જીવન પોતે સંઘર્ષ છે કે આપણે એમાં સંઘર્ષને ઊભો કર્યો છે? જીવન એટલે દુઃખનો સરવાળો કે દુઃખ જે આપણે આપણા દૃષ્ટિકોણથી ઊભુ કર્યું છે એ?
પ્રતીકાત્મક તસવીર
જીવન સંઘર્ષ છે એવું કહેતાં મેં ઘણાને સાંભળ્યા છે. વ્યાવહારિક દૃષ્ટિએ હું પણ એવું બોલ્યો હોઈશ. એક વાર નહીં, અનેક વાર... પણ જીવન એટલે શું માત્ર સંઘર્ષ જ?
સહેજ થોભો અને જાતને પૂછો. ખરેખર? જીવન પોતે સંઘર્ષ છે કે આપણે એમાં સંઘર્ષને ઊભો કર્યો છે? જીવન એટલે દુઃખનો સરવાળો કે દુઃખ જે આપણે આપણા દૃષ્ટિકોણથી ઊભુ કર્યું છે એ? ખરેખર સંઘર્ષ તરીકે જીવનનો સ્વીકાર કરવો જોઈએ કે ઈશ્વરે આપેલી એક અલભ્ય ભેટ તરીકે જીવનનો સ્વીકાર કરીને એમાં બનતી ઘટનાઓને માણતા જવાનું હોય? મારી આ વાત તમને ફિલોસૉફિકલ લાગી શકે છે, પરંતુ જરાય અવ્યવહારુ નથી. ઇન ફૅક્ટ, આજે જ્યારે નાનાં-નાનાં બાળકોને જીવન ટૂંકાવતા, યુવાનવયે હાર્ટ-અટૅકથી જીવનને અલવિદા કહેતા લોકોને જોઉં છું ત્યારે આ વાત મને વધુ વાસ્તવિક લાગે છે. જીવનમાં સંઘર્ષ હોય, જીવનમાં તો દુઃખ આવવાનું જ હોય, જીવનમાં દોડતા જ રહેવાનું હોય, જીવનમાં લડતા જ રહેવાનું, જીવનમાં સુખ માટેની દોડ આજીવન ચાલતી જ રહેવાની અને સફળતા ન મળે ત્યાં સુધી અટક્યા વિના બોજને વેંઢારતા રહેવાનું. બહુ જ પ્રામાણિકતા સાથે કહું છું કે આ વાત મને નથી સમજાતી. ખરેખર, આટલું બધું ભારે કરીને જીવ્યા તોયે શું અને ગયા તોયે શું?
ADVERTISEMENT
ખળખળ વહેતાં ઝરણાં જેવું જીવન છે, મસ્તીમાં વહેતી અને વિવિધ પડાવો વચ્ચે પણ પોતાની સુંદરતાને અકબંધ રાખતી એ નદી જીવનનું પ્રતિબિંબ છે. માણસને છોડીને પ્રકૃતિના તમામ અંશને જોઈ લો, જીવનને કેવું અદ્ભુત રીતે માણે છે તેઓ?
જુઓ સાહેબ, મને તો આજે જે રિદ્ધિ-સિદ્ધિની ક્ષણો છે એ નહોતી આવી ત્યારે પણ પિતા પાસેથી જીવનને માણવા માટે ઈશ્વરે આપેલી ભેટ તરીકેની જ શીખ મળી હતી. આજે પણ જીવનની પ્રત્યેક ક્ષણ જીવનની અંતિમ ક્ષણ તરીકે માણું છું. એના બોજ નીચે ચગદાઈ ન જવાય એની જોગવાઈ કરીને પણ મોજને મરવા નથી દેતો. માણસ પછીથી નિરાંતે જીવીશું એ માટે આજને અધમૂઈ કરી નાખે છે. ના, હું એવું નથી કહેતો કે દોડો નહીં, લડો નહીં કે સપનાં પૂરાં કરવા માટે મહેનત ન કરો. એ બધું જ કરવાનું છે, પરંતુ એનો બોજ લાગે ત્યારે થોભવાનું. બાળકને જન્મ આપવા માગતી માતા ૯ મહિના તેના ભારને સહન કરે છે. સતત તેની કાળજી લે છે અને એ પ્રોસેસને, તેને માટેના આનંદને એટલી જ તન્મયતાથી માણે પણ છે. બાળકને જન્મ આપવો એ માતા માટે કોઈ ઉત્સવથી નાની વાત નથી હોતી. એ પ્રોસેસમાં પણ પીડા છે, એમાં પણ તકલીફ છે, એમાં પણ સૅક્રિફાઇસ છે, પરંતુ એને કેમ કોઈ સંઘર્ષનું નામ નથી આપતું.
નવ મહિના પેટમાં બાળકનું જતન કર્યા પછી ડિલિવરી તો સ્ત્રીને જીવતેજીવ મૃત્યુનો અનુભવ કરાવી દે એવી આકરી પીડા આપનારી હોય છે અને એ પછી બાળકને ઉછેરવાની પ્રોસેસમાં ક્યાં ઓછી તકલીફ હોય છે, પરંતુ એ પછીયે એ માતૃત્વની ઘેલછા દરેક સ્ત્રીના હૃદયમાં ઊંડાણમાં સમાયેલી જ હોય છે. બાળક સામે એ બધી જ પીડા સ્વીકાર્ય અને એય ઉત્સવની જેમ. જીવનમાં પણ આવું ન બની શકે. દરેક ક્ષણ ઉત્સવ હોય અને ક્ષણમાં નિભાવવામાં આવતી દરેક જવાબદારી જીવનને માણવાની એક તક હોય. ન જીવી શકાય એમ? આવતી કાલ આપણે જોઈ નથી. આજ જ જો આપણા હાથમાં હોય તો એને શ્રેષ્ઠ બનાવવાની દિશામાં આટલું ન કરી શકાય આપણાથી?
વિચારજો.

