Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > અકેલે હૈં તો ક્યા ગમ હૈ!

અકેલે હૈં તો ક્યા ગમ હૈ!

28 February, 2024 10:41 AM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

એકલા રહેવું પણ એક કળા છે અને આજે મળીએ એવા વડીલોને જેમણે પોતાની એકલતાને પણ સુંદર રીતે કંડારી છે

એકલા રહેતા વડીલોની તસવીર

સ્પેશિયલ સ્ટોરી

એકલા રહેતા વડીલોની તસવીર


વૃદ્ધાવસ્થામાં એક સમય એવો આવે છે કે જીવનસાથીની વિદાય થઈ જાય કે બાળકો પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય ત્યારે વ્યક્તિ અચાનક એકલી થઈ જાય છે. સહજ રીતે ગભરાઈ જાય કે સમજ ન પડે કે એકલા કઈ રીતે રહેવું. આવા સમયે આ એકલતાને માથા પર પહાડની જેમ ઊંચકવી કે તાજ બનાવીને પહેરવી એ વ્યક્તિ પર નિર્ભર કરે છે. એકલા રહેવું પણ એક કળા છે અને આજે મળીએ એવા વડીલોને જેમણે પોતાની એકલતાને પણ સુંદર રીતે કંડારી છે. 


વૃદ્ધાવસ્થામાં જીવનમાં એક પડાવ એવો પણ આવે છે કે જીવનસાથીની વિદાય તમારી પહેલાં થઈ જાય છે અથવા તો બાળકો તેમનો માળો જુદા વૃક્ષ પર જઈને રચે છે ત્યારે મિડલ એજમાં ભર્યાભાદર્યા સંસાર વચ્ચે જીવતી વ્યક્તિ અચાનક એકલી થઈ જતી હોય છે. જે ક્યારેય એકલી રહી જ નથી એવી વ્યક્તિને સંજોગોવશાત એકલા રહેવું પડે ત્યારે પહેલાં તો એ ખૂબ ગભરાઈ જતી હોય છે. જે કામ કોઈ દિવસ કર્યાં નથી એ શીખવાં પડશે, ખુદની પૂરેપૂરી જવાબદારી ખુદે જ ઉઠાવવી પડશે, અચાનક કલરવ કરતું ઘર ભેંકાર બની જશે ત્યારે એ ભેંકારને શાંતિ ગણીને મનથી સ્વીકારવી પડશે. એકલા રહેવું પણ એક કળા છે. એના કલાકાર બનવાનું હોય છે. આજે મળીએ એવા કલાકારોને જેમણે આ કળા શીખી લીધી છે. જાણીએ તેમની પાસેથી કેટલીક ટિપ્સ અને સમજીએ કે એકલા રહેવું અઘરું છે પરંતુ એમાં પણ આનંદ શોધી શકાય છે, મજા કરી શકાય છે અને જીવનની વૃદ્ધાવસ્થાને પણ માણી શકાય છે. 



સમજદારીભર્યો સ્વીકાર 



૮૩ વર્ષનાં દિવ્યા કોઠારી છેલ્લાં સાડાનવ વર્ષથી એકલાં રહે છે. ૨૦૧૪માં તેમના પતિ મૃત્યુ પામ્યા. તેમની બે દીકરીઓ મુંબઈમાં જ સાસરે છે અને દીકરો પરદેશ છે. પરિસ્થિતિના સ્વીકાર વિશે અદ્ભુત વાત કરતાં દિવ્યાબહેન કહે છે, ‘દરેક વૃદ્ધે હકારાત્મક રીતે એ વાતનો સ્વીકાર કરી જ લેવો કે જીવનસાથી ક્યારેય સાથે મૃત્યુ પામવાના નથી. એક પહેલાં જતું રહેશે અને બીજાએ તેના વગર એકલા રહેવાનું જ છે. આ જે પરિસ્થિતિ છે એનો સ્વીકાર કરવો જ રહ્યો પરંતુ એ સ્વીકાર પરાણે નહીં, એ સ્વીકાર સમજણથી કરવાનો છે. હું અત્યારે જૈન તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરું છું, એની પરીક્ષાઓ આપું છું, લેખ લખું છું, કવિતાઓ પણ લખું છું. અલગ-અલગ સિનિયર સિટિઝન ગ્રુપ્સમાં જોડાયેલી છું. લોકોને મળું છું. મને ટેક્નૉલૉજી કેમ વાપરવી એ આવડે છે. તો બીજા સિનિયર સિટિઝનને શીખવું છે કે આ તો તમને આવડવું જ જોઈએ.’

ખુદની સંભાળ 
કોરોના પછી દિવ્યાબહેને એક છોકરીને પોતાની પાસે રાખી છે જે ૨૪ કલાક તેમની સાથે રહીને તેમનું ધ્યાન રાખે છે. પોતાની વાત કરતાં તેઓ કહે છે, ‘નાનપણમાં ૩૫ માણસોના સંયુક્ત કુટુંબમાં ઊછરી હતી ત્યારે એટલા લોકો આસપાસ હતા કે એમ થતું કે જંગલમાં ભાગીને એક ઝાડ નીચે શાંતિથી બેસી જાઉં. એ સમયની વાત કદાચ ભગવાને સાંભળી લીધી. પણ થોડીક વારની શાંતિની ઝંખના અને હંમેશાં માટે એકલા રહેવાની વાત બંને સરખી નથી. પરંતુ એ હકીકત છે કે જીવનમાં સામાજિક જવાબદારીઓ જ્યારે વધુ હતી ત્યારે એક માળા ફેરવવાનો પણ મારી પાસે સમય નહોતો. એવું કહી શકાય કે મારા હૃદયની અંદર એક તણખો હતો, જેનાથી હવે એકલા પડ્યા ત્યારે આત્મકલ્યાણના માર્ગે પુરુષાર્થ કરવાની પ્રેરણા મને મળી છે. એવું જરાય નથી કે એકલા હોઈએ ત્યારે દુઃખ ન થાય, ઇરિટેશન ન થાય કે એક પ્રકારની નિ:સહાય અવસ્થા ન આવે. પરંતુ એ આવે ત્યારે એટલી જાગૃત રહું છું કે એ અવસ્થાને હું હૅન્ડલ કરી શકું. એને ડિપ્રેશન સુધી પહોંચવા ન દઉં. એ શીખવું પણ ખૂબ જ જરૂરી છે કે તમે ખુદની સંભાળ કઈ રીતે રાખશો.’  


અપેક્ષા નથી એટલે નિરાશા નથી 


જુહુના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ ૫૯ વર્ષના શ્યામ કજરિયાએ લગ્ન નથી કર્યાં. તેમનાં મમ્મી ૨૦૧૪માં અને પપ્પા ૨૦૧૮માં ગુજરી ગયાં એ પછીથી તે ઘરમાં એકલા રહે છે. કોરોનામાં તેમણે જાતે રસોઈ શીખી લીધી અને દરરોજ પોતાને ભાવે એવી વાનગીઓ બનાવી મજેથી જીવે છે. પોતાના મિત્રોને પણ ઘરે બોલાવી પોતાના હાથની રસોઈ જમાડે છે. ઘરનું કોઈ કામ તેમને અઘરું નથી લાગતું. એકલા જીવનનો સૌથી મોટો ફાયદો જણાવતાં શ્યામભાઈ કહે છે, ‘મારી અંદર ભરપૂર સંતોષ છે. પૈસા જેટલા કમાવાના હતા કમાઈ લીધા. એકલા માટે વધુપડતું કમાવાની જરૂર નથી. હું અત્યારે સનાતન ધર્મનો અભ્યાસ કરું છું. દરરોજ સવારે શાખાએ જાઉં છું. મહત્ત્વનું એ છે કે સુખ બહાર શોધવા નથી જતો. અંદરથી સુખની પ્રાપ્તિ કરું છું. જો પરિવાર હોત કે લોકો હોત તો મને જે કરવું છે એ કામ હું સંપૂર્ણપણે સમર્પિત થઈને ન કરી શક્યો હોત. બાકી માર્શલ આર્ટ શીખ્યો છું એટલે સેફ્ટીની ચિંતા નથી. ૧૦ લાખનો મેડીક્લેમ લઈ લીધો છે. માંડો પડીશ ત્યારે કોઈ હૉસ્પિટલે પહોંચાડશે એટલી વ્યવસ્થા છે. બાકી એનાથી વધુ અપેક્ષા મને કોઈ પાસે નથી એટલે જ આ પડાવમાં હું સૌથી સુખી છું. મારી પાસે નિરાશાનું કોઈ કારણ જ નથી.’

કોઈ અસુરક્ષાનો ભાવ નથી 


રંગમંચ, ટીવી, નાટકો અને ફિલ્મોમાં કામ કરનાર ૭૭ વર્ષના પ્રમથેશ મહેતા છેલ્લાં ૧૪ વર્ષથી એકલા રહે છે. તેમનાં પત્નીનું કાર્ડિઍક અરેસ્ટથી અણધાર્યું મૃત્યુ થયું ત્યારે આ દુઃખથી ઊભરવું સહેલું તો નહોતું પરંતુ તેમનું અધ્યાત્મ બળ તેમને આ દુઃખમાંથી ઉપર લાવ્યું. શિસ્તબદ્ધ જીવનના આગ્રહી એવા પ્રમથેશભાઈએ પત્નીના ગયા પછી સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બનવાનું શીખ્યું. જાતે રસોઈથી લઈને ઘરનાં બધાં કામ તે જાતે કરી લે છે. એ વિશે વાત કરતાં પ્રમથેશભાઈ કહે છે, ‘દુઃખનો અવસર દા’ડા એ ફક્ત સાંભળ્યું હતું, જીવને અનુભવ પણ કરાવ્યો. મારું ફીલ્ડ એવું છે કે મને ઑડિશન કરીને મોકલવાનાં હોય છે. એ માટે શૂટ કરવું પડે ત્યારે પાડોશીઓની મદદ લઈ લઉં છું. એ વિચારેલું છે કે જીવનની છેલ્લી ક્ષણ સુધી અભિનય કરતો રહીશ. બાકી બીમાર પડીશ તો શું થશે કે એકદમ કશું થયું તો શું કરીશું એવી અસુરક્ષા મારા મનમાં નથી. મારી ઈશ્વર પર અપાર શ્રદ્ધા છે. જે કરે છે એ હજાર હાથવાળો જ કરે છે અને એનું સમાધાન પણ એ જ કરશે, આપણે દરેક કામમાં નિમિત્ત માત્ર જ હોઈએ છીએ. હું આ દૃઢપણે માનું છું અને સમાજમાં જે-જે જગ્યાએ મારે આ નિમિત્ત તરીકેની ભૂમિકા ભજવવાની છે એ પૂરી શ્રદ્ધાથી ભજવું છું.’ 

મજા શોધતા આવડવી જોઈએ 


૭૮ વર્ષનાં નીના બદાણી પતિના મૃત્યુ પછી છેલ્લાં ૧૦ વર્ષથી એકલાં રહે છે. તેમની ચાર દીકરીઓ છે જે મુંબઈમાં જ રહે છે. નીનાબહેન પતિના ગયા પછી દીકરીના ઘરે હતાં પરંતુ અંતે આપણું ઘર એ આપણું વિચારીને પાછાં ફર્યાં. જ્યારે પતિ બીમાર હતા ત્યારે આત્મનિર્ભર બનવા માટે બહારનાં બધાં કામ તેઓ જાતે શીખ્યાં. જ્યાં અટક્યાં ત્યાં દીકરીઓની મદદ લીધી પણ શીખવું જ છે અને હું જ કરીશ એ વાતે તેઓ મક્કમ હતાં. પોતાની વાત કરતાં નીનાબહેન કહે છે, ‘હું ૨૩ વર્ષ સંયુક્ત કુટુંબમાં રહેલી. આજે એકલી છું. એ મજા જુદી હતી, આજે મજા જુદી છે. મહત્ત્વનું એ છે કે તમને એ મજા શોધતાં આવડવી જોઈએ. એકલા રહેતા માણસને ખોટ ફક્ત માણસની જ હોય એટલે ઘરમાં કોઈ ન હોય તો પણ પાડોશી તમારો સધિયારો બની જાય. બિલ્ડિંગમાં મારા સારા મિત્રો બની ગયા છે. દરરોજ સાંજે સાડાછથી સાડાસાત અમે મળીએ, ગપાટા મારીએ અને મજા કરીએ. મસ્તી-મજાક અને હસવાનું તો ચાલુ જ હોય. બાકી સહેજ પણ માંદી પડું તો દીકરીઓ અને તેમનો પરિવાર ખડેપગે હોય. એટલે વાંધો નથી આવતો.’

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2024 10:41 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK