Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > લિવ-ઇન રિલેશનશિપ : સાથે રહીને એકબીજાનાં સપનાં પૂરાં કરવાનો વણલખ્યો કૉન્ટ્રૅક્ટ

લિવ-ઇન રિલેશનશિપ : સાથે રહીને એકબીજાનાં સપનાં પૂરાં કરવાનો વણલખ્યો કૉન્ટ્રૅક્ટ

Published : 20 January, 2026 12:03 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લગ્ન એ એકબીજાની સગવડ સાચવવાની જવાબદારી છે, એ કોઈ ધાર્મિક વિધિ માત્ર નથી કે નથી કોઈ સોશ્યલ લાઇસન્સ

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


મુંબઈના એક નિવૃત્ત શિક્ષક પત્નીના અવસાન પછી એકલા પડી ગયા હતા. સંતાનોના ઘરે જઈ રહેવું હવે ફાવે નહીં. સમાજની નજર અને મનની ગૂંચવણ વચ્ચે તેમણે એક જૂની મિત્ર સાથે રહેવાનો માર્ગ પસંદ કર્યો. કોઈ ફેરા નહીં, કોઈ વિધિ નહીં. બન્નેને એકબીજાની કંપની ગમે, એકબીજાની સંભાળ રાખે, દવા સમયસર આપે ને સાંજ પડે સાથે બેસી ચા પીતાં-પીતાં વાતો કરે. આ સંબંધને નામની શી જરૂર? સાથે રહેવા વિધિની શું જરૂર? સાથ માટે તો સંવેદના જ પૂરતી છે.

લિવ-ઇન રિલેશન્સ ફક્ત યુવાનો સુધી જ સીમિત નથી રહ્યાં. સમાજ હવે સ્પષ્ટ વિરોધ નથી કરતો. સમાજને લગ્નની પવિત્રતા ભલે એમાં ન દેખાય પણ મનમેળ વગરની પવિત્રતા શું કામની એમ સમજી સ્વીકારે છે. કાયદાકીય દૃષ્ટિએ પણ લિવ-ઇન રિલેશન્સ કોઈ ગુનો નથી. પુખ્ત પાત્રો પરસ્પર સંમતિથી કોઈ જ જાતના બંધન વગર, શરતો વગર સાથે રહી શકે છે. એકબીજાને સમજવા માટે, એકબીજાનાં શોખ-વ્યવસાય-કારકિર્દી માટે પણ આ એક સારો વિકલ્પ છે. મુંબઈમાં ભણવા કે નોકરી માટે આવતી કે કારકિર્દીમાં સ્ટ્રગલ કરતી વ્યક્તિઓને રૂમનાં ભાડાં મોંઘાં પડે. ઘણી સોસાયટીઓમાં એકલી વ્યક્તિને ફ્લૅટ ભાડે નથી અપાતા. લગ્ન પહેલાં કારકિર્દીમાં સ્થિર થવું જરૂરી છે એ યુવાવર્ગ સમજે છે.  



હકીકતમાં મોટા ભાગે આવા સંબંધો લગ્નના ઇનકાર તરીકે નહીં પણ એની પહેલાં વિચારીને લીધેલા એક અર્ધવિરામ જેવા હોય છે.   


લગ્ન એ એકબીજાની સગવડ સાચવવાની જવાબદારી છે, એ કોઈ ધાર્મિક વિધિ માત્ર નથી કે નથી કોઈ સોશ્યલ લાઇસન્સ. આવી શીખ સોશ્યલ મીડિયાનું એક પૉઝિટિવ આઉટકમ છે. એકબીજાની સગવડ સાચવતો સહજીવનનો આ પ્રકાર પણ ધીમે-ધીમે સમજાશે. શરૂઆતમાં પરિવારો વિરોધ કરે છે: સમાજ શું કહેશે? સગાં શું વિચારશે? પણ સમય જતાં સંબંધમાં જો સ્થિરતા અને પ્રેમ દેખાય, એકબીજાની સંભાળ રાખવાની વૃત્તિ દેખાય તો વિરોધ નરમ પડે છે.

લિવ-ઇન રિલેશન્સ જાણે પ્રયોગશાળાના એક્સપરિમેન્ટ્સ છે. ધારેલા પરિણામ માટે કયાં તત્ત્વો ખૂટે છે એ શોધવાનો મોકો આપે છે. તો કયું તત્ત્વ પ્રક્રિયાને અટકાવે છે એ પણ સમજાવે છે. બન્ને સાથે મળીને શોધી કાઢે છે કે એવું કયું તત્ત્વ છે જે ઉદ્દીપક/કૅટલિસ્ટ તરીકે કામ કરીને પ્રક્રિયાને ઝડપી બનાવે. ફિલ્મી ભાષામાં કહીએ તો બે વચ્ચે જો કેમિસ્ટ્રી જામે તો લગ્નનું કૉમ્બિનેશન અને ન જામે તો ડિસોસિએશન. નાઇધર કમિટમેન્ટ નૉર ઇલ-ફીલિંગ.


સંબંધો જ્યારે નામથી આગળ વધે છે અને કોઈ વિધિથી નહીં પણ સંવેદનથી બંધાય છે ત્યારે પવિત્રતા આપોઆપ પ્રગટે છે. વિશ્વાસની વેદીની આસપાસ ફરાતા ફેરાને અન્ય કોઈના પ્રમાણપત્રની જરૂર રહેતી નથી. કોઈને સાબિતી આપવાની જરૂર રહેતી નથી. 

 આપણાં લોકપ્રિય લેખિકા હિમાંશી શેલતની નારીચેતના દર્શાવતી એક વાર્તાનો બેધડક ઉપાડ જુઓ : ‘એમ તો કોઈ કડવા, બળિયેલ પંચાતિયાએ જાણી જોઈને, માત્ર મને કનડવા સારું જ પૂછ્યું હોત કે આ માણસ તમારા શું થાય તો મેં ફટ દઈને જવાબ વાળ્યો હોત કે સ્વજન એટલે કે પોતીકું કહેવાય એવું કોઈક, આત્મીય અને પ્રિય.’

લિવ-ઇન રિલેશનશિપ્સનો ઢોલ વગાડવાની જરૂર નથી એમ સંકોચાઈને હકીકતને ઢાંકવાની પણ જરૂર નથી. આ કોઈ ગુનો નથી કે કાયદો તહોમતનામું ઘડે. સાથે રહીને એકબીજાનાં સપનાં પૂરાં કરવાનો વણલખ્યો કૉન્ટ્રૅક્ટ છે. આગળ જતાં નાયિકાના શબ્દો એને એક પાયરી ઊંચી ચડાવી દે છે :

‘આમ જુઓ તો તે મારો કોઈ નથી અને છતાં મારો તેની સાથે સંબંધ છે, ખૂબ નજીકનો સંબંધ. પાણી-પોયણીનો,

સૂર્ય-સૂર્યમુખીનો. બસ, વણાઈ ગયું છે આ શ્વાસ સાથે એવું નામ વિનાનું કંઈક. બોલો, શું કહેવું છે તમારે? તમારા કયા નિયમનું ઉલ્લંઘન કર્યું છે મેં? છે કોઈ સજા મારા અપરાધ માટે?’ (વાર્તા: ખાંડણિયામાં માથું).

મિત્રો, ચોક્કસ જ આ અપરાધ નથી. આ કૉન્ટ્રૅક્ટનું લખાણ હૃદયમાં છે અને સહી આંખોમાં છે. અહીં કોઈને કંઈ જ સાબિત કરી બતાવવાનું નથી. દર્પણ પર કોઈ ધૂળ ઉડાડે તો પ્રતિબિંબ તો ખરડાતું નથી. 

અમૃતા પ્રીતમે તેના સાથી ઇમરોઝ સાથે વર્ષો સુધી લગ્ન વગરનું સહજીવન પસંદ કર્યું હતું. એમાં કાયદાકીય કે સામાજિક સહીસિક્કા નહોતા પણ પરસ્પર સર્જનાત્મક સાથ હતો, આત્મિક સંવાદ હતો.

સિનેમા અને વેબ-સિરીઝમાં સમાજનું પ્રતિબિંબ પડતું હોય છે. ‘લુકાછુપી’ અને ‘શુદ્ધ દેસી રોમૅન્સ’ ફિલ્મ્સ આ વિષય પર હૃદયસ્પર્શી સંદેશ આપે છે. નેટફ્લિક્સ પર મોટી શીખ આપતી એક લાંબી વેબ-સિરીઝનું નામ છે: Little Things. ધ્રુવ અને કાવ્યા લગ્ન વગર મુંબઈમાં સાથે રહે છે. કોઈ મોટો ડ્રામેટિક ટ્‌વિસ્ટ નથી બતાવ્યો. તેમની જિંદગી બને છે

નાની-નાની બાબતોથી. સવારની ચા, ઑફિસનો થાક, રિમોટ કન્ટ્રોલ લઈ લેવા જેવા નાના-નાના ઝઘડા છતાં પ્રોફેશનલ કરીઅરમાં હેલ્પ. આ વેબ-સિરીઝ લિવ-ઇન રિલેશન્સને દૈનિક જીવનની સહજતામાં રજૂ કરે છે. ઘરનું ભાડું, ઇલેક્ટ્રિસિટી, દૂધ-અનાજનું બિલ, રોજનું ઘરનું કામ, સાથે જ કારકિર્દીની સંભાળ. આ બધું સંબંધ પર કેવી અસર કરે છે એ ખૂબ સ્વાભાવિક રીતે બતાવે છે. ખાસ વાત એ છે કે શ્રેણી કોઈ નિર્ણય નથી લાદતી. ન લગ્ન તરફ ધકેલે છે કે ન અલગ થવાનું ગૌરવગાન કરે છે. એ માત્ર બતાવે છે; સાથે રહેવું એટલે શું, સાથે રહેવાનું કેમિકલ કમ્પોઝિશન કેવું હોય.

Little Things, અમૃતા પ્રીતમ આપણને પૂછે છે કે સંબંધોની સાચી કસોટી કઈ, સામાજિક વિધિ છે કે પરસ્પરની જવાબદારી? નૈતિકતા શેમાં છે, સમાજે આપેલા સર્ટિફિકેટમાં કે આપણા વર્તનમાં? 

સંબંધ જ્યારે નામથી આગળ વધે છે ત્યારે લિવ-ઇન રિલેશનશિપનો જન્મ થાય છે.

બાય ધ વે, તમને ખબર છે કે આવા સંબંધોથી જન્મેલાં સંતાનોનો પણ વારસાગત સંપત્તિ પર હક હોય છે? કેટલું ન્યાયપૂર્ણ!

 

- યોગેશ શાહ (યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ છે અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.)

Whatsapp-channel Whatsapp-channel

20 January, 2026 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK