બધા અમને બહુ કહે કે કંઈક એ ડેઇલી સોપ જેવું લઈને આવો; પણ અમને થાય કે ના, અમારે એવું નથી કરવું. એ સમયે જે બધું ચાલતું હતું એ તો વર્ષો પહેલાં આતિશ ‘એક મહલ હો સપનોં કા’માં કરી ચૂક્યો હતો એટલે અમે વિચાર્યું કે કંઈક નવું જ કરીએ
`ખિચડી`નું દ્રશ્ય
આપણે વાત કરીએ છીએ ‘ખિચડી’ની, જેમાં મેં તમને કહ્યું કે પહેલાં ‘ખિચડી’ સિટકૉમ હતી. સિટકૉમની ખાસિયત પણ તમને કહી કે તમારી પાસે અડધો કલાક ચાલે એટલી વાર્તા કે એક મુદ્દો જોઈએ અને એની સાથોસાથ તમારે તમારી કૉમેડી પણ ચાલુ રાખવાની. સિટકૉમ જોતી વખતે એ બહુ સહેલું લાગે પણ એવું નથી હોતું, એ લખવું સૌથી વધારે અઘરું છે પણ આપણે એના વિશે ફરી ક્યારેક વાત કરીશું. મારે એ વિષય પર પણ વાત કરવી છે કે ડેઇલી સોપ કે પછી સિટકૉમ લખતી વખતે કેવા-કેવા પ્રેશરમાંથી રાઇટર પસાર થતા હોય છે, પણ અત્યારે આપણે વાત કરીએ ફિલ્મ ‘ખિચડી’ની.
તમારે જો પિક્ચર બનાવવું હોય તો તમારી પાસે પ્રૉપર બેથી અઢી કલાકની વાર્તા હોવી જોઈએ. એવી જ વાર્તા, જેવી તમારી પાસે નાટકમાં હોય છે. પણ નાટક અને ફિલ્મ વચ્ચે પણ બહુ મોટો ફરક છે, જેની વાત પછી કરીએ. પહેલાં ફિલ્મની વાત કહી દઉં. ફિલ્મ માટે તમારી પાસે જે સ્ટોરી હોય એમાં એક પ્રૉપર સ્ટ્રૉન્ગ શરૂઆત હોવી જોઈએ. એક મિડ પૉઇન્ટ હોવો જોઈએ જ્યાં તમે ઇન્ટરવલ લો, પણ ઇન્ટરવલ પહેલાં તમારી પાસે એક એવો પૉઇન્ટ હોવો જોઈએ કે મોઢામાંથી નીકળી જાય, હાઇલા હવે શું થશે? અને એવું નીકળ્યા પછી તમે દસ મિનિટના બ્રેક પર જાઓ અને બ્રેકમાં જઈને સમોસા, બટાટાવડાં કે પછી ધાણી ખાઈને મજા કરો પણ પેલો પૉઇન્ટ તો તમારા મનમાં અકબંધ જ હોય, હાઇલા હવે શું થશે?
ADVERTISEMENT
એ જે પૉઇન્ટ છે એ પૉઇન્ટ ઑડિયન્સને ફરી પાછા થિયેટરમાં લઈ આવે અને હૉલમાં બેસીને ફરીથી ફિલ્મ સાથે કનેક્ટ કરે. ફિલ્મ શરૂ થાય અને પછી સ્ટોરીનો ગ્રાફ ફરી ઉપર, ઉપર, ઉપર જવા લાગે. વધુ ને વધુ રસપ્રદ ક્ષણો બનતી જાય અને એ અંત સુધી ચાલે. અંત આવવાનો શરૂ થાય ત્યારે પાછો નવો ટર્ન આવે અને ત્યાંથી ક્લાઇમૅક્સની શરૂઆત થાય. ફિલ્મમાં જે ક્લાસમૅક્સ હોય એ બહુ જ સરસ હોય. એક એવા પીક પર લઈ જઈને તમને ગમે એવા અંત સાથે ફિલ્મ પૂરી થાય અને તમને હાશકારો થાય. ફિલ્મની વાર્તા એવી હોવી જોઈએ કે ઑડિયન્સ ઘરે જાય ત્યારે એ વાર્તા પણ તેની સાથે ઘરે જાય અને ઘરે જઈને પણ ઑડિયન્સ એ વાર્તાને વાગોળે. હું તો ત્યાં સુધી કહીશ કે બીજા દિવસે પણ ફિલ્મ તમારી સાથે રહેવી જોઈએ. બીજા દિવસે કોઈ તમને મળે ત્યારે તમે કહેતા હોવા જોઈએ કે કાલે પેલી ફિલ્મ જોઈ, બહુ મજા આવી. એની વાર્તા આવી, આવી ને આવી હતી.
‘ખિચડી-2’ની વાત કહું તો હવે તો તમારામાંથી ઘણા લોકોએ જોઈ લીધી હશે, પણ ધારો કે ન જોઈ હોય તો એમાં પણ એક સરસ વાર્તા છે. એક દેશ છે પાનથુકિસ્તાન નામનો. આપણી ‘ખિચડી’નો પરિવાર કેવી રીતે એ દેશમાં જાય છે અને ત્યાં જઈને શું-શું કરે છે એની એમાં વાત છે. કૉમેડી અને ઍક્શનની એક ખાસિયત તમને કહું. એ બન્નેમાં તમને ખબર પડી જ જાય કે શું થવાનું હતું અને છેલ્લે શું થાય છે. ઍક્શન હોય તો તમને ખબર પડે કે બીજા દેશમાં જઈને દેશના દુશ્મનને કે પછી ગૅન્ગસ્ટરને પાછા લાવવાના હોય કે પછી દેશની રક્ષા કરવાની હોય અને તમારો હીરો જીવ પર આવીને એ કામ કરી દેખાડે અને તમે બધા એ જોઈને રાજી થાઓ, પણ કૉમેડીમાં એનાથી થોડું જુદું પણ વધારે ઇન્ટરેસ્ટિંગ હોય છે.
તમને વાર્તા ખબર જ હોય, પણ કૉમેડી હોય ત્યારે એ કેવી રીતે એન્ડ સુધી, ક્લાઇમૅક્સ સુધી પહોંચે છે એ જોવાનું બહુ ઇન્ટરેસ્ટિંગ બની જાય. ઍક્શનમાં તો હીરો હવામાં ચાર-છ ગુંલાટ મારીને, પોતાની તાકાત દેખાડીને કે પછી એને આપવામાં આવેલા વેપનની હેલ્પથી પણ બધું જીતીને આગળ વધી જાય; પણ કૉમેડીમાં તમે એવું કશું કરાવી નથી શકતા. કૉમેડીમાં તો તમારે વાતને રિયલિસ્ટિક પણ રાખવાની અને સાથોસાથ તમારે વાતને એવી રીતે કહેવાની કે લોકોને હસવું પણ આવે અને તમારી સ્ટોરીનો ગ્રાફ આગળ વધતો જાય, ઉપર ચડતો જાય. આ બધું સ્ક્રીનપ્લે કહેવાય અને એ સ્ક્રીનપ્લેમાં બધું ક્લિયર હોય કે ફિલ્મના આ સીન પછી આ સીન આવશે અને આ સીન પછી સૉન્ગ આવશે. ‘ખિચડી-2’નો સ્ક્રીનપ્લે બહુ સરસ છે. અમદાવાદીઓનો જે ફેવરિટ શબ્દ છે એ વાપરીને કહું તો ‘ખિચડી-2’નો સ્ક્રીનપ્લે જોરદાર છે. કલાકારોએ મન મૂકીને પર્ફોર્મન્સ આપ્યો છે અને તમારાં ફેવરિટ પાત્રો ઘણી નવી ચીજ જોડે આવ્યાં છે. આટલા લાંબા સમય પછી ફરીથી એ પાત્રો કરવાનાં હતાં એટલે તેમને પણ શરૂઆતમાં જરાક મૂંઝવણ હતી પણ જેવું કામ શરૂ કર્યું કે તરત જ ગ્રિપ આવી ગઈ અને ફટાફટ જે ગ્રિપ આવી એની પાછળ તમે લોકો પણ એટલા જ હેલ્પફુલ બન્યા છો.
‘ખિચડી’ના એક પણ કૅરૅક્ટરને તમે લોકો ભૂલ્યા નથી. કૅરૅક્ટરને પણ નહીં અને એમની ખાસિયતોને પણ નહીં. હમણાં પ્રમોશન દરમ્યાન અમે જોયું કે આજે પણ લોકો એ કૅરૅક્ટરની વનલાઇન, એની કૅચલાઇન સાથે બોલે છે તો એ બધાને કૅરૅક્ટરના નામથી જ બોલાવે છે. એ લોકોની બૉડી-લૅન્ગ્વેજ પણ લોકોને ખબર છે અને તમે જુઓ તો ખરા, કેટલાં વર્ષ પછી પણ ખબર છે. પ્રમોશન દરમ્યાન અમને મળનારા મોટા ભાગના લોકોએ અમને એક જ વાત કહી કે ‘ખિચડી-2’ લાવીને તમે અમને અમારું બચપણ પાછું લાવી આપ્યું. એવું પણ ખૂબ સાંભળવા મળ્યું કે અમે તો આખી ફૅમિલી સાથે આ ફિલ્મ જોવા ગયા અને આખી ફૅમિલી માટે ફિલ્મ જોવા જવાની આ પ્રોસેસ નૉસ્ટાલ્જિક બની ગઈ.
‘ખિચડી’નો જન્મ કેવી રીતે થયો હતો એ તમને યાદ છે?
‘ખિચડી’ હકીકતમાં તો પેલી બધી ટિપિકલ ડેઇલી સોપના રિવેન્જમાંથી જન્મી એવું કહું તો પણ કંઈ ખોટું નહીં કહેવાય. એ દિવસોમાં ટિપિકલ ડેઇલી સોપ બહુ ચાલતી હતી. કરોડો અને અબજોની જ વાતો ચાલતી હોય, જ્વેલરીના શોરૂમમાં પેલા પૂતળા પર ન રાખવામાં આવ્યા હોય એટલા દાગીના પહેરીને મહિલાઓ ઘરમાં ફર્યા કરે. રાતે કોઈએ કપડાં ચેન્જ નહીં કરવાનાં, દાગીના ઉતારવાના નહીં અને ઘરના ને ઘરના લોકો સાથે જ આતંરિક રાજકારણો રમ્યા કરે. અમારી સાથે નાટક કરનારાઓ પણ આ બધા શો લખતા થઈ ગયા હતા. બધા અમને કહે કે આવું કંઈક લઈ આવો, આવું કંઈક લઈ આવો પણ અમને સતત થતું કે આવું આપણાથી નહીં થાય. આ બધી ડેઇલી સોપ આવી એનાં વર્ષો પહેલાં આતિશ કાપડિયા ‘એક મહલોં હો સપનોં કા’ કરી ચૂક્યો હતો, જે સુપરહિટ હતી એટલે અમને થતું હતું કે કંઈ નવું કરીએ અને નવું કરવામાં ‘ખિચડી’નું સર્જન થયું.
‘ખિચડી’માં અમે અમારા જ ‘લાડકવાયા’ નાટકમાંથી એક નાનકડો પૉઇન્ટ લીધો અને એ કૅરૅક્ટર પરથી ઇન્સ્પાયર થઈને આખી વાત તૈયાર કરવામાં આવી અને પછી એક પાઇલટ તૈયાર કર્યો. એપિસોડ જોઈને ચૅનલના બધેબધા ફ્લૅટ. હસી-હસીને બેવડ વળી ગયા. બધાને બહુ મજા આવી, પણ પ્રૉબ્લેમ આવ્યો કે આપણે આને ડેઇલી સોપ તરીકે નહીં લઈ જઈ શકીએ. કારણ પૂછ્યું તો ખબર પડી કે આવતા એક-દોઢ વર્ષના બધા ટાઇમ સ્લૉટ પૅક છે એટલે કાં તો તમારે એટલી રાહ જોવી પડે અને ધારો કે એટલી રાહ જોઈએ ત્યાં કંઈ નવી વાતની કે સબ્જેક્ટની ડિમાન્ડ નીકળી જાય તો ફરી પ્રોજેક્ટ કાગળ પર રહી જાય.
‘આપણે વીકલી શો કરીએ...’
ચૅનલે જ અમારી સામે ઑફર મૂકી ને અમે તૈયાર થઈ ગયા ટીવી-સિરિયલ ‘ખિચડી’ માટે. વાતને અલ્પવિરામ મૂકતાં પહેલાં એક વાત કહી દઉં, એ સમયે હજી અમે નાટકો કરતા હતા!
મળીએ ત્યારે આવતા ગુરુવારે, હંસાની સ્ટાઇલમાં સુપક્ક હિટ થઈ ગયેલી ‘ખિચડી-2’ના સર્જનની બીજી વાતો સાથે.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

