Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સ્નેહસેતુ

સ્નેહસેતુ

26 March, 2023 04:21 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘મને માફ કરી દે સાહિલ. મને ખબર છે મેં ઘણું મોડું કર્યું છે, પણ હવે હું મારી ભૂલનો સ્વીકાર કરું છું. તને ઘણા સમયથી ફોન કરવાનું વિચારતી હતી, પણ ક્યાંક મારો અહમ્ મને નડતો હતો.’

સ્નેહસેતુ

શોર્ટ સ્ટોરી

સ્નેહસેતુ


આજે નિશાનો જન્મદિવસ હતો. તેના પતિ સાહિલના ઑફિસથી આવવાના સમયે નિશાએ ઘરની સાથે પોતાને પણ એકદમ સરસ રીતે સજાવી હતી. બ્લૅક કલરનું વેસ્ટર્ન ગાઉન, કર્લી ઓપન હેર અને ડાયમન્ડ નેકલેસમાં તે ખૂબ આકર્ષિત અને સુંદર દેખાતી હતી. 

ઘરના હૉલમાં જ તેણે કૅન્ડલ લાઇટ ડિનરનું આયોજન કર્યું હતું. આખા ઘરને ફેરી લાઇટ અને ગુલાબની પાંખડીઓથી સજાવ્યું હતું. સાહિલને ભાવતું ભોજન ઘરે જ બનાવ્યું હતું અને તેને ટેબલ પર કાચની ક્રૉકરીમાં સરસ રીતે સજાવીને રાખ્યું. તેણે સાહિલના આવવાની રાહમાં ઘરનો દરવાજો પણ ખોલીને જ રાખ્યો હતો. 
જોકે રાતના લગભગ ૧૦ વાગવા આવ્યા, પણ સાહિલ આવ્યો નહીં. નિશા એકદમ દુખી થઈ ગઈ.


વાત એમ હતી કે આજથી બરોબર ત્રણ વર્ષ પહેલાં આ જ તારીખે નિશા અને સાહિલ અલગ થઈ ગયાં હતાં. સાહિલ નિશાની કોઈ વાત પર નારાજ થઈને ઘર છોડીને ચાલ્યો ગયો હતો. નિશા પણ પોતાનો અહમ્ પકડીને બેઠી હતી એટલે ત્યારે તેને કંઈ સમજાયું નહીં અને સાહિલને મનાવવાની કોશિશ પણ ન કરી અને જ્યારે તેને સમજ આવી ત્યારે ત્રણ વર્ષ વીતી ગયાં હતાં અને આજે ત્રણ વર્ષ બાદ નિશાના જન્મ દિવસે નિશાએ તેને ફોન કરીને તેની માફી માગી અને તેને ઘરે જમવા બોલાવ્યો છે.

નિશા સાહિલને મનાવવાની બધી તૈયારી કરીને બેઠી હતી, પણ સાહિલ આવશે કે નહીં? એ એના માટે વણઉકેલાયલો કોયડો હતો. 


તેને હતું કે સાહિલ ઑફિસથી સીધો તેને મળવા આવશે, પણ રાતના ૧૦ વાગ્યા સુધી તેનો કોઈ અતોપતો નહોતો. નિશા સમજી ગઈ કે સાહિલે તેને માફ નથી કરી અને હવે તે નહીં આવે. તે ટેબલ પર રાખેલી ડેકોરેટેડ સેન્ટવાળી કૅન્ડલને બુઝાવવા જતી જ હતી ત્યાં એની જ્યોતના આછા પ્રકાશમાં કોઈનો પડછાયો દેખાયો અને આવાજ આવ્યો, ‘બસ, તે મારી આટલી જ રાહ જોઈ? એક કલાક મોડો પડ્યો તો આટલી સરસમજાની પાર્ટીનો પ્લાન કૅન્સલ?’

નિશા પાછી વળીને જુએ છે ત્યાં તો સાહિલ હતો. તેનું હૃદય જાણે એક ધબકારો ચૂકી ગયું અને એ ખુશીથી ઝૂમી ઊઠ્યું.

‘સાહિલ? તું!’ તે પળવારમાં દોડીને સાહિલ પાસે ગઈ અને તેને ભેટી પડી. 

થોડી વાર તો બેમાંથી કોઈ કંઈ બોલ્યું જ નહીં. બોલતી હતી તો તેમની આંખો. બન્નેની આંખોમાંથી અશ્રુની ધારા વહેતી હતી. જાણે એ અશ્રુધારા જ તેમની વાચા હતી. 
‘હા, હું’

‘મને કેમ આટલી રાહ જોવડાવી? તારે વહેલા આવવું જોઈએને? આજે આટલા સમય બાદ તું આવવાનો હતો તો પણ મોડું કર્યું?’ નિશા ફરિયાદના લહેકામાં સાહિલના ચહેરા પર હાથ ફેરવતી બોલી.

‘તે પણ તો મારી સાથે વાત કરવામાં કેટલો સમય લઈ લીધો? ત્રણ વર્ષ! આટલા સમયમાં ફક્ત એક વાર મને ફોન કર્યો હોત.’ સાહિલનાં અશ્રુમાં આટલાં વર્ષો સુધી એક પણ વાર તેના સુધી પહોંચવાનો પ્રયત્ન ન કર્યાની ફરિયાદ દેખાઈ રહી હતી....

‘મને માફ કરી દે સાહિલ. મને ખબર છે મેં ઘણું મોડું કર્યું છે, પણ હવે હું મારી ભૂલનો સ્વીકાર કરું છું. તને ઘણા સમયથી ફોન કરવાનું વિચારતી હતી, પણ ક્યાંક મારો અહમ્ મને નડતો હતો.’
‘નિશા, જો તે મને વહેલો ફોન કર્યો હોત તો હું બધું જ ભૂલીને ત્યારે ને ત્યારે તારી સામે હાજર થઈ ગયો હોત. આપણને આપણી જિંદગીનાં આટલાં કીમતી વર્ષો હવે પાછાં મળી શકશે ખરાં?’ કહેતાં સાહિલે નિશાને પોતાની બાહોમાં જકડી લીધી અને તેના કપાળને ચૂમ્યો.

‘સાહિલ, એ દિવસે તારા અને મારી જુડવા બહેન પર શક કરીને મેં બહુ મોટી ભૂલ કરી હતી. તને અને ઈશાને ઘણું બધું સંભળાવ્યું હતું અને ઈશા પર તો હાથ પણ ઉઠાવી લીધો હતો. કોણ જાણે કેમ, પણ એ દિવસે મારી સમજ ક્યાં જતી રહી હતી?’

અફસોસ વ્યક્ત કરતાં નિશા પૂરા પશ્ચાતાપ સાથે બોલતી હોય એમ કહેતી રહી. 

‘હું તમારાં બન્ને વચ્ચેની નિર્દોષ લાગણીને કેમ ન સમજી શકી? એ દિવસે તમે બન્નેએ મને સમજાવવાની અને મનાવવાની બહુ કોશિશ કરી હતી, પણ ક્યાંક હું જ નાસમજ હતી. તું તો નારાજ થઈને આ ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને ઈશા પણ કાયમ માટે મારાથી સંબંધ તોડીને ચાલી ગઈ અને મમ્મી-પપ્પા પણ મારી સાથે કામ સિવાય વાત નથી કરતાં. આટલો સમય હું માત્ર એકલતાના સહવાસમાં જ હતી. મારી અંદરની એકલતા અને અહમ્ મને કોરી ખાઈ રહ્યાં હતાં. આટલા સમયમાં મને ઘણું બધું સમજાઈ ગયું છે. સંબંધોનું મહત્ત્વ સમજાયું છે. હું ઘણું બધું શીખી ગઈ છું. ઘણી વખત તને ફોન કરીને બોલાવવાનું મન થયું, ઘણી વખત ઈશા સાથે વાત કરવાનું મન થયું, ઘણી વખત માફી માગીને ફરી એક થઈ જવાનું નક્કી કર્યું, પણ મારો અહમ્ મને પાછો પાડતો હતો. સાહિલ, મને માફ કરી દે પ્લીઝ...’ રડતી આંખે નિશા હાથ જોડીને સાહિલની માફી માગી રહી હતી.

‘એ દિવસે અમે બન્નેએ પણ તને સમજાવવાની ખૂબ કોશિશ કરી હતી, પણ તું કંઈ સાંભળવા તૈયાર જ નહોતી. મને બરાબર યાદ છે, એ દિવસે તારો જન્મ દિવસ હતો. ઈશા તને વિશ કરવા અને સરપ્રાઇઝ આપવા અહીં આવી હતી. બપોરે તું રસોઈ કરતી હતી ત્યારે ઈશાએ તારા બર્થડે પર હું શું સરપ્રાઇઝ આપવાનો છું? એ પૂછતાં હું તેને આપણા રૂમમાં તારા માટે ડાયમન્ડની વીંટી લઈ આવ્યો હતો એ દેખાડવા લઈ ગયો. ત્યારે જ તેણે આપણાં માટે એક કૅન્ડલ લાઇટ ડિનર બુક કર્યું છે એની વાત કરી. તું એ મારી સરપ્રાઇઝ ગિફ્ટ જોઈ ન લે અને કૅન્ડલ લાઇટ ડિનરની વાત ન સાંભળી જાય એ માટે અમે રૂમનો દરવાજો માત્ર અટકાવ્યો હતો, સંપૂર્ણ બંધ નહોતો કર્યો અને તને લાગ્યું કે અમે ચોરીછૂપીથી રૂમમાં મળવા ગયાં છીએ. એ દિવસે તને સમજાવવાની અમે બન્નેએ ખૂબ કોશિશ કરી, પણ તું એક પણ શબ્દ સાંભળવા તૈયાર જ નહોતી. ને કેવી રીતે સાંભળે? તારા મનમાં શંકાનાં બીજનું વાવેતર થઈ ચૂક્યું હતું. તારી એ ફક્ત નાનકડી ગેરસમજના લીધે આજે આપણાં બન્નેના, ઈશાના અને મમ્મી-પપ્પાના સંબંધમાં ખટાશ આવી ગઈ છે. આપણી બધાની ઝિંદગી રઝળી પડી છે.’ 

સાહિલ તેના મનની વાત આટલા સમય બાદ નિશાની સામે લાવી શક્યો એ વાતનો સંતોષ ચહેરા ઉપર દેખાઈ રહ્યો હતો.

‘સાહિલ, પ્લીઝ મને માફ કરી દે...’

‘મેં તો તને બહુ પહેલાં જ માફ કરી દીધી હતી ડિયર, પણ તારી માફીની સાચી હકદાર ઈશા છે. તારે કાલે જ જઈને તેની માફી માગવી જોઈએ.’

‘હા સાહિલ, આપણે કાલે જ જઈને ઈશાને મળી આવશું. હકીકત સાંભળ્યા પછી હવે મારાથી રાહ નથી જોવાતી. ખબર નહીં, મારી બહેન મને માફ કરશે કે નહીં? મને તેની સામે જતાં પણ ખૂબ શરમ આવે છે. હું તેની સાથે આંખો પણ નહીં મેળવી શકું. પ્લીઝ, તું મને હિંમત આપજે અને મારી સાથે જ રહેજે સાહિલ.’ 

‘હમમ... આપણે કાલે જઈ આવશું. મને પૂરો વિશ્વાસ છે કે તું એને મનાવી જ લઈશ. નિશા, એ દિવસે તો હું તને વીંટી નહોતો પહેરાવી શક્યો, પણ આજે તો તું મારા હાથે વીંટી પહેરીશને?’  સાહિલ નિશાનો હાથ પોતાના હાથમાં લઈ સ્મિત કરતાં બોલ્યો.

નિશાની આશા ભરેલી આંખો, તેના ગાલમાં પડેલા ખંજન, તેના અધર પરનું સ્મિત અને ચહેરા પરની લાલિમા જ સ્વીકૃતિ સાથે જવાબ આપી રહ્યા હતા કે ‘હા, જલદી મને એ વીંટી પહેરાવ. હવે રાહ નથી જોવાતી.’

નિશાની આશા ભરેલી આંખો, તેના ગાલમાં પડેલા ખંજન, તેના અધર પરનું સ્મિત અને ચહેરા પરની લાલિમા જ સ્વીકૃતિ સાથે જવાબ આપી રહ્યા હતા કે ‘હા, જલદી મને એ વીંટી પહેરાવ. હવે રાહ નથી જોવાતી.’

‘મને કેમ આટલી રાહ જોવડાવી? તારે વહેલા આવવું જોઈએને? આજે આટલા સમય બાદ તું આવવાનો હતો તો પણ મોડું કર્યું?’ નિશા ફરિયાદના લહેકામાં સાહિલના ચહેરા પર હાથ ફેરવતી બોલી.

Whatsapp-channel Whatsapp-channel

26 March, 2023 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK