જમશેદજી તાતાની હયાતીમાં પૂરું નહીં થયેલું બીજું એક સપનું એવનના પોરિયા દોરાબજીએ પૂરું કીધું અને છેક આજ વેર મુંબઈમાં રહેતા મારા-તમારા જેવા લાખો લોકો એનો લાભ લે છે
ચલ મન મુંબઈનગરી
તાતા પાવર કંપનીનો પહેલો પ્લાન્ટ
જમશેદજી તાતાની હયાતીમાં પૂરું નહીં થયેલું બીજું એક સપનું એવનના પોરિયા દોરાબજીએ પૂરું કીધું અને છેક આજ વેર મુંબઈમાં રહેતા મારા-તમારા જેવા લાખો લોકો એનો લાભ લે છે – વરસના બારે મહિના અને દહાડાના ચોવીસે કલાક. એ સપનું તે કિયું?
એક વખત બનિયું એવું કે જમશેદજી જબલપુર તરફ સહેલગાહ કરવા ગયા. ત્યાં નર્મદા નદીનો ભેડા ઘાટનો ધોધ એવને જોયો. અને જમશેદજીના મનમાં વીજલીનો ઝબકારો થિયો : ધોધના આય પાનીમાં કેટલી બધી તાકાત છે! એનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિક પાવર કાંઈ પેદા નહીં થઈ સકે? તાબડતોબ પહોંચ્યા સરકારી દફતરે અને જોઈતી જમીન વેચાતી આપવા અરજ કીધી. પન એ ધોધની આસપાસની જમીન હુતી કોઈ સ્વામીજીની માલિકીની. સરકાર કહે કે તેઓ વેચે તો તમે ખરીદી લો. પણ સામિજી તો કહે કે મારી આ જમીન કબ્બી બી મી કિસીકો ભી દૂંગા નહીં. એ વખતે ‘દેશી’ લોકોના ધરમ-કરમની બાબતમાં બને ત્યાં સુધી અંગ્રેજ સરકાર માથું મારતી નહીં. એટલે એ વાત તો ત્યાં અટકી.
ADVERTISEMENT
જમશેદજીને જે વારે આય વિચાર આવીયો તે વારે આખ્ખી દુનિયામાં કેથે બી હાઇડ્રોલિક પાવર પેદા થતો હૂતો નહીં. એ વખતે જો જમશેદજી એ જગાએ પાવર પ્લાન્ટ નાખી સકિયા હોતે તો એ આખ્ખી દુનિયામાં એવો પહેલવહેલો પ્લાન્ટ બનીયો હુતે. જમશેદજીએ આય વિચાર કીધો એ પછી છ વરસે દુનિયાનો પહેલવહેલો હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ ૧૮૮૨માં અમેરિકાના વિસ્કૉન્સિન સ્ટેટમાં ચાલુ થિયો.
ઇજનેર ડેવિડ ગૉસ્લિંગ
થોરા વખત પછી જમશેદજીની નજર એ વખતના પોર્ટુગીઝ ગોવા અને બ્રિટિશ મુંબઈ વચ્ચે આવેલા દૂધસાગર ધોધ પર પરી. અહીં વીજલી પેદા કરવી અને એને તારનાં દોરડાં વરે મુંબઈ લઈ જઈ ત્યાંનાં નાનાં-મોટાં કારખાનાંને વેચવી એવું તેમની વેપારી બુદ્ધિને સૂઝ્યું. જમશેદજીએ ડેવિડ ગૉસ્લિંગ નામના એક જાણકારને રોક્યો. એવને એક કરતાં વધુ વાર દૂધસાગરની સફર કરી. પણ પછી જનાવિયું કે આ જગોએ પાવર પ્લાન્ટ નાખી સકાય એવું નથી. પન મુંબઈથી દૂધસાગર પૂના રસ્તે જતાં આવતાં ગૉસ્લિંગની નજર લોનાવાલા નજીકની એકુ જગા પર પરી. સહ્યાદ્રિના ઊંચા ઊંચા ડુંગરોની વચમાં પાવર પ્લાન્ટ નાખી સકાય એવું એવને જણાવ્યું. પણ એકુ મુશ્કેલી હુતી : અહીં પાની તો પુષ્કળ હુતું, પન એવો ધોધ હૂતો નહીં જેનાથી ટર્બાઇન ચલાવી સકાય. આય સમજીને જમશેદજી કહે : ‘આપરે અહીં એક મોત્તું પોંડ કહેતાં તલાવ બાંધી પાની ભેગું કરીએ અને પછી મોટ્ટા મોટ્ટા પાઇપ વરે એને નીચે છોરીએ તો એનાથી ટર્બાઇન ચાલે કે નહીં? ગૉસ્લિંગ કેહે કે ચાલવા તો જોઈએ, પન આજ વેર કોઈએ કેથ્થે બી આવું કામ કીધું નથી છે. જમશેદજીનો જવાબ : તો તો આપરે કરીએ જ.
જમશેદજીએ પહેલાં થોરા દોસ્તારોને વાત કરી. પછી બ્રિટીશ અને પોર્ટુગીઝ સરકારો સાથે વાટાઘાટ કરી. પણ બધ્ધેથી એક જ જવાબ: ‘આજ સુધીમાં કોઈએ આવું કીધું નથી એટલે...’ જમશેદજી પહોંચ્યા સીધા સેક્રેટરી ઑફ સ્ટેટ લૉર્ડ હેમિલ્ટન પાસે. એવનની વાત સમજિયા પછી સેક્રેટરી ઑફ સ્ટેટે બૉમ્બેના ગવર્નર લૉર્ડ નોર્થકોટને પૂછિયું. ગવર્નરે કહ્યું કે જમશેદજીએ ધારિયું હોસે તો કોઈ બી કામ પાર પડશે. એટલે સેક્રેટરી ઑફ સ્ટેટે બી લીલી ઝંડી બતલાવી. પણ એ પછી થોરા જ દહાડામાં ખોદાયજીએ બી જમશેદજીને લીલી ઝંડી બતાવી એટલે એવન વીજલી વેગે ખોદાયજી પાસે પૂગી ગિયા.જમશેદજી બેહસ્તનશીન થયા પછી થોરા દહારે બૉમ્બેના ગવર્નર બનિયા લૉર્ડ સિડનહૅમ. ગવર્નર બનિયા આગમચ તે ધંધે ઇજનેર હૂતો. એટલે જમશેદજીની દરખાસ્તમાં કેટલું બધું પાની છે તે તરત પામી ગયો. દોરાબજીને બી ચાનક ચરી તે વલવણ અને ખંડાલા ઉપરાંત બીજાં બે તલાવ બી બાંધવાનું નક્કી કીધું. પન આટલું મોટું કામ કંઈ એકલે હાથે થાય નહીં એટલે બીજા દેશોમાંથી પૈસા ઉછીના લીધા.
૧૮૫૪માં કાવસજી નાનાભાઈ દાવરે મુંબઈ
મુંબઈના ગવર્નર સિડનહૅમ
ના તાડદેવ વિસ્તારમાં પહેલવહેલી કૉટન મિલ શુરુ કીધી : ધ બૉમ્બે સ્પિનિંગ ઍન્ડ વીવિંગ કંપની. ૧૮૮૬ સુધીમાં તો મુંબઈમાં પચાસ જેટલી કૉટન મિલ્સ ધમધમતી થઈ ગઈ હુતી. પન એ બધી જ ચાલતી કોલસાથી. એ રીત એક તો પરે મોંઘી અને ચારે બાજુ પૉલ્યુશન ફેલાવે. દોરાબજીએ બધી મિલોના માલિકો સાથે વાત કીધી. કોલસાને બદલે વીજલી વાપરવાથી કેટલા અને કેવા કેવા ફાયદા થસે એ બતાવિયું. પન એવનની આ વાત ફક્ત બે જ શેઠના કાનમાંથી દિમાગ સુધી પહોંચી – સર ડેવિડ સાસૂન અને સર શાપુરજી ભરૂચા. બન્નેએ કીધું કે અમારી મુંબઈની મિલો માટે બધ્ધી ઇલેક્ટ્રિસિટી અમે તમારી વેરથી લઈશું. એ જ અરસામાં લૉર્ડ સિડનહૅમ શોલાપુર ગિયા હુતા. તેથ્થે એક મીટિંગમાં એવન બોલિયા કે તાતાની આય દરખાસ્ત દેશને માટે ઘન્ની જ ઉપયોગી છે એટલે દેસી લોકોએ બી એમાં પૈસા રોકવા જોઈએ. અને આપરે ગયે અઠવાડિયે જોયેલું એમ મુંબઈમાં લોકોએ વહેલી સવારથી લાઇન લગાડી, ને તાતા પાવર કંપનીના શેર ગરમાગરમ ભજિયાંની જેમ વેચાઈ ગિયા.
૧૯૧૧ના ફેબ્રુઆરી મહિનાની આઠમી તારીખ. મુંબઈના ગવર્નર નામદાર સર જ્યૉર્જ સિડનહૅમ અને લેડી સિડનહૅમ લોનાવલા પુગિયાં. મુંબઈના મોટ્ટા મોટ્ટા અમલદારો, વેપારીઓ, કારખાનાવાલાઓ, કંઈ કેટલાયે લોક તે વારે ત્યાં હાજર હુતા. એ બધ્ધાને મુંબઈથી લોનાવલા પુગાડવા માટે બોરી બંદર સ્ટેશનેથી લોનાવાલા સુધી GIP (આજની સેન્ટ્રલ) રેલવેએ બે ખાસ ટ્રેન દોરાવી આવી હુતી. પહેલી ટ્રેન સવારે સાડાનવ વાગ્યે અને બીજી સવાદસ વાગ્યે બોરી બંદરથી રવાના થઈ હુતી. બીજી ટ્રેનમાં નામદાર ગવર્નર અને લેડીસાહેબા હુતાં. બન્ને ટ્રેનમાં ખાસ રેસ્તોરાં કાર જોડવામાં આવી હુતી અને એમાંથી મહેમાનોને ચાય-કૉફી-નાસ્તો પિરસાતાં હુતાં. અઢી કલાકનું ટ્રાવેલ કરિયા પછી મહેમાનો લોનાવલા પુગિયા. જ્યાં ઉદ્ઘાટન થવાનું હુતું એ ડૅમની જગોએ તેમને લઈ જવા માટે લોનાવલા સ્ટેશને મોટરોની હાર ખડી હુતી. મહેમાનો લોનાવલા પુગિયા પછી બપોરનું ભોનું તાજ મહેલ હોટેલે બનાવીને પીરસીયું હુતું. અને એ વેલાએ એ જ હોટેલનું બૅન્ડ સંગીતના સુમધુર સૂરો રેલાવી રહ્યું હુતું.
લોનાવલામાં ઉદ્ઘાટન સમારંભ
ઉદ્ઘાટન કાર્યક્રમ માટે મોટ્ટો સુશોભિત શામિયાનો ઊભો કીધો હૂતો. લન્ચ પછી સમારંભ સુરુ થિયો. નામદાર અને લેડી ગવર્નરની સાથે મૈસોરના નામદાર મહારાજા અને લીમડીના નામદાર ઠાકોરસાહેબ બિરાજ્યા હુતા. ભાવનગરના નામદાર મહારાજાએ પોતાના દીવાન સર પ્રભાશંકર પટ્ટનીને મોકલિયા હુતા. બરોડાના મહારાજા નામદાર ગાયકવાડ બી આવવાના હુતા, પન છેલી ઘડીએ કૈંક અડચણ આવિયાથી પધારી શક્યા નહીં અને એ માટે દલગીરીનો તાર મોકલિયો હૂતો. સૌથી પેલ્લાં દોરાબજીએ ભાસન કીધું હુતું. માઇક્રોફોન કે લાઉડ સ્પીકર તો હુતાં નહીં, છતાં એવનનો અવાજ છેક છેલ્લી રૉ સુધી સંભલાયો હૂતો.
એ વેળાએ સર દોરાબજી તાતા અને બીજા માનવંતા મહેમાનો જે-જે બોલિયા હુતા એની વાત હવે પછી.