Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આઝાદી પહેલાંનું અંતિમ જીર્ણોદ્ધાર મહારાણી અહલ્યાબાઈ હોળકરે કરાવ્યો

આઝાદી પહેલાંનું અંતિમ જીર્ણોદ્ધાર મહારાણી અહલ્યાબાઈ હોળકરે કરાવ્યો

21 May, 2023 02:37 PM IST | Mumbai
Chandrakant Sompura | feedbackgmd@mid-day.com

મંદિરના ગુપ્ત માર્ગે અંદર પ્રવેશીને મહાદેવની પૂજા કરતા બ્રાહ્મણોને બચાવવા જતાં મુસ્લિમ પહેરેદારે પોતાનો જીવ આપ્યો

જો આ ફોટો સાથે સ્પષ્ટતા કરવામાં ન આવે તો કોઈ માની ન શકે કે આ સોમનાથ મંદિર છે. મહારાણી અહલ્યાબાઈ હોળકરે આ  મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

અરાઉન્ડ ધી આર્ક

જો આ ફોટો સાથે સ્પષ્ટતા કરવામાં ન આવે તો કોઈ માની ન શકે કે આ સોમનાથ મંદિર છે. મહારાણી અહલ્યાબાઈ હોળકરે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.


બ્રાહ્મણોનો જીવ બચાવવા માટે મોટું જોખમ ઉઠાવનાર ઔરંગઝેબના પહેરેદાર યાકુત ખાનને તેના એ કામ બદલ સુબાએ ફાંસીએ ચડાવ્યો અને એ પછી તેના ફૅમિલી-મેમ્બરને પોતાના શાસનમાં આવતા વિસ્તારોમાં કબર બનાવવાની પણ મનાઈ ફરમાવી દીધી, જેને લીધે યાકુત ખાનની દફનવિધિ છેક રાજસ્થાનમાં કરવામાં આવી હતી.

અકબરે સોમનાથ મંદિર પાછું કર્યા પછી ૨૦૦ વર્ષ સુધી સોમનાથ મંદિર પર ઊની આંચ નહોતી આવી, પણ ઈસવી સન ૧૭૦૬માં મોગલ શાસક ઔરંગઝેબે ફરીથી સોમનાથ મંદિર તોડી પાડ્યું અને મંદિરે કોઈ દર્શનાર્થે આવે નહીં એ માટે પહેરેદાર બેસાડી દીધા, પણ એ પહેરેદારોને થયેલા કેટલાક અનુભવોના આધારે તેમણે ઔરંગઝેબની ઇચ્છા હતી એ સ્તરે મંદિરની પહેરેદારી કરી નહીં અને મંદિરે આવતા લોકો સાથે અમાનુષી વર્તન કરવાને બદલે રહેમદ‌િલી દેખાડવાની શરૂ કરી.ઔરંગઝેબના શાસન વખતે ઔરંગઝેબે સોમનાથ મંદિર પર ૫૦ પહેરેદારો ગોઠવ્યા હતા. સોમનાથ મહાદેવની અસરકારકતા જુઓ તમે, એ પચાસેપચાસ પહેરેદારો મુસ્લિમ હતા અને એ પછી પણ સૌકોઈ એક થઈને મંદિરે દર્શન માટે આવતા લોકોને એક ગુપ્ત માર્ગથી મંદિરમાં જવા દેતા હતા. એ જે ગુપ્ત માર્ગ હતો એ માર્ગ પણ આ પહેરેદારોએ જ બનાવ્યો હતો. ગુપ્ત માર્ગ બનાવવાનું કારણ એ હતું કે જો ભૂલથી પણ ઔરંગઝેબ દ્વારા નિમાયેલા અન્ય કોઈ વ્યક્તિ ત્યાં આવી જાય તો દર્શન માટે આવેલા ભાવિકોના જાનમાલને નુકસાન ન પહોંચે. એક વખત એવું બન્યું હોવાનું પણ કહેવાય છે.


ઔરંગઝેબે નીમેલા આ વિસ્તારના સુબાએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું એ દરમ્યાન મંદિરમાં દર્શનાર્થે ૧૦૦થી વધારે બ્રાહ્મણો આવ્યા હતા. તેઓ મંદિરમાં હતા અને સુબાએ એવો આગ્રહ કર્યો કે તે મંદિરમાં અત્યારે જ જશે. પહેરેદારોએ તેને રોકવાની કોશિશ કરી પણ સુબાને મળેલી સત્તા સામે તેમનું કોઈનું કંઈ વધારે ચાલે નહીં એટલે વધારે વખત તો તે રોકી શકાય એમ હતા નહીં એટલે એક પહેરેદાર છુપાઈને ગુપ્ત માર્ગમાંથી મંદિરમાં ગયો, જેથી દર્શન કરતા બ્રાહ્મણોને ત્યાંથી બહાર લઈ જઈ શકે, પણ અંદર એ પંડિતોનો રુદ્રાભ‌િષેક ચાલતો હતો. પૂજામાં તેમને નડતર ન બનવું જોઈએ એવું ધારીને પહેરેદાર બહાર આવ્યો અને વાતવાતમાં તેણે એ રીતે સુબા પર હુમલો કર્યો જાણે તે સુબા પર અકળાયો હોય.

સુબા પર હુમલો કરનાર એ પહેરેદારની ધરપકડ થઈ અને સુબો ગુસ્સામાં મંદિરમાં ગયા વિના જ ત્યાંથી રવાના થઈ ગયો, જેને કારણે મંદિરમાં ચાલતી પૂજા પણ પૂરી થઈ અને બ્રાહ્મણોનો જીવ પણ બચી ગયો. જોકે બ્રાહ્મણોનો જીવ બચાવવા માટે આટલું મોટું જોખમ ઉઠાવનાર પેલા પહેરેદાર યાકુત ખાનને ત્યાર પછી સુબાએ ફાંસી આપી અને એ ફાંસી પછી તેના ફૅમિલી-મેમ્બરને પોતાના વિસ્તારમાં એની કબર બનાવવાની પણ મનાઈ ફરમાવી દીધી, જેને લીધે યાકુત ખાનની દફનવિધ‌િ છેક રાજસ્થાનમાં કરવામાં આવી. માઉન્ટ આબુથી લગભગ ૧૪ કિલોમીટર દૂર આવેલા એક ગામમાં આજે પણ યાકુતની કબર છે અને ત્યાં દર્શન માટે હિન્દુઓ બહોળી સંખ્યામાં જાય છે.


આ ઘટના પછી સોમનાથ મંદિર પર સુબાએ ત્રણ વખત હુમલો કર્યો તો ઔરંગઝેબે પણ બે વખત એના પર હુમલો કર્યો, જેને લીધે મંદિર લગભગ ધરાશાયી થવાની અણી પર આવી ગયું. પડવાના વાંકે અટકેલા એ મંદિર તરફ કોઈનું ધ્યાન નહોતું રહ્યું એવા સમયે બ્રિટિશરોને કારણે દેશમાં ઈસ્ટ ઇન્ડ‌િયા કંપનીનું શાસન ઊભું થવા માંડ્યું અને એ પછી મોગલ સામ્રાજ્યનો અંત આવ્યો અને ત્યાર પછી ઈસવી સન ૧૭૮૭માં ફરીથી મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને એ ઇન્દોરનાં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો. આઝાદી પહેલાંનો આ અંતિમ જીર્ણોદ્ધાર હતો. એ પછી સીધું જ ભારતવર્ષ આઝાદ થયું અને ભારત સરકાર દ્વારા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો.

મહારાણી અહલ્યાબાઈ હોળકરે જ્યારે મંદિરના જીર્ણોદ્ધારની શરૂઆત કરાવી ત્યારે મંદિર કેવી અવસ્થામાં હતું એ અહીં આપવામાં આવેલા ફોટોગ્રાફ પરથી જોઈ શકાય છે. અહલ્યાબાઈ હોળકર અને તેમણે સોમનાથ ઉપરાંત અન્ય મંદિરોના જીર્ણોદ્ધાર પર કેવું-કેવું કામ કર્યું એની વાત હવે આપણે કરીશું આવતા રવિવારે.

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2023 02:37 PM IST | Mumbai | Chandrakant Sompura

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK