Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દેવ-દૈત્ય (પ્રકરણ ૩)

દેવ-દૈત્ય (પ્રકરણ ૩)

15 March, 2023 10:36 AM IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘મારો અંશ!’ અમૂલખ ફિક્કું મલક્યા, ‘એ મારા જેવો કદરૂપો ન જન્મે એની ખાતરી ખરી! એને માટે ફરી કોઈ રાધાને છેતરું?’

દેવ-દૈત્ય (પ્રકરણ ૩)

વાર્તા-સપ્તાહ

દેવ-દૈત્ય (પ્રકરણ ૩)


આનંદના દેહાંત બાદ અમૂલખે મને અહીં રહેવા આગ્રહ કર્યો અને પછી... 
રાધાબહેને વાગોળ્યું. 
lll

‘અહીં રહી જા, રાધા... તારા-આનંદ વચ્ચે હું ક્યારેય નહીં આવું. તને બહેન તરીકે રાખવાનો દસ્તાવેજ તો તારી પાસે છે જ. આપણા બે વચ્ચેનો ભેદ ક્યારેય બહાર નહીં જાય.’ રાધાને રોકાવાનો આગ્રહ કરતાં અમૂલખે ઉમેર્યું, ‘તું રોકાય એમાં મારો પણ સ્વાર્થ છે.’
‘અમૂલખનો સ્વાર્થ!’ 
અને રાધા ટટ્ટાર થઈ. આનંદના દેહાંત પછી પહેલી વાર વિચારવાની સૂઝ જાગી. નજરમાં શંકા તરવરી : ‘ક્યાંક આનંદના અકસ્માત પાછળ પણ અમૂલખનો તો સ્વાર્થ નહીં હોયને? છળથી જેને પત્ની બનાવી તેના પ્રેમીને પરધામ પહોંચાડવાનો સ્વાર્થ! બાકી મારી ફારગતી ઢૂંકડી હોય, અમે પરણવાનાં હોઈએ ત્યારે જ કેમ આનંદનો અકસ્માત થાય!’ 
‘તમારા સ્વાર્થે હું એક વાર દાઝી ચૂકી છું, અમૂલખ. તમે પૈસા વેરી મારો સોદો કર્યો, છળ આચરી મને છેતરી. હવે મારો આનંદ ગયો એ પણ તમારું જ કાવતરું કેમ ન હોય?’ 
રોષભેર બોલતી રાધાએ અમૂલખને ડઘાવી દીધા. 



‘મને છેતરવા તમે તમારા બદલે સાવ અજાણી વ્યક્તિનો ફોટો મોકલ્યો, પણ એ આનંદ પણ મને ચાહતો થયો એ કુદરતનું કરવું તમને કેમ ગમ્યું હોય! ખરેખર તો તમે અમારો સાથ તોડવા માટે ફારગતી લંબાવતા હતા. એમાં હું પ્રેગ્નન્ટ થતાં તમારી ઈર્ષા જાગી, ધીરજ ખૂટી, મને આનંદથી સદાને માટે છૂટી કરવા તમે જ તેને મરાવ્યો હોય એ તમારા શેતાની દિમાગ માટે સાવ સંભવ છે!’ 
‘બસ, રાધા!’ અમૂલખ ઊલટા ફરી ગયા. તેમની ખૂંધવાળી પીઠ ધ્રૂજતી હતી, ‘મારા પર આવો આક્ષેપ! પુરાવા વિનાનો બેહૂદો આક્ષેપ! હું તો જુદા જ સ્વાર્થની વાત કરતો હતો, પણ તેં...’ 
તે ગળગળા થઈ ગયા. રાધા કૂણી પડી : ‘પહેલાં તેમનો સ્વાર્થ જાણું તો ખરી.’
‘તારા અહીં રહેવામાં તારા પ્યારને પાપનું લેબલ નહીં લાગે ને મને વંશનો વારસ મળી જશે...’ 


‘વંશનો વારસ! તું અમૂલખની પત્ની તરીકે અહીં રહે તો મારા સંતાનને પિતા તરીકે અમૂલખનું જ નામ મળે, અને તો જ તેને અનૌરસનું મેણું નહીં લાગે! પણ અમૂલખે આવું કરવાની શી જરૂર? ઊલટું મને છૂટી કરીને તે ફરી પરણી શકે, પોતાનો અંશ મેળવી શકે...’ 
‘મારો અંશ!’ અમૂલખ ફિક્કું મલક્યા, ‘એ મારા જેવો કદરૂપો ન જન્મે એની ખાતરી ખરી! એને માટે ફરી કોઈ રાધાને છેતરું?’

‘અમૂલખના મુદ્દામાં તથ્ય લાગ્યું, પણ તેનો ભરોસો થાય ખરો? આનંદના અકસ્માતમાં તેનો હાથ હોવાની શંકા જાગ્યા પછી તેની સાથે રહેવું હિતાવહ ખરું? કોઈ કાવતરું રચી તે મારા સંતાનને ગર્ભમાં જ હાનિ પહોંચાડે તો મારા આનંદની એકમાત્ર નિશાની હું ગુમાવી બેસું! મને રોકવામાં અમૂલખનો એ જ મક્સદ કેમ ન હોય? પણ એમ તો આનંદના મૃત્યુમાં અમૂલખનો હાથ હોય તો તેને બક્ષાય પણ કેમ! અને આની ખાતરી હું અમૂલખ સાથે રહીને જ કરી શકું... તેના પર નજર રાખીશ તો આ ભેદ ક્યારેક તો પકડાવાનો! હું સાવચેત રહીશ, સાવધ રહીશ તો અમૂલખ મારું કે મારા સંતાનનું કાંઈ બગાડી ન શકે.’ 


અને બસ, સાવધાની રાધાનો સ્વભાવ બનતી ગઈ. તેની રૂમ જુદી, નોકરના હાથનું પાણી પણ પીવાનું નહીં : ‘કદાચને અમૂલખે એમાં કશુંક ભેળવવાની સોપારી આપી હોય!’ 
અમૂલખ ફોન પર ઝીણા અવાજે વાત કરતો દેખાય તો રાધાના કાન સરવા થઈ જાય. છઠ્ઠા મહિને અમૂલખે સુવાવડ માટે મામીને તેડાવવાનો પ્રસ્તાવ મૂકતાં રાધા અક્કડ બનેલી : ‘મારો સોદો કરનાર મામીનું હું મોઢું ન જોઉં!’ 

‘કપટથી પરણાવેલી ભાણી પિયર પાછી ન ફરી એટલે પડ્યું પાનું નિભાવી લીધું એવું મામા-મામીએ ધારી લીધું હોય તો હોય, બાકી ભાણીનું શું થયું એ જોવા-જાણવાની તકલીફ જેણે ન લીધી તેને હું મારી પ્રસૂતિ માટે તેડાવું? જેથી તેમને હાથો બનાવી અમૂલખ મારા સંતાનને હાનિ પહોંચાડી શકે? ના રે, એવું થવા જ શું કામ દેવું?’ 
પૂરા મહિને રાજાના કુંવર જેવો દીકરો જન્મ્યો ત્યારે તેનામાં આનંદના અણસાર જોઈ આંખો વરસી પડેલી. અમૂલખે આખા ગામમાં પેંડા વહેંચ્યા. દીકરામાં અમૂલખની કુરૂપતા નહોતી, એનો ખુલાસો પાછો તે જ કરતો : ‘દીકરો મા પર પડ્યો છે!’ 

‘તેને કે કોઈને કેમ કહેવું કે દીકરો બાપ જેવો દેખાય એવું સાંભળવામાં જ માને તો આનંદ મળે!’ રાધાનો નિ:શ્વાસ સરી જતો. 
નામકરણ પર અમૂલખે ન્યાત જમાડી. એથી રાજી થવાને બદલે રાધા અણખટ ઘૂંટતી : ‘એ બહાને દીકરો પોતાનો લાડકડો છે એવું ઠસાવી દીધું અમૂલખે! જેથી કાલ ઊઠીને આસુને કાંઈ થાય તો અમૂલખ પર કોઈને વહેમ ન આવે!’ 
અને રાધા સચેત બની જતી. આસુને પળવાર રેઢો ન મૂકે. દીકરા સાથે એકલી હોય એમાં તેનું વિશ્વ ખૂલે. આનંદની તસવીર દેખાડે : ‘જો, આ તારા પપ્પા! ૬-૮ મહિનાનો થયેલો આશ્લેષ ફોટો જોઈ હાથ ઉલાળે કે મલકી પડે એથી રાધાનાં થાન છલકાઈ જાય. 

આમ તો અમૂલખ મા-દીકરાને વતાવે નહીં, એ લોકો અલગ રૂમમાં સૂએ છે એવું નોકરવર્ગ પણ ન જાણે એની તકેદારી બન્ને રાખતાં. ગામલોકોની હાજરીમાં અમૂલખ આસુને રમાડે, તેડે એમાંય રાધાનો જીવ અધ્ધર થઈ જતો. અમૂલખ માટેની શંકા નિર્મૂળ થઈ નહોતી, તેનો ભરોસો સંભવ જ નહોતો. 
આશ્લેષ સ્કૂલ જતો થયો, પછી આનંદની છબિ તેને દેખાડી શકાતી નહીં, પણ છોકરો કેવો હોશિયાર છે એવું આનંદને ‘કહેવા’નું ચૂકતી નહીં. એમ આસુને આવવામાં જરા જેટલું મોડું થાય કે રાધા બહાવરી બની જાય : ‘ક્યાંક અમૂલખે તેને રસ્તામાંથી ઉઠાવ્યો તો ન હોયને!’ 

‘કહેવું પડે, રાધા... તેં અમૂલખ જેવા રૂપની અછત ધરાવતા ભરથાર જોડે સંસાર નિભાવી જાણ્યો.. તેના દીકરાને તો જીવથી અદકેરો જાળવે છે...’ કાંતાભાભી જેવાં બોલી જતાં : ‘કોણ કહે છે કે આજે સતીઓ નથી અવતાર લેતી!’ 
ભળતાં જ વખાણે ઓછપાવાને બદલે રાધા ગાંઠ વાળતી : ‘હું આનંદની જ રહું ને આસુને અમૂલખનો ન થવા દઉં એ જ મારું સત!’ 
આમ પણ અમૂલખના દિદારે આશ્લેષ તેમની નજીક જવાનું ટાળતો. ઘરમાં અમૂલખ પણ રાધાએ દોરી રાખેલી રેખા ઓળંગતા નહીં. પરિણામે ‘બાપ-દીકરા’ વચ્ચે જોઈતી ધરી રચાઈ જ નહીં. 
‘રાધા, તેં કાંઈ જાણ્યુ?’

આ પણ વાંચો: દેવ-દૈત્ય (પ્રકરણ ૨)

એક સાંજે ખેતરેથી પરત થતા અમૂલખે છાપામાં આવેલા ખબર વંચાવ્યા : ‘દીવથી દારૂની હેરફેર કરનારો ટ્રક-ડ્રાઇવર મદનલાલ ગિરફ્તાર!’ 
રાધાની પ્રશ્નાર્થ નજર અમૂલખને તાકી રહી.
‘અરે, આ એ જ ટ્રક-ડ્રાઇવર છે જેણે આનંદની બાઇકને ટક્કર મારેલી! જો, અહેવાલમાં છેલ્લે લખ્યું છે કે પોલીસતપાસમાં તેના જૂના ગુના પણ ઉખેળ્યા...’ 
‘અરે હા! આનંદને ટક્કર મારનાર ડ્રાઇવર સામે ગુનો નોંધાયેલો, પણ ભાગેડુ ડ્રાઇવર તેના માલિકને ત્યાંય પહોંચ્યો નહોતો, નોકરી અને ટ્રક છોડીને રફુચક્કર થઈ ગયેલો... પણ હવે સ્મગલિંગના ગુનામાં ઝડપાયો એમાં પોલીસે જૂની કડી જોડી કાઢી. આપણે માનીએ એટલી પોલીસ નિષ્ક્રિય નથી હોતી!’ 
‘હવે આનંદના આત્માને શાતા વળવાની!’

‘આ કોણ અમૂલખ બોલે છે! હું તો ધારતી રહી કે આનંદને ટક્કર દેનાર ડ્રાઇવરને અમૂલખે જ સાધ્યો હશે... એ શંકાના આધારે તો આ ઘરમાં રહેવાનું સ્વીકાર્યું. આજે અમૂલખનો હરખ જોતાં લાગતું નથી કે મદનલાલ તેનો સાગરીત હોય!’ 
આનંદની હત્યા ઉપરાંતના બેત્રણ ગુના પુરવાર થતાં મદનલાલને ૨૦ વરસની સજા થયાના સમાચાર જાણ્યા ત્યારે રાધાએ સંતોષ અનુભવ્યો, ‘આખરે આનંદને ન્યાય મળ્યો!’ 
‘આનંદ બાબતે અમૂલખ પર શંકા રાખવાનો હવે અર્થ નહોતો, આસુને તે નુકસાન પહોંચાડશે એવી ધારણા પણ અસ્થાને હતી, પણ એથી પોતે આંકેલી રેખા ભૂંસવાનો તો સવાલ જ નહોતો. અમૂલખે મને બેજીવીને આશરો આપ્યો, સામે પોતાનો વંશ વધ્યાનો હરખ લૂંટ્યો એમાં હિસાબ સરભર. બાકી આસુ માટે તે આનંદનું સ્થાન તો ન જ લઈ શકે!’ 

તેમની વચ્ચે મેળ ન થાય એટલે તો હૈયે પથ્થર મૂકીને રાધાએ ભવિષ્યના બહાને દીકરાને દૂર રાજકોટની ગુરુકુળમાં મૂકી દીધો. રાધા છાશવારે દીકરાને મળવા જતી. મા-દીકરા વચ્ચે ક્યારેય અંતર ઉદ્ભવ્યુ નહીં, પણ ઘર-ગામથી દૂર રહ્યે આસુ પિતાથી પણ એટલો અળગો રહ્યો. પણ ન અમૂલખ આ વિશે બોલતા, ન આસુને ચર્ચા જરૂરી લાગતી. સદ્ભાગ્યે વીત્યાં વરસોમાં એવી કોઈ માંદગીય ન આવી કે પત્નીભાવે તેણે અમૂલખની ચાકરી કરવી પડે, યા અમૂલખે તેનું ધ્યાન રાખવું પડે. આસુ સીએ થયો, નોકરીએ લાગ્યો, મુંબઈ સેટલ થયો, પરણ્યો એ ઘડી રાધા માટે જીવન સાફલ્યની હતી. શુભ પ્રસંગમાં આનંદને છાતીસરસો રાખીને મહાલી હતી! 
‘તારી વહુ બહુ સુંદર છે, રાધા...’ 
પહેલી વાર ગામ આવેલી અદિતિને જોઈ અમૂલખે સહજભાવે કહ્યું હશે, એમાંય રાધાનો સુષુપ્ત ભાવ જાગ્રત થઈ ગયેલો : ‘આમ જુઓ તો અમારા આખા કિસ્સામાં ‘મારો દીકરો છે’ એ પ્રકારની સામાજિક સ્વીકૃતિ સિવાય અમૂલખને શું મળ્યું? આખી જવાની કોરી ગઈ, એ દબાયેલી આગ વહુને જોઈને ભડકી નહીં હોયને!’ 
અને રાધા ફરી સચેત બની ગઈ : દીકરાની જેમ મારે વહુનેય અમૂલખથી દૂર રાખવાની છે! વહુના સસરાના માનપાન આનંદનાં, એ બીજા કોઈને શાનાં મળે!’ 

પરિણામે અદિતિ અમૂલખને ફોન કરે છે એ કાને પડતાં જ તેને ટકોરી મેળ બંધ કરાવ્યો. આનંદ પછીનાં વર્ષોમાં અમૂલખે જે કર્યું એ કોઈ બીજાએ કર્યું હોત તો રાધાએ ચામડીનાં જૂતાં સીવડાવી ગણ માન્યો હોત, પણ અમૂલખના મૂળમાં છળ છે એ વીસરાતું નહીં. આનંદ મારા દેવ, અમૂલખ દૈત્ય ન હોય તો પણ પોતાની સાવચેતી જરૂરી લાગતી : ‘આખરે માણસનું આંતરમન કોણ જાણી શક્યું છે!’ 
પોતાના વિચારે રાધાબહેન અત્યારે સહેજ ચમકી ગયાં : ‘આમ તો મારું અંતર પણ મારાં દીકરા-વહુ ક્યાં જાણે છે! અમૂલખના કપટનાં ભાગીદાર એવાં મામા-મામી રહ્યાં નથી, અમૂલખ પોતે તો પોતાનું છળ કહેવાના નહીં... તો શું દીકરા માટે આનંદ સાવ અજાણ રહેશે? પોતે જેનો અંશ છે તેના વિશે આસુ જાણે જ નહીં એ કેવું!’ 

‘તો શું દીકરા-વહુને મારે બધું કહી દેવું? ના, ના. આસુ અમારાં લગ્ન ન થયાનું જાણીને આનંદ વિરુદ્ધ બોલશે તો એ કેમ સહન થશે! નહીં, જીવતેજીવ આ બધું સમજાવવું મુશ્કેલ છે. એના કરતાં મારી જીવનગાથા કાગળ પર ઉતારીને એ આનંદની તસવીર સાથે ઘરેણાંના ડબ્બામાં મૂકી દઉં. મારા ગયા પછી મારું સ્ત્રીધન વહુને મળે ત્યારે ભલે ભેદ ખૂલતો... અમને પ્રેમથી સાંભરવાનું લખી જઈશ તો આસુ માનું આખરી વેણ નહીં ઉથાપે એની ખાતરી છે!’ 
અને રાધાબહેન દીકરા-વહુના નામે પત્ર લખવા બેસી ગયાં.
lll

‘આવો-આવો...’
હોળીની આગલી સાંજે આસુ-અદિતિ દ્વારે આવી ઊભાં. સવારથી તેમના સ્વાગતની તૈયારીમાં ડૂબેલાં રાધાબહેનનો હરખ ઊભરાતો હતો. 
‘વહુ, તારા માટે નવી સાડી ખાસ શહેરથી લાવી છું...’
રાતે તેમણે શૉપિંગ દેખાડ્યું. આમ તો અમૂલખે રાધાને કદી રૂપિયા-પૈસા માટે ટોકી નહોતી, પણ દીકરો કમાતો થયા પછી રાધા પોતાનો ખર્ચ આસુ દર મહિને અમુક રકમ મોકલાવે એમાંથી જ કાઢતી. આનંદ ગયાનું વૈધવ્ય અમૂલખની પત્ની તરીકે પોતે પાળી ન શકે છતાં સફેદને બદલે સાદાં લૂગડાં પહેરતી, શણગારના નામે છોટી સી બિંદી જ કરતી, પણ આસુનાં લગ્નમાં પૂરતો ઠઠારો કર્યો હતો. ચાર-છ જોડી સેટ પણ એ વેળા કરાવેલા. બધું આસુના ખર્ચે. 

‘અને સાંભળ...’ અદિતિને તિજોરીની ચાવી ધરતાં તેમણે કહ્યું, ‘કાલે સાડી સાથે તને ગમે એ સેટ કાઢીને પહેરજે.’
આસુનાં લગ્ન પછી તેની રૂમનો કબાટ ખાલી કરીને રાધાએ પોતાનો સામાન બીજી રૂમમાં શિફ્ટ કરી દીધેલો. ગયા વખતે આવેલી અદિતિએ જોકે આનુંય અચરજ જતાવેલું : મા, તમારો સામાન પપ્પાની રૂમમાં નથી રાખતાં?’ 

અમે એક રૂમમાં નથી રહેતાં એવું તેનેય જતાવવાનું નહોતું એટલે રાધાએ કારણ તૈયાર રાખેલું : ‘તેમની રૂમ ઉપર, મારે દિવસમાં દસ વાર કબાટનું કામ પડે, એટલી ઊતર-ચડ હવે નથી થતી એટલે નીચેની રૂમમાં જ કબાટ રાખ્યો છે.’
અત્યારે, એ કબાટની તિજોરીની ચાવી વહુને દેતી વેળા રાધાના ધ્યાન બહાર રહ્યું કે પોતાની જીવનગાથા સાથે આનંદની તસવીર પણ ઘરેણાંના ડબ્બામાં જ છે! 

આવતી કાલે સમાપ્ત

Whatsapp-channel Whatsapp-channel

15 March, 2023 10:36 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK