પ્રેમીનું હોય કે પીત્ઝાનું, સૉફ્ટ ડ્રિન્ક્સનું હોય કે સિગારેટનું, સેક્સનું હોય કે સોશ્યલ મીડિયાનું; કોઈ પણ વ્યસન કે વળગણ માટે જવાબદાર રસાયણ ડોપમાઇન હોય છે, કારણ કે એ બ્રેઇનની ‘રિવૉર્ડ સિસ્ટમ’ને સક્રિય કરે છે
પ્રતીકાત્મક તસવીર
તાજેતરમાં થયેલા એક પ્રયોગમાં ઉંદરોને પટેટો ચિપ્સ ખવડાવવામાં આવી. આ પ્રયોગનું સૌથી નોંધપાત્ર અને આશ્ચર્યજનક તારણ એ હતું કે પેટ સંપૂર્ણ ભરાઈ ગયા પછી પણ ઉંદરોએ ચિપ્સ ખાવાનું ચાલુ રાખ્યું. સામાન્ય રીતે તેમના રૂટીન ખોરાકની ચોક્કસ માત્રા આરોગ્યા પછી જે ઉંદરો ખોરાકથી દૂર ચાલ્યા જતા, પટેટો ચિપ્સ ખાધા પછી એ ઉંદરોને ‘તૃપ્તિ’ કે ‘Satiety’નો ખ્યાલ જ ન રહ્યો.
થોડું પરિચિત લાગે છેને? નાઇટ્રોજન ગૅસ ભરીને ફુલાવેલા અને દરેક લારી-ગલ્લા પર મળતા ‘પડીકા’ માટેની મનુષ્ય-વર્તણૂક પણ આવી જ હોય છે. બજારમાં કે રેસ્ટોરાંમાં મળતા કોઈ પણ જન્ક-ફૂડ પ્રત્યેનું આપણું વર્તન બિલકુલ પેલા ઉંદરો જેવું હોય છે. વાંક આપણો કે ઉંદરોનો નથી, વાંક છે એ ખોરાકમાં રહેલી કન્ટેન્ટનો જે માનવસહજ નબળાઈઓનો ફાયદો ઉઠાવે છે.
ADVERTISEMENT
જન્ક-ફૂડ કે ફાસ્ટ ફૂડ એટલે એવો ખોરાક જેમાં પોષક તત્ત્વો નહીંવત્ અને કૅલરી મહત્તમ હોય. WHO માન્ય અને અધિકૃત વ્યાખ્યા પ્રમાણે જન્ક-ફૂડ એટલે એવો બિનઆરોગ્યપ્રદ ખોરાક જેમાં પુષ્કળ માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સ અને ફૅટ હોય તથા પ્રોટીન્સ, વિટામિન્સ અને ફાઇબર્સનું પ્રમાણ નહીંવત્ હોય. પ્રશ્ન એ થાય છે કે સ્વાસ્થ્ય માટે જોખમી હોવા છતાં પણ જન્ક-ફૂડમાં એવું તે શું હોય છે જે આપણને એના તરફ આકર્ષે છે? તો એનો જવાબ એમાં રહેલાં કાર્બોહાઇડ્રેટ્સ અને ફૅટનું પ્રમાણ.
ખોરાક પ્રત્યેની તીવ્ર ઝંખના જગાડવા માટેનું ખતરનાક કૉમ્બિનેશન એટલે ૬પ ટકા કાર્બોહાઇડ્રેટ્સ અને ૩પ ટકા ફૅટ. બજારમાં મળતાં જે પડીકાં કે વાનગીમાં કાર્બોહાઇડ્રેટ્સ અને ફૅટનું આ પ્રમાણ જોવા મળે છે એ સૌથી ‘સ્વાદિષ્ટ’ લાગે છે. રિફાઇન્ડ તેલમાં તળેલા આ રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ અને ફૅટને આપણી ભૂખ સાથે કોઈ લેવાદેવા નથી.
જન્ક-ફૂડ આપણી ભૂખ પર નહીં, આપણી માનસિકતા પર પ્રહાર કરે છે. જન્ક-ફૂડ ખાધા પછી આપણા મગજની અંદર ડોપમાઇન રિલીઝ થાય છે. ડોપમાઇન એટલે એક એવું રસાયણ જે આપણને મિથ્યા અને ક્ષણિક આનંદ આપે છે. ડોપમાઇનને ‘પ્લેઝર હૉર્મોન’ કહેવાય છે. જન્ક-ફૂડ ઇન્ડસ્ટ્રી એ વાતનો ફાયદો ઉઠાવે છે કે ઉદાસીથી પીડાઈ રહેલા કેટલાય લોકો માટે ખોરાક એક ‘મનોરંજન’ છે. ભૂખ સંતોષવા કરતાં ખોરાકમાં લોકો પોતાનો ગુમ થયેલો આનંદ અને મજા શોધતા હોય છે. ફાસ્ટ-ફૂડ જોઈને આપણા મનમાં જે તીવ્ર અનંદ થાય છે, હકીકતમાં એ ડોપમાઇનથી મળતા આનંદની ઝંખના છે.
પ્રેમીનું હોય કે પીત્ઝાનું, સૉફ્ટ ડ્રિન્ક્સનું હોય કે સિગારેટનું, સેક્સનું હોય કે સોશ્યલ મીડિયાનું; કોઈ પણ વ્યસન કે વળગણ માટે જવાબદાર રસાયણ ડોપમાઇન હોય છે, કારણ કે એ બ્રેઇનની ‘રિવૉર્ડ સિસ્ટમ’ને સક્રિય કરે છે. એ એક એવો ક્ષણિક ઉન્માદ ઊભો કરે છે જે ચાલ્યા ગયા પછી આપણું મન કહ્યા કરે છે, ‘યે દિલ માંગે મોર’ અને પછી કાયમ માટે અતૃપ્ત રહેનારી એ ઝંખનાના આવેશમાં આપણે તે વ્યક્તિ, ખોરાક કે પ્રવૃત્તિ પાછળ દોડ્યા કરીએ છીએ.
તો જન્ક-ફૂડની તાલાવેલી અટકાવવા માટે શું કરવું જોઈએ? ટેમ્પરરી ઉન્માદ અને ઉત્તેજના જગાવનાર ડોપમાઇનને પરાસ્ત કરી શકે એવાં હૉર્મોન્સ પણ આપણી જ અંદર રહેલાં છે. બસ, એનો યોગ્ય ઉપયોગ કરવાની જરૂર છે. જન્ક-ફૂડથી દૂર રહેવા માટે આપણો સૌથી પહેલો ટાર્ગેટ ‘ઘ્રેલિન’ છે, જેને ‘હન્ગર હૉર્મોન’ કહેવાય છે. ઘ્રેલિન આપણા જઠરમાંથી સ્રાવ પામે છે જે બ્રેઇનને સિગ્નલ આપે છે કે આપણને ભૂખ લાગી છે. ઇમોશનલ સ્ટ્રેસ, ઉદાસી કે અન્ય કોઈ ચિંતાની પરિસ્થિતિમાં આ ઘ્રેલિનનું પ્રમાણ આપોઆપ વધવા લાગે છે અને આપણે ‘Binge eating... શરૂ કરી દઈએ છીએ.
આ ઘ્રેલિનનો વિરોધી અને આપણો મિત્ર હૉર્મોન એટલે ‘લેપ્ટિન’, જે મગજને તૃપ્ત થયાનો સંદેશો મોકલે છે અને આપણને ઓવરઈટિંગ કરતા રોકે છે. લોહીમાં લેપ્ટિનની માત્રા જેમ વધારે એમ તૃપ્તિ વધારે અને ભૂખ ઓછી. ઘ્રેલિનનું પ્રમાણ ઘટાડવા અને લેપ્ટિનની માત્રા વધારવા માટે આપણા દરેક ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ મહત્તમ હોવું જોઈએ, ખાસ કરીને બ્રેકફાસ્ટમાં. કાર્બ્સ અને ફૅટની સામે લડત આપવામાં સૌથી મોટું હથિયાર પ્રોટીન છે. પ્રોટીન જેટલું વધારે લઈશું, કાર્બ્સ અને ફૅટ ખાવાની ઝંખના એટલી જ ઓછી થશે. માંસ-મચ્છી કે ઈંડાં ન ખનારા લોકો માટે ડેરી પ્રોડક્ટ્સ જેવી કે દહીં, પનીર, ટોફુ અથવા સોયાબીન કે કઠોળ આ કામ કરી આપશે. પ્રોટીનની સાથે બ્રેકફાસ્ટમાં લીધેલું કોઈ પણ એક ફળ જન્ક-ફૂડ સામેના જંગમાં ક્યારેય નિષ્ફળ નથી જતું.
આ ઉપરાંત જન્ક-ફૂડનું ક્રેવિંગ અટકાવવા માટે ‘સેરોટોનિન’ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. એ સુખ અને શાંતિ આપનારું હૉર્મોન છે. નિયમિત કસરત, સૂર્યપ્રકાશ, સ્વજનો સાથેનો સમય અને આઉટડોર પ્રવૃત્તિઓ સેરોટોનિનનું પ્રમાણ વધારે છે અને ડોપમાઇનથી મળતા તત્કાળ આનંદની ઝંખના ઘટાડે છે. આપણી મનોસ્થિતિ આપણો ખોરાક નક્કી કરે છે. જીવનથી તૃપ્ત અને મનથી મસ્ત રહેનારા લોકો ‘ડોપમાઇનની દોડ’માંથી ખસી શકે છે; પણ હાર્ટ-બ્રેક, સ્ટ્રેસ, ડિપ્રેશન કે અન્ય કોઈ રીતે ઇમોશનલી અતૃપ્ત રહેલા લોકો જન્ક-ફૂડ આરોગીને તૃપ્તિની શોધ માટેના વ્યર્થ પ્રયત્નો કરતા રહે છે.

