી પણ ઊભી કરી દેવામાં આવી હતી. પુરાવા તરીકે મૂકવામાં આવેલાં મેલિસ્કાનાં ઑર્નામેન્ટ્સ માટે મનોજે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે એ મેલિસ્કાએ પોતે જ મને આપ્યાં હતાં, મારી ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા માટે, જેના પૈસા મારે તેને ઇન્સ્ટૉલમેન્ટમાં ચૂકવવાના હતા.

lll

‘ઑર્ડર ઑર્ડર...’ તમામ સાક્ષીઓ અને પુરાવાઓને જોયા પછી મૅજિસ્ટ્રેટ પાંડિયને ઇન્સ્પેક્ટર ગાંવકરને

વિટનેસ-બૉક્સમાં બોલાવ્યા, ‘આ આખી સ્ટોરી તમે ઊભી કઈ રીતે કરી મિસ્ટર ગાંવકર... તમારી પાસે કોઈ પુરાવા નથી, તમે કોઈ સાક્ષી લાવ્યા નથી તો પછી આ બધી વાત તમારી પાસે આવી ક્યાંથી, કેવી રીતે?’

‘મિલૉર્ડ... મિલૉર્ડ...’

ગાંવકરને સૂઝતું નહોતું કે તેઓ શું બોલે. જજમેન્ટના દિવસે કોર્ટમાં હિયરિંગ સાંભળવા આવેલા ડૉ. સુધીર મહેતાની સામે તેમણે જોયું અને ડૉ. મહેતાએ આંખથી ઇશારો કરી દીધો.

‘મિલોર્ડ, મેલિસ્કાના આત્માએ મને બધું કહ્યું...’

પહેલાં સન્નાટો અને પછી આખી કોર્ટમાં હસાહસ શરૂ થઈ ગઈ.

‘વૉટ નૉનસેન્સ યુ આર ટૉકિંગ મિસ્ટર ગાંવકર...’ મૅજિસ્ટ્રેટ પાંડિયનના ચહેરા પર અકળામણ આવી ગઈ, ‘યુ મીન સ્પિરિટ?! ભૂત?!’

‘નો સર...’ ગાંવકરે સુધારો કર્યો, ‘આત્મા... જે કોઈને નુકસાન ન કરે પણ પોતાના જસ્ટિસ માટે આવે.’

ફરી આખી કોર્ટમાં હસાહસ અને ટેબલ પર હથોડો ઠપકારાયો.

‘ઑર્ડર ઑર્ડર...’ મૅજિસ્ટ્રેટ

પાંડિયને આદેશ આપ્યો, ‘શુક્રવાર કોર્ટની છેલ્લી મુદત. એ મુદતમાં ઇન્સ્પેક્ટર ગાંવકર આત્માને હાજર કરે... અન્યથા મનોજ શ્રીવાસ્તવને દોષમુક્ત જાહેર કરવામાં આવશે અને મુંબઈ પોલીસ સામે પગલાં લેવાનો આદેશ આપવામાં આવશે...’

lll

‘બરાબરના અટવાયા છીએ સર...’ ગાંવકર એ આખી રાત ડૉ. મહેતાને ત્યાં રહ્યા હતા, ‘કોઈ પણ રીતે, આજે મેલિસ્કા આવે એવું કરો...’

‘લુક ઇન્સ્પેક્ટર ગાંવકર... પહેલાં પણ મેં એવી કોઈ ટ્રાય કરી નહોતી કે ન તો મારી વાઇફે એવી ટ્રાય કરી... મને તો આજે પણ નવાઈ એ વાતની છે કે મેલિસ્કાએ આ કામ માટે મોનાને જ શું કામ પસંદ કરી હશે... જે હોય એ, પણ હવે આ બાબતમાં મારાથી કોઈ હેલ્પ નહીં થઈ શકે.’

‘ટ્રાય તો કરો સર... મને બીજી કોઈ ચિંતા નથી. મારી વાત માત્ર એટલી છે કે એ છોકરીને ન્યાય મળે...’ ગાંવકરે ચોખવટ કરી દીધી, ‘બાકી, કોર્ટ જો અમારા પર ઇન્ક્વાયરીનો ઑર્ડર કરે તો પણ ક્યારે કશું પ્રૂવ થવાનું નથી કે મારે ડરવું પડે.’

ગાંવકર અને મહેતાની વાત ચાલતી હતી એ દરમ્યાન મોના અંદર રૂમમાં હતી. થોડી વાતો તે સાંભળી ચૂકી હતી તો અમુક વાતોનો હવે તેને અણસાર સુધ્ધાં હતો પણ તે આ બાબતે બહુ ઇન્ટરેસ્ટ નહોતી લેતી.

‘મેલિસ્કાનો ફોટો દેખાડવાથી કદાચ તમારાં વાઇફમાં તે ફરી આવે...’

‘શું નૉનસેન્સ જેવી વાતો કરો છો?! આવું બધું ગામડાના ભૂવાઓ કરતા હોય છે...’ સુધીર મહેતા રીતસર અકળાઈ ગયા, ‘આપણે એકવીસમી સદીમાં છીએ, તમે કંઈક તો સમજો...’

‘વાહ, આજે જ્યારે વાત ફરીથી બોલાવવાની આવી ત્યારે તમને એકવીસમી સદી યાદ આવી ગઈ પણ જ્યારે તે સામેથી આવતી હતી ત્યારે... ત્યારે તો તમે ચૂપચાપ તે કહેતી એ બધું સાંભળી લેતા...’

‘ઍગ્રી... પણ ગાંવકર...’

ધડામ...

અચાનક રૂમમાંથી અવાજ આવ્યો અને સુધીર મહેતાના ચહેરા પર ગભરાટ આવી ગયો તો ગાંવકરના ચહેરા પર ખુશી.

બન્ને ઝાટકા સાથે ઊભા થઈ ગયા પણ સુધીર મહેતાએ બેડરૂમના ડોર પાસે પહોંચ્યા પછી તરત ગાંવકરને અટકાવ્યા.

‘જસ્ટ અ સેકન્ડ...’

ગાંવકર સમજી ગયા અને તે બહાર જ ઊભા રહી ગયા.

lll

‘એ જ હતી...’ ૧૦ મિનિટ પછી સુધીર મહેતા બેડરૂમમાંથી બહાર આવ્યા, ‘સિચુએશન એવી હતી કે હું તમને બોલાવી શક્યો નહીં... ઍઝ આઇ ટૉલ્ડ યુ... ક્લોથ્સ.’

‘વાંધો નહીં... શું કહ્યું મેલિસ્કાએ?’

ડૉ. મહેતાએ હાથમાં રહેલો મોબાઇલ સામે ધર્યો,

‘મેં તેનો વૉઇસ રેકૉર્ડ કર્યો છે... જો થયો હોય તો...’

મોબાઇલનું વૉઇસ રેકૉર્ડિંગ પ્લે થયું અને મેલિસ્કાનો અવાજ સંભળાયો...

‘હેય... આઇ ઍમ, આઇ ઍમ એક્સ્ટ્રીમલી સૉરી... ટુડે આઇ ઍમ બિઝી... સો, ડોન્ટ વેઇટ ફૉર મી...’

‘ફિશ...’

ગાંવકરે હાથની મુઠ્ઠી દીવાલ સાથે અફળાવી.

lll

‘મિલૉર્ડ...’

કોર્ટ શરૂ થતાં મનોજ શ્રીવાસ્તવના વકીલે મૅજિસ્ટ્રેટ પાસે પાંચ મિનિટ માગી હતી, જે મૅજિસ્ટ્રેટ પાંડિયને આપી એટલે મનોજે તેમની સામે હાથ જોડ્યા,

‘હું મારો ગુનો કબૂલ કરું છું... પોલીસ-ઇન્ક્વાયરી સાચી છે... સાક્ષીઓ અને ખોટા પુરાવા મેં ઊભા કર્યા હતા, એને માટે પણ મને કોર્ટ સજા આપે એવું હું ઇચ્છું છું.’

ઇન્સ્પેક્ટર ગાંવકર અને ડૉક્ટર સુધીર મહેતાની આંખો ફાટી ગઈ. બન્નેએ એકબીજા સાથે લુક એક્સચેન્જ કર્યો અને એ જ સમયે ગાંવકરના કાનમાં મેલિસ્કાનો અવાજ આવ્યો ઃ ‘ઇન્સ્પેક્ટર, નાઓ હૅપી?!’

ગાંવકર કંઈ કહે એ પહેલાં મેલિસ્કાનો અવાજ ડૉ. મહેતાના કાનમાં આવ્યો.

‘સૉરી ફૉર યસ્ટરડે સર... ગઈ કાલે હું તમારા આ કામમાં જ બિઝી હતી...’ મેલિસ્કાએ પૂછી લીધું, ‘ઍનીથિંગ મોર ફૉર યુ સર?’

આત્માએ કોર્ટમાં હાજરી પુરાવી દીધી હતી.

 

(સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

28 June, 2024 08:07 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK