Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઘટના (પ્રકરણ ૧)

ઘટના (પ્રકરણ ૧)

Published : 21 February, 2022 08:58 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

અને પોતાનું વાક્ય અધૂરું રાખીને અશ્વિને અચાનક જ સુજાતાનો ગાલ ચૂમી લીધો, ‘જા, હવે તારી આન્ટીને કહી દે કે તમારો છોકરો છોકરીને કિસ પણ કરતો ફરે છે!’

ઘટના (પ્રકરણ ૧)

ઘટના (પ્રકરણ ૧)


વાતાવરણમાં ઠંડીનો ચમકારો હતો. આમ તો સામા ફાગણે મુંબઈમાં શિયાળાનું આવું જોર ન હોય, પણ અશ્વિન કહે છે એમ ઋતુ અને સ્ત્રીના મિજાજને કોણ સમજી શક્યું છે!
પતિના સ્મરણે સુજાતાદેવીના હોઠ મલકી ગયા. ત્રણ મહિના અગાઉ લગ્નની સિલ્વર જ્યુબિલી ઊજવી તોય તેમનો રોમૅન્સ તો આજેય ઊઘડતી જવાની જેવો જ અલ્લડ, તોફાની અને પુરબહાર!
‘સાવ એવા છો.’
લગ્નતિથિ નિમિત્તે ફરી હનીમૂન પર જવાનો પ્લાન કરતાં અશ્વિનનો કાન આમળીને પોતે લાડથી કહેલું, ‘શ્રીમાન અશ્વિન મહેતાસાહેબ, તમારે એક દીકરી પણ છે જે હવે બાવીસની ઉંમરે ભણીગણીને પરણાવવા જેવડી થઈ ગઈ છે. આપણા હનીમૂનને બદલે તેનાં લગ્નનું વિચારો!’
ઝિંદાદિલ, જોમવંતા અશ્વિન આ એક વાતે અકળાઈ ઊઠતા. ‘લાડલી દીકરીના કન્યાદાનની કલ્પના જ તેમને માટે અસહ્ય હતી. પ્રાણથીય વહાલી છે સુરીલી તેમને... ના, કેવળ તેમને નહીં, અમને બન્નેને!’
તેમની નજર દીવાનખંડમાં સજાવેલી તસવીરો પર પડી. ગયા વર્ષે વરલીનો આ ૬ બેડરૂમનો ફ્લૅટ રિનોવેટ કરાવ્યો એની મુખ્ય કમાન અશ્વિને ઇન્ટીરિયર ડિઝાઇનિંગનું ભણેલી દીકરીને સોંપી હતી. ખરેખર તો દીકરીને તેના ફીલ્ડનું એક્સપોઝર મળી રહે એ હેતુથી અશ્વિને આખો પ્રોજેક્ટ તેને સોંપ્યો હતો.
‘અને સુરીલી અમારી દીકરી છે એટલે નહીં, પણ તેનું કામ જોઈને કહેવું પડે કે તેણે ૩૦ માળના લક્ઝુરિયસ વૈભવ ટાવર્સના વીસમા માળે આવેલા ઘરની રોનક જ બદલી નાખી! વિશાળ ડ્રૉઇંગરૂમની એક દીવાલ પર વિવિધ આકારમાં ફોટોફ્રેમ્સ ગોઠવી હતી; અશ્વિનની, મારી અને સુરીલીની તસવીરો. સ્વજનોની હાજરીમાં અમારા હસ્તમેળાપની ઘડીથી આરંભાયેલા સ્નેહજીવનની યાદગાર પળો અહીં ઝિલાઈ હતી.’
‘તમને બન્નેને જોતાં એવું લાગે છે જાણે સમય તમને સ્પર્શ્યો જ નથી. પપ્પા આજે પણ એટલા જ સિમેટ્રિક, હૅન્ડસમ દેખાય છે અને તું એવી જ બ્યુટિફુલ...’
સુરીલી કહેતી ને પોતે મલકી પડતાં, ‘સમયનું તો ખબર નહીં, પણ સંસારમાં ભાવ હોય તો જીવનમાં કોઈ અભાવ સ્પર્શતા નથી એ મારી અનુભવશીખ છે. તારા પપ્પાએ મને છલોછલ રાખી છે.’
એનો ગર્વ અત્યારે પણ સુજાતાદેવીની કીકીમાં ઊભરાઈ આવ્યો. શરીરે શાલ વીંટાળી હીંચકે ગોઠવાયાં. આમેય આજે નિરાંત હતી. અશ્વિન બિઝનેસના કામે બૅન્ગલોર ગયા છે. છએક મહિનાથી મુંબઈના ‘ઓમ ઇન્ટીરિયર્સ’માં જૉબ કરતી સુરીલી ક્લાયન્ટના કામ અંતર્ગત બે દિવસ માટે લોનાવલાની સાઇટ-વિઝિટે ગઈ છે. આખા દિવસની મેઇડ પણ પથારી કરીને નીકળી ગઈ છે. ભાગ્યે જ સાંપડતા આવા એકાંતમાં આજે જૂનું બધું વાગોળવાનું મન થાય છે.
‘બધું જ?’
વાંસની જેમ ફૂટેલા પ્રશ્ને સુજાતાદેવી હીંચકાને ઠેસી મારતાં અટકી ગયાં, હળવો નિઃશ્વાસ સરી ગયો. ‘અશ્વિન સાથેનું ભરચક લગ્નજીવન, છતાં લગ્ન અગાઉનું એક સત્ય આજેય તેમને પૂરેપૂરું કહી નથી શકી એ કેવું!’
વળી એક નિસાસો નાખીને તેમણે ઠેસી મારી. હીંચકા સાથે મન પણ ગતિમાં આવ્યું.
‘પપ્પા, એ તો હું જાણું છું કે મમ્મી સાથે તમારાં લવ-મૅરેજ હતાં. અલબત્ત, તમારા બન્નેના પેરન્ટ્સનો આમાં રાજીપો હતો એટલે તમારા લવમાં સ્ટોરી જેવું ભલે ન હોય, પ્રેમમાં પડવાની પહેલ કોણે કરી એ તો કહો.’
લગ્નની પચીસમી જયંતી નિમિત્તે મા-બાપને વધામણાં દેતી સુરીલીએ માંડેલી વાતચીત સુજાતાદેવીને સાંભરી ગઈ. આ બધું અગાઉ પુછાયું - કહેવાયું જ હશે, છતાં કેટલીક વાતો હોય છે જ એવી જેને વારંવાર કહેવાનો થાક ન લાગે, સાંભળવાનો કંટાળો ન ઊપજે!
‘પ્રેમની પહેલ તો ભાઈ મારે જ કરવી પડી...’ અશ્વિને તેમના અંદાજમાં કહેલું, ‘ત્યારે આપણી સ્થિતિ આવી સધ્ધર નહીં. રહેવાનું દાદર, મારા પપ્પાની બૅન્કમાં જૉબ અને ૬ વિન્ગની એક જ સોસાયટીમાં રહેતા તારા નાના સાથે તેમની મિત્રતા. અમારી મમ્મીઓ વચ્ચે વાટકીવહેવાર પણ ખરો.’
સુજાતાદેવી અત્યારે પણ એ કથામાં બંધાતાં ગયાં.
‘તારી મમ્મી મારાથી ત્રણ વર્ષ નાની એટલે સાથે ભણવા-રમવાનું તો બનતું નહીં, ખરા અર્થમાં તે મને ધ્યાનમાં આવી હું માસ્ટર્સમાં હતો ત્યારે! અને એમાં નિમિત્ત બન્યું તારી મમ્મીનું ડાન્સિંગ!’
‘ડાન્સ... મતલબ, ભરતનાટ્યમને! મૉમ, મેં તારા કબાટના ખાનામાં ઘૂંઘરું જોયાં છે. બસ, તને ડાન્સિંગ કરતી ક્યારેય નથી જોઈ.’
ત્યારે તો ‘તું ને તારા પપ્પા મને ઓછી નચાવો છો!’ કહીને પોતે હસવામાં વાત વાળી લીધેલી, પણ...
પણ આજે નવરું પડેલું મન સુજાતાદેવી રોકે એ પહેલાં સત્તાવીસેક વર્ષ અગાઉના ગતખંડની ગલીઓમાં દોડી ગયું. 
lll
‘તાથૈ તત્ તત્ થૈ...’
નૃત્ય સુજાતાનું પૅશન હતું. અભ્યાસ ઉપરાંત દીકરીને કોઈ એક આર્ટમાં પણ કેળવવી જોઈએ એવું માનનારાં સાવિત્રીમાએ દીકરીને ઘરથી નજીકના ડાન્સ-ક્લાસમાં મૂકી હતી અને સુજાતાને ડાન્સિંગ ગમવા પણ માંડ્યું હતું. કૉલેજમાં આવી ત્યાં સુધીમાં તો તે ભરતનાટ્યમમાં પારંગત થઈ ગઈ હતી. આઠેક વર્ષથી તેને શીખવતા નૃત્યગુરુ રાધેશ્યામ માસ્તર કહેતા પણ - ‘વિશારદની પરીક્ષામાં તું અવ્વલ જ આવવાની સુજાતા, થોડો અનુભવ મેળવીને તું તારા પોતાના બેલે પણ શરૂ કરી શકે એવી તારી પ્રતિભા છે!’
સરની વાણીમાં શિષ્યાને શ્રદ્ધા કેમ ન હોય? અને સુજાતામાં શીખવાની લગન હતી. ખૂબ પ્રૅક્ટિસ કરતી, પોતાના હુનરને તરાશવાનું તેને ગમતું. જોકે ડાન્સિંગમાં કારકિર્દી બનાવવાનું વિચાર્યું નહોતું. હાલ તો તે આરંગેત્રમના પ્લાનિંગ માટે ઉત્સાહી હતી. ઇવેન્ટને તો હજી ૬ મહિનાની વાર હતી, પણ માતા-પિતાએ તેમના ગજા પ્રમાણે ન્યાતની વાડીમાં ફંક્શન ગોઠવવાનું વિચાર્યું હતું, સહેજેય બસો-ત્રણસો મહેમાનોને તેડાવવાનું તેમનું આયોજન હતું.
‘આ પ્રસંગે મારે તમને પણ કશુંક ગિફ્ટ કરવું છે, ગુરુમા.’
ચાલીસેક વર્ષના નૃત્યુગુરુ રાધેશ્યામનાં ધર્મપત્નીને સ્ટુડન્ટ્સ ગુરુમાના હુલામણા નામે સંબોધતા. ખરેખર તો શિવાજી પાર્કમાં એક માળનું વડીલોપાર્જિત મકાન ધરાવતા માસ્તરે ગ્રાઉન્ડ ફ્લોર પર તેમનાં મધરના નામે ‘શકુંતલા ડાન્સ ઍકૅડેમી’ શરૂ કરેલી. સવારથી સાંજ તેમના બૅચ ચાલતા. સંસારમાં પતિ-પત્ની બે જ જણ.
બે બૅચ વચ્ચેના ગૅપમાં કે પછી પ્રૅક્ટિસના વિરામ દરમ્યાન સુજાતા ગુરુમા સાથે વાતચીતની તક ઝડપી લેતી. લાવણ્યમય ગુરુમા ગુરુજીથી બે વર્ષ નાનાં. હંમેશાં તેઓ ગર્વાઈભર્યાં લાગ્યાં. નામ તેમનું રુક્મિણી. એ રીતે જુઓ તો એક જ ઘરમાં રાધા, શ્યામ ને રુક્મિણી એ કેવો સંયોગ!
‘મને જોકે ડાન્સમાં ખાસ ગતાગમ નથી પડતી, પણ ઍકૅડેમીના ફુલ બેચિઝ પરથી એટલી ખબર પડે કે તમારા ગુરુજી શીખવે તો છે સારું!’
આમાં તથ્ય હતું. નૃત્યશિક્ષક તરીકે આસપાસના એરિયામાં ગુરુજીનું નામ પણ હતું. જોકે શીખનારી મોટા ભાગની છોકરીઓ જ હોય.
‘ગુરુજીની તુલના ન થઈ શકે ગુરુમા. પંદર જણના બૅચમાં ગુરુજી તમામ વિદ્યાર્થીઓ પર પૂરતું ધ્યાન આપે, અને મારા પર તો તેમનો વિશેષ ભાવ છે, મને કેટલું ઍન્કરેજ કરે છે!’
સુજાતાને  ગુરુમા પ્રત્યે પણ એટલો જ આદર. આરંગેત્રમમાં શું ગિફ્ટ થાય એમ પૂછ્યું તો કહી દીધું - ‘તારા ગુરુનું નામ રોશન કર એ જ મારી ગિફ્ટ!’
કેવાં સાલસ સન્નારી. સુજાતાને ક્યારેક પૂછવાનું મન થતું - ‘તમારાં લગ્નને સહેજેય પંદર-સત્તર વર્ષ થયાં હશે, છતાં તમારી ગોદ સૂની છે, ગુરુજીને કે તમને એનો અભાવ કનડતો નથી?’
આવું જોકે પુછાય નહીં અને ગુરુજી-ગુરુમાની ઉંમર ક્યાં વર્તાય છે! ગુરુમા તરફ કુદરત ક્યારેક તો રીઝશે.. 
જોકે સુજાતા પર કુદરતની મહેરબાની ઢૂંકડી હતી.
અશ્વિન.
સુજાતા સવાર-સાંજ ઘરના હૉલમાં ડાન્સ-પ્રૅક્ટિસ કરતી અને પોતાના ઘરની બાલ્કનીમાંથી સામી વિન્ગના ફ્લૅટમાં નાચતી સુજાતાની છબિ અશ્વિનના જુવાન હૈયાને ઘાયલ કરતી ગઈ : ‘આ તો સાવિત્રીઆન્ટીની લાડલી. મા તેનાં બહુ ગુણગાન કરતી હોય છે. કેવું સરસ નાચે છે!’ વાઇટ ડ્રેસ પર સોનેરી દુપટ્ટો વીંટાળીને ભરતનાટ્યમનાં સ્ટેપ્સ કરતી સુજાતાના નૃત્યમાં વીજળી હતી, જે બરાબર અશ્વિનના હૈયે ત્રાટકી.
પછી તો સુજાતાની પ્રૅક્ટિસના ટાઇમે બાલ્કનીમાં બેઠક જમાવવાની અશ્વિનની આદત થઈ ગઈ. બે-ત્રણ વાર સુજાતાએ પણ એ નોટિસ કર્યું, ‘મેઘનાઆન્ટીનો અશ્વિન બાલ્કનીમાં ઊભો મને જ તાકી રહ્યો છે કે શું!’ થોડું વિચિત્ર લાગ્યું, થોડી શરમ ઊપજી. હૉલની ગ્લાસવિન્ડો પર તેણે કર્ટન ઢાંકી દીધો. અશ્વિન માટે તેના દીદાર બંધ થયા, એ તો કેમ સહન થાય!
છોકરી ગમી ગઈ છે એટલું જાત સાથે કન્ફર્મ થયા પછી વાર શાની જોવાની! ત્યારે હજી મોબાઇલ આવ્યા નહોતા. અશ્વિને એ જમાનામાં થતું એમ નાના પથ્થરમાં વીંટાળીને ચિઠ્ઠી ફેંકી : ‘નજર લાગવાનો ભય હોય તો કાજલ કર, પડદો શું કામ ઢાળે છે!’
અશ્વિન ત્યારે માસ્ટર્સના છેલ્લા વર્ષમાં અને સુજાતાનું ગ્રૅજ્યુએશનનું અંતિમ વર્ષ. અશ્વિન અત્યંત સોહામણો તો સુજાતા સાક્ષાત્ રૂપસુંદરી.
અશ્વિનની હરકતે સુજાતાને તેને છેડવાનો મોકો મળી ગયો. સાંજે હાંડવાનો બાઉલ આપવા આવેલી સુજાતા આમ તો મેઘનાઆન્ટી સાથે બે-ચાર મિનિટ વાતો કરી તરત નીકળી જતી હોય, પણ આજે બાઉલ રસોડે મૂકી અશ્વિન પાસે ગઈ : ‘આન્ટી કહેતાં’તાં તમારી પાસે લતાજીનાં ગીતોનું ખાસ્સું એવું કલેક્શન છે... મને દેખાડશો?’
અશ્વિન પણ એકલાં પડવાની જ રાહ જોતો હતો. બન્ને તેની રૂમમાં ગયાં.
‘મેઘનાઆન્ટી તો તમને બહુ ડાહ્યો દીકરો ગણાવે છે. કહી દઉં તેમને કે તમે છોકરીઓને ચિઠ્ઠી ફેંકો છો?’
સુજાતાના પ્રશ્નમાં શરારત હતી. અશ્વિનને મૂંઝાતો જોઈ રમૂજ થતી હતી.
‘મેં બીજી કોઈ છોકરીને ચિઠ્ઠી નથી ફેંકી હોં સુજાતા, કેવળ તને જ.’
ખુલાસો કરતો અશ્વિન સુજાતાના હોઠો પર ફરકી જતા સ્મિતે અટક્યો. એ સ્મિતમાં, તેની આંખોમાં પડકાર હતો- ‘જુવાન છોકરી મનગમતા છોકરાને જ આપે એવો પડકાર!’ 
