સદ્ગુરુને હાલમાં દિલ્હીની અપોલો હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમને છેલ્લાં ૪ અઠવાડિયાંયાથી ખૂબ જ માથાનો દુખાવો રહેતો હતો.
સદગુરુ જગગી વાસુદેવ
હાલમાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ હૉસ્પિટલમાં દાખલ થયા હતા અને તેમની એક બ્રેઇન-સર્જરી કરવામાં આવી હતી. તેમને ઇન્ટ્રાસેરિબ્રલ હૅમરેજ થયું હતું. હૅમરેજમાં મગજના એક ભાગમાંથી લોહી વહેવા લાગે છે અને એ લોહીનો ક્લૉટ બને છે જેને દૂર કરવા સર્જરી અનિવાર્ય બને છે. જો તમને હાઈ બ્લડ-પ્રેશર જેવો રોગ હોય તો આ બાબતે સાવચેતી રાખવી જરૂરી છે. તમારી લાપરવાહી તમને આ ઘાતક રોગનો શિકાર બનાવી શકે છે
ઈશા ફાઉન્ડેશનના પ્રણેતા જગ્ગી વાસુદેવ એક સ્પિરિચ્યુઅલ ગુરુ છે. કોઇમ્બતુરમાં તેમનો મોટો આશ્રમ છે જ્યાંનો મહા શિવરાત્રિનો પ્રોગ્રામ જગપ્રસિદ્ધ છે. સદ્ગુરુને હાલમાં દિલ્હીની અપોલો હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમને છેલ્લાં ૪ અઠવાડિયાંયાથી ખૂબ જ માથાનો દુખાવો રહેતો હતો. આ દુખાવો તે અવગણી રહ્યા હતા. છેલ્લે જ્યારે તેમણે ડૉક્ટરને બતાવ્યું ત્યારે ખબર પડી કે તેમના મગજમાં બ્લીડિંગ થઈ રહ્યું છે. તાત્કાલિક તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની મગજની સર્જરી થઈ હતી. ડૉક્ટરોએ કહ્યું હતું કે સદ્ગુરુ જે હાલતમાં હૉસ્પિટલમાં દાખલ થયા હતા એ એકદમ જીવલેણ પરિસ્થિતિ હતી, પરંતુ તાત્કાલિક ઇલાજ મળી જવાને કારણે સર્જરી પછી તેમની હાલત ઘણી સારી થઈ ગઈ હતી. તેમને હૉસ્પિટલમાં પણ વધુ દિવસો રાખવામાં નહોતા આવ્યા. ડિસ્ચાર્જ જલદી મળી ગયો હતો. સદ્ગુરુને એવું તો શું થયું હતું કે ખોપડીમાં લોહી ફૂટી નીકળ્યું? આ રીતે મગજમાં લોહી વહે એ પરિસ્થિતિ શું છે, કોને થાય અને થાય તો શું કરવું જોઈએ એ વિશે સમજવાની આજે કોશિશ કરીએ.
ADVERTISEMENT
બ્રેઇન-બ્લીડિંગના બે પ્રકાર
પહેલાં તો એ સમજીએ કે મગજમાં લોહીનો જે પ્રવાહ વહે છે એને સંબંધિત શું મોટી તકલીફો આપણને નડી શકે છે. એ બાબતે વાત કરતાં ગ્લેનિગલ્સ હૉસ્પિટલના ન્યુરોલૉજીના રીજનલ ડિરેક્ટર ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘મગજની નળીમાં બ્લૉકેજ હોય અને એ બ્લૉકેજ લોહીના પ્રવાહને આગળ વધતાં અટકાવતું હોય ત્યારે વ્યક્તિને સ્ટ્રોક આવી શકે છે. આ સ્ટ્રોકને ઇસ્કેમિક સ્ટ્રોક કહે છે. ક્યારેક એવું પણ બને છે કે લોહીની નળી જાતે તૂટી કે ફાટી જાય. આ રીતે નળી ફાટી જવાથી મગજમાં વહેતો લોહીનો પ્રવાહ અસરગ્રસ્ત થાય છે અને વ્યક્તિને સ્ટ્રોક આવે છે. એ સ્ટ્રોકને હૅમરેજિક સ્ટ્રોક કહે છે. ઇસ્કેમિક સ્ટ્રોકમાં મહત્ત્વની એક વાત એ સમજવા જેવી છે કે સ્ટ્રોક આવ્યાના સાડાચાર કલાકની અંદર જ વ્યક્તિને હૉસ્પિટલમાં દાખલ કરવી જરૂરી છે. જેટલું જલદી આ વ્યક્તિને તમે હૉસ્પિટલ લઈ જઈ શકો એટલી તેની બચવાની શક્યતા વધે છે. હૅમરેજિક સ્ટ્રોકમાં આવી કોઈ સમયમર્યાદા નથી હોતી, પરંતુ જેવું સદ્ગુરુ સાથે થયું એમ તાત્કાલિક હૉસ્પિટલ ભાગવું તો જરૂરી જ છે. ઘણા કેસમાં અમુક મિનિટોમાં નક્કી કરવાનું હોય છે કે દરદીને સર્જરી માટે લઈ જવા પડશે. જો પાંચ મિનિટ જેટલો પણ સમય બરબાદ કર્યો તો પરિસ્થિતિ ઘાતક પુરવાર થઈ શકે છે.’
કારણ
સદ્ગુરુને જે તકલીફ થઈ હતી એ હૅમરેજ હતું. આમ તો હૅમરેજના પણ અઢળક પ્રકાર હોય છે પરંતુ તેમને જે હતું એનું નામ છે ઇન્ટ્રાસેરિબ્રલ હૅમરેજ. એની પાછળનાં કારણો જણાવતાં કોકિલાબેન હૉસ્પિટલનાં ન્યુરોલૉજિસ્ટ ડૉ. અનુ અગ્રવાલ કહે છે, ‘હૅમરેજ આમ તો મોટા ભાગે કોઈ જાતનો માર વાગે કે ઍક્સિડન્ટ થાય તો થનારી ઘટના છે. મગજ પર કોઈ પ્રહાર થાય ત્યારે હૅમરેજ થાય છે. આ સિવાય કોઈ પણ રીતે મગજની નસો પર એટલું પ્રેશર આવે કે એ ફાટી જાય તો હૅમરેજ થાય છે. આવું થવાનાં ઘણાં કારણોમાંનું એક મુખ્ય કારણ છે હાઈ બ્લડ-પ્રેશર કે હાઇપરટેન્શન. આ રોગ એક સાઇલન્ટ કિલર છે. ખાસ કરીને ભારતમાં લોકો હાઈ બ્લડ-પ્રેશર માટે જાગૃત નથી. ઘણી વખત તો લોકોના નિદાનમાં વર્ષો વીતી જાય છે. એક વખત નિદાન થઈ ગયું એ પછી પણ લોકો ગફલતમાં રહીને પ્રેશર ચેક કરતા નથી, ડૉક્ટર પાસે ફૉલો-અપ માટે જતા નથી. આ બધી વસ્તુઓને કારણે બ્લડ-પ્રેશર જ્યારે એકદમ જ વધી જાય ત્યારે તકલીફ આવે છે. બ્લડ-પ્રેશર જ્યારે ૨૦૦-૨૨૦ જેવું થઈ જાય છે ત્યારે હૅમરેજ થઈ શકે છે. આ એક એવો રોગ છે જેના પ્રત્યે લોકોએ જાગૃત થવાની અત્યંત જરૂર છે. તો હૅમરેજ જેવી જીવલેણ બીમારીથી બચી શકાય.’
લક્ષણોમાં અનિશ્ચિતતા
સદ્ગુરુને ૪ અઠવાડિયાંથી માથું દુખતું હતું એમ તમને પણ દુખશે જ એવું સમજવું નહીં. હૅમરેજ જેવી તકલીફ અચાનક જ આવતી હોય છે. એનાં ખાસ ચિહ્નો નથી હોતાં એમ સમજાવતાં ડૉ શિરીષ હસ્તક કહે છે, ‘માથું મોટા ભાગે ત્યારે દુખે છે જ્યારે હૅમરેજ થઈ જાય. એટલે કોઈ ચિહ્ન કે કોઈ દુખાવા પહેલેથી ખબર પડી જશે એમ વિચારીને એના પર નિર્ભર રહેવા જેવું નથી હોતું, પરંતુ જ્યારે તમને નૉર્મલ કરતાં ઘણો અલગ દુખાવો થાય તો તાત્કાલિક હૉસ્પિટલ ભાગવું જ પડે એ યાદ રાખો. તકલીફ એ છે કે હૅમરેજ મગજના કયા ભાગ પર થયું છે એ પ્રમાણે ચિહ્નો હોય. કોઈ હૅમરેજમાં તો માણસ સીધો કોમામાં જતો રહે તો કોઈ હૅમરેજમાં પૅરૅલિસિસ જેવાં લક્ષણો પણ આવી શકે. કોઈમાં તે બેભાન થઈ શકે છે.’
નિદાન માટે પરીક્ષણ જરૂરી
જો લક્ષણો દ્વારા ખબર પડે અથવા શંકા પણ જાય તો તાત્કાલિક નજીકની હૉસ્પિટલે પહોંચો જ્યાં ઇમેજિંગની સગવડ હોય, કારણ કે મગજનો મૅગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (MRI) કે કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT) સ્કૅન કરાવ્યા વગર ખબર નહીં પડી શકે કે વ્યક્તિને સ્ટ્રોક આવ્યો છે. આ વાત સમજાવતાં ડૉ. અનુ અગ્રવાલ કહે છે, ‘ઉપરથી જોઈને કે લક્ષણો થકી એ ક્યારેય સમજાઈ ન શકે કે કયા પ્રકારનો સ્ટ્રોક છે. જ્યારે રિપોર્ટ આવે ત્યારે ખબર પડે કે સ્ટ્રોક હૅમરેજિક છે કે ઇસ્કેમિક. એ મુજબ એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ માટે ન્યુરોલૉજિસ્ટને દેખાડવું જરૂરી છે. જો ઇસ્કેમિક સ્ટ્રોક હોય તો એને ક્લૉટ બર્સ્ટિંગ ડ્રગ આપવામાં આવે છે, જે ક્લૉટને તોડી નાખે છે અને નસને ખુલ્લી કરી નાખે છે. જો હૅમરેજિક સ્ટ્રોક હોય તો બ્રેઇનમાં સોજો ઘટે એની દવા આપવામાં આવે છે, બ્લડ-પ્રેશરને કન્ટ્રોલમાં રાખવાના પ્રયત્નો ચાલે છે અને જો ડૉક્ટરને લાગે તો અમુક કેસમાં સર્જરી કરવામાં આવે છે.‘
સર્જરી
હૅમરેજ થયું એવી ખબર પડે ત્યારે ઘણા કેસમાં સર્જરી કરવી આવશ્યક બને છે પરંતુ બ્રેઇન- સર્જરીના નામે જ વ્યક્તિઓ ગભરાઈ જાય છે. એ વિશે વાત કરતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘બ્રેઇનમાં સર્જરી કરીને લોહી જે જમા થયું છે એ ક્લૉટ હટાવવો જરૂરી બને ત્યારે રિસ્ક એ વાત પર નિર્ભર કરે છે કે ક્લૉટ છે ક્યાં? જો સપાટી પર જ હોય તો એને હટાવવો સરળ બને છે અને જો ખૂબ અંદરની તરફ હોય તો એને હટાવવો અઘરું બને છે. દરદીઓને એ ડર હોય છે કે એક વસ્તુ ઠીક કરતાં કોઈ બીજું ડૅમેજ થઈ ગયું તો શું કરીશું. પરંતુ હાલમાં મિનિમલ ઇન્વેસિવ સર્જરી જેવી તકનીક આપણી પાસે છે જેના થકી ડૅમેજને નિવારી શકાય છે. ખાસ કરીને અંદર તરફ પણ ક્લૉટ હોય તો એને દૂર કરવામાં એ ઘણી મદદરૂપ થાય છે.’
ઘાતક બની શકે છે
હૅમરેજ અત્યંત ઘાતક રોગ છે. જો ૧૦૦ વ્યક્તિઓને હૅમરેજ થાય તો એમાંથી ૪૦ જણ મૃત્યુ પામે છે. બાકી બચેલા લોકોમાં પણ માંડ ૧૦ ટકા લોકો પહેલાં જેટલા સ્વસ્થ રહી શકે છે. બાકી કોઈ ને કોઈને હંમેશાં માટેની ખોડ રહી જ જાય છે. આ ઘાતક રોગથી બચવા માટે સમયસર મોટી હૉસ્પિટલમાં પહોંચવું જરૂરી છે અને તમારા બ્લડ-પ્રેશરને કાબૂમાં રાખવું જરૂરી છે.
માથું મોટા ભાગે ત્યારે દુખે છે જ્યારે હૅમરેજ થઈ જાય. માથું દુખવા પહેલાંથી બીજું કોઈ લક્ષણ દેખાશે એ વાત પર નિર્ભર ન રહેવું. તકલીફ એ છે કે હૅમરેજ મગજના કયા ભાગ પર થયું છે એ પ્રમાણે ચિહ્નો હોય. કોઈ હૅમરેજમાં તો માણસ સીધો કોમામાં જતો રહે તો કોઈ હૅમરેજમાં પૅરૅલિસિસ જેવાં લક્ષણો પણ આવી શકે. કોઈમાં તે બેભાન થઈ શકે છે
ડૉ.તજ શિરીષ હસ્તક