સમાજ હંમેશાં લોકોને સારી-બૂરી એમ બન્ને બાજુ દર્શાવે છે
પ્રતીકાત્મક તસવીર
શૅરબજારમાં સિલેક્ટિવ નામનો શબ્દ બહુ ડાહ્યો અને પ્રચલિત છે. આમ પણ સિલેક્ટિવ માત્ર શૅરબજારમાં નહીં, દરેક ક્ષેત્રે બનવામાં શાણપણ છે. જોકે, આપણે અહીં શૅરબજારની નહીં, સમાજની માનસિકતાની વાત કરીશું જેથી આપણા જીવનમાં ક્યાં-ક્યાં આપણે સિલેક્ટિવ બનવું એનો ખ્યાલ આવી શકે. ખાસ કરીને આજના પ્લેન્ટી (અતિરેક કે વધુપડતું)ના યુગમાં જ્યાં માગવા કરતાં વધુ પીરસાતું રહે છે, માહિતીઓના ઢગલા થતા રહે છે, પ્રૉબ્લેમ ઑફ પ્લેન્ટીની ચર્ચા થતી રહે છે ત્યારે સિલેક્ટિવનું મહત્ત્વ વિશેષ વધી જાય છે. એક સમયે ટીવીમાં અઠવાડિયામાં એક ફિલ્મ જોવા મળતી હતી એનો આનંદ યાદ કરો અને અત્યારે ૨૪ કલાક ફિલ્મોના ઢગલા હાજર છે.
માણસોની મોટા ભાગની ફરિયાદ કે મૂંઝવણ હાલ ચોક્કસ ક્ષેત્રોમાં ભરપૂર માત્રામાં મળતી સુવિધાની થતી રહી છે. આજે OTT મંચ અને ટીવી-ચૅનલ્સની ભરમાર એટલી વધી ગઈ છે કે શું જોવું અને શું ન જોવું એ સવાલ સમસ્યા બની ગયો છે. આ મંચ પર પ્રદર્શિત થતી ફિલ્મો-સિરીઝો વગેરેની ટીકા-બદનામી થાય છે, પરંતુ અહીં જ ઘણું સારું કન્ટેન્ટ પણ જોવા મળે છે જેના સુધી પહોંચવા માણસોએ સિલેક્ટિવ બનવું પડે.
ADVERTISEMENT
આ જ રીતે સોશ્યલ મીડિયા પર અનેક બાબતો ખોટી, ગેરમાર્ગે દોરનારી અને બૂરી છે તો સાથોસાથ આવાં માધ્યમો પર અનેક ઉપયોગી બાબતો પણ છે જેનો માણસો ખરા-સારા અર્થમાં લાભ લઈ શકે છે, પરંતુ એ માટે માણસોએ સિલેક્ટિવ બનવાનું શીખવું પડે. ફેસબુકના ફ્રેન્ડ્સ હોય કે જીવનની આસપાસના મિત્રો હોય, આપણે મિત્રો માટે પણ સિલેક્ટિવ બનવું જ પડે. બિઝનેસ હોય કે પૉલિટિકસ, ઈમાનદાર માણસો શોધવા સિલેક્ટિવ બનવું જ પડે. આપણે સિલેક્ટિવ નહીં બનીએ અને પછી ખરાબ બાબતોમાં અટવાઈને એની ટીકા કરતા રહીશું તો એમાં દોષ આપણો પણ ગણાય. માણસો પોતાના મનને, માનસિકતાને અને એની ચંચળતાને સંયમમાં નહીં રાખે તો એ પોતે જ પોતાને આડે પાટે ફંટાવી જશે. ક્ષેત્ર કે સબ્જેકટ કોઈ પણ હોય, સિલેક્ટિવ બનવામાં જ સાર છે.
સમાજ હંમેશાં લોકોને સારી-બૂરી એમ બન્ને બાજુ દર્શાવે છે; જે બૂરી જોશે તેને સમાજ બૂરો લાગશે, સારી જોશે તેને સારો લાગશે. એક માણસ ઘરની બારીમાંથી ડોકિયું કરી નીચે જુએ છે તો ભરપૂર કચરો અને ગંદકી દેખાય ત્યારે તે કહે છે, ‘ઓહ, દુનિયા કેવી ગંદી છે’ અને એ જ બારીમાંથી ઉપર આકાશ તરફ જુએ છે ત્યારે સુંદર-સ્વચ્છ આકાશ જોઈને એમ પણ બોલી ઊઠે છે, ‘વાઉ, વૉટ અ બ્યુટીફુલ વર્લ્ડ.’