અને પોતાનું વાક્ય અધૂરું રાખીને અશ્વિને અચાનક જ સુજાતાનો ગાલ ચૂમી લીધો, ‘જા, હવે તારી આન્ટીને કહી દે કે તમારો છોકરો છોકરીને કિસ પણ કરતો ફરે છે!’
સુજાતા લાલચોળ થઈ. આ હરકત કોઈ બીજાની હોત તો સુજાતાએ લાફો વીંઝ્‍યો હોત. અત્યારે તો તે શરમથી પાણી-પાણી થઈ રહી.
‘મને ચૂમવાની ઇચ્છા હોય તો બંદા હાજર છે. હું સાવિત્રીઆન્ટીને નહીં કહું કે...’
એવી જ સુજાતાએ અશ્વિનની છાતીમાં મુઠ્ઠી વીંઝી, ‘સાવ એવા છો!’
અશ્વિને તેનો હાથ પકડી લીધો, ‘જેવો છું એવો તારો થઈને રહેવા 
માગું છું...’
એ ક્ષણ બે હૈયાંને એકમેકનાં કરવા પૂરતી હતી. અશ્વિનની કીકીમાં ઘૂઘવતા પ્રણયસાગરમાં સુજાતા નદી બનીને સમાઈ ગઈ.
એક તરફ વડીલોથી છાનો પ્રણય પાંગરી રહ્યો હતો, તો બીજી બાજુ આરંગેત્રમની તૈયારી પુરજોશમાં હતી. હવે તો ગુરુજી તેને અલગથી રિહર્સલ્સ માટે તેડાવતા. એક રવિવારે તે રિહર્સલમાં ગઈ ત્યારે ગુરુમા સામાન સાથે તૈયાર હતાં. પૂછતાં જાણ્યું કે તેઓ તેમના પિયર જામનગર જઈ રહ્યાં છે.
‘મારાં મધર બીમાર છે અને તેનું કરનારું કોઈ નથી. તેનું જુનવાણી માનસ દીકરીને ત્યાં આવવા તૈયાર નથી, ખબર નહીં ત્યાં કેટલું રોકાણ થાય. તમારા ગુરુજી પણ કહે છે કે માને એમ ઓછી પારકાંના ભરોસે છોડી દેવાય!’
સાંભળીને ગુરુજી પ્રત્યે અહોભાવ જાગ્યો હતો.
‘બની શકે કે માની આંતરડી ઠારું તો મારી ગોદ પણ...’
તેમનો અધ્યાહાર સમજાય એવો હતો. સુજાતાએ તેમનો પહોંચો પસવાર્યો, ‘સૌ સારાં વાનાં થશે. તમારાં મમ્મી બહુ જલદી ઠીક થઈ જવાનાં, જોજોને!
‘સુજાતા, હું તારાં ગુરુમાને સ્ટેશન મૂકીને આવ્યો, તું પ્રૅક્ટિસ ચાલુ રાખ.’
- આમ કહેતાં ગુરુજીની આંખોમાં ઝબકી ગયેલો તણખો મને પરખાયો હોત તો...
તો કદાચ એ ન બનત જે ગુરુમાની ગેરહાજરીમાં બનવાનું હતું!
- અત્યારે પણ એ સાંભરતાં સુજાતાદેવી સહેમી ઊઠ્યાં, ‘બિચારાં ગુરુમા. મુંબઈથી ટ્રેન છૂટી ત્યારે તેમને કલ્પના પણ ન હોય કે હાથ હલાવી ‘આવજો’ કહેનારા પતિનો આ છેલ્લો મેળાપ છે!
એ જ વખતે અશ્વિનનો ફોન આવતાં સુજાતાદેવીએ સ્મરણયાત્રા સમેટી લીધી.
lll
- ત્યારે લોનાવલામાં... 
‘આઇ લવ યુ સુરીલી’ આર્જવે હથેળી લંબાવી, ‘તારી પાસે જીવનભરના સાથનો કૉલ માગું છું, આપીશ?’
અને બીજી પળે સુરીલીએ તેની હથેળીમાં પોતાની હથેળી પરોવી દીધી.
બન્નેને ત્યારે જાણ નહોતી કે અમારા સંબંધનો છેડો ભૂતકાળની એક હત્યાની ઘટનાના અનુસંધાનમાં નિમિત્ત બનવાનો છે!

વધુ આવતી કાલે


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2022 08:58 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK