કૉલમ: મનોજ જોષી આપે છે સમયને સમજીને વાપરવાની સલાહ
સોશિયલ મીડિયા
હમણાં સોશ્યલ મીડિયા પર એક કલાક બચાવવા વિશે લખ્યું ત્યારથી કેટલાક મિત્રો વારંવાર પૂછી રહ્યા છે કે બચાવેલા આ એક કલાકનું શું કરવું? અંગત રીતે સૌકોઈને જવાબ આપવાનું કામ ન થઈ શકે એટલે આ જવાબને સાર્વજનિક રીતે સાંભળી લેવાનો છે અને માની પણ લેવાનો છે.
સોશ્યલ મીડિયા પરથી દરરોજના એક કલાકમાંથી તમે શું-શું કરી શકો એવું જો જરાસરખુયં વિચારતા હો તો યાદ રાખજો કે આ એક કલાક જરા પણ નાનો નથી. એક કલાક, સાઠ મિનિટ એટલે કે ૩૬૦૦ સેકન્ડ. મિત્રો, આ સમયગાળો એટલો મોટો છે કે જો તમે એકલા સાવરણી લઈને બહાર નીકળો તો ઓછામાં ઓછા એક એકર જમીન તમે એકલા હાથે સાફ કરી શકો. સફાઈ આપણો રાષ્ટ્રીય ધર્મ છે અને એમાં કોઈ નાનપ નથી. સફાઈ માટે ગુજરાતમાં કેટલાક યંગસ્ટર્સ સાથે મળીને એક અભિયાન તૈયાર કરી રહ્યા છે, હમ હિન્દુસ્તાની. આ અભિયાન વિશે હું ત્યારે કહીશ જ્યારે એ હકીકતમાં કાર્યરત થઈ જશે, પણ એ જે સમયે તમે સાંભળશો એ સમયે તમે દંગ રહી જશો. મને પણ જ્યારે એ વાત કરવામાં આવી ત્યારે મારે માટે પણ એ એક આર્યજનક વાત હતી. મને એ યુવાનો પર માન થઈ આવ્યું.
ADVERTISEMENT
ખેર, અત્યારે વાત આપણે આપણા એક કલાકની કરીએ.
એક કલાકમાં તમે ધારો તો એક એકર વિસ્તારની સફાઈ કરી શકો છો અને એક કલાકમાં તમે ધારો તો તમે તમારા મેઇડ કે પછી તમારે ત્યાં કામ કરતી કોઈ પણ ઓછી આવક ધરાવતી વ્યક્તિના બાળકને નિ:શુલ્ક ટ્યુશન આપીને પણ રાષ્ટ્ર સ્વાભિમાનના રસ્તે વધુ ઝડપથી આગળ વધે એ માટે પ્રયાસ કરી શકો છો. એક કલાક, એક કલાકમાં તમે ધારો તો સરસમજાની કોઈ ચોપડી પણ વાંચી શકો છો અને આ એક કલાક દરમ્યાન તમે ધારો તો તમારી આજુબાજુમાં રહેતા વડીલોને સોસાયટીના કૅમ્પસમાં એકત્રિત કરીને તેમની સાથે વાતો કરીને તેમના જીવનનો ખાલીપો પણ ભરી શકો છો. એક કલાક ખૂબ મોટો છે સાહેબ, જો એ તમારે સાચી રીતે ખર્ચવા હોય તો. સોશ્યલ મીડિયાવાળો એક કલાક તમારે તમારી સોશ્યલ લાઇફને જ આપવાનો છે અને એ ખૂબ જ જરૂરી છે. આ એક કલાક દરમ્યાન તમે ધારો તો તમારા પોતાના માટે ખર્ચો તો પણ વાંધો નથી પણ શરત એ કે પછી વિનંતી માત્ર એટલી કે એ એક કલાક દરમ્યાન નો મોબાઇલ, નો સોશ્યલ મીડિયા, નો ઇન્ટરનેટ અને નો ઍક્ટિવિટી.
આ પણ વાંચો : કૉલમ:તમે પ્રોગ્રામ જોવાનો ચાર્જ ચૂકવો છો કે પછી ઍડ્વર્ટાઇઝમેન્ટ જોવાનો?
આ એક કલાક દરમ્યાન જો તમે ઇચ્છો તો મંદિરમાં જઈને ગાળો, મસ્જિદમાં જઈને ગાળો. જિમનો આમાં સમાવેશ નથી થતો, કારણ કે એ સમય તમે તમારા માટે આમ પણ કાઢી જ શકો છો, પણ ધારો કે તમે જિમમાં ન જતા હો તો મોબાઇલ ઘરે મૂકીને દોડવા ચાલ્યા જાઓ. એ એક કલાક ચાલશે, પણ સોશ્યલ મીડિયાથી દૂર રહેવા માટેનો કલાક જો તમે તમારી સોશ્યલ લાઇફને આપો તો એ વધુ ઉચિત ગણાશે. જો આ પણ ન કરવું હોય તો એક કામ કરજો, એક કલાક ઘસીને નાહી લેજો, પણ સોશ્યલ મીડિયાથી તો દૂર જ રહેજો.

