Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઉપકરણ નામે ઉપાધિ : ઝકરબર્ગ અને ગેટ્સ જો ગૅજેટ્સથી દૂર રહેતા હોય તો તમે કઈ વાડીના મૂળા?

ઉપકરણ નામે ઉપાધિ : ઝકરબર્ગ અને ગેટ્સ જો ગૅજેટ્સથી દૂર રહેતા હોય તો તમે કઈ વાડીના મૂળા?

01 March, 2024 11:42 AM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

જો જાગૃતિ લાવવાના પ્રયત્ન વિના જ એ બધાને તમારાં જીવનજરૂરી ઉપકરણો સમજીને ચાલશો તો દુખી થશો.

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ કયા હે

પ્રતીકાત્મક તસવીર


ગઈ કાલની વાત વાંચીને એક વાચકમિત્રનો ફોન આવ્યો કે માત્ર મોબાઇલ જ ડિસ્ટ્રક્શનનું કામ કરતો હોય છે? જવાબ છે, ના. કોઈ પણ ગૅજેટ્સ જોખમી બનીને જીવનમાં મોટા ઉતાર-ચડાવ લાવવાનું કામ કરે છે અને એટલે જ કહું છું કે જો જીવનને થોડી પણ ધીરજ અને શાંતિ આપવી હોય તો ગૅજેટ્સથી ચોક્કસ અંતર બનાવવું જોઈએ. ગૅજેટ્સમાં કશું પણ આવી જાય, કશું એટલે કશું પણ; ટીવી પણ આવે અને મ્યુઝિક સિસ્ટમ પણ આવે. મોબાઇલ પણ આવે અને આઇપૅડ કે પછી લૅપટૉપ-કમ્પ્યુટર પણ આવે. ગૅજેટ્સને સાદી ભાષામાં સમજાવવાનું હોય તો કહી શકાય કે જે કંપની બનવાનું કામ કરે કે પછી કંપની બની જાય એ સાધન એટલે ગૅજેટ્સ. ગૅજેટ્સ તમારા એકાંતને કોરી ખાય છે અને એકાંત-એકલતા વચ્ચે બહુ મોટો ભેદ છે માટે એકલતાને ક્યારેય એકાંત નહીં ગણતા. એકાંતમાં સર્જનાત્મકતા હોય અને એકાંતમાં આનંદ હોય. એકલતામાં આ બન્નેનો ક્ષય થતો હોય છે અને એ પીડાદાયી હોય છે. જે પોતાની એકલતાને એકાંતમાં ફેરવતાં શીખી શકે એનાથી સક્ષમ આ જગતમાં બીજું કોઈ નથી, પણ એની સક્ષમતા ભાગ્યે જ કોઈનામાં હોય છે.

વાત કરીએ ગૅજેટ્સની.
સામાન્ય રીતે નોંધાયેલી વાત છે કે ગૅજેટ્સને લાવવાનું કામ વેસ્ટર્ન કન્ટ્રીઝ દ્વારા જ થયું છે. મારા-તમારા હાથમાં ગૅજેટ્સ મૂકીને એ સહજ રીતે પોતાના કામે લાગી ગયા છે. બહુ જૂજ લોકો એવા હશે જેને ખબર હશે કે બિલ ગેટ્સ ઓછામાં ઓછો સમય ગૅજેટ્સ સાથે રહે છે. હા, બહુ ઓછો સમય. કહો કે દિવસમાં ભાગ્યે જ તે એકાદ કલાક પોતાના ગૅજેટ્સને આપતા હશે. એ એકાદ કલાકમાં તેમનું લૅપટૉપ પણ આવી ગયું. જેણે કમ્પ્યુટરને ઘર-ઘર સુધી પહોંચાડ્યાં તે મહાનુભાવ પણ જો એ કમ્પ્યુટરથી દૂર રહેવાનો સક્રિય પ્રયાસ કરતા હોય તો એનાથી ઉત્તમ ઉદાહરણ બીજુંશું હોઈ શકે? 
બિલ ગેટ્સ જ નહીં, સ્ટીવ જૉબ્સ પણ ઓછામાં ઓછો સમય ગૅજેટ્સ સાથે રહેતા હતા અને આજે, મને-તમને અને આપણને સૌને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ નામના તૂત ગળે વળગાડી દેનારા માર્કભાઈ ઝકરબર્ગ પણ આ બધાથી જોજનો દૂર રહે છે. ડિસ્ટ્રક્શનની સૌથી મોટી બલા જો કોઈ હોય તો એ આ ગૅજેટ્સ છે અને એ વાત ગૅજેટ્સ બનાવનારા ધુરંધરો પણ જાણે છે અને એટલે જ તે પણ એનાથી દૂર રહેવાના સક્રિય પ્રયાસ કરે છે.


કબૂલ કે આજે મોટા ભાગનું કામ આ ગૅજેટ્સ આધારિત થઈ ગયું છે, એના વિના ચાલતું નથી, પણ સાહેબ, પ્રયાસ તો કરવો પડશેને? ઓછામાં ઓછો સમય એ ગૅજેટ્સની આવશ્યકતા રહે એ માટે જાગ્રત તો થવું પડશેને? જો જાગૃતિ લાવવાના પ્રયત્ન વિના જ એ બધાને તમારાં જીવનજરૂરી ઉપકરણો સમજીને ચાલશો તો દુખી થશો, તો તમે હેરાન પણ થશો અને તો તમે એકાંતને એકલતામાં ફેરવનારી વ્યક્તિ બની જશો અને એટલે જ કહું છું કે કોશિશ શરૂ કરો. પ્રયાસ કરશો તો ચોક્કસપણે એમાં સફળતા મળશે. ધીમી હોઈ શકે છે એ સફળતા, પણ નિશ્ચિત છે એટલો ભરોસો રાખજો અને જો ભરોસો તમને તમારી જાત પર પણ હોય તો, આજથી જ પ્રયાસ ચાલુ કરો. એવાં કામ હાથ પર લો જે કામ તમને એ ગૅજેટ્સની ખોટ ન વર્તાવા દે. ઍટ લીસ્ટ, કોશિશ કરો, અનિવાર્ય છે એ.


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2024 11:42 AM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK