° °

આજનું ઇ-પેપર
Monday, 27 March, 2023


સોમનાથ મંદિરના નિભાવ માટે રાજાઓએ ૧૦,૦૦૦ ગામડાં અર્પણ કર્યાં હતાં

19 March, 2023 12:35 PM IST | Mumbai
Chandrakant Sompura | feedbackgmd@mid-day.com

કલાકારો મંદિરે આવતા અને મહાદેવને રીઝવવા માટે કાર્યક્રમો કરતા, આ કલાકારોનો નિભાવખર્ચ મંદિર દ્વારા ભોગવવામાં આવતો

સોમનાથ મંદિર અરાઉન્ડ ધી આર્ક

સોમનાથ મંદિર

આપણે વાત કરીએ છીએ સોમનાથ મંદિરની. મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિરનો ધ્વંસ કર્યા પછી બે દશક સુધી મંદિર એમ જ રહ્યું અને ત્યાર પછી ઈસવીસન ૧૦૨૬માં મંદિરના નવનિર્માણનું કામ શરૂ થયું, જે છેક ઈસવીસન ૧૦૪૨ સુધી ચાલ્યું. નવનિર્માણનું આ કામ એ સમયના અણહિલવાડ પાટણના સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી (ચોથા)એ શરૂ કરાવ્યું અને એમાં માળવાના પરમાર વંશના રાજવી ભોજ જોડાયા. તેમણે જીર્ણોદ્ધારમાં કોઈ કમી નહોતી રાખી. એમ છતાં બન્ને રાજવી આર્થિક રીતે સહેજ નબળા એટલે સ્વાભાવિક રીતે એ કામ અમુક અંશે મર્યાદામાં થયું. અલબત્ત, એને લીધે ભાવિકોને કોઈ ફરક નહોતો પડ્યો તો સોમનાથ મહાદેવનો પુણ્યપ્રતાપ પણ ફરી વખત દૂર-દૂર સુધી પ્રસરી ગયો. ભાવિકોની ભીડ વળવા માંડી અને મહાદેવના મંદિરની લોકચાહના પહેલાં કરતાં વધારે ઝડપથી વધવા માંડી. એ જોઈને સમ્રાટ કુમારપાળે નવેસરથી મંદિરના પુનઃનિર્માણની આગેવાની હાથમાં લીધી અને અંદાજે સવાસો વર્ષ પછી એટલે કે ઈસવીસન ૧૧૬૯માં મંદિરનું પુનઃનિર્માણ થયું. જોકે એનું કામ તો લગભગ દસ વર્ષ પહેલાં જ શરૂ થઈ ગયું હતું. એ સમયે મંદિર માટે સમ્રાટ કુમારપાળે એક હજાર મજૂરો રાખ્યા હોવાનું ઇતિહાસકારો કહે છે તો એમ પણ કહે છે કે કુમારપાળે સોમનાથ મંદિરની સાથોસાથ પ્રભાસપાટણમાં આવેલાં અન્ય મંદિરોનું પુનઃનિર્માણ પણ શરૂ કરાવ્યું.

કુમારપાળે પોતાના રાજ્યની તિજોરીઓ આ પુનઃનિર્માણ માટે ખુલ્લી મૂકી દીધી હતી તો તેમણે આદેશ પણ આપી દીધો હતો કે જે વ્યક્તિગત રીતે મંદિરમાં આર્થિક સહાય આપશે તેની પાસેથી રાજ્ય દ્વારા લગાન લેવામાં નહીં આવે!

એવું કહેવાય છે કે સોમનાથ મહાદેવ પર સમ્રાટને અપાર શ્રદ્ધા હતી, જેને કારણે તેમણે મંદિરના પુનઃનિર્માણમાં કોઈ જાતની આર્થિક કમી ન આવે એની તકેદારી રાખી હતી. આ પુનઃનિર્માણનું કામ ડાયરેક્ટ્લી તેઓ જ જોતા હતા અને એનો ખર્ચ પણ સીધો તેઓ જ જોતા હતા, જેથી કોઈ પ્રધાન એમાં કરકસર વિશે આદેશ ન આપી શકે!

સોમનાથ મંદિરનો જાહોજલાલીનો યુગ ફરી શરૂ થયો, ૫ણ અફસોસ કે એ લાંબો ટક્યો નહીં અને ઈસવીસન ૧૨૯૯માં અલ્લાઉદ્દીન ખિલજીના સેનાપતિ ઉલુઘ ખાને ફરી ચડાઈ કરી. એમાં તેણે સોમનાથ મંદિર લૂંટીને હીરાઝવેરાત ભરીને દિલ્હી લઈ ગયો.

જ્યારે ખિલજીના સેનાપતિ ઉલુઘ ખાને વિનાશ વેર્યો એ પહેલાં સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી એનો ઉલ્લેખ ઇતિહાસકારોએ નોંધ્યો છે અને એક નહીં અનેક ઇતિહાસકારોમાં એ વાંચવા પણ મળે છે. કુમારપાળે પુનઃનિર્માણનું કામ કર્યું એ પછી કાઠિયાવાડના અનેક સ્થાનિક રાજાઓએ મંદિરના નિભાવ માટે ૧૦,૦૦૦ ગામડાંઓ અર્પણ કર્યાં હતાં. એ ગામડાંઓની તમામ ઇન્કમ રાજવી તોશાખાનામાં નહીં પણ સોમનાથ મંદિરમાં જમા થતી હતી અને એ મંદિરના નિભાવ પર અને એની સમૃદ્ધિ પર ખર્ચ કરવામાં આવતી હતી. એને લીધે મંદિર પણ સાચા અર્થમાં પૂરેપૂરા વૈભવ સાથે દીપી ઊઠ્યું હતું. સોમનાથ મંદિરના આ પવિત્ર સ્થળે એ સમયે ૨૦૦ મણ વજનની સાંકળો ઉપર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી, જેના રણકાર દ્વારા શિવપૂજાના સમયની જાહેરાત કરાતી અને એ ઘંટનાદ પછી આસપાસનાં ગામોમાંથી લોકો પૂજા માટે હાજર થઈ જતા.

પૂજા સમયે હાજર રહેલા લોકોને પ્રસાદરૂપે નાનુંમોટું મિષ્ટાન્ન નહીં પણ આખું વર્ષ ચાલે એટલા ધાનથી લઈને સોનાની ગીનીઓ સુધ્ધાં આપવામાં આવતી અને લોકો એ સાચવી રાખતા. મળતા ધાનમાંથી તેઓ માત્ર પ્રસાદરૂપે ભોજન બનાવતા, પણ બાકીનું ધાન સાધુસંતોને જમાડવામાં વાપરવામાં આવતું. સોમનાથ મંદિરની જાહોજલાલીને કારણે એવું બન્યું હતું કે આખા વિસ્તારમાં જાહોજલાલી આવી ગઈ હતી.

સોમનાથ મંદિરની વાત પર ફરી પાછા આવી જઈએ. ૫૬ જેટલા સાગ (કાષ્ઠ)ના વિરાટ સ્તંભો પર નવું મંદિર ઊભું કરવામાં આવ્યું હતું. સેંકડો નટનટીઓ રોજ નૃત્યના કાર્યક્રમો કરીને ભગવાન શિવને રીઝવતાં અને એ માટે મંદિરની જ આવકમાંથી તેમને ઇનામો પણ આપવામાં આવતાં. અરે, અમુક કલાકારો તો એવા હતા જેમનું ગુજરાન પણ મંદિર પર ચાલતું અને તેમનો નિભાવ મંદિર દ્વારા કરવામાં આવતો. દેશભરનાં અનેક રાજ્યોમાંથી કલાકારો આવતા અને એ કલાકારોનો મંદિર દ્વારા નિભાવ થતો, જે વાત ખરેખર સરાહનીય છે. કલાકારોનું જતન માત્ર રાજામહારાજા દ્વારા જ નહીં, ધાર્મિક સ્થળો દ્વારા થતું એ વાત અહીં પુરવાર થાય છે.

19 March, 2023 12:35 PM IST | Mumbai | Chandrakant Sompura

અન્ય લેખો

આજે શું કરશો?

બૉમ્બે ડ્રૉઇંગરૂમ દ્વારા યોજાયેલી આ વર્કશૉપમાં તમે કદી પીંછી ન પકડી હોય તો પણ મજા આવશે અને જો તમે થોડું ચિત્રકામ જાણતા હશો તો પેઇન્ટિંગની બારીકીઓ શીખવાની મજા આવશે. 

26 March, 2023 04:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

નેક્સ્ટ વીકમાં શું કરશો?

સમોસાં માટે જાણીતી સાયનની ગુરુકૃપા રેસ્ટોરાંમાં આફૂસ કેરીની વિવિધ આઇટમો આવી ગઈ છે જે ફૂડપ્રેમીઓનું દિલ જીતી રહી છે.

26 March, 2023 04:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સ્નેહસેતુ

‘મને માફ કરી દે સાહિલ. મને ખબર છે મેં ઘણું મોડું કર્યું છે, પણ હવે હું મારી ભૂલનો સ્વીકાર કરું છું. તને ઘણા સમયથી ફોન કરવાનું વિચારતી હતી, પણ ક્યાંક મારો અહમ્ મને નડતો હતો.’

26 March, 2023 04:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK