Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક કરીઅર વુમન જ્યારે મા બને ત્યારે...

એક કરીઅર વુમન જ્યારે મા બને ત્યારે...

13 February, 2024 11:16 AM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ફાઇલો, બોર્ડ મીટિંગ્સ, એજન્ડા અને ટાર્ગેટ્સ સાથે ડીલ કરતી સ્ત્રીએ જ્યારે ફીડિંગ, ડાયપર્સ સાથે ડીલ કરવું પડે ત્યારે એ બદલાવ તેના માટે સહેલો તો નથી હોતો.

ભૂમિ ગણાત્રા દીકરી સાથે, દીપ્તિ ઉનડકટ દીકરી સાથે. સ્પેશ્યલ સ્ટોરી

ભૂમિ ગણાત્રા દીકરી સાથે, દીપ્તિ ઉનડકટ દીકરી સાથે.


ફાઇલો, બોર્ડ મીટિંગ્સ, એજન્ડા અને ટાર્ગેટ્સ સાથે ડીલ કરતી સ્ત્રીએ જ્યારે ફીડિંગ, ડાયપર્સ સાથે ડીલ કરવું પડે ત્યારે એ બદલાવ તેના માટે સહેલો તો નથી હોતો. મોટા ફલક પર કામ કરતી મહિલા જ્યારે મા બને છે ત્યારે તેની આખી દુનિયા એક બાળકમાં સમેટાઈ જતી હોય છે ત્યારે એ સીમિત દુનિયામાં ઍડ્જસ્ટ કરવું સહેલું તો નથી. ડિલિવરી પછી આવતા આ ધરખમ બદલાવ વિશે કરીએ આજે વાત

શાર્ક ટૅન્કનાં જજ અને જાણીતાં વુમન ઑન્ટ્રપ્રનર રાધિકા ગુપ્તા એક સફળ કરીઅર ધરાવે છે જેમણે થોડા સમય પહેલાં જ પુત્રને જન્મ આપ્યો હતો. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુંમાં તેમણે પોતાના મનની વાત કહેતાં જણાવ્યું હતું કે કામમાં રત છોકરી જ્યારે અચાનક મા બને છે ત્યારે એક વર્કિંગ વુમનમાંથી મધર બનવાનું જે ટ્રાન્ઝિશન કે બદલાવ છે એ ખૂબ અઘરો હોય છે. હું છેલ્લાં ૧૮-૨૦ વર્ષથી સતત ઑફિસમાં કામ કરનારી છોકરી જે બોર્ડ મીટિંગ, સ્ટ્રૅટેજી વિશે વિચારતી કે વાત કરતી હોય એ અચાનક હવે બ્રેસ્ટ-ફીડિંગ અને ડાયપર્સની વાત કરવા લાગે તો એ બદલાવ એના માટે  સરળ નથી, કારણ કે અચાનક એમ લાગવા માંડે છે કે મારું જીવન હવે ફક્ત આટલું સીમિત બનીને તો નહીં રહી જાય? આખો માઇન્ડસેટ બદલાઈ જાય છે. ફોકસ ચેન્જ કરવું પડે છે. તેમની વાત તો સાચી છે. ૨૪ કલાક કામ વિશે વિચારતી એક છોકરીનું ફલક આખી દુનિયા જેટલું વિસ્તૃત હોય છે ત્યારે અચાનક બાળક આવવાને લીધે તેની વિસ્તૃત દુનિયા આ નાનકડા જીવની અંદર સીમિત બની જતી હોય છે. આ વ્યાપ  જે અચાનકથી ઘટી જાય છે એ બદલાવ સ્ત્રી માટે કેટલો અઘરો છે અને એને કઈ રીતે નિભાવવો એ વિશે આજે વાત કરીએ. 

આઘાત તો લાગે જ 
પહેલાં એક સમય હતો કે સ્ત્રીનાં લગ્ન થાય ત્યારે તેનું જીવન પલટાઈ જતું, પરંતુ આજના મૉડર્ન યુગમાં જ્યાં છોકરીઓને પોતાના જીવનસાથીનો જ નહીં, તેના સાસરી પક્ષનો પણ પૂરો સપોર્ટ મળતો હોય છે ત્યારે મોટા ભાગે તે જેવું જીવન જીવતી હતી એવું જ જીવન તે લગ્ન પછી પણ જીવે છે. પરંતુ તેનું ખરું જીવન બદલે છે જ્યારે તે મા બને છે. ત્યારે તેનું જીવન ૩૬૦ ડિગ્રી બદલાઈ જતું હોય છે. સાડાચાર વર્ષની દીકરી નિષ્કાને જન્મ આપતાં પહેલાં અબેકસની ફ્રૅન્ચાઇઝી રન કરતી દીપ્તિ ઉનડકટ કહે છે, ‘સહજ રીતે એક અલગ જ વિશ્વમાં તમે જીવતાં હો એમાંથી એક બીજા વિશ્વમાં તમે પ્રવેશ કરો એ સહેલો છે જ નહીં. ત્યારે દરેક સ્ત્રીને આઘાત લાગે જ છે. ફક્ત વર્કિંગ મધર્સ માટે નહીં, હાઉસવાઇફ માટે પણ એટલો જ આઘાત લાગે છે, કારણ કે બાળક અને 
તેનું વિશ્વ સાવ જુદું હોય છે. છોકરી થોડી પણ ભણેલી હોય, કામ કરતી હોય, હરતી-ફરતી હોય તો તેની દુનિયા વિશાળ જ હોવાની. એક બિઝનેસ ચલાવવો પણ સહેલો નથી પરંતુ હું માનું છું કે બાળકને જન્મ આપવો તેને ઉછેરવું એ એક મોટી જવાબદારી છે.’ જીવનનું કેન્દ્રબિંદુ બદલાય ઘાટકોપરમાં રહેતી ૩૦ વર્ષની મેકઅપ આર્ટિસ્ટ ભૂમિ ગણાત્રાને હાલમાં પાંચ મહિનાની નાની દીકરી છે, જેનું નામ કલકી ગણાત્રા છે. પોતાની વાત કરતાં ભૂમિ કહે છે, ‘હું એક બ્રાઇડલ મેકઅપ આર્ટિસ્ટ છું અને સાથે છોકરીઓને ટ્રેઇન પણ કરું છું. કલકી જન્મી એ પછીનો ૧ મહિનો મારો ખૂબ અઘરો ગયો. મને સતત સ્ટ્રેસ અને ટેન્શન રહેતું. લાગ્યા કરતું કે હું સારી મા નથી. તમારા જીવનમાં ઘણુંબધું મહત્ત્વનું હોય. તમે ઘણુંબધુ કરતા હો પણ જેવું બાળક આવે એવું તમારે તમારું ૧૦૦૦ ટકાનું યોગદાન ફક્ત એક તેને આપવું પડે છે, જે સરળ નથી હોતું. દર બે કલાકે દૂધ પીવડાવવું, તેનું ધ્યાન રાખવું, તેના પ્રમાણે ખાવું, તેના પ્રમાણે સૂવું, એ જાગે એટલે જાગવું જ. એ સૂવે ત્યારે તમને ઊંઘ ન આવે તો પણ સૂવાની કોશિશ કરવી, તેના માટે બધું શીખવું આ બધું જ તમારા અઢળક પ્રયત્નો માગે છે. ખરેખર આ જે બદલાવ છે એ સહેલો નથી જ.’ 

આત્મવિશ્વાસ પાતાળે 
વિલે પાર્લેમાં રહેતી ૪૦ વર્ષની અવનિ પુજારાને ૮ વર્ષની દીકરી વિએરા અને પાંચ વર્ષનો દીકરો રુવીર છે. વિએરા આવી એ પહેલાં અવનિ એક ઍડ્વર્ટાઇઝિંગ એજન્સીમાં ખૂબ મોટી પોસ્ટ પર હતી. ત્યારે એ પોસ્ટ છોડી, પ્લાન કરીને એ માતૃત્વ સ્વીકારેલું. ગમે તેટલું પ્લાનિંગ હોય, માનસિક કે શારીરિક સજ્જતા હોય પણ તકલીફ તો પડે જ છે એ વાત કરતાં અવનિ કહે છે, ‘આજની દરેક માને આવે છે એ બધા જ નકારાત્મક વિચારો મને પણ ઘેરી વળતા. માતૃત્વ જેવી મોટી જવાબદારી સ્વીકારી મેં ખોટું તો નથી કર્યું? આ નિર્ણય સાચો કે ખોટો? શરૂઆતનું ૧ વર્ષ તો ખૂબ જ અઘરું ગયું. જ્યારે તમે કરીઅર વુમન હો તો તમે આત્મવિશ્વાસથી છલકાતાં હો. જેવાં તમે મા બનો આત્મવિશ્વાસ તમારો પાતાળે પહોંચી જાય છે. હું એ સમયે ઑફિસમાં ૧૩ દેશોના લોકોને હૅન્ડલ કરતી હતી. પરંતુ મારો અનુભવ એ હતો કે એ કામ સરળ હતું, આ એક બાળકને હૅન્ડલ કરવાનું કામ ખૂબ અઘરું હતું. આ સિવાય તમે જ્યારે તમારા બાળકમાં વ્યસ્ત હો ત્યારે આખી દુનિયા આગળ વધી રહી હોય અને તમે એક જગ્યાએ રોકાઈ ગયાં હો એવું સતત લાગ્યા કરે. દુનિયા ઍડ્વાન્સ અને તમે આઉટડેટેડ થઈ ગયાં હો એમ લાગે. આ બધું સહન કરવું, એમાંથી પસાર થવું એક મોટી સ્ટ્રગલ છે.’ 


માનસિક સજ્જતા
આ બદલાવમાંથી પસાર તો થવું જ રહ્યું પરંતુ જો તમને થોડીઘણી ખબર હોય તો ફરક પડે કે નહીં? એ વાતનો જવાબ આપતાં ભૂમિ ગણાત્રા કહે છે, ‘મારા ઘરમાં ઘણા લોકોની ડિલિવરી મેં જોઈ છે. ઘણાં બાળકો પછી મમ્મીની શું પરિસ્થિતિ થાય છે એ પણ મને સમજાયું છે. પણ આ આખી પ્રક્રિયા એવી છે કે તમને ખબર પણ હોય તો પણ એમાંથી પસાર થવું ઘણું અઘરું છે. એ તમે વિચારી ન શકો કે તમારી સાથે શું થવાનું છે અને જ્યારે એ થાય ત્યારે તમે ગમે તેટલાં મેન્ટલી પ્રિપેર થયાં હો, હેરાનગતિ તો રહેવાની જ છે. ફક્ત એક નિરાંત હોઈ શકે કે તમારા ઘરનાનો સપોર્ટ હોય. જો એ હોય તો કામ થોડું સરળ બને ખરું. કલકી સાડાત્રણ મહિનાની થઈ પછી મેં વિચાર્યું કે હવે મારે કામ શરૂ કરવું છે. મેં મારા ઘરના લોકોને કહ્યું તો તેઓ સમજી શક્યા. તેમના પૂરા સહયોગથી કલકી સાડાત્રણ વર્ષની થઈ એટલે મેં મારું કામ શરૂ કર્યું. શરૂઆતનો એક મહિનો અઘરો ગયો પણ ધીમે-ધીમે બધું ઘણું સરળ થયું છે.’ 

એક સત્ય છતાં ઘણી ઇમોશનલ વાત કરતાં દીપ્તિ ઉનડકટ કહે છે, ‘બાળઉછેરની જવાબદારીનું ભાન તમને આ બદલાવને સરળતાથી અપનાવવામાં મદદ કરે છે. આ બધામાંથી લડવા માટે એક જ શાસ્ત્ર છે, તમારા બાળક પ્રત્યેનો તમારો અખૂટ પ્રેમ. હું મારા બાળકનું મોઢું જોતી ત્યારે બધું ઠીક લાગતું. બધું યોગ્ય લાગવા માંડતું અને કોઈ પણ પ્રૉબ્લેમ પ્રૉબ્લેમ લાગતો જ નહીં.’

જવાબદારીથી ભાગતા નથી 


લોકો માને છે કે કરીઅર વુમનને મા બનવામાં પડતી તકલીફનો અર્થ એ છે કે એને આ જવાબદારીથી ભાગવું છે. પણ એને સ્પષ્ટ નકારતાં અવનિ પુજારા કહે છે, ‘એવું બિલકુલ નથી હોતું કે વર્કિંગ વુમનને મા બનવાની ખુશી નથી હોતી. અહીં વાત ખુશીની છે જ નહીં, વાત છે તેના બદલાયેલા જીવનની. એ બદલાવની. કોઈ પણ બદલાવ સારો હોય કે ખરાબ એ આવે ત્યારે તકલીફ તો પડે જ. આજે ભાગ્યે જ કોઈ સ્ત્રી પ્લાનિંગ વગર મા બનતી હોય છે. તેને જીવનમાં બધું જ જોઈએ છે. કરીઅર, પૈસો, મજા હોવા છતાં એ વિચારે છે કે મને બાળક જોઈએ છે; કારણ કે એ પરમ સુખ વિશે તે જાણે છે. કરીઅરની જેમ મા બનવાની કોઈ ટ્રેઇનિંગ આપતું નથી. એનો તો કોઈ કોર્સ પણ હોતો નથી. એ તો જાતે જ ટ્રાયલ અને એરર મેથડથી શીખવું પડે છે એટલે જ કદાચ એ વધુ અઘરું લાગતું હોય છે. એ બદલાવની ગંભીરતા એટલે જ વધુ છે.’

Whatsapp-channel Whatsapp-channel

13 February, 2024 11:16 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK