જરા વિચાર કરો, જે કટ્ટર છે, જે ભારોભાર દુશ્મનીથી ખદબદે છે એ દેશના લોકો પણ આજે કહેતા થઈ ગયા છે કે ભારતનો વિકાસ અદ્ભુત છે અને એવા વિકાસની સાથે અમે પણ રહેવા માગીએ છીએ. હકીકત એ પણ છે કે એવો વિકાસ ક્યારેય તેમને મળવાનો નથી.
પ્રતીકાત્મક તસવીર
કોઈ અતિશયોક્તિ નથી અને ક્યાંય કોઈ ચેડાં નથી. યુટ્યુબ પર જઈને તમે અદનાન ફૈઝલ નામના પાકિસ્તાનના પૉડકાસ્ટરની ચૅનલ જુઓ અને એમાં પાકિસ્તાનની ઍક્ટ્રેસ આયેશા ઓમરનો ઇન્ટરવ્યુ જુઓ. ઑલમોસ્ટ એક કલાક લાંબા આ ઇન્ટરવ્યુમાં પાકિસ્તાનની ઍક્ટ્રેસ આયેશા સ્વીકારે છે કે ‘આજે દુનિયા કેટલી આગળ નીકળી ગઈ છે, આપણો પાડોશી દેશ ભારત પણ કેવો સરસ ડેવલપ થઈ ગયો અને એની સામે તમે પાકિસ્તાનની હાલત જુઓ.’ આયેશા સ્વીકારે છે કે કરાચીના રસ્તા પરથી પસાર થતી વખતે રીતસર બીક લાગે છે. એવું લાગતું રહે છે કે આપણે સલામત ઘરે પહોંચીશું કે નહીં? બીકનું કારણ છે કે પાકિસ્તાન આજે સૌથી વધારે ખરાબ હાલતમાં જીવી રહ્યું છે. આયેશા કહે છે કે પેટ્રોલ ખરીદવું એ પણ હવે કૉમનમૅનનું કામ નથી રહ્યું. લોકો પૈસા માટે એકબીજાની કતલ કરતાં ખચકાતા નથી. આપણા લોકો હેવાન બનતા જાય છે.
પાકિસ્તાનની ઍક્ટ્રેસ આયેશાને જો તમે ઓળખતા ન હો તો તમને ઓળખ આપી દઉં. આ એ જ ઍક્ટ્રેસ, મૉડલ છે જેનું પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક સાથે લફરું હતું અને શોએબની વાઇફ સાનિયા મિર્ઝા તલાક સુધી પહોંચી ગઈ હતી. આયેશા માત્ર ઍક્ટ્રેસ કે મૉડલ નથી. તે પોતે પ્રોડ્યુસર પણ છે, હોસ્ટ પણ છે અને હવે તો તે પાકિસ્તાનમાં બિઝનેસ-વુમન તરીકે પણ એસ્ટૅબ્લિશ્ડ થઈ ગઈ છે. આયેશાએ પોતાના ઇન્ટરવ્યુમાં જેકંઈ કહ્યું છે એ ખરેખર પાકિસ્તાનની સાચી હાલત બયાન કરે છે. પાકિસ્તાને પોતે જ ધર્માંધ બનીને પોતાની ઘોર ખોદવાનું કામ કર્યું છે.
આયેશા કહે છે કે આપણી આ જે હાલત થઈ છે એની પાછળ જો કોઈ જવાબદાર હોય તો એ આપણી સિયાસત છે. એને વિકાસમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી અને એને કારણે આજે એવી એક પણ વાત રહી નથી કે આજના યંગસ્ટર્સને પાકિસ્તાન માટે માન કે પ્રેમ જાગે. આપણે માટે જો કોઈ બેસ્ટ એક્ઝામ્પલ હોય તો એ છે ઇન્ડિયા. આયેશા કહે છે કે આજે દેશ છોડીને ગયેલો ત્યાંનો યંગસ્ટર ફરી પાછો પોતાના દેશમાં ચાલ્યો જાય છે અને આપણા યંગસ્ટર્સને દુનિયાના એક પણ મોટા દેશમાં જૉબ આપવા પણ કોઈ રાજી નથી.
ADVERTISEMENT
બિલકુલ સાચી વાત કરી છે આયેશા ઓમરે. પાકિસ્તાન કે પાકિસ્તાની સાથે હાથ મિલાવવામાં આજે વેસ્ટર્ન કન્ટ્રીની મોટી-મોટી કંપનીઓ રીતસર કતરાય છે, દૂર રહે છે અને પ્રયાસ કરે છે કે તેમની કંપનીમાં કોઈ પણ હિસાબે કોઈ પાકિસ્તાની દાખલ ન થાય. કેટલાક ધર્માંધ લોકોને કારણે આખા દેશની અને દેશવાસીઓની આ પરિસ્થિતિ ઊભી થઈ છે અને આખો દેશ, દેશવાસીઓ નફરતનો ભોગ બન્યા છે. વાત અહીં જ પૂરી નથી થતી, વાત અહીંથી આગળ વધે છે.
જરા વિચાર કરો, જે કટ્ટર છે, જે ભારોભાર દુશ્મનીથી ખદબદે છે એ દેશના લોકો પણ આજે કહેતા થઈ ગયા છે કે ભારતનો વિકાસ અદ્ભુત છે અને એવા વિકાસની સાથે અમે પણ રહેવા માગીએ છીએ. હકીકત એ પણ છે કે એવો વિકાસ ક્યારેય તેમને મળવાનો નથી. કારણ કે પાકિસ્તાનનું ગઠન જ ખુન્નસ અને આક્રોશના ભાવ સાથે થયું છે, જે એને આજે પણ અંદરથી ખતમ કરવાનું કામ કરે છે. લખી રાખજો મારા શબ્દો કે આવતા સમયમાં પાકિસ્તાનના લોકો દેશમાંથી ઉચાળા ભરશે અને પેલા બંગલાદેશીઓની જેમ ભારતમાં રહેવા માટે ટળવળશે.

