Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જોગાનુજોગ દિલ દીવાના... (પ્રકરણ ૫)

જોગાનુજોગ દિલ દીવાના... (પ્રકરણ ૫)

Published : 04 July, 2025 01:17 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

આરવને બદનામ કરવા મેં તારી મદદ માગી ને તું રેવાને મારાથી દૂર કરવાની રમત રમી ગઈ

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


માય મૅન!


અતુલ્ય સાથે કામસુખમાં રમમાણ બનતી રંભારાણી વાગોળી રહી:



કાલિદાસ’નો મૅનેજર ભારે દેખાવડો છે એટલી જ પહેલી ઇમ્પ્રેશન હતી. નાટ્યનિર્માણ બાબત તે સંપર્કમાં રહ્યો એમ ઊઘડતો ગયો. તે પ્રેમમાં છે, તેની મેહબૂબા પણ બહુ એથિક્સવાળી લાગી. ઠીક છે, રંભાએ ત્યારે બહુ ધ્યાન નહોતું આપ્યું પણ પછી અતુલ્ય સાથે બેઠકો વધી એમાં એક-બે વાર તેના પૌરુષસભર સ્પર્શે તેને માણવાની ઝંખના જાગી અને માણ્યા પછી તો તેના મોહમાંથી મુક્ત થવાય એવું જ ક્યાં રહ્યું? શારીરિક અનુભૂતિથી ઉપર કશુંક ચુંબકીય ખેંચાણ અનુભવાયું અતુલ્યના વ્યક્તિત્વમાં.


આ અનુભવ રંભારાણી માટે પણ નવો હતો. જાત સાથે ઘણું ઝઘડેલી તે, લવનાં લફરાં આપણને ન પરવડે! અતુલ્ય ભલેને રેવાને પરણતો, તેની સાથેની એકાદ ક્રીડાને મોબાઇલમાં ઉતારી રાખજે એટલે પછી તું ઇચ્છીશ ત્યારે એ સુખ વરસવા આવી જશે! આમાં મોહબ્બત-શાદીને ન લાવીશ મારી બાઈ!

પણ મોહબ્બતના રવાડે ચડેલું મન એમ માને? ત્યાં આરવના ફણગાએ ટિકટિક થવા લાગી : અતુલ્ય રેવાને મળવાનો હોત તો તેમનો રિશ્તો ખૂલવાની ઘડીએ જ કેમ આરવની એન્ટ્રી થાય? આ જોગાનુજોગના રસ્તે તું અતુલ્યને પોતાનો કરી લે!


એટલે પછી આજની બાજી મેં એ જ અનુસાર ગોઠવી છે. અતુલ્ય ભલે જે સમજે, રેશમા તો એ જ કરવાની જે મેં તેને પઢાવ્યું છે! અને ધારો કે તે ફેલ થઈ તો પણ હુકમનું એક પત્તું આજે જ મારા હાથમાં આવ્યું છે એટલે ઇશ્કની બાજીમાં હું જ જીતવાની.  

lll

આછા ખખડાટે રેવા ઝબકી ગઈ. 

હજી થોડી વાર પહેલાં જ બધા પૂલસાઇડ પર ધમાલમસ્તીભરી પાર્ટી પતાવી પોતપોતાના રૂમમાં સૂવા ગયા. ત્યાં લૉબીમાં કશાક ખખડાટે રેવા પલંગમાં બેઠી થઈ ગઈ.

હળવેથી દરવાજો ખોલ્યો તો એક ઓળો આરવના રૂમ તરફના વળાંકે વળતો લાગ્યો. કોણ હશે?

સ્ટાફ? સાદ પાડતી તે પાછળ ગઈ અને વળાંક આગળ જ અટકી ગઈ.

પેલી વ્યક્તિ આરવના રૂમના દરવાજે અટકી મોબાઇલ પર વાત કરતી જણાઈ : ‘અતુલ્ય, આપણી ડીલ મુજબ હું છરી લઈ આરવના દ્વારે પહોંચી ચૂકી છું. પુરુષને ભુલાવામાં નાખી તેની મર્દાનગી વાઢી સરકી જતાં મને વાર નહીં લાગે, પણ પછી પેમેન્ટમાં ગફલત કરી તો તમારી મર્દાનગી વાઢતાં પણ મને વાર નહીં લાગે...’

રેવા સ્તબ્ધ બની. અતુલ્યએ આ કેવો કારસો ઘડ્યો! મેં મના કરેલી છતાં... નહીં, આરવ સાથે તો આવો અનર્થ થવા જ કેમ દેવાય!

lll

રંભારાણીની નજર દીવાલ ઘડિયાળ પર ગઈ.

રેશમા આ સમયે તો રેવાને ચમકાવી આરવના દ્વારે પહોંચી, પાછળ રેવાની હાજરી ચકાસી અતુલ્યને કૉલ કરવાનું નાટક કરી ચૂકી હશે.

તેની વાતો સાંભળી રેવા ભડકી જાય છે. નૉબ ઘુમાવતી રેશમાનો હાથ પકડી રોકી પાડે છે. ના, અતુલ્ય સાથેનું પોતાનું જ પ્રેમપ્રકરણ ખૂલે નહીં એ માટે રેવા હો-હા નહીં મચાવે પણ અતુલ્યને ઠપકારવા, વાતની ખાતરી કરવા તેને કૉલ જોડશે... બસ, અડધી રાતના એ કૉલ પર અતુલ્ય મારી સાથે, મારી શૈયામાં છે એટલું જતાવવાનું રહેશે મારે.

પત્યું. અતુલ્યની બેવફાઈનો પુરાવો મળ્યા પછી રેવા જેવી મૂલ્યનિષ્ઠ કન્યા તેને સૂંઘશે પણ નહીં! શું બન્યું-કેમ બન્યું એની અતુલ્યને ગતાગમ પડે એ પહેલાં તો બાપ બનવાના ખુશખબર આપી હું તેને હંમેશ માટે મારો કરી લઈશ.

યસ, અતુલ્યનું બીજ મારા ગર્ભમાં પાંગરી રહ્યું છે. હજી આજે બપોરે જ પ્રેગ્નન્સી મેડિકલી કન્ફર્મ થઈ. હુકમનું આ પત્તું ઊતરતાં જ રેવા અતુલ્યથી છેડો ફાડી નાખે એમાં સંશય નથી. હવે બસ, વહેલો આવજો રેશમાનો ફોન!

આખી રાત વીતી, પણ ફોન રણક્યો જ નહીં!

lll

તડકો માથે ચડી ચૂક્યો હતો. રંભાની આંખો ખૂલી. પરોઢિયે માંડ જંપેલા અતુલ્યના ઉઘાડા દેહ પર ચાદર ઢાંકી તેણે પહેલાં પોતાનો અને અતુલ્યનો મોબાઇલ ચેક કર્યૉ : ના, રેશમા કે રેવા કોઈનો કૉલ નથી!

હાઉ કમ? રેશમા રાતે પહોંચી જ નહીં હોય? આરવનો રૂમ મળ્યો નહીં હોય કે પછી બધા કઝિન્સ એક જ રૂમમાં એકઠા થયા હોય એટલે રેશમાને કહેલું કરવાનો ચાન્સ જ ન મળ્યો હોય?

પરંતુ આવા કોઈ પણ સંજોગની તે જાણ તો કરી જ શકેને... કે પછી તેનો ફોન બગડી ગયો હોય, મોબાઇલની બૅટરી ડાઉન હોય...

અંહ, લેટ મી કૉલ હર. આખરે શું થયું એ જાણું તો ખરી.

ચુપકેથી બહાર સરકી તેણે કૉલ જોડ્યો, રિંગ ગઈ. થોડી વારે કૉલ રિસીવ થયો: હલો.

‘રેશમાની બચ્ચી! રાતે કૉલ કરતાં શુ તાવ ભરાણો? કામ થયું કે નહીં?’

‘કેવું કામ?’

રંભા તડતડી ગઈ,

‘કાલી થઈ મને પૂછે છે કે કયું કામ? અરે, પેલી રેવાને સંભળાય એમ તારે અતુલ્યને ફોન જોડી કહેવાનું હતું કે આરવનું પુરુષાતન વાઢવા હું છરી લઈ દ્વારે પહોંચી ચૂકી છું... આટલું થતાં જ રેવા તને અટકાવત, અતુલ્યને કૉલ જોડી ખાતરી માગત ને એ ફોન પર અતુલ્ય મારી સાથે શૈયાસુખ માણી રહ્યાનું સત્ય દાખવી હું રેવાનો એકડો કાઢી નાખત...’

એવી જ પાછળથી ત્રાડ પડી, ‘રંભા, તારી આ ગેમ હતી? યુ ડબલ ક્રૉસ!’

કાળઝાળ અતુલ્યને ભાળી રંભાની છાતીમાં ચિરાડ પડી.

‘આરવને બદનામ કરવા મેં તારી મદદ માગી ને તું રેવાને મારાથી દૂર કરવાની રમત રમી ગઈ?’

‘હા, રમી ગઈ હું રમત!’ રંભાને થયું પત્તાં ખૂલી જ ગયાં છે તો છુપાવવા જેવું શું છે? કેમ કે એક મ્યાનમાં બે તલવાર નહીં રહી શકે, અતુલ્ય! હું તને ચાહું છું. મારા જોબનનો ખજાનો તને રાતોની રાત લૂંટવા દીધો...’

‘થૅન્ક્સ, રંભા-અતુલ્ય!’

સામેથી પુરુષ સ્વર સાંભળી બેઉ પૂતળાં જેવાં થયાં.

‘રેશમાનો ફોન અમારી પાસે છે અને રેવા મારી સાથે છે, હું આરવ.’

હે ભગવાન.

‘આમ તો બધું રંભાએ ગોઠવ્યા મુજબ જ બનતું હતું. રેશમાએ રેવાના કાને પડે એમ મોબાઇલ પર વાત કરવાનો દેખાવ સર્જ્યો, તમારી ધારણા મુજબ જ રેવા તેને આંતરી અતુલ્યને કૉલ જોડવાનું જ વિચારતી હતી ત્યાં...’

ત્યાં શું? બોલ, જલદી બોલ!

‘ત્યાં હું જ મારા રૂમનો દરવાજો ખોલું છું. એથી રેશમા ભડકે છે, રેવા દોડીને તેને ઝડપી લે છે : આરવ, આનો ઇરાદો સારો નથી. કૉલ પુલીસ!’

પો..લી..સ! અતુલ્ય-રંભા પ્રસ્વેદભીનાં થઈ ગયાં.

‘ખેર, તરત તો મેં તેનો ફોન લઈ લીધો ને તેને રિસૉર્ટના મૅનેજરને કહી ત્યાં જ એક રૂમમાં નજરકેદ રાખી છે. રેશમાએ રંભાનું નામ આપી દીધું હતું, અતુલ્યને તે ઓળખતી પણ નથી. તેના ફોનમાં અતુલ્યનો નંબર હતો જ નહીં...’ શ્વાસ ખાવા રોકાઈ આરવે ઉમેર્યું, ‘પણ રંભા આ બધું પ્લાનિંગ કરે એની પાછળ અતુલ્ય સાથેનો તેનો અંગત સંબંધ હોય એવું અનુમાન સહજ હતું, અત્યારે એની પુષ્ટિ પણ થઈ ગઈ.’

‘પણ..’ રંભાએ જાણવું હતું, ‘તમારે એકદમ એ જ સમયે રૂમમાંથી નીકળવાનું કેમ થયું? રેશમાના અવાજે જાગી ગયા હશો.’

‘ના. મારા જાગવા પાછળ કેવળ જોગાનુજોગ છે.’ આરવે ભેદ ખોલ્યો, ‘બહાર રેવા-રેશમાની સંતાકૂકડી ચાલતી હતી ત્યારે મારા રૂમમાં મિતાંગનો ફોન હતો, તેને પીધેલું પચ્યું નહીં હોય એટલે સખત વૉમિટિંગ થતું હતું. બસ, મારું નીકળવું ને રેશમા-રેવાને ભાળવું.’

રંભાને એ જોગાનુજોગ ખટક્યો. કાશ, આ જોગ ઘટ્યો ન હોત તો રેવાના ફોન પર મેં અતુલ્યની બેવફાઈ ખોલી હોત, એને બદલે આમાં તો હું અતુલ્ય સમક્ષ ખુલ્લી પડી ગઈ જે હજીયે મને આગઝરતી નજરે તાકી રહ્યો છે!

‘હવે બધા ભેદ ખૂલી જ ગયા છે ત્યારે રેવાએ તમને કંઈ કહેવું છે?’

અને રેવાનો સપાટ સ્વર પડઘાયો, ‘કહેવા જેવું અતુલ્યએ કંઈ રાખ્યું જ નથી... સિવાય કે ગુડ બાય ઍન્ડ ગેટ લૉસ્ટ!’

lll

રેવા માથું ઢાળી ગઈ. એક રાતમાં જિંદગીએ કેટલા રંગ દેખાડી દીધા! ના, મારે રડવું નથી. આંસુ સારવાં પડે એવું અતુલ્યએ રાખ્યું પણ ક્યાં છે? અતુલ્યનો પ્રણયભેદ ખોલવાની ઘડીએ આરવના આગમનનો જોગ સર્જાયો ન હોત તો શું થાત એની કલ્પના ધ્રુજાવી જાય છે. અતુલ્યનાં બદલાતાં મૂલ્યોનો અણસાર હતો એટલે તેની બેવફાઈનો આઘાત જિરવાઈ ગયો, કદાચ આરવ મારા પડખે રહ્યા એટલે હું હૃદયભંગની વૈતરણી પાર કરી ગઈ...

રેશમાને મૅનેજરને હવાલે કરી, મિતાંગને ડૉક્ટર ચકાસી ગયા બાદ આરવ સતત મારા પડખે રહ્યા, ઘણું કંઈક તે વિના કહ્યે સમજી ગયેલા. તેમને તરાશવાને બહાને હું તેમની નબળાઈ પકડવા આવેલી એ બધું કબૂલ્યા પછી પણ તેમની મારા તરફની નજર બદલાઈ નથી, પણ હું તેમને લાયક ગણાઉં ખરી? હજી હમણાં જ ભાંગ્યું એ હૈયું એમ તરત બીજાનું થાય ખરું!

તેના પડખે બેઠેલા આરવને તેનો મનોભાવ પરખાતો હતો. રેવા પહેલી મુલાકતમાં ગમી ગયેલી, પણ પ્રેમીની સામે થઈ જે મને ઉગારવાની હતી, બેવફા નીવડેલા પ્રેમીને જે ગેટ લૉસ્ટ કહી દે છે એ ખુમારીવાળી યુવતીને હું ચાહવા લાગ્યો છું... આજે નહીં તો કાલે આપણા એક થવાનો જોગ નિર્મિત છે, જે બન્યું એનો એટલો જ સાર!

lll

ગુડ બાય ઍન્ડ ગેટ લૉસ્ટ!

 રેવાના શબ્દો અતુલ્યના કાળજે વાગ્યા. રેવા હવે કોઈ કાળે, કોઈ જતને મારા તરફ નહીં વળે. ઇટ્સ ઑલ ઓવર! હું તને ચાહું છું રેવા, પણ શું કરું? આ બાઈએ મને કઠપૂતળીની જેમ રમાડ્યો!

અતુલ્યના અંતરમાં ભીનાશ પણ હતી અને આગ પણ.

‘યુ...’ ક્રોધના આવેશમાં તેણે રંભાનો કાંઠલો ઝાલ્યો. તેને ભાંડતાં ગરદન પરની ભીંસ વધારતો ગયો. રંભાની નજર સામે મોત તાંડવ કરતું લાગ્યું ને બચવાના આખરી પ્રયાસરૂપે તે રુંધાતા શ્વાસે બોલી: હું સાચે જ તને ચાહું છું, અત્તુ, તારા બાળકની મા બ..નવાની છું...’

હેં! અતુલ્યને એવો આંચકો લાગ્યો કે પકડ છૂટવાને બદલે તેણે રંભાને જોરથી દીવાલમાં અફાળી. નારિયેળની જેમ રંભાનું માથું વધેરાયું ને અણધાર્યા અંતનો આઘાત તેની આંખોમાં થીજી ગયો.

અતુલ્ય ફસડાઈ પડ્યો. મોહબ્બતમાં કપટ ભળે તેનો અંજામ આવો જ હોતો હશે! 

lll

રંભાની હત્યાએ ચકચાર જગાવી. તે ગર્ભવતી હોવાની માહિતીએ અરેરાટી જન્માવી. રેવા-આરવ પણ સ્તબ્ધ બનેલાં. અતુલ્યએ પોતાના બયાનમાં ક્યાંય રેવાને ઉલ્લેખી નહોતી એમાં તેની રેવા પ્રત્યેની પ્રીત જ પડઘાતી હતી એ સમજતો આરવ કઝિનનાં લગ્નમાંથી પરવારી રેવાને પરાણે અતુલ્યને મળવા લઈ ગયેલો. રેવાને જોઈ અતુલ્યની કીકીમાં પળ પૂરતો ધબકારો આવ્યો. પછી તેણે નજર ઝુકાવી દીધી: હું તને લાયક નહોતો, રેવા... હું તો રંભાને પણ સમજી ન શક્યો. મારા જ અંશને મેં ગર્ભમાં જ... રેવાને લઈ જાઓ આરવ, તેને સુખી કરજો.

આટલું કહી તે નજરથી ઓઝલ થઈ ગયો... હંમેશને માટે. આરવના ખભે માથું ઢાળી રેવા બસ રડતી રહી. કદાચ પ્રેયસીનો હક પરસ્ત્રીને દેનારા અતુલ્યની પ્રીતમાં સચ્ચાઈની પરખ થઈ એટલે. કદાચ પોતે હવે ફરી ક્યારેય અતુલ્યને મળશે નહીં એટલે. કદાચ પહેલી પ્રીતનો છેડો છેવટે અહીં છૂટતો હતો એટલે. કદાચ આ પળોમાં પોતાની સાથે આરવ હતો એટલે.

કથાના ઉપસંહારમાં એટલું કે અતુલ્યને જનમટીપની સજા થઈ. છ વર્ષ પછી જેલમાં જ તેણે દમ તોડ્યો ત્યારે જોકે રેવા મુંબઈમાં નહોતી. આરવ તેને પરણીને અમેરિકા લઈ ગયેલો. તેના ગતખંડની આરવ સિવાય કોઈને ખબર નથી. નવી દુનિયામાં રેવા ખુશ છે. તેના હૈયે આરવની વસંત મહોરી છે, તેને ક્યારેય પાનખર આવવાની નહીં!

(સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2025 01:17 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK