તેને મારીને લાશ દરિયામાં ફંગોળી દેવાય તો ન મૃતદેહનું સબૂત મળે, ન મર્ડર પુરવાર થાય!
વાર્તા-સપ્તાહ
ઇલસ્ટ્રેશન
જ્યોતિ કલશ છલકે...
ઘરમંદિરમાં ગુંજતા લતાના ભક્તિગીતે તાનિયા ભાવુક બની:
ADVERTISEMENT
મમ્મીનું આ પ્રિય ગીત... તાનિયા વાગોળી રહી.
શ્રાવકભાઈ-નીરુબહેનના લગ્નજીવનમાં સ્નેહ ભરપૂર રહ્યો. અમેરિકાના ઍટલાન્ટામાં સેટલ થયેલા દંપતીએ ઘરમાં ભારતીયપણું ધબકતું રાખેલું. મુંબઈના વતનથી કશુંક બનવાના સમણા સાથે અમેરિકા મૂવ થયેલા શ્રાવકભાઈ પછી તો ઍટલાન્ટાના ખ્યાતનામ લૉયર તરીકેની જાહોજલાલી પામ્યા. શ્રાવણભાઈને સમાંતર તેમના મામાનો દીકરો વિજય પણ અમેરિકા મૂવ થયેલો. તેણે મોટેલમાં નસીબ અજમાવ્યું. તેની વાઇફ દામિની જોડે નીરુબહેનનાં બહેનપણાં થઈ ગયેલાં એટલે અલગ-અલગ શહેરમાં વસ્યા હોવા છતાં તેમની ચોકડી જામી ગયેલી.
સંતાનનાં વધામણાં પણ
આગળ-પાછળ જ મળ્યાં.
વિજય-દામિનીને ત્યાં દીકરો
જન્મ્યો - અયન. એના વરસેક બાદ નીરુબહેને તાનિયાને જન્મ આપ્યો.
નાનપણમાં તાનિયા-અયનને ખાસ્સું ભળતું. વય વધવા સાથે પુરુષોની વ્યસ્તતા વધતી ગઈ એમાં ઐશ્વર્ય તો અમાપ બન્યું, પણ બેઉ ફૅમિલીનું મળવાનું નહીંવત્ થતું ગયું. તાનિયા-અયન પણ પોતાના વર્તુળમાં મશરૂફ થતાં ગયાં. અમેરિકન કલ્ચરમાં દીકરી બગડી
ન જાય એ માટે નીરુબહેન શરૂથી
ખબરદાર રહેલાં.
‘તમે પરદેશમાં પણ દીકરીને ઉછેરી જાણી, અમારા અયને રખડી ખાધું. હું ધંધામાં વ્યસ્ત અને દામિનીના લાડે દીકરા પર કન્ટ્રોલ જ નથી રહેવા દીધો.’ અયન કૉલેજ જતો થયા પછી વિજયઅંકલ પપ્પા સમક્ષ જુવાન દીકરો આડા રસ્તે ચડી ગયાનો અફસોસ ઠાલવતા એ તાનિયાના ધ્યાનબહાર નહોતું.
પિતા અયનને સુધારી શકે એવો કુદરતે મોકો પણ ક્યાં આપ્યો?
છ મહિના અગાઉ મુંબઈમાં
મૅરેજના સોશ્યલ ફંક્શન નિમિત્તે શ્રાવકભાઈ-નીરુબહેન અને
વિજયભાઈ-દામિનીબહેન હોંશભેર અહીંથી નીકળ્યાં, પણ ઉડાનના થોડાક કલાકમાં જ તેમનું પ્લેન ક્રૅશ થઈ ગયું!
તાનિયાની કૉલેજમાં ઇન્ટર્નલ એક્ઝામ્સ ન હોત તો છ દિવસની
તેમની શૉર્ટ વેડિંગ-ટૂરમાં તેય જોડાઈ હોત... તો અંત સમયમાં સૌ સાથે રહ્યાની તસલ્લી તો હોત! આ તો હું સાવ એકલી થઈ ગઈ!
‘તાનિયા, વી હૅવ ટુ મૂવ ઑન.’
પોતાના પેરન્ટ્સની ક્રિયાવિધિ પત્યા પછી અયન અહીં આવ્યો હતો. તાનિયાની સરખામણીએ સાવ સ્વસ્થ.
‘પપ્પાએ મને રોવા જેવું રાખ્યું
પણ શું છે?’
તેની કડવાશે તાનિયા ચમકેલી. પછી જાણ્યું કે દીકરાની નારાજગીનું કારણ હતી પિતાની વસિયત! અમેરિકા-મુંબઈમાં શ્રાવકભાઈની અબજોની મિલકતની એકમાત્ર વારસ તાનિયા હતી એવું અયનના કિસ્સામાં નહોતું બન્યું.
અયનનાં લક્ષણોથી ચેતેલા વિજયભાઈએ પત્ની સાથેના પોતાના સહિયારા વિલમાં બન્નેનાં મૃત્યુ બાદ મિલકતની સોંપણી અયનને કરવાને બદલે શ્રાવકભાઈ-નીરુબહેનને ટ્રસ્ટી ઘોષિત કરી અયનને માસિક ખર્ચની નિર્ધારિત રકમ મળવા જેટલી જ કૃપા વરસાવી હતી. અરે, સંજોગવશાત્ શ્રાવકભાઈ-નીરુબહેન પણ હયાત ન હોય તો તાનિયાને નૉમિનેટ કરાઈ હતી.
‘તેમને દુનિયામાં સૌથી ઓછો વિશ્વાસ મારા પર હતો...’ અયનના રોષ અને નારાજગી વચ્ચે પણ તાનિયાએ સમજાવવાની કોશિશ કરેલી - અંકલને કદાચ તારા પર વિશ્વાસ ઓછો હોય, પણ લાગણી તો તારા માટે જ હતી. એટલે તો મને કેવળ ટ્રસ્ટી બનાવી, કંઈ મિલકત મારા નામે નથી કરી ગયા.
પણ આ પાતળા ભેદનું ઊંડાણ સમજવાની અયનની પરિપક્વતા નહોતી અને વિજયઅંકલની અંતિમ ઇચ્છાને વળોટવાનું તાનિયા માટે શક્ય નહોતું. તે પણ સમજતી કે અંકલ ઉપરાંત આન્ટીને આ વિલ માટે ડૅડીએ જ કન્વિન્સ કર્યાં હોય... તાનિયા જોકે અયનની નારાજગી ગણકાર્યા વગર તેનો રોજિંદો વહેવાર ખોરવાય નહીં એની કાળજી રાખતી, ફોન કરીને ખબરઅંતર પૂછી લેતી. જાણે વિલની કડવાશ વીસરાઈ ગઈ હોય એમ અયન હવે ક્યારેક હસીમજાક કરતો થયો. તાનિયાએ એને શુભ લક્ષણ માન્યું. ધીરે-ધીરે બેઉ રોજિંદી ઘટમાળમાં પરોવાતાં જતાં હતાં. તાનિયા જોકે હજીયે કદી ઉદાસ થઈ જતી ખરી.
‘યુ નીડ ચેન્જ...’ મહિના અગાઉ ઘરે આવીને અયને પ્રસ્તાવ મૂક્યો હતો. ‘તું પ્રૉપર્ટીના કામ બાબત મુંબઈ જવાનું બોલતી હતીને, ધેન લુક ઍટ ધિસ. ’
તેણે ધરેલું પૅમ્ફ્લેટ જોતાં તાનિયા ફિક્કું મલકેલી – ન્યુ યૉર્કથી વર્લ્ડ-ટૂર માટે ઊપડનારી લક્ઝરી લાઇનરની એ જાહેરાત હતી. જૉન્સન શિપિંગ કંપનીની ક્રૂઝ ટૂર્સ બહુ ફેમસ છે. એમની રૉયલ ગણાતી ‘ઍટલાન્ટિક’ લાઇનર પાછલાં છ વરસથી વિશ્વપ્રવાસ ખેડી રહી છે.
‘નેક્સ્ટ મન્થ એનું ડિપાર્ચર છે.
તારે એમાં મુંબઈ જવું જોઈએ. સવાબે મહિને તું મુંબઈ પહોંચીશ તાનિયા ત્યાં સુધીમાં કેટલા દેશો ફરી લઈશ. નવા માહોલમાં જૂનું દર્દ વીસરાય નહીં તો ઘા રૂઝશે તો અવશ્ય.’
ત્યારે તાનિયાથી ઇનકાર ન થયો. આમેય ‘ઍટલાન્ટિક’નો પ્રવાસ લહાવો ગણાય છે. તેના હકારે અયને ઑનલાઇન ટિકિટ બુક કરાવી દીધી હતી.
- અને આજે ટૂર માટે નીકળવાનો સમય પણ આવી ગયો... ઍટલાન્ટાથી ન્યુ યૉર્કની અત્યારની અર્લી મૉર્નિંગ ફ્લાઇટ પકડીને ન્યુ યૉર્ક પહોંચવાનું હતું. ત્યાંથી બરાબર પાંચના ટકોરે જહાજ તરતું મુકાશે... સાયોનારા કહેવા અયન ગઈ કાલનો આવી ગયેલો - જતી વેળા તારે નબળા પડવાનું નથી!
અત્યારે તાનિયાએ ઘરમંદિરમાં મૂકેલી પપ્પા-મમ્મીની છબિને વંદન કર્યાં. એ જોઈને પાછળ ઊભેલા અયનના ચિત્તમાં પડઘો પડ્યો - ચિંતા ન કર તાનિ, બહુ જલદી તને તારાં માબાપનો ભેટો થવાનો; જહાજની યાત્રા તારી અંતિમ યાત્રા બની રહેવાની છે!
માતા-પિતાની અણધારી વિદાયે અયન હેબતાયેલો, પણ પછી વિલ ખૂલતાં અણખટ જ રહી : પપ્પાએ ટ્રસ્ટી તરીકે આદર્શવાસીઓને જ મૂક્યા! તાનિયા કદાપિ પપ્પાના લખાણની ઉપરવટ જાય નહીં... કાશ, તાનિયા પણ બધા ભેગી સ્વર્ગે સિધાવી હોત તો મારે તેની મહેરબાની પર જીવવા જેટલું બનત નહીં!
- આ તો હજીયે શક્ય છે, ધારો કે તાનિયા જ ન રહે તો? તાનિયા પ્રત્યે મને અંગત વેર નથી; પણ તાનિયાએ હજી તેનું વિલ બનાવ્યું નથી, તેને સૂઝ્યું પણ નહીં હોય. મતલબ તાનિયાનું મૃત્યુ થાય તો દેખીતો ફાયદો પોતાને થવાનો. મને મારા ડૅડીની મિલકતના હક તો મળે જ, સાથે શ્રાવકઅંકલની સંપત્તિનો વારસ પણ એકમાત્ર નિકટના સ્વજન તરીકે હું જ ગણાઉં!
આ ગણતરીએ અયનની લાળ ટપકેલી. તાનિયાના મર્ડરના નિર્ણય પર એ જ ઘડીએ મહોર મરાઈ ગઈ.
- અલબત્ત, ખૂન એ રીતે થવું જોઈએ કે એમાં કોઈને મર્ડર ગંધાય નહીં. અધરવાઇઝ બેનિફિશયરીના નામે પ્રથમ શકમંદ હું જ ઠરું!
આ માટે જુદા-જુદા ઑપ્શન્સનાં લેખાંજોખાં ચાલતાં હતાં ત્યાં ક્રૂઝની જાહેરાત નજરે ચડી. ધારો કે તાનિયા આ સફરમાં જોડાઈ હોય ને ત્યાં તેનું ખૂન થાય તો? અરે, તેને મારીને લાશ દરિયામાં ફંગોળી દેવાય તો ન મૃતદેહનું સબૂત મળે, ન મર્ડર પુરવાર થાય! પછી મારા પર કોઈ ચાર્જ લાગવાની સંભાવના જ ક્યાં રહી? અલબત્ત, એ માટે પોતે ભાડૂતી હત્યારાને હાયર કરવો પડે ને તેને પણ સફરમાં મોકલવાનો બંદોબસ્ત કરવો પડે... સો વૉટ!
‘ઍટલાન્ટિક’માં સફર ખેડવા તાનિયા તૈયાર થઈ એ પહેલી જીત હતી. ભાડૂતી ખૂનીને ખોળવો પણ એટલું મુશ્કેલ નહોતું. શહેરની અંધારી ગલીઓથી વાકેફ હતો પોતે. બેશક, થોડું કૉસ્ટ્લી રહ્યું, બટ રિટર્નની સામે તો
ચણા-મમરા જેવું જ ગણાય!
પોતાનો ઇરાદો ચહેરા પર છલકાઈ જાય એ પહેલાં મનોભાવ પર લગામ તાણી દીધી અયને!
lll
અને તાનિયાનું પ્લેન લૅન્ડ થયું.
કાશ, મમ્મી-પપ્પાનું પ્લેન પણ આમ જ મુંબઈ ઍરપોર્ટ પર લૅન્ડ કરી શક્યું હોત!
જોકે બંદરગાહની ટૅક્સી પકડવા સુધીમાં તાનિયાએ જાતને સમજાવી દીધી - વિષાદયોગમાંથી બહાર નીકળવા માટેનો આ પ્રવાસ છે; હું એને ખુશી-ખુશી માણીશ, પપ્પા-મમ્મીને એ જ ગમવાનું!
ટૅક્સી બંદરના ગેટમાં પ્રવેશી. દૂર ઊભી સ્ટીમરને જોતાં તાનિયામાં પ્રવાસીનો ઉત્સાહ છલકાવા માંડ્યો.
lll
અને તોતિંગ સ્ટીમરનાં લંગર ઊંચકાયાં. ‘ઍટલાન્ટિક’ સમુદ્રમાં તરતું થયું. વિદાય આપવા આવેલા સ્વજનો દૂર-દૂર થતા ગયા. સાગર-સફરને માણી લેવાના ઉત્સાહથી પ્રવાસીઓ પોતપોતાની રૂમમાં થાળે પડવામાં પરોવાયા.
lll
‘વેલકમ ટુ ધ વૉયેજ!’
સાંજે સાડાછના સુમારે અપર ડેક પર રાખેલા નાનકડા ગેટ-ટુગેધરમાં ઉતારુઓને આવકારતાં કૅપ્ટન
સ્મિથસને ટૂંકા પ્રવચનમાં યાત્રા સુખદ નીવડે એવી શુભેચ્છા પાઠવી ત્યારે મોટા ભાગના પ્રવાસીઓ તો હજી સેટલ થવામાં બિઝી હતા.
આમ તો જહાજની વૈભવી સફર શ્રીમંતોને જ પરવડે; પરંતુ એમાંય સુપર રિચ, સેલિબ્રિટીઝ માટે રૉયલ ક્લાસ, એથી ઊતરતો સેમી રૉયલ ક્લાસ અને છેવટના એક્ઝિક્યુટિવ ક્લાસની કૅબિનની સવલત હતી. વર્લ્ડ-ટૂર કરનારા પ્રવાસીઓ ગણ્યાગાંઠ્યા હોવાના. મોટા ભાગના અઠવાડિયાથી દસ-પંદર દહાડાની ટૂરથી વન્સ ઇન અ લાઇફટાઇમ જેવા પ્રવાસનો સંતોષ માણે છે એટલે તો જહાજ પર પ્રવાસીઓની ચડ-ઊતર થતી રહેવાની.
આશરે ચાર હજાર જેટલો માનવમેળો જ્યાં જામ્યો હોય ત્યાં કશું જ અઘટિત ન બને એમ કેમ મનાય? એટલે તો શિપના એક્ઝિક્યુટિવ ક્લાસના બિલ્ડિંગના બેઝમેન્ટમાં દસ બેડની હૉસ્પિટલ છે, શિપની પોતાની સિક્યૉરિટી ટીમ છે, CCTV કૅમેરા જેવી ચોકીદારી તો ખરી જ. કીમતી જર-ઝવેરાતની સાચવણી માટે સેફ પણ રેન્ટ પર ઉપલબ્ધ છે. બાકી રૂમમાંથી કંઈ ચોરાયું તો એની જવાબદારી શિપિંગ કંપની લેતી નથી. ટિકિટ સાથે પ્રવાસીઓને અપાયેલી સૂચનામાં લખાયું જ છે કે યાત્રામાં કીમતી સામાન રાખવો નહીં, રાખો તો તમારા જોખમે!
ન્યુ યૉર્કથી ચડનારા એક યંગ કપલમાંથી હસબન્ડે ડેક પર વેલકમ માટે ઊભેલા શિપના ઑફિસરને શેકહૅન્ડ કરતાં પૂછી લીધેલું : તમે જોખમી સામાનની મના ફરમાવેલી, પણ હું તો મારી વાઇફને લઈને આવ્યો છું! તેને રાખવાની કોઈ સેફ છે ખરી?
તેણે ટીખળ કરી તો ઑફિસરે પણ મલકીને કહી દીધું : આપ તમારું જોખમ મને આપી શકો છો, હું બહુ પ્રેમથી સંભાળી લઈશ!
સાંભળીને ક્યુમાં તેમની પાછળ ઊભી તાનિયા હસવું રોકી નહોતી શકી.
પાછળ વળી, તેના તરફ મલકી લઈને પત્નીએ બેઉ પુરુષોને સંભળાવ્યું હતું - આપ સાહેબોએ મારી ચિંતા કરવાની જરૂર નથી, હું મારી સંભાળ ખુદ રાખી શકું એમ છું!
આગળ વધી તેણે પતિને ઠોસો માર્યો - તમારે દોઢડાહ્યા થવાની શી જરૂર હતી?
‘અરે યાર, મને શું ખબર કે તે આમ ચાન્સ મારી લેશે?’ તેમની ગુજરાતી બોલી સાંભળીને તાનિયાએ પરિચયની પહેલ કરતાં પત્નીએ કહ્યું, ‘હું મૌનવી, આ મારા હસબન્ડ માનસ ઝવેરી. અમે ન્યુ યૉર્કબેઝ્ડ વર્કિંગ કપલ છીએ. લગ્નને ત્રણ વરસ થયાં. અમે ન્યુ યૉર્કથી લંડનની અઠવાડિયાની ટૂર લીધી છે.’
જોગાનુજોગ એક્ઝિક્યુટિવ કલાસમાં તેમની રૂમ્સ એક જ બિલ્ડિંગમાં નીકળી. માનસ-મૌનવી સાતમા માળે, તાનિયા પાંચમા માળે. લિફ્ટમાંથી છૂટાં પડતાં તાનિયાએ કહેલું, ‘સી યુ ધેન, મળતાં રહીશું.’
રૂમમાં સેટ થઈ, ફ્રેશ થઈને તાનિયા અપર ડેકની પાર્ટીમાં પ્રવેશી ત્યારે કૅપ્ટનનું પ્રવચન પતી ગયેલું. પ્રવાસીઓ પોતપોતાનું ગ્રુપ બનાવવામાં વ્યસ્ત લાગ્યા એમાં મૌનવી-માનવ ન દેખાયાં.
તાનિયા બેરા પાસેથી રેડ વાઇનનો ગ્લાસ લઈ ડેકની રેલિંગ તરફ વળી.
‘તમને પણ એકલા રહેવું ગમે છે?’
પીઠ પાછળના સવાલે તાનિયા ઊલટી ફરી. બ્લુ જીન્સ, રેડ શર્ટ પર બ્લૅક બ્લેઝરમાં અત્યંત સોહામણો દેખાતો ૨૫-૨૬ વરસનો જુવાન આછા સ્મિતભેર પૂછી-કહી રહ્યો છે, ‘હાય, આઇ ઍમ અતીત શાહ.’
‘જી, હું તાનિયા...’
તાનિયા વિશેષ કંઈ કહે એ પહેલાં પાર્ટીમાં ચહલપહલ મચતી દેખાઈ. બે-ચાર સીટી પડી.
તાનિયાને સમજાયું કે વાઇટ ગાઉનમાં સજ્જ ત્રીસેક વરસની સ્ત્રીના પ્રવેશનું આ રીઍક્શન છે.
‘મૅડમ સેલિબ્રિટી લાગે છે.’ તાનિયાએ જુવાન તરફ જોયું. ‘તમે ઓળખો છો?’
માની ન શકાતું હોય એમ અતીત તાનિયાને તાકી રહ્યો. એમાં સચ્ચાઈ વર્તાતાં કહેવું પડ્યું,
‘શી ઇઝ કાવેરી રૉય. ભારતીય મૂળની કાવેરી USAની મોસ્ટ સર્ચ્ડ પૉર્નસ્ટાર છે!’
હેં! તાનિયાએ ધાર્યું નહોતું કે
સાગર-સફરમાં પૉર્નસ્ટાર પણ ભટકાશે!
(ક્રમશ:)