Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અભિનેત્રી… યે દિલ તુમ બિન કહીં લગતા નહીં (પ્રકરણ ૨)

અભિનેત્રી… યે દિલ તુમ બિન કહીં લગતા નહીં (પ્રકરણ ૨)

Published : 16 December, 2025 09:00 AM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

શરાબ-શબાબનો સંગ માણવાના તેના સંસ્કાર નહોતા. એવી જરૂર વર્તાય એવું પણ ક્યાં હતું? દેવદત્ત કામદેવથી સોહામણો હોય તો બિન્દિયામાં હજારગણું રતિપણું હતું.

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


મારા દેવ... દેવદત્ત!

સાઇરન વગાડતી ઍમ્બ્યુલન્સ કલાવતી તરફ સરકી રહી છે. ઑક્સિજન માસ્ક સાથે સ્ટ્રેચર પર પોઢેલા પતિના પડખે બેઠેલા બિન્દિયાદેવી સજળ નેત્રે દેવદત્તને નિહાળી રહ્યાં.



ભારતીય ફિલ્મોના હી-મૅન ધર્મેન્દ્ર કહેવાયા, ૧૯૭૫માં ૨૫-૨૭ વર્ષની ઉંમરે ફિલ્મોમાં પહેલો બ્રેક મેળવનાર દેવદત્ત તેમના એક્સટેન્શન જેવા હતા. કસરતથી કસાયેલી કાયા, સોહામણું મુખડું અને સીધું કાળજે વાગે એવું ખંજનભર્યું સ્મિત...


બિન્દિયાદેવી વાગોળી રહ્યાં:

બિહારથી હીરો બનવા મુંબઈ આવેલા દેવદત્તનો આદર્શ ધર્મેન્દ્ર હતા અને તેમની જેમ જ, ફિલ્મોમાં આવતાં પહેલાં પરણી ચૂકેલા. ગામના ઘરે પાડોશમાં રહેતી બિન્દિયા જોડે બાળપણની પ્રીત મુંબઈ આવતાં પહેલાં લગ્નમાં પરિણમી હતી. કહો કે ફિલ્મોમાં પ્રવેશવા માટેની એ પૂર્વશરત હતી! 


જમીનદાર પિતાના ઘરે જાહોજલાલી હતી, પણ દેવનું મન અખાડામાં અને સિનેમામાં વધુ રહેતું. ઘરનાને મનાવવા તેણે માશૂકાનો સહારો લીધો:

બિન્દી, તું કહેશે તો પિતાજી ફિલ્મોમાં મને કામ કરવાની ના નહીં પાડે... તારા પર ભરોસો છે તેમને.

દેવની વાતમાં તથ્ય હતું. એક જ ફળિયામાં રહેતા રામકુમાર જોડે દેવના પિતા જગજીવનરામની જિગરજાન મૈત્રી હતી, બેઉ ઘર વચ્ચે ઘરોબો હતો અને મિત્રની દીકરી બિન્દિયા જગજીવનરામને જ નહીં, દેવની માતા માયાગૌરીનેય એટલી જ વહાલી હતી.

નાનપણથી સાથે રમતાં દેવ-બિન્દિયા વચ્ચે ચડતી જવાનીમાં પ્રીત પાંગરવી સ્વાભાવિક હતી અને બેઉ ઘરમાં આનો આનંદ જ હોય!

દેવનું હીરો બનવાનું સમણું બિન્દિયાથી છૂપું નહોતું ને તેના કહેવાથી જગજીવનરામ માની ગયા, પણ એક શરતે : દેવ મુંબઈ જશે, પણ ખીલે બંધાઈને. ફિલ્મલાઇનની રૂપાળી ઓરતોને જોઈ તેણે લપસવાનું નથી, લવ-લફરા કરી બાપદાદાનું નામ બોળવાનું નથી. એટલે જ જતાં પહેલાં બિન્દિયા સાથે પરણી જોડે તેનેય મુંબઈ લઈ જવાની રહેશે...

દેવને આનો વાંધો ક્યાં હતો?

તેના હૈયે પ્રીતનો રંગ પાકો હતો,

શરાબ-શબાબનો સંગ માણવાના તેના સંસ્કાર નહોતા. એવી જરૂર વર્તાય એવું પણ ક્યાં હતું? દેવદત્ત કામદેવથી સોહામણો હોય તો બિન્દિયામાં હજારગણું રતિપણું હતું.

દીકરાને ધામધૂમથી પરણાવી જગજીવનરામે જુહુના દરિયાકિનારે નાનકડા કૉટેજ જેવા રળિયામણા બંગલાની ચાવી વહુને થમાવી: લો, પતિના સમણાની સફરમાં તમે

સહભાગી બનજો!

નવદંપતી મુંબઈના ઘરમાં થાળે પડ્યું. અહીં નોકર-ગાડી સહિતની તમામ સવલત હતી. ગર્ભશ્રીમંત પરિવારના વારસ તરીકે દેવને આર્થિક સંઘર્ષ ભલે નહોતો, પણ ફિલ્મલાઇનમાં બ્રેક માટે તેણે સ્ટુડિયોનાં ચક્કર કાપવાં માંડ્યાં.

‘કૈસે લોગ હૈં યહાં!’ ક્યારેક અકળાઈને તે બિન્દિયાને કહેતો: હીરોના રોલ માટે ફાઇનૅન્સરની વાઇફ તેની સાથે સૂવાની શરત મૂકે છે... કેવું પતન!

શક્ય છે આવા બેચાર અનુભવ પછી દેવદત્તના માથેથી સિનેમાનું ભૂત ઊતરી ગયું હોત, પણ એ પહેલાં તેને સાઇડ રોલની ફિલ્મ મળી. ખરેખર તો ફિલ્મના હીરો તેના પ્રિય ધર્મેન્દ્ર હતા એટલે તેણે સમાંતર ભૂમિકા પણ સ્વીકારી લીધી. એ ફિલ્મ સફળ રહી. દેવની નોંધ લેવાઈ અને વરસ પછી હીરો તરીકે તેમની સોલો ફિલ્મ ‘કોહરા’ સુપરહિટ નીવડતાં દેવદત્તે પાછું જોવાનું ન રહ્યું.

કિસ્મત પુરબહાર મહેરબાન હોય એમ દેવદત્તના હીરો તરીકે સિતારા બુલંદ હતા તો ઘરઆંગણે ત્રણ વરસમાં બે દીકરાઓના આગમને પરિવાર પૂર્ણ બન્યાનો હરખ હતો. મોટો દીકરો આસ્તિક અને નાનો નિર્વાણ દેવદત્તની આંખના તારા હતા.

‘મુઝે જલન હોતી હે.’

બિન્દિયા મેશના ટપકા જેવું ટકોરતી: તમે આસ્તિક-નિર્વાણ સાથે એવા રમમાણ થાઓ છો કે મને થાય, તમારા હૈયે હવે મારા માટે જગ્યા છે પણ ખરી!

જવાબમાં દેવદત્ત તેને ભીંસી

નાખતો: હૈયે શું, તું તો મારા રોમરોમમાં વસી છે પ્રિયે!

અનરાધાર પ્રણયવર્ષામાં બિન્દિયા તરબોળ થઈ જતી.

દેવદત્તની કારકિર્દીમાં માઇલસ્ટોન બની ૧૯૮૦ની ‘બેકાબૂ’! હૉલીવુડના રૅમ્બોને ત્યારે હજી બે વર્ષની વાર હતી. સિક્સ-પૅક જેવો શબ્દ ચલણમાં નહોતો ત્યારે. હાથમાં મશીનગન સાથે પોતાના મસ્ક્યુલર દેહના દેખાવથી દેવદત્તે તહેલકો સર્જેલો. ઍક્શન થ્રિલર મૂવી બ્લૉકબસ્ટર તો રહી જ, યુવતીઓ પત્ર લખી તેના શર્ટલેસ ફોટોઝ માગતી એ હદની દીવાનગી વ્યાપી.

અને છતાં દેવદત્તની છાપ

ફૅમિલી-મૅન તરીકેની હતી. પ્રણય દૃશ્યોમાં દેવદત્ત સભાન રહેતો. તે પરણેલો હોવાનું જાહેર હતું, પણ પોતાની ફૅમિલીને તેણે ગ્લૅમર-લાઇફથી દૂર જ રાખી હતી. બિન્દિયાને ખુદને લાઇમલાઇટ પસંદ નહોતી. બેઉ દીકરાઓ માટે તે પડદાના હીરોને બદલે પિતા દેવદત્ત જ રહ્યો. એ જમાનાની ટોચની તમામ હિરાઇનો સાથે તેની જોડી જામી, પણ કોઈ જોડે લફરા નહીં. પાર્ટીઝમાં જાય ખરો, પણ દારૂને અડકે નહીં એ મનાય નહીં એવી હકીકત હતી. લતાજી અને ધર્મેન્દ્ર સાથે તેને હંમેશાં આદરના સંબંધ રહ્યા, બાકી ભાગ્યે જ કોઈ ફિલ્મી હસ્તી સાથે તેણે ઘરવટ રાખી. કદાચ એટલે પણ આસ્તિક-નિર્વાણને ફિલ્મોમાં રસ ન પડ્યો. બેઉ પિતા જેવા જ દેખાવડા, પણ તેની જેમ અભિનયમાં કમાલ દાખવવાનું તેમનું ડ્રીમ જ નહોતું. અભ્યાસમાં સ્કૉલર એટલે ITનું ભણી અમેરિકામાં પોતાનું સ્ટાર્ટઅપ ચલાવે છે, સિલિકૉન વૅલીમાં તેમનાં વૈભવી ઘરો છે. પિતાની જેમ દીકરાઓએ પણ લવ-મૅરેજ કર્યાં છે. તેમને ત્યાં દીકરા-દીકરીનો વેલો વિસ્તર્યો છે.

બિન્દિયાદેવીએ પાંપણની ભીનાશ લૂછી કડી સાંધી:

આમ તો દેવદત્તે હંમેશાં હીરો તરીકે લગભગ પચાસ-પંચાવનની ઉંમર સુધી કામ કર્યું, પછી ફાલતુ રોલ કરવાને બદલે માનભેર રિટાયર થઈ ગયા. અલબત્ત, વિવિધ શોમાં ગેસ્ટ તરીકે જતા, સોશ્યલ મીડિયામાં ઍક્ટિવ હતા અને અફકોર્સ, સેવન્ટી ફાઇવ પ્લસ હોવા છતાં ફિટ ઍન્ડ હૅન્ડસમ હતા. બે વર્ષ અગાઉ અમારી પચાસમી લગ્નતિથિની વતનમાં સહપરિવાર ભવ્ય ઉજવણી કરી ત્યારે દેવદત્ત બોલ્યા પણ હતા : ઈશ્વરે મને મારી લાયકાત કરતાં વધું આપ્યું, સતત આપ્યું, હવે એટલું જ માગું છું કે પરિવાર, પ્રતિષ્ઠા અકબંધ છે ત્યારે મને ઉઠાવી લે તો કોઈ રંજ ન રહે...

 અને જુઓ, આજે તમે આમ...

બિન્દિયાદેવીથી ધ્રુસકું નખાઈ ગયું.

ના, તમને આમ તો જવા જ કેમ દેવાય! દૂરનો ભૂતકાળ ગર્જતો હોય એમ બિન્દિયાદેવી જરા થથરી ગયાં: મારા પાપના પ્રાયશ્ચિત્ત વિના તો તમને નહીં જ જવા દઉં, તમે જઈ જ કેમ શકો?

અને તેમની આંખો વરસી રહી.

lll

તારિકા દૂરથી ડૉક્ટર અનુરાગને નિહાળી રહી.

બોલ, તારા રુદિયામાં તેના માટે પ્રીત છલોછલ છે ને છતાં તું એ છુપાવે છે એ હિસાબે તું પણ અભિનેત્રી જ થઈને!

જાતને ટપારતી તારિકાને અભિનેત્રી શબ્દે લાજવંતી સાંભરી ગયાં.

એકલપંડાં લાજો આન્ટી મને દીકરી જેવું વહાલ કરે છે. ક્યારેક ઘરે આવી તેમની જીવનગાથાના સૂર છેડે ત્યારે અભિભૂત થવાય. વર્કિંગ ગર્લ તરીકે તારિકાને કામે જતી સ્ત્રીઓના સંઘર્ષનો અણસાર હતો, એમાં આ તો લપસણી ભૂમિ પર પગ જમાવવાની સાથે ગળથૂથીમાં મળેલા સંસ્કાર નિભાવવાની જહેમત.

અત્યારે તારિકાએ સવારે અધૂરી રહેલી વિચારયાત્રા આગળ ધપાવી:

‘કોઈની બદનીયતને તાબે થઈ હિરોઇનનો રોલ મેળવવા કરતાં સ્વમાનભેર જે નાનું-મોટું કામ મળતું રહે એ હું કરતી ગઈ, એમાં એક તબક્કે...’

કહેતાં લાજવંતી સમાધિવશ થઈ જતાં. આંખોમાં ભૂતકાળની ગમતીલી ગલીમાં પહોંચી ચૂક્યાનો આનંદ તરવરતો. એમાં હળવે-હળવે વિષાદની છાંટ ભળતી અને તારિકા તેમનો પહોંચો પસવારતી એમાં સળવળતી પાંપણ પટપટાવી લાજવંતી એ આખો તબક્કો પચાવી જતાં હોય એમ ફીકું મલકી નસીબને આગળ કરી દેતાં: ખેર, છેવટે તો કિસ્મતમાં લખ્યું હોય એ જ થાય છે. પોતાની જાતને હેમા માલિનીથી ચડિયાતી માનનારી હું આખરે ફિલ્મોની એક્સ્ટ્રા બનીને રહી ગઈ. ગાડું ગબડતું રહ્યું. શરૂથી બચતની ટેવ પાડેલી. પરિણામે પાછલાં પાંચ–સાત વરસથી કામ નથી કરતી તોય નિર્વાહ જેટલું વ્યાજ તો બચતમૂડીમાંથી મળી રહે છે.’

કેવી આ સ્ત્રીની સફર! તેમના ઘરમાં તેમણે જોકે જૂની નિશાનીઓ રાખી નથી. ખપ પૂરતું રાચરચીલું, ટીવી-ફ્રિજ, ACની સગવડ. બેડરૂમના કબાટ પર લોખંડની મોટી તાળાબંધ પેટી જોઈ તારિકા હસેલી : આમાં કોઈ ખજાનો છુપાવ્યો છે કે શું!

લાજવંતી સામું મલકેલાં : ખજાનો હતો ક્યારેક... શૂટિંગના ફોટાઓ, પ્રીમિયરની તસવીરો, સેટ પર જાણીતાં હીરો-હિરાઇનો સાથે પડાવેલા ફોટોનાં ચાર-છ આલબમ હતાં, જૂના ઘરમાં એમને ઊધઈ લાગી ગઈ એટલે અહીં આવતાં પહેલાં બધું કાઢી નાખ્યું. બેત્રણ ભારે સાડી પટારામાં છે, એની ચાવી તને જ આપતી જઈશ.’ લાજવંતી વહાલથી તારિકાના માથે હાથ ફેરવતાં: મારે બીજું છે કોણ?  

તેમનો ભાવ તારિકાને સ્પર્શી જતો. લાજવંતી પાંસઠની વયે પણ નમણાં, રૂપાળાં લાગે છે; જુવાનીમાં તો તેમનો ઠાઠ જ નિરાળો હશે...

અને તારિકા પૂછી બેસતી : ફિલ્મની હિરોઇન તો ચાલો તમે ન બની શક્યાં, પણ તમારી લાઇફમાં કોઈ રિયલ હીરો ન આવ્યો?

બોલ્યા પછી તારિકાને અજુગતું લાગેલું. એમ કોઈને આજીવન કુંવારાં રહેવાનું કારણ ઓછું પુછાય!

લાજવંતી પણ ચહેરા પર સ્મિતનું આવરણ ચડાવી હસવામાં વાત ટાળી દેતાં: લગ્નનાં વાજાં કિસ્મતમાં લખ્યાં હોય તો જ વાગે!

‘આઇ ઍગ્રી ટુ ધૅટ...’

વળી અનુરાગના શબ્દો પડઘાતાં તારિકાના હોઠ મલકી ગયા.

અનુરાગ ક્યારેક કૉફી લઈ નર્સના ટેબલ પર આવી ચડે ને ફુરસદની ક્ષણોમાં એકાદ વાર તારિકાથી લાજો આન્ટીનો ઉલ્લેખ થઈ ગયેલો: અમારા માળામાં એક આન્ટી રહે છે જે એક સમયે ફિલ્મોમાં એક્સ્ટ્રાનું કામ કરતાં...

અનુરાગ રસપૂર્વક સાંભળે, પૂછે પણ ખરો: લાજો આન્ટીની કોઈ ફિલ્મનું નામ તો બોલો. મને જૂની મૂવીઝનો શોખ છે...

‘એવી કોઈ એક ફિલ્મ તો તેમણે કહી નથી, પણ ૧૯૮૨થી ૧૯૯૫ સુધી તેમણે એકધારું કામ કર્યું અને એટલી ફિલ્મો કરી કે દરેકના નામે યાદ નથી એવું તે કહેતાં હોય છે...’

છતાં અનુરાગની પૂછપરછે પોતાનું કુતૂહલ સળવળતું થયું હોય એમ તારિકા લાજવંતીને પૂછતી: તમે ભલે એક્સ્ટ્રામાં દેખાયાં, પણ કોઈ ફિલ્મમાં એકાદ ડાયલૉગ તો બોલ્યાં હશોને... 

તે મંડી જ રહી ત્યારે લાજવંતીએ યાદદાસ્ત કસતાં હોય એમ વિચારીને કહેવું પડ્યું: એક ફિલ્મ મને યાદ આવે છે... ‘મેરા ધરમ’ નામની એ ફિલ્મમાં મારા થોડા સીન હતા, લતાજીના ગીત પર મને લિપ-સિન્ક કરવાનો મોકો મળેલો, એ ખુશનસીબી જ કહેવાયને!

બીજી બપોરે અનુરાગને કહેતાં તેણે ફિલ્મ સર્ચ કરી: ઓહ, આ તો ૧૯૮૫ની હિટ મૂવી છે, દેવદત્ત એના હીરો છે.

દેવદત્ત. ભારતીય સિનેમાના મૅચો મૅન!

‘આઇ ઑલ્વેઝ એન્જૉય હિઝ મૂવીઝ!’ અનુરાગે કહેલું, ‘ઇન ફૅક્ટ પુરુષને પણ ઈર્ષા થાય એવું પર્ફેક્ટ ફિગર તેમનું હતું... વૉટ ઇઝ ધૅટ વર્ડ?, યા, રોરિંગ મેલનેસ તેમનામાં હતી. કસરતનો શોખ મને તેમના કારણે લાગ્યો..’

ત્યારે હજી અલીબાગની ઘટના બની નહોતી પણ એ બન્યા પછી હવે જ્યારે એ બધું સંભારું છું ત્યારે હૈયું એવું તો જોર-જોરથી ધડકવા લાગે છે!

‘તારિકા!’ અત્યારે અનુરાગને સાદ પાડતો જોઈ તારિકાએ વિચારવહેણ આડે પાળ કરી દીધી. 

અનુરાગ દોડી આવ્યો: ઇમર્જન્સી. દેવદત્તસરને અહીં લાવી રહ્યા છે!

હેં!

lll

‘આન્ટી, તમે કાંઈ સાંભળ્યું?’

સાંજે ડ્યુટી પરથી પરત થતી તારિકાએ ઓટલે બેસી તુવેર ફોલતાં લાજવંતી પાસે ગોઠવાઈ સમાચાર આપ્યા, ‘તમારા જમાનાનો પેલો ફિલ્મનો હીરો ખરોને, દેવદત્ત, તેમને હાર્ટ-અટૅક આવી ગયો.’

હેં! લાજવંતી ઊભાં થઈ ગયાં. ખોળામાંથી તુવેરની થાળી વચકી પડી, દાણા વેરાઈ ગયા.

‘આન્ટી, તમને આટલું વસમું લાગ્યું?’

તારિકાએ અચરજ જતાવતાં ખુદને કાબૂમાં આણતાં બહુ શ્રમ પડ્યો લાજવંતીને. આ છોકરીને કેમ કહેવું કે મારા માટે આ સમાચારનો સંબંધ પરણેતરને સુહાગના ચાંદલા સાથે હોય એવો જ છે!

(વધુ આવતી કાલે)

Whatsapp-channel Whatsapp-channel

16 December, 2025 09:00 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK